ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં બેઠેલા છે. આશરે રાતના આઠ વાગવાનો સમય. આજ પોષ સુદ પાંચમ, બુધવાર; બીજી જાન્યુઆરી ૧૮૮૪. ઓરડામાં રાખાલ અને મણિ છે. મણિનો આજે ઠાકુર પાસે રહ્યાનો એકવીસમો દિવસ.

ઠાકુરે મણિને તર્કવિચાર, વાદ કરવાની ના પાડી છે.

શ્રીરામકૃષ્ણ (રાખાલને) – બહુ તર્ક કરવો સારો નહિ. પહેલાં ઈશ્વર, ત્યાર પછી જગત. ઈશ્વરને પ્રાપ્ત કર્યે તેના જગતની બાબતોય જાણી શકાય.

 (મણિ અને રાખાલને) – ‘યદુ મલ્લિકની સાથે પરિચય કરીએ એટલે તેનાં કેટલાં મકાન, બગીચા, સરકારી કાગળ, એ બધું જાણી શકાય.

‘એટલે એક ઋષિએ વાલ્મીકિને ‘મરા’ ‘મરા’ જપ કરવાનું કહેલું.

‘એનો એક અર્થ છે : ‘મ’ એટલે ઈશ્વર, અને ‘રા’નો અર્થ જગત. પહેલાં ઈશ્વર ત્યાર પછી જગત.

(કૃષ્ણકિશોર સાથે ‘મરા’ મંત્રની વાત)

કૃષ્ણકિશોરે કહ્યું, ‘મરા’ ‘મરા’ એ શુદ્ધ મંત્ર. ઋષિએ આપ્યો છે માટે. ‘મ’ એટલે ઈશ્વર, અને ‘રા’ એટલે જગત.

‘એટલા માટે પહેલાં વાલ્મીકિની પેઠે બધું છોડીને નિર્જન સ્થળમાં એકલા  વ્યાકુળતાપૂર્વક રડી રડીને ઈશ્વરને પોકારવો જોઈએ. પ્રથમ જરૂર છે ઈશ્વર-દર્શનની. ત્યાર પછી વાદ, વિચાર, શાસ્ત્ર, જગત.

(ઠાકુરનું રસ્તામાં રડવું – ‘મા, વિચારબુદ્ધિ પર વજ્રાઘાત કરો’ – ૧૮૬૮)

શ્રીરામકૃષ્ણ (મણિને) – એટલા માટે તમને કહું છું કે હવે બહુ વાદ કરો મા. હું સરુની ઝાડી નીચેથી ઊઠીને આવતો હતો તમને એ વાત કહેવા. બહુ તર્ક કરવાથી છેવટે નુકસાન થાય, છેવટે હાજરાની જેવા થઈ જશો. હું રાતને વખતે એકલો રસ્તા ઉપર રોતો રોતો ફરતો અને બોલતો કે 

‘મા તર્ક-વિચાર પર વજ્રાઘાત હો! 

બોલો કે હવે તર્ક નહિ કરું?’

મણિ – જી, નહિ કરું.

‘શ્રીરામકૃષ્ણ – ભક્તિથી જ બધું પામી શકાય. જેઓને બ્રહ્મ-જ્ઞાનની ઇચ્છા હોય, તેઓ પણ જો ભક્તિ-માર્ગને પકડી રાખે તો બ્રહ્મ-જ્ઞાન પણ પામે.

‘ઈશ્વરની દયા થાય તો શું જ્ઞાનનો તોટો રહે? દેશમાં ગામડાંમાં અનાજ માપે ત્યારે ઢગલો જેવો ખલાસ થઈ રહેવા આવે કે તરત જ એક જણ પાછળથી ઢગલો ધકેલી દે. તેમ મા જ્ઞાનનો ઢગલો ધકેલી દે.

(પદ્મલોચનની ઠાકુર પ્રત્યેની ભક્તિ – પંચવટીમાં સાધનાકાળે પ્રાર્થના)

‘ઈશ્વર-પ્રાપ્તિ થયે પંડિતો ઘાસનાં તણખલાં જેવા લાગે. પદ્મલોચન બોલેલો કે ‘તમારી સાથે માછીમારને ઘેર સભામાં જવું તેમાં વળી શું થઈ ગયું? તમારી સાથે તો ખાટકીને ઘેર જઈનેય જમી શકું!’

‘ભક્તિ વડે જ બધું પામી શકાય. ઈશ્વર ઉપર પ્રેમ આવે તો બીજા કશાનોય અભાવ રહે નહિ. મા ભગવતી પાસે કાર્તિકેય અને ગણેશ બન્ને બેઠા હતા. ભગવતીના ગળામાં મણિ પરોવેલી એક રત્નમાળા હતી. ભગવતી બોલ્યાં ‘તમારા બેમાંથી જે પહેલાં બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી આવે તેને આ માળા મળે.’ 

કાર્તિકેય તો તરત જ ઊભા થઈને જરા પણ વિલંબ કર્યા વગર પોતાના મયૂર ઉપર બેસીને રવાના થઈ ગયા. આ બાજુ ગણેશે આસ્તેકથી ઊઠીને મા ભગવતીની પ્રદક્ષિણા કરીને પ્રણામ કર્યા! 

ગણેશ જાણતા કે માની અંદર જ આખું બ્રહ્માંડ. એટલે માએ પ્રસન્ન થઈને ગણેશના ગળામાં હાર પહેરાવી દીધો, કેટલીક વાર પછી કાર્તિકેય આવીને જુએ છે તો મોટાભાઈ હાર પહેરીને બેઠા છે!

 ‘મેં રડી રડીને માતાજીને કહ્યું હતું કે ‘મા વેદ-વેદાન્તમાં શું છે એ મને સમજાવી દો. પુરાણમાં, તંત્રોમાં શું છે એ મને સમજાવી દો.’ માએ એક પછી એક એ બધુંય મને સમજાવી દીધું છે.’

‘માએ મને બધું સમજાવી દીધું છે, કેટલુંય બધું દેખાડી દીધું!’

(સાધનાકાળે ઠાકુરને થયેલ દર્શન – શિવશક્તિ, નરમુંડનો સ્તૂપ, ગુરુ કર્ણધાર, સચ્ચિદાનંદ-સાગર)

‘એક દિ’ માએ દેખાડ્યું કે ચારે કોર શિવ અને શક્તિ, શિવ-શક્તિનું રમણ. માણસ, જીવ, જંતુ, તરુ, લતા એ સર્વ કાંઈની અંદર એ જ શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ! એનું રમણ!

‘બીજે એક દિવસે દેખાડ્યું કે નર-મુંડનો મોટો બધો ઢગલો, પર્વત જેવડો! બીજું કંઈ જ નહિ! એની વચ્ચે હું એકલો બેઠેલો!’

‘બીજે એક દિવસે દેખાડ્યું કે અફાટ મહાસમુદ્ર! હું મીઠાની પૂતળી થઈને એ મહાસાગરને માપવા જાઉં છું. માપવા જતાં ગુરુ-કૃપાથી હું પથ્થરનો થઈ ગયો! જોયું તો એક વહાણ ત્યાં છે; તરત તેમાં ચડી બેઠો! ગુરુ કર્ણધાર. (મણિને) સચ્ચિદાનંદ ગુરુને રોજ સવારે યાદ તો કરો છો ને?’

મણિ – જી હાં.

શ્રીરામકૃષ્ણ – ગુરુ કર્ણધાર. એ વખતે જોઉં છું તો હું એક  ને તમે એક. વળી છલાંગ મારીને સાગરમાં પડીને મત્સ્ય થયો. સચ્ચિદાનંદ-સાગરમાં આનંદે તરી રહ્યો છું એમ જોયું!

‘આ બધી અતિ ગુપ્ત વાતો. તર્ક, વિચાર કરીને શું સમજવાના હતા? ઈશ્વર જ્યારે દેખાડી દે ત્યારે બધું મળી શકે, કશાનો તોટો રહે નહિ.’

Total Views: 300
ખંડ 19: અધ્યાય 1 :
ખંડ 19: અધ્યાય 3 :