બીજે દિવસે શુક્રવાર ૪થી જાન્યુઆરી, ઈ.સ.૧૮૮૪. બપોર પછી ચારેક વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ પંચવટીમાં બેઠા છે. સહાસ્ય વદન. સાથે મણિ, હરિપદ વગેરે. હરિપદની સાથે આનંદ ચેટર્જીની વાત થઈ રહી છે, અને ઘોષપાડાનાં સાધન-ભજનની વાત.

ત્યાર પછી શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં આવીને બેઠા છે. મણિ, હરિપદ, રાખાલ વગેરે ભક્તોય ત્યાં રહે છે. મણિ બેલ-તળા નીચે ઘણો વખત ગાળે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – હવે વધુ તર્ક કરો મા. એથી છેવટે હાનિ થાય. ઈશ્વરને સંભારતી વખતે એકાદો ભાવ મનમાં ધારણ કરવો જોઈએ, સખી-ભાવ, દાસી-ભાવ, સંતાન-ભાવ અથવા વીર-ભાવ.

‘મારો સંતાન-ભાવ, એ ભાવ જોતાં માયાદેવી માર્ગ આપી દે શરમાઈને.’

વીરભાવ ઘણો કઠિન. શાક્ત, વૈષ્ણવ અને બાઉલ લોકોનો છે. એ જ ભાવમાં બરાબર રહેવું ઘણું કઠિન છે. એના પછી પણ છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુરભાવ. મધુરભાવમાં બધું થાય છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય.

(મણિને) – તમને કયો ગમે? 

મણિ – બધા ભાવ ગમે.

શ્રીરામકૃષ્ણ – બધા ભાવ સિદ્ધ અવસ્થામાં ગમે. એ અવસ્થામાં કામગંધ રહે જ નહિ. વૈષ્ણવશાસ્ત્રોમાં છે ચંડીદાસ અને રજકિની (ધોબણ)ની વાત, તેમનો પ્રેમ કામગંધ વિનાનો. 

એ અવસ્થામાં ભક્તમાં પ્રકૃતિ-ભાવ આવે. પોતે પુરુષ છે એવું જ્ઞાન રહે નહિ. રૂપ ગોસ્વામી, મીરાંબાઈ સ્ત્રી-જાતિ હતી એટલે તેની સાથે મુલાકાત કરવા માગતા ન હતા. 

મીરાંબાઈએ કહેવડાવ્યું કે ‘શ્રીકૃષ્ણ જ એકમાત્ર પુરુષ. વૃંદાવનમાં સૌ કોઈ એ પુરુષની દાસી; ગોસાંઈજીએ પુરુષપણાનું અભિમાન દર્શાવ્યું એ બરાબર ગણાય કે?’

(આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ-પુરુષ છે એક;

વ્રજમાં વસી હજી પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક!)

સંધ્યા પછી મણિ વળી પાછા શ્રીરામકૃષ્ણનાં ચરણો પાસે બેઠેલા છે. સમાચાર આવ્યા છે કે શ્રીયુત્ કેશવ સેનની માંદગી વધી ગઈ છે. એમની જ વાતના પ્રસંગમાં બ્રાહ્મ-સમાજની વાત થઈ રહી છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – હેં ભાઈ! એ લોકોને ત્યાં શું માત્ર એકલાં લેક્ચર દેવાનું જ? કે ધ્યાન પણ છે? એમ લાગે છે કે એ લોકો એને ઉપાસના કહે.

‘કેશવે પહેલાં ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી મત વિશે ખૂબ વિચાર કરેલો. એ વખતે અને તેની પહેલાં દેવેન્દ્ર ઠાકુરની પાસે એ હતા. 

મણિ – કેશવ બાબુ પ્રથમ જ જો અહીં આપની પાસે આવત, તો સમાજસુધારાને માટે તલપાપડ થાત નહિ. 

જાતિભેદ મટાડી દેવો, વિધવાવિવાહ, આંતર્જાતીય લગ્નો, સ્ત્રીઓનો ઉદ્ધાર વગેરે સામાજિક કાર્યાેમાં આટલા બધા મશગૂલ ન થાત.

શ્રીરામકૃષ્ણ – કેશવ હવે કાલીને માને છે, ચિન્મયી કાલીને, આદ્યશક્તિને અને મા મા કહીને માતાજીનાં નામ, ગુણ-સંકીર્તન કરે.

‘વારુ, બ્રાહ્મ-સમાજ અત્યારના જેવો શું પછીયે ટકી રહેશે?

મણિ – આ દેશની જમીન એવી નથી. જે સાચું હશે તે રહેશે.

શ્રીરામકૃષ્ણ – હા, સનાતનધર્મ, ઋષિઓ જે કહી ગયા છે, એ જ ટકી રહેશે. તોય આ બ્રાહ્મ-સમાજ પણ એક જાતના સંપ્રદાયના જેવો જરાક રહેશે. બધુંય ઈશ્વરની ઇચ્છાનુસાર થાય છે ને જાય છે.

બપોર પછી કોલકાતાથી કેટલાક ભક્તો આવ્યા હતા. તેમણે કેટલાંક ગીતો ઠાકુરને સંભળાવ્યાં હતાં. તેમાંનું એક ગીત છે, ‘મા, તમે અમને લાલ ચૂસણી મોઢામાં દઈને ભુલાવી રાખ્યા છે; અમે એ ચૂસણી ફેંકીને જ્યારે તમારે માટે રડીશું ત્યારે તમે અમારી પાસે જરૂર દોડી આવશો.’

શ્રીરામકૃષ્ણ (મણિને) – એ લોકોએ કેવું લાલ ચૂસણિયાનું ગીત ગાયું?

મણિ – જી. આપે કેશવ સેનને આ લાલ ચૂસણીની વાત કરી હતી.

શ્રીરામકૃષ્ણ – હા; અને ચિદાકાશની વાત. અને એ ઉપરાંતે બીજી કેટલીયે વાતો થતી અને આનંદ થતો, ગીત નૃત્ય થતાં.

Total Views: 292
ખંડ 19: અધ્યાય 2 : જ્ઞાનપથ અને વિચારપથ - ભક્તિ-યોગ અને બ્રહ્મ-જ્ઞાન
ખંડ 19: અધ્યાય 4 : સાધનાકાળે બિલ્વ-વૃક્ષ નીચે ધ્યાન - ૧૮૫૯-૬૧ - કામિનીકાંચનત્યાગ