શ્રીરામકૃષ્ણ પોતાને આસને પાટ પર બેઠેલા છે. મણિલાલ વગેરે ભક્તો નીચે બેઠા બેઠા ઠાકુરના મધુર કથામૃતનું પાન કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આ હાથ ભાંગ્યા પછી (મારી) અવસ્થા ખૂબ બદલાતી જાય છે. માત્ર નર-લીલા જ ગમે છે.

‘નિત્ય અને લીલા, નિત્ય એ અખંડ સચ્ચિદાનંદ.

‘લીલા : ઈશ્વર-લીલા, દેવ-લીલા, નર-લીલા, જગત-લીલા.

(તું સચ્ચિદાનંદ – વૈષ્ણવચરણનું શિક્ષણ – ઠાકુરનું રામલીલાદર્શન)

‘વૈષ્ણવચરણ કહેતો કે ‘નર-લીલામાં શ્રદ્ધા બેસે ત્યારે પૂર્ણ જ્ઞાન થાય! એ વખતે હું તેનું સાંભળતો નહિ. પણ હવે જોઉં છું કે એ વાત સાચી! વૈષ્ણવચરણ માણસની આકૃતિમાં કોમળભાવ, પ્રેમભાવ જોવાનું પસંદ કરતા.

(મણિલાલને) ઈશ્વર જ માનવ રૂપ ધારણ કરીને લીલા કરે છે, એ જ મણિ મલ્લિક થયેલ છે. શીખો ઉપદેશ આપે કે ‘તું સચ્ચિદાનંદ!’

‘ક્યારેક ક્યારેક પોતાનું સ્વરૂપ (સચ્ચિદાનંદને) જોઈ શકતાં માણસ આશ્ચર્યચકિત થાય અને આનંદમાં તરબોળ થઈ જાય. અચાનક કોઈ વહાલા સગાની મુલાકાત થતાં જેમ થાય તેમ. (માસ્ટરને) તે દિવસે ગાડીમાં આવતાં આવતાં બાબુરામને જોઈને જેમ થયેલું તેમ. 

શિવ જ્યારે સ્વ-સ્વરૂપને જુએ, ત્યારે ‘હું કોણ!’ ‘હું કોણ!’ એમ કહીને નૃત્ય કરવા લાગે.

‘અધ્યાત્મ (રામાયણ)માં આ વાત જ છે. નારદ કહે છે કે ‘હે રામ, પુરુષમાત્ર તમારાં સ્વરૂપ, ને નારીમાત્રરૂપે સીતા રહેલ છે.’

‘રામલીલા જોવા ગયો ત્યારે જોયું કે જેઓએ રામલીલામાં પાઠ લીધેલો, તેમને જોઈને એમ લાગ્યું કે નારાયણ જ એ બધા નટોનું રૂપ ધારણ કરીને રહેલા છે. અસલ ને નકલ એકસરખાં જ લાગ્યાં.

‘કુમારીપૂજા કરે શા માટે? સર્વ સ્ત્રીઓ ભગવતીનાં એક એક સ્વરૂપ છે એમ જાણીને. શુદ્ધાત્મા કુમારિકામાં ભગવતીનો વધુ પ્રકાશ.

(માંદગીમાં ઠાકુર કેમ અધીર બન્યા – ઠાકુરની બાળક અને ભક્ત અવસ્થા)

(માસ્ટરને) – માંદગી આવતાં હું અધીરો કેમ થાઉં છું? (માએ) મને બાળકની અવસ્થામાં રાખ્યો છે. બાળકનો બધો આધાર મા ઉપર. 

કામવાળીનો છોકરો શેઠના છોકરા સાથે ઝઘડો કરતાં કરતાં કહેશે કે ‘હું મારી બાને કહી દઈશ!’

(રાધાબજારમાં સુરેન્દ્રે ઠાકુરનો ફોટો ખેંચ્યો – ૧૮૮૧)

‘રાધાબજારમાં ફોટો પડાવવા સારુ મને લઈ ગયા હતા. (ઈ.સ. ૧૮૮૧). તે દિવસે રાજેન્દ્ર મિત્રને ઘેર જવાની વાત થયેલી; કેશવ સેન અને બીજા કેટલાક આવવાના એમ સાંભળેલું. હું કેટલીક વાતો કહીશ એમ (મેં મનમાં) ધારેલું. પણ રાધાબજારે પહોંચતાં એ બધું ભૂલી ગયો! એટલે કહ્યું કે ‘મા તું જ બોલજે! હું વળી શું બોલવાનો!’

(પૂર્વકથા – કુયાર સિંગ – રામલાલનાં માતા – કુમારીપૂજા)

‘મારો સ્વભાવ જ્ઞાનીનો નથી. જ્ઞાની પોતાને મોટો જુએ. એ કહેશે કે મને વળી રોગ શેનો?’

મને કુયાર સિંગે કહ્યું કે ‘તમને હજીયે શરીરની ચિંતા છે.’

‘મારો સ્વભાવ એવો કે મારી મા (ભગવતી) બધું જાણે. રાજેન્દ્ર મિત્રને ત્યાં એ જગદંબા જ ઉપદેશની વાતો કરવાની. એની વાતો જ સાચી. સરસ્વતીના જ્ઞાનના એક કિરણથી હજારો પંડિત હારી જાય.’

‘મને ભક્તની અવસ્થામાં, વિજ્ઞાનીની અવસ્થામાં માતાજીએ રાખ્યો છે. એટલે રાખાલ વગેરે યુવાન ભક્તોની સાથે હું વિનોદ કરું. જ્ઞાનીની અવસ્થામાં રાખ્યો હોત તો એમ થાત નહિ!’

‘આ અવસ્થામાં જોઉં છું કે જગદંબા જ સર્વ કંઈ થઈ રહેલ છે! સર્વત્ર તેમને જોઈ શકું છું.

‘કાલી મંદિરમાં જોયું તો માતાજી જ બધું થઈ રહેલ છે, દુરાચારી સુધ્ધાં, ભાગવતના પંડિતના ભાઈરૂપે સુધ્ધાં.

‘રામલાલની માની સાથે ઝઘડવા ગયો’તો પણ ઝઘડી શક્યો નહિ. (રામલાલની મા શ્રીરામકૃષ્ણની વચ્ચેટ ભાભી થાય.) જોયું તો એ ભગવતીનું જ એક સ્વરૂપ! કુમારીકાની અંદર માને જોઈ શકું, એટલે તો કુમારી-પૂજા કરું!

‘મારી સ્ત્રી (શ્રીશારદામણિદેવી) મારા પગ દાબી દે, ત્યાર પછી હું તેને (ભગવતી-સ્વરૂપે) નમસ્કાર કરું!

‘તમે બધા મારે પગે હાથ લગાડીને પ્રણામ કરો છો, તે હૃદુ જો હોત તો મારે પગે હાથ લગાડવાની તાકાત કોની છે! કોઈને મારા પગે હાથ લગાડવા દેતો નહિ!

‘મને માએ આ (ભક્તની) અવસ્થામાં રાખ્યો છે એટલે મારે સામા નમસ્કાર કરવા જોઈએ!

‘જુઓ, ખરાબ માણસને સુધ્ધાં (મારે નમસ્કાર કરવા પડે), તેને બાદ કરવાનું બને નહિ. તુલસીનું પાન સૂકું ભલે હોય, નાનું ભલે હોય, પણ ઠાકોરજીની પૂજામાં વપરાય, તેમ.’

Total Views: 262
ખંડ 19: અધ્યાય 12 : દક્ષિણેશ્વર મંદિરમાં માસ્ટર, મણિલાલ વગેરે સાથે
ખંડ 19: અધ્યાય 14 : દક્ષિણેશ્વરના મંદિરમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે