સંધ્યા પછી દેવમંદિરોમાં આરતી થઈ ગઈ. થોડીવાર પછી અધર સેન કોલકાતાથી આવ્યા અને નીચે નમીને ઠાકુરને પ્રણામ કર્યા. ઓરડામાં મહિમાચરણ, રાખાલ, માસ્ટર છે; હાજરા પણ વચ્ચે વચ્ચે આવજા કરે છે.

અધર – આપને કેમ છે?

શ્રીરામકૃષ્ણ (સ્નેહભર્યા અવાજે) – આમ જુઓ આ. હાથે વાગીને શું થયું છે! (હસીને) અરે! વાત પૂછો મા, હવે!

અધર નીચે ભક્તો સાથે બેઠા છે. ઠાકુર તેને કહે છે, ‘તમે આ ઠેકાણે એક વાર જરા હાથ ફેરવી દો તો.’

અધર નાની પાટને ઉત્તર છેડે બેસીને ઠાકુરની શ્રીચરણસેવા કરે છે.

ઠાકુર મહિમાચરણની સાથે વળી વાતો કરી રહ્યા છે.

(મૂળ કથા અહેતુકી ભક્તિ – ‘સ્વસ્વરૂપને જાણવું’)

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – અહેતુકી ભક્તિ. તમે જો એની સાધના કરી શકો તો બહુ સારું.

‘મંદવાડ મટવો, પૈસા, ટકા, માન મરતબો, મુક્તિ સુધ્ધાં ન જોઈએ. કેવળ માત્ર હે ઈશ્વર, તમને જ ઇચ્છું!’ આનું નામ અહેતુકી ભક્તિ. શેઠની પાસે ઘણાય આવે કેટલીય જાતની ઇચ્છા રાખીને. પરંતુ જો કોઈ માણસ કાંઈ માગે નહિ, કેવળ સ્નેહની ખાતર જ શેઠને મળવા આવે, તો શેઠનીયે તેના ઉપર પ્રીતિ થાય.

‘પ્રહ્લાદની અહેતુકી ભક્તિ, ઈશ્વર ઉપર શુદ્ધ નિષ્કામ પ્રેમ.

મહિમાચરણ મૂંગા બેઠા છે. ઠાકુર વળી તેને કહે છે, ‘વારુ, જેવો તમારા અંતરનો ભાવ તે પ્રમાણે વાત કરું, સાંભળો.’

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – વેદાંત મત પ્રમાણે સ્વ-સ્વરૂપને ઓળખવું જોઈએ. પરંતુ ‘અહં’ (વ્યક્તિત્વનું ભાન) છૂટ્યા વિના એ ન બને. ‘અહં’ જાણે કે એક લાકડી જેવો છે; પાણીના બે ભાગ કરીને પડેલો છે. હું અલગ, તમે અલગ.

‘સમાધિ-દશા પ્રાપ્ત થયે આ ‘અહં’ નીકળી જાય, ત્યારે બ્રહ્મનો અંતઃકરણમાં બોધરૂપે અનુભવ થાય.’

ભક્તોમાંથી કદાચ કોઈ કોઈ મનમાં વિચાર કરી રહ્યા છે કે ઠાકુરને શું બ્રહ્મ-જ્ઞાન થયું છે? જો થયું હોય તો એ પોતે ‘હું’, ‘હું’ બોલે છે કેમ?

વળી ઠાકુર વાતો કરે છે, ‘હું મહિમ ચક્રવર્તી, વિદ્વાન,’ એ અહંનો ત્યાગ કરવો જોઈએ. પણ વિદ્યાના ‘અહં’માં દોષ નહિ. શંકરાચાર્યે લોકોને ઉપદેશ આપવા માટે ‘વિદ્યાનો અહં’ રહેવા દીધો હતો.

‘સ્ત્રીઓની બાબતમાં ખૂબ સાવચેત ન રહો તો બ્રહ્મ-જ્ઞાન થાય નહિ. એટલે સંસારમાં (બ્રહ્મ-જ્ઞાન થવું) કઠણ. તમે ગમે તેટલા શાણા હો ને, પણ કાજળની કોટડીમાં રહો, એટલે અંગે ડાઘ લાગે જ. યુવતીની સાથે રહેતાં નિષ્કામનેય કામ જાગે.

‘પણ સંસારી જ્ઞાનીને સ્વપત્ની સાથે સહવાસમાં દોષ નહિ.’ જેમ મળમૂત્રનો ત્યાગ તેમ વીર્યનો ત્યાગ, જેમ મળત્યાગ કર્યા પછી એ મનમાં રહેતું નથી તેમ.

પનીરની અડધી મીઠાઈ ખાઓ તો કંઈ વાંધો નહિ. (મહિમાનું હાસ્ય) સંસારી માટે આ દોષ ન ગણાય.

(સંન્યાસીઓ માટે કઠિન નિયમ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ)

‘સંન્યાસીને માટે એ બાબત ખૂબ દોષપૂર્ણ. સંન્યાસીએ સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. સંન્યાસીને માટે સ્ત્રી-સંગ એટલે થૂંકેલું પાછું ગળવું!’

‘સંન્યાસી સ્ત્રીની સાથે બેઠો બેઠો વાતોનાં ગપ્પાં મારે એ યોગ્ય નહિ, બાઈ ગમે તેવી ભક્ત હોય તોય. પોતે જિતેન્દ્રિય હોય તોય સંન્યાસીએ બાઈ માણસ સાથે વાતોનાં ગપ્પાં મારવાં નહિ.

‘સંન્યાસી કામિની અને કાંચન બંનેનો ત્યાગ કરે. સંન્યાસી જેમ સ્ત્રીનું ચિત્ર સુધ્ધાં જુએ નહિ, તેમ કાંચન, દ્રવ્ય, રૂપિયાને સ્પર્શ કરે નહિ. પૈસો પાસે હોય તોય ખરાબ. તેનો હિસાબ, સાચવવાની ચિંતા, પૈસાનો અહંકાર, લોકો ઉપર ક્રોધ એ બધાં, પાસે પૈસા રહે એટલે આવી પડે. જેમ કે મજાનો સૂર્ય પ્રકાશતો હોય, એટલામાં વાદળાં આવીને બધું ઢાંકી દે, તેમ.’

‘એટલા માટે તો એક મારવાડીએ હૃદુની પાસે (મારે નામે) રૂપિયા જમા રાખવા ઇચ્છા દર્શાવી એટલે મેં કહ્યું કે ‘એ નહિ બને. ગમે તે પ્રકારે પૈસો પાસે હોય એટલે વાદળાં થાય જ.’

‘સંન્યાસીના આવા કઠિન નિયમો શા માટે? તેના પોતાના કલ્યાણ સારુયે ખરા, અને લોકોને ઉપદેશ સારુયે. સંન્યાસી પોતે ભલે અલિપ્ત હોય, જિતેન્દ્રિય હોય, તોય લોકોને આદર્શરૂપ થવા માટે કામિની-કાંચનનો એ પ્રમાણે ત્યાગ કરે.

‘સંન્યાસીનો સોળ આના ત્યાગ જુએ, ત્યારે તો લોકોને હિંમત આવે. અને ત્યારે જ તેઓ કામિની-કાંચનનો ત્યાગ કરવાનો પ્રયાસ કરે!

‘આ ત્યાગનો આદર્શ જો સંન્યાસી ન બતાવે, ત્યાગનો ઉપદેશ જો સંન્યાસી ન આપે, તો બીજું કોણ આપે?’

(જનકાદિનો ઈશ્વરલાભ પછી સંસાર – ઋષિ અને શૂકરમાંસ)

‘ઈશ્વર-પ્રાપ્તિ કર્યા પછી સંસારમાં રહી શકાય, જેમ કે માખણ કાઢી લઈને પછી પાણીમાં નાખી રખાય, તેમ. રાજા જનક પહેલાં બ્રહ્મજ્ઞાન મેળવ્યા પછી સંસારમાં રહ્યા હતા.

‘જનક રાજા બે તલવાર ફેરવતા : એક જ્ઞાનની અને બીજી કર્મની. સંન્યાસી કર્મત્યાગ કરે; એટલે માત્ર એક જ તલવાર, જ્ઞાનની જ (ફેરવે). જનક જેવો જ્ઞાની સંસારી ઝાડનાં નીચેનાં ફળ તેમજ ઉપરનાં ફળ એમ બેઉ ખાઈ શકે. સાધુ-સેવા, અતિથિ-સત્કાર એ બધું કરી શકે. મેં માતાજીને કહ્યું હતું કે ‘મા, મારે સુક્કો સાધુ થવું નથી.’

‘બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ખાવાપીવાનો પણ ભેદ-વિચાર રહે નહિ. બ્રહ્મજ્ઞાની ઋષિઓ બ્રહ્માનંદ થયા પછી બધું ખાઈ શકતા, સૂવરનું માંસ સુધ્ધાં.

(ચાર આશ્રમ, યોગતત્ત્વ અને શ્રીરામકૃષ્ણ)

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – આમ કહીએ તો યોગ બે પ્રકારના : કર્મયોગ અને મનોયોગ. કર્મ દ્વારા યોગ અને મન દ્વારા યોગ.

‘બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ : એમાંથી પહેલા ત્રણમાં કર્માે કરવાનાં હોય. સંન્યાસીએ દંડ-કમંડલુ, ભિક્ષાપાત્ર ધારણ કરવાનાં હોય. સંન્યાસી નિત્યકર્મ કરે, પણ કદાચ મનનો યોગ ન હોય, જ્ઞાન ન હોય, ઈશ્વરમાં મન ન હોય. (એટલે આગળ વધી ન શકે.) કોઈ કોઈ સંન્યાસી નિત્યકર્માે થોડાં થોડાં કર્યે રાખે, લોકોને ઉપદેશ આપવા સારુ. ગૃહસ્થ કે બીજા આશ્રમીઓ જો નિષ્કામ કર્મ કરી શકે, તો તેમનો કર્માે દ્વારા યોગ થાય.

‘પરમહંસ અવસ્થામાં, જેમ કે શુકદેવ જેવી અવસ્થામાં, કર્માે બધાં છૂટી જાય. પૂજા, જપ, તર્પણ, સંધ્યા એ બધાં કર્માે. એ અવસ્થામાં કેવળ મન દ્વારા યોગ. બહારનાં કર્માે ક્યારેક ક્યારેક ઇચ્છા મુજબ કરે, લોકોપદેશને માટે. પરંતુ સ્મરણ-મનન હંમેશાં ચાલુ જ હોય.

Total Views: 277
ખંડ 19: અધ્યાય 8 : શિવપુરના ભક્તો અને મુખત્યારનામું (બકલમા) - શ્રી મધુ ડૉક્ટર
ખંડ 19: અધ્યાય 10 : મહિમાચરણનું શાસ્ત્રપાઠ- શ્રવણ અને ઠાકુરની સમાધિ