(શ્રીરામકૃષ્ણના હાથમાં ઈજા – સમાધિ અને જગન્માતા સાથે વાર્તાલાપ)

ઠાકુર દક્ષિણેશ્વર-મંદિરે પોતાના એ જ ઓરડામાં બિરાજે છે. સમય ત્રણ વાગ્યાનો. આજ શનિવાર, (૨૦ માઘ ૧૨૯૦, બંગાબ્દ) માઘ સુદ છઠ; ઈ.સ. ૧૮૮૪ના ફેબ્રુઆરીની બીજી તારીખ.

એક દિવસે ઠાકુર ભાવ-મગ્ન અવસ્થામાં સરુની ઝાડી તરફ જઈ રહ્યા હતા. સાથે કોઈ (સેવક) ન હતો. ત્યાં રેલના પાટા પાસે તેઓ પડી ગયા. એથી તેમના ડાબા હાથનું હાડકું ખસી ગયું અને ખૂબ ચોટ લાગેલી. માસ્ટર કોલકાતા જઈને ભક્તોની પાસેથી પાટિયાં, રૂ તથા પાટો લાવ્યા છે.

શ્રીયુત્ રાખાલ, મહિમાચરણ, હાજરા વગેરે ભક્તો ઓરડામાં છે. માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને ઠાકુરને ચરણે પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ – કેમ ભાઈ! તમને શું મંદવાડ હતો? હવે તો મટ્યો છે ને?

માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – હેં ભાઈ, મારો તો ‘હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર’ (એવો ભાવ), છતાં એમ કેમ થયું? (આ હાથ કેમ ભાંગ્યો?)

ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. મહિમાચરણ પોતાની તીર્થયાત્રાની વાતો કરે છે. ઠાકુર સાંભળ્યા કરે છે. બાર વરસ પહેલાંની તીર્થયાત્રા.

મહિમાચરણ – કાશીના સિકરોલના એક બગીચામાં અમે એક બ્રહ્મચારીને જોયો. તેણે કહ્યું કે આ બગીચામાં વીસ વરસથી રહું છું, પણ કોનો બગીચો છે એ ખબર નથી. મને પૂછ્યું કે ‘બાબુજી, નોકરી કરો છો?’ મેં કહ્યું કે ‘ના.’ એટલે કહે કે, ‘ક્યા પરિવ્રાજક હો? (શું પરિવ્રાજક છો?)’

‘નર્મદા કાંઠે એક સાધુને જોયો. મનમાં ગાયત્રીનો જપ કરી રહ્યો છે. આ બાજુ તેને શરીરે રોમાંચ થાય છે. વળી ૐકાર અને ગાયત્રીનો ઉચ્ચાર એવી રીતે કરે કે જેઓ આજુબાજુમાં બેઠા હોય તેઓનેય રોમાંચ થાય!’

ઠાકુરનો બાળક જેવો સ્વભાવ. તેમને ભૂખ લાગી છે; એટલે માસ્ટરને કહે છે, ‘કેમ, શું લાવ્યા છો?’

રાખાલને જોઈને ઠાકુર સમાધિ-મગ્ન થયા.

સમાધિ ઊતરતી આવે છે. સ્વસ્થ થવા સારુ ઠાકુર બોલી રહ્યા છે, ‘મારે જલેબી ખાવી છે, મારે પાણી પીવું છે.’

ઠાકુરનો બાળક-સ્વભાવ, રોતાં રોતાં જગન્માતાને કહે છે, ‘બ્રહ્મમયી! મને આવું શું કામ કર્યું? મારા હાથે બહુ દુઃખે છે!’ (રાખાલ, મહિમા, હાજરા વગેરેને)- ‘મારું આ મટશે?’ ભક્તો નાના છોકરાને જેમ સમજાવે તેમ કહે છે, ‘જરૂર મટી જશે, એમાં શું!’

શ્રીરામકૃષ્ણ (રાખાલને) – જો કે મને સંભાળવાને માટે તું છો, છતાં આમાં તારો વાંક નથી, કારણ કે તું હોત તોય રેલના પાટા સુધી તો તું આવત નહિ ને?

(શ્રીરામકૃષ્ણનો સંતાનભાવ – બ્રહ્મજ્ઞાનને મારા શતકોટિ પ્રણામ)

ઠાકુર વળી ભાવ-મગ્ન થયા. ભાવ-મગ્ન અવસ્થામાં બોલી રહ્યા છે ‘ૐ, ૐ, ૐ, મા, શું  હું બોલું છું! મને બ્રહ્મ-જ્ઞાન આપીને બેહોશ (સમાધિમાં લીન) કરો મા. મા, મને બ્રહ્મ-જ્ઞાન આપો મા. હું તો છોકરું, બીકણ, મારે તો મા જોઈએ, બ્રહ્મ-જ્ઞાનને મારા કરોડો નમસ્કાર. એ જેમને આપવું હોય, તેમને આપો. આનંદમયી! આનંદમયી!’

ઠાકુર ઊંચે અવાજે ‘આનંદમયી! આનંદમયી!’ બોલતાં બોલતાં રડી રહ્યા છે અને કહે છે : ‘હું તો એ દુઃખે દુઃખ કરું શ્યામા, 

તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી….’

ઠાકુર વળી માને કહે છે ‘મેં શું ખોટું કર્યું છે, મા? શું હું કાંઈ કરું છું, મા? તું જ તો બધું કરે છે, હું યંત્ર, તું યંત્ર ચલાવનાર. (રાખાલને, હસતાં હસતાં) જો જે અલ્યા, તુંય પડતો નહિ. માન ખાવા જતાં ખોઈ બેસતો નહીં!’

ઠાકુર માને વળી પાછા કહી રહ્યા છે ‘મા, હું શું આ દુઃખે છે એટલા માટે રડું છું? ના, 

‘હું તો એ દુઃખે દુઃખ કરું શ્યામા, 

તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી….’

Total Views: 295
ખંડ 19: અધ્યાય 5 : ગુરુદેવ શ્રીરામકૃષ્ણ - ભક્તજન માટે વિલાપ અને પ્રાર્થના
ખંડ 19: અધ્યાય 7 : ઈશ્વરને કેવી રીતે પોકારવો જોઈએ - વ્યાકુળ બનો