ચારેક વાગ્યા છે. પંચવટીના ઓરડામાં શ્રીયુત્ રાખાલ અને બીજાય એક બે ભક્તો મણિનું ગીત સાંભળી રહ્યા છે.

ઘરની બહાર, ઘડીકમાં સો વાર, ક્ષણે ક્ષણે, આવે ને જાય…

ગીત સાંભળીને રાખાલ ભાવ-મગ્ન થાય છે.

થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ પંચવટીમાં આવ્યા છે. તેમની સાથે બાબુરામ, હરીશ; પછીથી રાખાલ અને મણિ.

રાખાલ- એમણે આજે સરસ ભજન-ગીત ગાઈને આનંદ કરાવેલો.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવ-મગ્ન થઈને ગીત ગાય છે.

‘બચી ગઈ સખી, સુણી કૃષ્ણ નામ…’ (સારી વાત કડવી હોય તેય સારી)

વળી (મણિને) તે કહે છે કે : ‘આ બધાં ગીત ગાવાં જોઈએ. બધી સખીઓ મળીને બેઠી છે. (હમણાં તો રાધા સારાં હતાં.) (હવે એમની દશા આવી થઈ ગઈ છે.) જાણે આનંદનું બજાર ભાંગ્યું!

‘વાત એ જ. બીજું શું? કે ભક્તિ, ભક્તો લઈને રહેવું!’

(શ્રી રાધા અને યશોદાસંવાદ – ઠાકુરના ‘પોતાના માણસો’)

‘કૃષ્ણ મથુરા ગયા પછી યશોદા શ્રીમતી રાધાની પાસે આવ્યાં હતાં. રાધાજી ધ્યાન-મગ્ન હતાં. થોડીવારે રાધાજી બોલ્યાં, ‘હું આદ્યશક્તિ છું, તમે મારી પાસેથી કંઈક વરદાન માગો.’ યશોદાજી બોલ્યાં, ‘વરદાન બીજું શું માગવું! છતાંય એટલું કરી આપો કે મન, વચન, કાયાથી કૃષ્ણની જ સેવા કરી શકું, આ આંખોથી તેનાં ભક્ત-જનોનાં દર્શન થાય; આ મનમાં કૃષ્ણનું જ ધ્યાન-ચિંતન થાય, અને વાણીથી કૃષ્ણનું નામ-ગુણગાન થાય.

‘પરંતુ જેમની અંદર ખૂબ પાકો ઈશ્વરાનુરાગ જાગી ગયો હોય, તેમને ભક્તોનો સંગ ન હોય તોય ચાલે. ક્યારેક ક્યારેક ભક્તોય ગમે નહિ. ઓળીપોની ઉપર ચૂનાનું કામ કરો તો ફાટી જાય એમ, જેમને અંદર બહાર ઈશ્વરમય થયેલ છે, તેમની એવી અવસ્થા થાય.

ઠાકુર સરુની ઝાડી નીચેથી પાછા આવીને પંચવટી નીચે મણિને વળી કહે છે : ‘તમારો સ્ત્રીઓ જેવો સૂર છે, તમે આ પ્રકારનાં ગીતો ગાવાની ટેવ પાડી શકો? જેવાં કે ‘સખી એ વન કેટલું દૂર, જે વનમાં મારા શ્યામસુંદર!’ 

(બાબુરામને જોઈને મણિને) – ‘જુઓ, જેઓ પોતાના હતા તેઓ પર થયા. આમ જુઓ ને, રામલાલ અને બીજા બધા જાણે પારકા. જે પારકા હતા તે થયા પોતાના. જુઓને આ બાબુરામને કહું છું કે ‘શૌચ જઈ આવ, મોઢું ધોઈ લે!’ વગેરે. હવે ભક્તો  જ સગાં. 

મણિ – જી, હાં.

(ઉન્માદ પહેલાં પંચવટીમાં સાધના – ૧૮૫૭-૫૮, 

ચિત્શક્તિ અને ચિદાત્મા)

શ્રીરામકૃષ્ણ (પંચવટી જોઈને) – આ પંચવટીમાં બેસતો (સાધના કરવા). ત્યાર પછી અમુક સમયે ઉન્માદ આવ્યો. એય ગયો! કાળ જ બ્રહ્મ. કાળની સાથે જે રમણ કરે તે કાલી, આદ્યશક્તિ. અચલને ચળાવી દે. એમ કહીને ઠાકુર ગીત ગાવા લાગ્યા, – 

‘ભાવ શો, એ વિચારી વિચારીને પ્રાણ ગયો,

જેના નામે હરે કાલ, પદે મહાકાલ,

તેનો કાળો રંગ શાને થયો!’

‘આજે શનિવાર, મા કાળીના મંદિરમાં જજો. 

બકુલ-તળાની નજીક આવીને ઠાકુર મણિને કહે છે, ‘ચિદાત્મા અને ચિત્શક્તિ. ચિદાત્મા પુરુષ, ચિત્શક્તિ પ્રકૃતિ; ચિદાત્મા શ્રીકૃષ્ણ, ચિત્શક્તિ શ્રી રાધા. ભક્તો આ ચિત્શક્તિનાં એક એક રૂપ.’

‘બીજા ભક્તો સખી-ભાવ યા દાસ-ભાવે રહે. એ છે મૂળ વાત.’

સંધ્યાકાળ પછી ઠાકુર કાલી-મંદિરમાં ગયા છે. મણિ ત્યાં મા જગદંબાનું ચિંતન કરી રહ્યા છે. એ જોઈને ઠાકુર રાજી થયા છે.

(ભક્ત માટે જગન્માતા પાસે વિલાપ – ભક્ત લોકોને આશીર્વાદ)

બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે.

ઠાકુર સમાધિ-મગ્ન થયા છે.

થોડી વાર પછી સમાધિ ઊતરતી આવે છે. હજી સુધી ઈશ્વરીય ભાવની પૂર્ણ માત્રા રહી છે. ઠાકુર માતાજીની સાથે વાતો કરે છે, નાનું છોકરું જેમ માની પાસે હઠ કરીને વાતો કરે તેમ. કરુણ સ્વરે ઠાકુર માતાજીને કહે છે, ‘હેં મા, શું કામ તેં એ રૂપ બતાવ્યું નહિ, પેલું ભુવનમોહન રૂપ! આટલું આટલું કરીને તને કહ્યું તોય! તને કહ્યું તો તું કાંઈ ગણકારવાની નથી! તું ઇચ્છામયી!’ એવો સૂર કાઢીને આ બધા શબ્દો ઠાકુર બોલ્યા, તે સાંભળીને પથ્થર પીગળી જાય!

ઠાકુર વળી માની સાથે વાતો કરે છે :

‘મા શ્રદ્ધા માગું છું. જવા દે સાલો તર્ક! ‘સાત તોલા વિચાર એક તોલો શ્રદ્ધા’ શ્રદ્ધા જોઈએ, (ગુરુ-વાક્યમાં શ્રદ્ધા), બાળકના જેવી શ્રદ્ધા! માએ કહ્યું છે કે ત્યાં ભૂત છે, તો બાળકે બરાબર પકડી રાખેલ છે કે ત્યાં ભૂત છે જ. માએ કહ્યું છે કે ત્યાં હાઉ છે! તો બાળક બરાબર માને કે ત્યાં હાઉ છે! માએ કહ્યું છે કે એ તારા મામા થાય! તો બાળકે બરાબર પકડી લીધું છે કે એ સવા રૂપિયો ને સવા પાંચ આના મામો થાય! એવી શ્રદ્ધા જોઈએ.

‘પરંતુ મા! એમનોય બીચારાઓનો વાંક શો! તેઓય શું કરે! તર્ક વિચાર એક વાર તો કરી લેવો જોઈએ ને! જોને, આ તે દિ’ આટલું બધું કહ્યું, તોય કાંઈ થયું નહિ, આજ કેમ એકદમ…

ઠાકુર માની પાસે કરુણ ગદ્ગદ સ્વરે રડતાં રડતાં પ્રાર્થના કરે છે. શી નવાઈ! ભક્તોને માટે માની પાસે ઠાકુર રડે છે કે ‘મા, જે જે તમારી પાસે આવે છે, તેમની મનોવાંછના પૂર્ણ કરો! બધું ત્યાગ કરાવો મા, મા! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો!’

‘મા, જો સંસારમાં રાખવો હોય તો વચ્ચે એક-એક વાર દર્શન આપજે. નહિતર કેમ કરીને રહીશ! મા, એક-એક વાર દર્શન ન આપ તો ઉત્સાહ કેમ કરીને રહે! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો!’

ઠાકુર હજીયે ભાવ-મગ્ન. એ અવસ્થામાં અચાનક મણિને કહે છે, ‘જુઓ, તમે જે તર્ક-વિચાર કર્યાે છે, તે ઘણોય થયો છે! હવે કરો મા. કહો કે ‘હવે નહિ કરું!’

મણિ (હાથ જોડીને) – ‘જી, નહિ કરું.’

શ્રીરામકૃષ્ણ – ઘણોય (તર્ક-વિચાર) થયો છે. તમે પહેલવહેલાં આવતાંની સાથે જ તો તમને મેં કહી આપ્યું’તું તમારું ઘર (આધ્યાત્મિક વલણ). હું તો બધું જાણું ને?’

મણિ (હાથ જોડીને) – જી, હા.

શ્રીરામકૃષ્ણ – તમારું ‘ઘર’, તમે કોણ, તમારું અંદર-બહાર, તમારી પૂર્વજન્મની બધી વાતો, હવે પછીના જન્મમાં તમારું શું થશે, એ બધું તો હું જાણું છું!

મણિ (હાથ જોડીને) – જી હા.

શ્રીરામકૃષ્ણ – તમને સંતાન થયું છે એ સાંભળીને હું વઢ્યો’તો! હવે ઘેર જઈને રહો, ને બધાંને એવું જણાવો કે જાણે તમે તેમના પોતાના જ. પણ અંદરથી જાણજો કે તમેય તેમના પોતાના નથી, તેમ તેઓય તમારા પોતાનાં નથી.’

મણિ ચૂપ થઈને બેઠા છે. ઠાકુર વળી પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – અને બાપની સાથે મેળ કરી લો- હવે ઊડતાં શીખીને- તમે તમારા બાપને સાષ્ટાંગ પ્રણામ કરી શકશો કે નહિ?

મણિ (હાથ જોડીને) – જી, હાં.

શ્રીરામકૃષ્ણ – તમને વધુ શું કહેવું, તમે તો બધું જાણો છો. બધું સમજો છો.

(મણિ ચૂપ બેસી રહ્યા છે.)

ઠાકુર – બધું સમજો છો ને?

મણિ – જી. જરા જરા સમજું છું.

શ્રીરામકૃષ્ણ – ઘણુંય સમજો છો. રાખાલ જે અહીં રહ્યો છે, તે તેનો બાપ રાજી છે, એટલે.

મણિ હાથ જોડીને મૂંગા બેસી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – તમે મનમાં જે વિચાર કરી રહ્યા છો, તેય થઈ જશે.

(ભક્તસંગે કીર્તનાનંદે – મા અને જનની – નરલીલા શા માટે?)

ઠાકુર હવે સ્વસ્થ થયા છે. ઓરડામાં રાખાલ, રામલાલ છે. રામલાલને ગીત ગાવાનું કહે છે. રામલાલ ગીત ગાય છે : 

ગીત : ‘દેખ ને સમર પ્રકાશે આ, કોની કામિની?’

ગીત : કોણ રણે નાચે છે વામા નિરદ વરણી,

શોણિત સરે, જેમ સોહે છે નવનલિની. વગેરે.

શ્રીરામકૃષ્ણ – મા અને જનની. જે જગતરૂપે રહેલ છે સર્વવ્યાપી થઈને, તે જ મા. જનની કહેતાં જે જન્મ-સ્થાનરૂપે છે તે. હું ‘મા’ કહેતાં કહેતાં સમાધિ-મગ્ન થઈ જતો! ‘મા’ કહેતાં કહેતાં જાણે કે જગતનાં ઈશ્વરીને તાણી લાવતો! જેમ માછીમારો જાળ નાખી, ત્યાર પછી ઘણી વારે ખેંચવા લાગે તેમ. તેમાં મોટાં મોટાં માછલાં સપડાયેલાં હોય.

(ગૌરી પંડિત સાથે વાર્તાલાપ – કાલી અને શ્રીગૌરાંગ એક જ છે)

‘ગૌરી કહેતો કે કાલી અને ગૌરાંગ એક, એવું જ્ઞાન થયે યથાર્થ જ્ઞાન થયું ગણાય. જે બ્રહ્મ તે જ શક્તિ (કાલી). એ જ નરરૂપે શ્રીગૌરાંગ.’

ઠાકુર શું સૂચન કરી રહ્યા છે કે જે આદ્યશક્તિ છે, તે જ નરરૂપે શ્રીરામકૃષ્ણ થઈને આવેલ છે? શ્રીયુત્ રામલાલ ઠાકુરના આદેશથી વળી ગાવા લાગે છે. આ વખતે શ્રીગૌરાંગ-લીલા ગાય છે.

ગીત : શું જોયું રે કેશવ ભારતીની કુટિરમાં,

અપરૂપ જ્યોતિ, શ્રી ગૌરાંગ મૂરતિ; બે નયને વહે પ્રેમ શતધારે…

ગીત : ગૌર પ્રેમતરંગ લાગ્યો છે અંગે..

શ્રીરામકૃષ્ણ (મણિને) – જેનું નિત્ય તેની જ લીલા. ભક્તોને માટે લીલા. એ નિત્યને નરરૂપે દેખી શકે ત્યારે પછી જ ભક્તો તેને ચાહી શકે, ત્યારે જ ભાઈ, બહેન, બાપ, મા અથવા સંતાનની સમાન સ્નેહ કરી શકે.

‘એ નિત્ય પરમાત્મા ભક્તોના પ્રેમને માટે નાનકડા થઈને લીલા કરવા આવે.’

Total Views: 276
ખંડ 19: અધ્યાય 4 : સાધનાકાળે બિલ્વ-વૃક્ષ નીચે ધ્યાન - ૧૮૫૯-૬૧ - કામિનીકાંચનત્યાગ
ખંડ 19: અધ્યાય 6 : દક્ષિણેશ્વરના મંદિરમાં રાખાલ, માસ્ટર, મહિમા વગેરે ભક્તો સાથે