બીજે દિવસે રવિવાર, ૨૧ માઘ, સુદ સાતમ, ૧૨૯૦ બંગાબ્દ. ઈ.સ. ૧૮૮૪ના ફેબ્રુઆરીની ૩જી તારીખ.

બપોરે જમ્યા પછી ઠાકુર પોતાના આસન ઉપર બેઠેલા છે. કોલકાતાથી રામ, સુરેન્દ્ર વગેરે ભક્તો તેમના હાથે ઈજા થવા વિશે સાંભળીને ચિંતાતુર થઈને આવી પહોંચ્યા છે. માસ્ટર પણ પાસે બેઠેલા છે. ઠાકુરને હાથે પાટિયાં બાંધીને પાટો બાંધેલો છે. ભક્તોની સાથે તેઓ વાતો કરે છે.

(પૂર્વકથા – ઉન્માદ, જાનબજારમાં નિવાસ – સરળતા અને સત્યકથા)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – માતાજીએ મને એવી અવસ્થામાં રાખ્યો છે કે કોઈ બાબત પર ઢાંકપિછોડો કરી શકું જ નહિ. બાળકની અવસ્થા. 

રાખાલ મારી અવસ્થા સમજે નહિ. પાછું કોઈ જોઈ જાય ને નિંદા કરે એ બીકથી એ મારે અંગે ચાદર ઓઢાડીને મારો ખડી ગયેલો હાથ ઢાંકી દે. મધુ ડૉક્ટરને એક બાજુએ લઈ જઈને એ તેને બધી વાત કહેતો હતો. એટલે મેં બૂમ પાડીને કહ્યું, ‘ક્યાં ગયા ડૉક્ટર મધુસૂદન? આવો જુઓ, આ મારો હાથ ભાંગ્યો છે!’

‘મથુરબાબુ અને તેની પત્ની જે ઓરડામાં સૂતાં, તે જ ઓરડામાં હુંય સૂતો. તેઓ બંને બરાબર એક છોકરાની પેઠે મારી સંભાળ રાખતાં. એ વખતે મારી (ઈશ્વરીય) ઉન્માદની અવસ્થા. મથુરબાબુ કહેતા, બાબા! તમે અમારી બેની કોઈ વાતો સાંભળો છો? હું કહેતો કે ‘હા.’

‘મથુરબાબુની પત્નીએ મથુરબાબુ પર સંદેહ આવવાથી કહેલું કે જ્યારે ક્યાંય બહાર જવાના હો, ત્યારે ભટ્ટાચાર્ય મહાશયને (શ્રીરામકૃષ્ણને) તમારી સાથે લઈ જવા. પછી એક દિવસે અમે એક જગાએ ગયા. બાબુએ મને નીચે બેસાડ્યો, પોતે ઉપર ગયા. ત્યાર પછી અર્ધાે એક કલાક પછી નીચે આવીને મને કહે છે, ‘ચાલો બાબા, ચાલો, ઘોડાગાડીમાં બેસીએ ચાલો!’

ત્યાર પછી મથુરબાબુની પત્નીએ મને પૂછ્યું એટલે મેં આ બધી બાબત બરાબર કહી દીધી. મેં કહ્યું કે જુઓ, એક મકાનમાં અમે ગયા. ત્યાં મને નીચે બેસાડ્યો ને બાબુ પોતે ઉપર ગયા. અર્ધાે કલાક થયા પછી નીચે આવીને મને કહે કે ‘ચાલો બાબા ચાલો!’ મથુરની વહુએ જે સમજવું’તું તે સમજી લીધું!

‘મંદિરની સંપત્તિના એક ભાગીદાર અહીંનાં ઝાડનાં ફળ, કોબીજ વગરે પોતાને ઘેર ગાડીમાં લઈ જતા. બીજા ભાગીદારોએ મને પૂછતાં મેં બરાબર કહી દીધું.’

Total Views: 295
ખંડ 19: અધ્યાય 10 : મહિમાચરણનું શાસ્ત્રપાઠ- શ્રવણ અને ઠાકુરની સમાધિ
ખંડ 19: અધ્યાય 12 : દક્ષિણેશ્વર મંદિરમાં માસ્ટર, મણિલાલ વગેરે સાથે