સંધ્યા થઈ છે. ભક્ત શ્રીયુત્ રામચંદ્ર દાને ઘરે ઠાકુર આવ્યા છે. અહીંથી દક્ષિણેશ્વર જવાના. 

રામનું દીવાનખાનું શોભાવીને ઠાકુર ભક્તો સાથે બેઠા છે. શ્રીયુત્ મહેન્દ્ર ગોસ્વામીની સાથે વાતો કરે છે. ગોસ્વામીનું મકાન એ જ લત્તામાં. ઠાકુર તેના પર સ્નેહ રાખતા. તેઓશ્રી રામને ઘેર આવે એટલે ગોસ્વામી આવીને દર વખતે ઠાકુરનાં દર્શન કરે.

શ્રીરામકૃષ્ણ – વૈષ્ણવો, શાક્તો એ બધાનું પહોંચવાનું સ્થાન એક જ; પણ માર્ગ જુદા. સાચા વૈષ્ણવો શક્તિની નિંદા કરે નહિ.

ગોસ્વામી (હસીને) – હર-પાર્વતી આપણાં બાપ-મા.

શ્રીરામકૃષ્ણ (હસીને) – Thank you (થેંક્યુ); ‘બાપ, મા.’

ગોસ્વામી – એ ઉપરાંત કોઈની નિંદા કરવી, ખાસ કરીને વૈષ્ણવની નિંદા કરવી એથી અપરાધ થાય, વૈષ્ણવાપરાધ. બધા અપરાધોની માફી મળે, પણ વૈષ્ણવાપરાધની માફી જ નહિ.

શ્રીરામકૃષ્ણ – અપરાધ સહુ કોઈનો થાય નહિ. ઈશ્વર-કોટિનો અપરાધ થાય નહિ, જેમ કે ચૈતન્યદેવ જેવા અવતારનો. 

છોકરું જો બાપનો હાથ પકડીને પાળ ઉપર થઈને ચાલે તો કદાચ ક્યારેક પડી જાય. પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે, તો એ છોકરું ક્યારેય પડે નહિ.

‘સાંભળો, મેં માની પાસે શુદ્ધ ભક્તિ માગી હતી. માને કહ્યું હતું કે ‘આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ; મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારી શુચિ (પવિત્રતા), આ લો તમારી અશુચિ (અપવિત્ર); મને શુદ્ધ ભક્તિ આપો. મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો.’

ગોસ્વામી – જી, હા.

શ્રીરામકૃષ્ણ – બધા પંથને નમસ્કાર કરવા. તો પણ એક છે નિષ્ઠા-ભક્તિ. સૌને પ્રણામ કરવા ભલે, પરંતુ એકની ઉપર પ્રાણ પાથરી દેવા જેવો પ્રેમ એનું નામ નિષ્ઠા.

‘રામ રૂપ સિવાય બીજું કોઈ રૂપ હનુમાનને ગમતું નહિ. 

ગોપીઓની એટલી નિષ્ઠા કે તેમણે દ્વારકાના પાઘડીવાળા શ્રીકૃષ્ણને જોવાની ઇચ્છા કરી નહિ!’

‘સ્ત્રી તેના દિયેર, જેઠ, સૌને પગ ધોવાનું પાણી, આસન વગેરે આપીને સેવા કરે. પણ પતિની સેવા જે પ્રમાણે કરે એ પ્રમાણે બીજા કોઈની કરે નહિ. પતિની સાથે સંબંધ જ જુદો.’

રાત્રે કંઈક મિષ્ટાન્ન વગેરે અર્પણ કરીને રામે ઠાકુરની સેવા કરી.

હવે ઠાકુર દક્ષિણેશ્વર જવા તૈયાર થયા. મણિની પાસેથી ઓઢવાની શાલ અને બનાતની કાનટોપી લઈને પહેરી. ઠાકુર ભક્તો સાથે ગાડીમાં બેસે છે. રામ વગેરે ભક્તો તેમને વિદાય આપે છે.

મણિ પણ ગાડીમાં બેઠા. એ પણ દક્ષિણેશ્વર પાછા જવાના.

Total Views: 465
ખંડ 18: અધ્યાય 7 :
ખંડ 18: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, રામ, કેદાર વગેરે ભક્તો સાથે - વેદાંતવાદી સાધુ સાથે બ્રહ્મજ્ઞાનની ચર્ચા