(ઠાકુરની અધીરતા શા માટે? મણિ મલ્લિકને ઉપદેશ)

ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી જરા આરામ કરી રહ્યા છે. નીચે જમીન પર મણિ મલ્લિક બેઠેલા છે. ઠાકુરના હાથે હજીયે પાટો બાંધેલો છે. માસ્ટરે આવીને પ્રણામ કર્યા અને મણિ મલ્લિકની નજીક જમીન પર બેઠા. 

આજે રવિવાર, માઘ વદ તેરસ, ૧૩ ફાલ્ગુન, ૧૨૯૦ બંગાબ્દ. ફેબ્રુઆરી ૨૪, ૧૮૮૪.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કેવી રીતે આવ્યા?

માસ્ટર – જી, આલમબજાર સુધી ગાડી કરીને આવ્યો, ને ત્યાંથી પગે ચાલીને આવ્યો છું.

મણિલાલ – ઓહ! ખૂબ પરસેવો વળ્યો છે!

શ્રીરામકૃષ્ણ (હસીને) – એટલે તો હું વિચાર કરું, કે મારાં આ બધાં ઈશ્વરી દર્શનો વગેરે મનના ખયાલ નથી! નહિતર આ બધા ઇંગ્લીશમેનો (અંગ્રેજી ભણેલાઓ) આટલી તકલીફ વેઠીને આવે કે?

ઠાકુરને કેમ છે, હાથે વાગ્યું છે એની વાત ચાલે છે.

શ્રીરામકૃષ્ણ – હું આને માટે વચ્ચે વચ્ચે અધીરો થઈ જાઉં. આને દેખાડું, તેને દેખાડું અને કહું કે ‘હેં ભાઈ, મટી જશે ને?’

‘રાખાલ એથી ચિડાય, એ મારી અવસ્થા સમજે નહિ. ક્યારેક ક્યારેક મને મનમાં થઈ આવે કે એ અહીંથી જતો હોય તો ભલે જાય. વળી માને કહું કે ‘મા, એ ક્યાં જવાનો, ક્યાં વળી બળતો જળતો જવાનો એ?’

‘મારી બાળકના જેવી અધીર અવસ્થા આજની જ છે એમ નથી. મથુરબાબુને હાથની નાડ દેખાડતો, ને કહેતો કે ‘હેં ભાઈ, શું મને મંદવાડ થયો છે?’

‘વારુ, તો પછી ઈશ્વર ઉપર શ્રદ્ધા ક્યાં રહી? દેશમાં જતી વખતે બળદગાડીની પાસે લૂંટારાઓ જેવા, હાથમાં લાકડી લીધેલા માણસો કેટલાક આવ્યા. હું તો દેવતાઓનાં નામ લેવા લાગ્યો! પણ ક્યારેક કહેતો રામ, ક્યારેક દુર્ગા, ક્યારેક ૐ તત્ સત્, જે લાગુ પડે તે!

(માસ્ટરને) – વારુ, આટલી અધીરાઈ શા માટે મારામાં?

માસ્ટર – આપ તો હમેશાં સમાધિ-અવસ્થામાં રહો છો, ભક્તોને માટે જરાક મન શરીર ઉપર રાખ્યું છે,એટલે શરીર સંભાળવા માટે ક્યારેક ક્યારેક અધીરાઈ આવે.

શ્રીરામકૃષ્ણ – હાં, કેવળ જરાક મન છે શરીર ઉપર, અને ભક્તિ-ભક્તોને લઈને રહેવા માટે.

(Exhibition – દર્શન પ્રસ્તાવ – ઠાકુરની પક્ષીઘર Zoological Gardenની દર્શનકથા)

મણિલાલ મલ્લિક પ્રદર્શનની વાત કરે છે.

યશોદા કૃષ્ણને ખોળામાં લઈને બેઠાં છે. એ ઘણી સુંદર મૂર્તિ! એ સાંભળીને ઠાકુરની આંખોમાં પાણી આવ્યાં છે. એ વાત્સલ્ય-રસની પ્રતિમા સમી યશોદાની વાત સાંભળીને ઠાકુરને અંતરમાં ભાવ થઈ આવ્યો છે, એટલે આંખોમાં જળ ભરાઈ આવ્યાં છે.

મણિલાલ – આપની તબિયત સારી નથી. નહિતર આપ એક વાર જઈને જોઈ આવત મેદાનમાં ભરાયેલું પ્રદર્શન.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને) – હું જાઉં તોય બધુંય જોઈ શકું નહિ. એકાદું કંઈક જોતાં જ ભાવ-મગ્ન થઈ જાઉં. પછી બીજું કાંઈ જોવાનું બને નહિ. એક વાર ચીડિયાખાનું જોવા મને લઈ ગયેલા. ત્યાં સિંહનાં દર્શન કરતાં જ હું સમાધિ-મગ્ન થઈ ગયો. પાર્વતીના વાહન સિંહને જોઈને ભગવતીનો ભાવ અંતરમાં આવ્યો. પછી બીજાં જનાવરો કોણ જુએ? સિંહ જોઈને જ પાછો આવ્યો! 

એટલે યદુ મલ્લિકની મા એક વાર કહે કે પ્રદર્શનમાં આમને લઈ જઈએ, પણ વળી પાછી કહે કે ના!

મણિ મલ્લિક ઘણા જૂના બ્રાહ્મ-સમાજી. ઉંમર લગભગ પાંસઠ થઈ હશે. ઠાકુર એમના જ મનોભાવ પ્રમાણે, વાતચીતને વિશે એમને ઉપદેશ આપે છે.

(પૂર્વકથા – જયનારાયણ પંડિતનાં દર્શન – ગૌરી પંડિત)

શ્રીરામકૃષ્ણ – જયનારાયણ પંડિત ઘણો ઉદાર હતો. જઈને જોયું તો અંતરમાં મજાનો ઈશ્વરીય ભાવ. તેના દીકરાઓએ બૂટ-મોજાં પહેરેલ. પોતે કહે કે હું કાશી જવાનો છું. અને આખરે જેમ બોલ્યા તેમ જ કર્યું. કાશીમાં નિવાસ કર્યાે અને કાશીમાં જ તેનો દેહત્યાગ થયો. (શ્રીરામકૃષ્ણે ૧૮૬૯ પહેલાં પંડિતજીને જોયેલા. પંડિત જયનારાયણનું કાશીગમન ૧૮૬૯, જન્મ ૧૮૦૪, કાશીમાં અવસાન ૧૮૭૩).

ઉંમર થાય એટલે એવી રીતે કોઈ તીર્થમાં ચાલ્યા જઈને ઈશ્વર-ચિંતન કરવું સારું. શું કહો છો?

મણિલાલ – હાં; પછી સંસારની ઝંઝટ ગમે નહિ.

શ્રીરામકૃષ્ણ – ગૌરી પોતાની સ્ત્રીને પગે પુષ્પાંજલિ મૂકીને તેની પૂજા કરતો. દરેકે દરેક સ્ત્રી ભગવતીનું એક એક સ્વરૂપ. 

(મણિલાલને) તમારી પેલી વાત આ લોકોને કહો તો!

મણિલાલ (હસીને) – એક હોડીમાં બેસીને કેટલાક માણસો ગંગાને સામે પાર જતા હતા. તેમાં એક પંડિત પોતાની પંડિતાઈનો પરિચય કરાવતા હતા કે ‘મેં તો કેટલાંય શાસ્ત્રો વાંચ્યાં છે, વેદ, વેદાંત, ષડ્-દર્શન બધાંય!’ તેણે એક માણસને પૂછ્યું, ‘તમે વેદાંત જાણો છો?’ પેલાએ જવાબ આપ્યો, ‘જી ના.’ ‘ત્યારે સાંખ્ય-પાતંજલ જાણો 

છો?’ (પંડિતજીએ વળી પૂછ્યું.) પેલાએ કહ્યું, ‘જી ના.’ ‘દર્શન બર્શન કાંઈ જ ભણ્યા નથી?’, તેણે કહ્યુંઃ ‘જી ના.’

આમ પંડિતજી ગર્વપૂર્વક વાતો કરી રહ્યા છે અને પેલો માણસ બિચારો ચૂપ થઈને બેસી રહેલો છે. એટલામાં ભયંકર વાવાઝોડું ઊઠ્યું ને હોડી ડૂબવા લાગી. એટલે પેલો માણસ કહેવા લાગ્યો, ‘પંડિતજી, તમને તરતાં આવડે છે?’ પંડિતજી કહે છે કે ‘ના.’ એટલે પેલાએ કહ્યું કે ‘હું સાંખ્ય-પાતંજલ જાણતો નથી પણ તરવાનું જાણું છું!’

(ઈશ્વર જ ખરી વસ્તુ બાકી બધું અવસ્તુ – લક્ષ્યવેધ)

શ્રીરામકૃષ્ણ (હસીને) – ‘કેટલાંય બધાં શાસ્ત્રો જાણ્યે શું વળે! ભવ-નદી પાર થવાનું જાણવાની જ જરૂર! ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું અવસ્તુ (ખોટું).

‘લક્ષ્ય-વેધ કરવાને વખતે દ્રોણાચાર્યે અર્જુનને પૂછ્યું, ‘તું શું શું જુએ છે?આ બધા રાજાઓને તું દેખે છે?’ અર્જુન કહે છે ‘જી ના.’ ‘મને દેખે છે?’ ‘જી ના.’ ‘ઝાડ દેખાય છે?’ ‘જી ના.’ ‘ઝાડ પરનું પક્ષી દેખાય છે?’ ‘જી ના.’ ‘ત્યારે તને શું દેખાય છે?’

અર્જુન કહે, ‘માત્ર પક્ષીની આંખ!’

‘જે માત્ર પક્ષીની આંખ જ દેખે, તે જ લક્ષ્ય વીંધી શકે.’

‘જે માત્ર જુએ કે ઈશ્વર જ ખરી વસ્તુ, બાકીનું બધું ખોટું, એ જ ચતુર. બીજી બધી હકીકતની મારે જરૂર શી? હનુમાનજીએ કહેલું કે ‘હું વાર, તિથિ, નક્ષત્ર એ બધું જાણતો નથી, માત્ર રામનું ચિંતન કરું!’ 

(માસ્ટરને) થોડાક પંખા અહીંને માટે વેચાતા લઈ આવજો.

(મણિલાલને) – ‘અરે ભાઈ! તમે એક વાર આમના (માસ્ટરના) બાપા પાસે (મળવા) જજો. ભક્તને મળવાથી અંતરમાં ઈશ્વરીય ભાવ જાગે.

Total Views: 266
ખંડ 19: અધ્યાય 11 :
ખંડ 19: અધ્યાય 13 : શ્રીયુત્ મણિલાલ વગેરેને ઉપદેશ - નરલીલા