(શ્રીરામકૃષ્ણનું જન્મભૂમિ ગમન – રઘુવીરની જમીનનું રજીસ્ટ્રેશન – ૧૮૭૮-૮૦)

ઠાકુરનું બપોરનું ભોજન થઈ ગયું છે. સમય બપોરના એકનો. શનિવાર, પાંચમી જાન્યુઆરી. મણિનો આજ પ્રભુની સાથે રહ્યાનો ત્રેવીસમો દિવસ.

મણિ જમ્યા પછી નોબતની ઓરડીમાં હતા. અચાનક તેમણે સાંભળ્યું કે કોઈએ જાણે કે તેમનું નામ લઈને ત્રણ ચાર વાર બોલાવ્યા. બહાર આવીને જોયું તો ઠાકુરના ઓરડાની ઉત્તર તરફની લાંબી ઓસરીમાંથી ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમને બોલાવી રહ્યા છે. મણિએ આવીને તેમને પ્રણામ કર્યા. દક્ષિણ તરફની ઓસરીમાં બેસીને ઠાકુર મણિની સાથે વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – ભાઈ, તમે લોકો કેવી રીતે ધ્યાન કરો? હું તો બીલીના ઝાડ નીચે ધ્યાન કરતી વખતે જુદી જુદી જાતનાં રૂપો સ્પષ્ટ જોતો. એક દિવસે જોયું તો મારી સામે રૂપિયા, શાલ, મીઠાઈનો થાળ તથા બે સુંદર રમણીઓ હાજર! મેં મારા મનને પૂછ્યું, ‘મન! તારે આ બધું જોઈએ છે?’ જોયું કે મીઠાઈઓ તો જાણે વિષ્ઠા! એ સુંદરીઓમાંથી એકના નાકમાં મોટી બધી નથ! તેમના શરીરની અંદર બહાર બધું જોઈ શકું છું, નાડી, જઠર, મળ, મૂત્ર, હાડકાં, માંસ, લોહી વગેરે બધું. મારા મને એમાંના કશાની જ ઇચ્છા કરી નહિ.

‘ઈશ્વરનાં ચરણ-કમલમાં જ મારું મન રહ્યું. જાણે કે ત્રાજવાનો ઉપરનો કાંટો અને નીચેનો કાંટો! મન એ નીચેનો કાંટો. પાછું કદાચ ઉપરના કાંટા (ઈશ્વર)થી વિમુખ થાય તો? સદાય એ બીક. તેમજ એક જણ વળી હાથમાં ત્રિશૂળ લઈને બધો વખત પાસે બેસી રહેતો અને બીક બતાવતો કે નીચેનો કાંટો (મન) ઉપરના કાંટા (ઈશ્વર)થી આઘો ખસતાં વેંત જ આ ત્રિશૂળ ભોંકી દઈશ.

‘પરંતુ કામિની-કાંચનનો ત્યાગ થયા વિના (ઈશ્વર-દર્શન) થાય નહિ. મેં ત્રણ વસ્તુનો ત્યાગ કર્યાે હતો, જર, જમીન અને જોરુ. (ભીક્ષુઃ સૌવર્ણાદીનાં નૈવ પરિગ્રહેત્, યસ્માત્ ભીક્ષુર્હિરણ્યં રસેન દૃષ્ટં ચ સ બ્રહ્મહા ભવેત્। યસ્માત્ ભીક્ષુર્હિરણ્યં રસેન સ્પૃષ્ટં ચેત્ પૌલકસો ભવેત્, યસ્માત્ ભીક્ષુર્હિરણ્યં રસેન ગ્રાહ્યં ચ સ આત્મહા ભવેત્। તસ્માત્ ભીક્ષુર્હિરણ્યં રસેન ન દૃષ્ટં ચ સ્પૃષ્ટં ચ ન ગ્રાહ્યમ્ ચ। – પરમહંસોપનિષદ; સંન્યાસી સુવર્ણ આદિ ક્યારેય ગ્રહણ ન કરે, જો સંન્યાસી લાલચપૂર્વક એ જુએ તો બ્રહ્મઘાતી બને છે, જો સંન્યાસી હિરણ્ય આદિને આસક્તિ સાથે સ્પર્શે તો તે અધઃપતન પામે છે, જો તે સુવર્ણ વગેરેને લોભવૃત્તિથી ગ્રહણ કરે તો આત્મઘાતી બને, એટલે જ સંન્યાસીએ સોના કે ધનમાં આસક્તિપૂર્વક દૃષ્ટિ કરવી ન જોઈએ, લાલચપૂર્વક જોવાં ન જોઈએ અને સ્વીકારવાં પણ ન જોઈએ.) ત્યાં દેશમાં (કામારપુકુરમાં) અમારા ઘરના કુળદેવતા રઘુવીરના નામની જમીન રજિસ્ટર કરવા ગયો હતો. મને તેમાં સહી કરવાનું કહ્યું. હું તેમાં સહી કરી શક્યો નહિ, કારણ કે ‘અમારી જમીન’ એવી ભાવના જ મને ન હતી. કેશવ સેનના ગુરુ તરીકે (મારું) ત્યાં ખૂબ સન્માન કરેલું. પાકી કેરીઓ લાવી આપી ભેટ તરીકે. પણ એ સાથે લઈ જવાઈ નહિ. સંન્યાસીએ સંચય કરવો ન જોઈએ, એટલા માટે.

‘ત્યાગ કર્યા વિના કેમ કરીને ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય? જો એક વસ્તુ ઉપર બીજી એક વસ્તુ રહેલી હોય, તો ઉપરની વસ્તુ હઠાવ્યા વિના નીચેની વસ્તુ કેમ કરીને મળે?

‘નિષ્કામ થઈને ઈશ્વરને સ્મરવો જોઈએ. તો પણ સકામ ભાવેય ભજન કરતાં કરતાં ક્રમે નિષ્કામ થવાય. ધ્રુવે રાજ્યને માટે તપ કર્યું હતું, પણ ભગવાનનેય પામ્યા હતા. તે બોલ્યા કે ‘જો કાચ વીણવા જતાં રત્ન જડી આવે તો મૂકી દેવું શું કરવા?’

(દયા, દાનાદિ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – ચૈતન્યદેવનું દાન)

‘સત્ત્વગુણ અંતરમાં આવે, ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય.’

‘સંસારી લોકોનાં દાન વગેરે કર્માે મોટે ભાગે સકામ જ હોય. એ સારું નહિ. પરંતુ નિષ્કામ કરાય તો સારું. પણ નિષ્કામ રીતે કામ કરવાં બહુ જ કઠણ.’

‘ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો ઈશ્વર પાસે શું એવું માગવાના કે ‘હે ભગવાન! કેટલાક કૂવા, તળાવ, રસ્તા, ડિસ્પેન્સરી, ઇસ્પિતાલ એ બધું થાય એવું વરદાન આપો? ઈશ્વરનો સાક્ષાત્કાર થયે એ બધી વાસનાઓ એક બાજુએ પડી રહે.’

‘ત્યારે પછી દયાનાં કામ, દાન વગેરે શું કરવાં નહિ?’

‘એમ નહિ. સામે દુઃખ, કષ્ટ નજરે ચડે તો જો પૈસા પાસે હોય તો આપવા જોઈએ. જ્ઞાની કહેશે કે ‘દે રે, દે રે, આમને કંઈક દે.’ નહિતર, ‘મારાથી શું થઈ શકે એમ છે? ઈશ્વર જ કરનાર છે, બીજા બધા અકર્તા છે’ એવું તેને લાગ્યા કરે.

‘મહાપુરુષો જીવોનાં દુઃખે દુઃખી થઈને તેમને ભગવાનનો માર્ગ દેખાડી દે. શંકરાચાર્યે લોકોને ઉપદેશ દેવા માટે વિદ્યાનો અહં રહેવા દીધો હતો.

‘અન્ન-દાન કરતાં જ્ઞાન-દાન, ભક્તિ-દાન વધારે મોટું, એટલા માટે શ્રી ચૈતન્યદેવે ચંડાળ સુધ્ધાંને ભક્તિ આપી હતી. દેહનાં સુખદુઃખ તો લાગેલાં જ છે. પણ આ સંસારમાં ઈશ્વર-પ્રાપ્તિરૂપી કેરી ખાવા આવ્યા છો તે કેરી ખાઈને જાઓ. જ્ઞાન, ભક્તિ મેળવવાં એ જ જરૂરનું છે. ઈશ્વર જ સાચી વસ્તુ, બીજું બધું ખોટું!!

(સ્વતંત્ર ઇચ્છા Free Will શું છે? – ઠાકુરનો સિદ્ધાંત )

‘ઈશ્વર બધું કરે છે. જો એમ કહો કે, તો તો પછી માણસો પાપ કરી શકે. પણ એમ નથી. જેને ખરેખરું જ્ઞાન થયું છે કે ‘ઈશ્વર જ બધું કરે છે, હું નથી કરતો’, તેનો પગ અવળો પડે જ નહિ.

‘અંગ્રેજી ભણેલાઓ જેને સ્વતંત્ર-ઇચ્છા Free Will કહે છે, એ સ્વતંત્ર-ઇચ્છાનું ભાન ઈશ્વર જ મૂકી રાખે છે.

‘જેઓએ ઈશ્વર-પ્રાપ્તિ કરી નથી, તેમની અંદર આ જો સ્વતંત્ર-ઇચ્છાનું ભાન ન મૂકત, તો પાપ વધત. પોતાની ભૂલથી પાપ કરીએ છીએ, એવું ભાન જો ઈશ્વર માણસમાં ન મૂકત, તો તો પાપની વૃદ્ધિ છે એથીયે વધી જાત.

‘જેમણે ઈશ્વરને પ્રાપ્ત કર્યાે છે, તેઓ બરાબર સમજે કે ‘સ્વતંત્ર ઇચ્છા કહેવા પૂરતી જ છે, ખરી રીતે તો ઈશ્વર જ યંત્ર ચલાવનાર, હું તો યંત્ર માત્ર; ઈશ્વર જ ડ્રાઈવર, હું તો માત્ર ગાડી.

Total Views: 305
ખંડ 19: અધ્યાય 3 :
ખંડ 19: અધ્યાય 5 : ગુરુદેવ શ્રીરામકૃષ્ણ - ભક્તજન માટે વિલાપ અને પ્રાર્થના