વાતો કરતાં કરતાં રાતના આઠ વાગી ગયા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે મહિમાચરણને શાસ્ત્રોમાંથી કંઈક સંભળાવવાનું કહ્યું. મહિમાચરણ એક પુસ્તક લઈને ઉત્તર-ગીતાના આરંભમાં જ પરબ્રહ્મ વિશે જે શ્લોકો છે તે સંભળાવે છે –

યદેકં નિષ્કલં બ્રહ્મ, વ્યોમાતીતં નિરંજનમ્।

અપ્રતકર્યકમ્ અવિજ્ઞેયં, વિનાશોત્પત્તિવર્જિતમ્।

પછી ત્રીજા અધ્યાયનો ૭મો શ્લોક વાંચે છે :

અગ્નિર્દેવો દ્વિજાતીનાં મુનીનાં હૃદિ દૈવતમ્।

પ્રતિમા સ્વલ્પબુદ્ધિનાં સર્વત્ર સમદર્શિનામ્।।

અર્થાત્ – બ્રાહ્મણોના દેવતા અગ્નિ, મુનિઓના દેવતા હૃદયમાં, સ્વલ્પબુદ્ધિના લોકો માટે પ્રતિમા જ દેવતા અને સમદર્શી મહાયોગીઓ માટે ઈશ્વર સર્વત્ર છે.

‘સર્વત્ર સમદર્શિનામ્’ એ શબ્દો બોલતાંની સાથે જ ઠાકુર અચાનક આસનેથી ઊઠીને ઊભા થઈને સમાધિ-મગ્ન થઈ ગયા. હાથે એ પાટિયાં તથા પાટો બાંધેલાં છે! ભક્તો બધા આશ્ચર્યચકિત! આ સમદર્શી મહાયોગીની અવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઠાકુર કેટલીય વાર સુધી એ રીતે ઊભા રહ્યા પછી સ્વસ્થ થયા અને પાછા પોતાને સ્થાને બેઠા. હવે મહિમાચરણને પેલા હરિ-ભક્તિના શ્લોકો બોલવાનું કહ્યું. મહિમા નારદ-પંચરાત્રમાંથી એ બોલે છે :

અંતર્બહિર્યદિ હરિસ્તપસા તતઃ કિમ્।

નાન્તર્બહિર્યદિ હરિસ્તપસા તતઃ કિમ્।।

આરાધિતો યદિ હરિસ્તપસા તતઃ કિમ્।

નારાધિતો યદિ હરિસ્તપસા તતઃ કિમ્।।

વિરમ વિરમ બ્રહ્મન્ કિં તપસ્યાસુ વત્સ।

વ્રજ વ્રજ દ્વિજ શીા્રં શંકરં જ્ઞાનસિંધુમ્।।

લભ લભ હરિભક્તિં વૈષ્ણવોક્તાં સુપક્વામ્।

ભવનિગડનિબન્ધચ્છેદનીં કર્તરીં ચ।।

શ્રીરામકૃષ્ણ- આહા! આહા!

(ભાંડ (પિંડ) અને બ્રહ્માંડ – તમે ચિદાનંદ છો – નાહં નાહં)

શ્લોકોનો પાઠ સાંભળીને ઠાકુર વળી પાછા ભાવ-મગ્ન થતા જતા હતા. પણ પરાણે ભાવ આવતો અટકાવ્યો. 

હવે યતિ-પંચકનો પાઠ થાય છે :

યસ્યામિદં કલ્પિતમિન્દ્રજાલં ચરાચરં ભાતિ મનોવિલાસમ્।

સચ્ચિત્સુખૈકં જગદાત્મરૂપં સા કાશિકાઽહં નિજબોધરૂપમ્।।

‘સા કાશિકાઽહં નિજબોધરૂપમ્’ એ શબ્દો સાંભળીને ઠાકુર હસીને કહે છે કે ‘જે છે પિંડે, તે જ છે બ્રહ્માંડે.’

હવે વંચાય છે નિર્વાણ-ષટ્કમ્ :

ૐ મનો બુદ્ધયહંકારચિત્તાનિ નાઽહં 

ન ચ શ્રોત્રજિહ્વે ન ચ ા્રાણનેત્રે।

ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુઃ 

ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્।।

જેટલી વાર મહિમાચરણ બોલે કે ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્, તેટલીવાર ઠાકુર હસીને બોલે છે : 

‘નાહં! નાહં! તું હિ તું હિ ચિદાનંદ।’

મહિમાચરણ જીવન્મુક્તિ-ગીતામાંથી થોડોક પાઠ કરીને ષટ્ચક્ર-વર્ણન વાંચે છે. તેમણે કહ્યું કે તેમણે પોતે કાશીમાં યોગીનું યોગાવસ્થામાં થતું મૃત્યુ જોયું હતું.

હવે ભૂચરી અને ખેચરી મુદ્રાનું વર્ણન કરે છે, અને પછી શાંભવી વિદ્યાનું. શાંભવી, ફાવે ત્યાં જાય, કોઈ પ્રકારના હેતુ વિના!

(પૂર્વકથા – સાધુઓ પાસે ઠાકુરનું રામગીતાપાઠ શ્રવણ)

મહિમા – રામ-ગીતામાં સારી સારી વાતો છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – તમે રામ-ગીતા રામ-ગીતા કરો છો, ત્યારે તમે ઘોર 

વેદાંતી! સાધુઓ કેટલું વાંચતા અહીંયાં!

મહિમાચરણ પ્રણવ શબ્દ કેવો હોય એ વાંચી રહ્યા છે – ‘તૈલધારામવિચ્છિન્નાં દીર્ઘઘણ્ટાનિનાદવત્’! વળી સમાધિનાં લક્ષણો વર્ણવે છે :

ઊર્ધ્વપૂર્ણમધઃપૂર્ણં મધ્યપૂર્ણં યદાત્મકમ્।

સર્વપૂર્ણં સ આત્મેતિ સમાધિસ્થસ્યલક્ષણમ્।।

અધરે, મહિમાચરણે એક પછી એક પ્રણામ કરીને રજા લીધી.

Total Views: 344
ખંડ 19: અધ્યાય 9 : મહિમાચરણને ઉપદેશ
ખંડ 19: અધ્યાય 11 :