આજે રવિવાર, ૯મી માર્ચ, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે અનેક ભક્તોની સાથે બેઠેલા છે; મણિલાલ મલ્લિક, સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ, બલરામ, માસ્ટર, ભવનાથ, રાખાલ, લાટુ, કિશોરી (ગુપ્ત), શિવચંદ્ર, હરીશ વગેરે છે. હજી ગિરીશ, કાલી, સુબોધ વગેરે આવીને ભક્તોની મંડળીમાં જોડાયા નથી. શરત, શશી એ લોકોએ માત્ર એક બે વાર ઠાકુરનાં દર્શન કર્યાં છે. પૂર્ણ, છોટો નરેન વગેરેએ પણ હજી ઠાકુરને જોયા નથી.

લાટુ (સ્વામી અદ્ભુતાનંદ)
શ્રીરામકૃષ્ણને હાથે પાટો બાંધેલ છે. રેલના પાટા પાસે પડી જવાથી તેમનો હાથ ઊતરી ગયો છે. એ વખતે ભાવ-સમાધિમાં મગ્ન હતા. તરતમાં જ હાથ ઊતરી ગયો છે, એટલે બધો વખત વેદના થાય છે.
પરંતુ એ અવસ્થામાંય ઘણેભાગે સમાધિ-મગ્ન રહે અને ભક્તોની સાથે ગંભીર તત્ત્વજ્ઞાનની વાતો કરે.
એક દિવસ વેદનાથી રડી રહ્યા છે, એટલામાં સમાધિ-મગ્ન થયા. સમાધિની પછી સ્વસ્થ થઈને મહિમાચરણ વગેરે ભક્તજનોને કહે છે, ‘બાબુ, સચ્ચિદાનંદ-પ્રાપ્તિ ન થઈ તો કાંઈ વળ્યું નહિ. આતુરતા આવ્યા વિના કાંઈ ન વળે. હું રડી રડીને પ્રભુને પોકારતો અને કહેતો : ‘અરે દીનનાથ! હું ભજન, સાધન વિનાનો છું, મને દર્શન દેવાં જ પડશે!’
તે દિવસે રાતના વળી પાછા મહિમાચરણ, અધર, માસ્ટર વગેરે બેઠા છે.
શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – એક પ્રકારની છે અહેતુકી ભક્તિ. એ જો સાધી શકો (તો જ્ઞાન થાય). વળી અધરને કહે છે કે આ હાથે જરા હાથ ફેરવી દઈ શકો?
મણિલાલ મલ્લિક અને ભવનાથ પ્રદર્શનની વાત કરે છે. એ પ્રદર્શન સને ૧૮૮૩-૮૪માં કોલકાતામાં એશિયાટિક મ્યુઝિયમની પાસે ભરાયેલું. તેઓ કહે છે કે કેટલાય રાજાઓએ અતિ કિંમતી વસ્તુઓ મોકલી છે, સોનાનો પલંગ વગરે. એ એક જોવા જેવી વસ્તુ.
(શ્રીરામકૃષ્ણ – ધન અને ઐશ્વર્ય)
શ્રીરામકૃષ્ણ (ભક્તોને સહાસ્ય) – હા, ત્યાં જવાથી એક મજાનો લાભ થાય. એ બધી સોનાની ચીજો, રાજા-રજવાડાની વસ્તુઓ જોઈને મનમાં છી-છી થઈ જાય. એય એક મોટો ફાયદો. જ્યારે કોલકાતામાં આવતો, ત્યારે હૃદય લાટ સાહેબ (એ વખતનો ગવર્નર-જનરલ)નો મહેલ બતાવતાં મને કહેતો, ‘મામા, આ જુઓ, લાટ સાહેબનો મહેલ, મોટા મોટા જબ્બર થાંભલા!’ પણ મને માએ બતાવ્યું કે કેટલીક માટીની ટો ઊંચી ઊંચી ચણીને ખડકી છે!
‘ભગવાન અને તેનું ઐશ્વર્ય. ઐશ્વર્ય બે દિવસને માટે; ભગવાન જ સાચો. જાદુગર અને તેનો ખેલ. ખેલ જોઈને બધા ફિદા. પરંતુ એ બધું ખોટું; જાદુગર જ સાચો. શેઠ અને બગીચો. બગીચો જોઈને, બગીચાના માલિક શેઠની શોધ કરવી જોઈએ.’
મણિ મલ્લિક (શ્રીરામકૃષ્ણને) – તેમ વળી કેટલી મોટી ઇલેકિટ્રક લાઈટ આપી છે. ત્યારે આપણને એમ થાય કે ઈશ્વર કેટલો મહાન, કે જેણે ઇલેેકિટ્રક લાઈટ કરી છે!
શ્રીરામકૃષ્ણ (મણિલાલને) – વળી એક મત એવો છે કે ઈશ્વર જ આ બધું થઈ રહ્યો છે. તેમ વળી જે કહે છે તે પણ એ (ઈશ્વર). ઈશ્વર માયા, જીવ, જગત બધુંય.
મ્યુઝિયમની વાત નીકળી.
(શ્રીરામકૃષ્ણ અને સાધુસંગ – યોગીની છબિ)
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – હું એક વાર મ્યુઝિયમ જોવા ગયેલો. ત્યાં જોયું કે ઇંટ પથ્થર થઈ ગયાં છે, જનાવર પથ્થર થઈ ગયાં છે! જોયું ને, સંગતનો ગુણ શો? એવી રીતે હમેશાં સાધુસંગ કરવાથી એ થઈ જાય.

ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતા
મણિ મલ્લિક (સહાસ્ય)- આપ એક વાર ત્યાં જાઓ, તો અમારા લોકોને માટે દશ, પંદર વરસ સુધી ઉપદેશ ચાલે.
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – શું ઉપમાને માટે?
બલરામ – ના; એમ જ્યાં ત્યાં ગયે પાછો હાથ મટે નહિ!
શ્રીરામકૃષ્ણ – મારી ઇચ્છા છે કે આ બે છબીઓ જો મળે તો સારું. એક છબીમાં જોગી, સામે ધૂણી સળગાવીને બેઠો છે. બીજી એક છબી કે જેમાં જોગી ગાંજાની ચલમમાંથી મોઢેથી દમ ખેંચે છે અને ચલમ દપ કરતીને સળગી ઊઠે છે.
‘આવી બધી છબીઓથી મજાનું ઈશ્વરનું ઉદ્દીપન થાય. જેમ કે રમકડાનું સીતાફળ જોઈને સાચા સીતાફળનો ખ્યાલ આવે, તેમ.
‘પરંતુ યોગમાં વિઘ્ન કામિની-કાંચન. એ જ મન શુદ્ધ થયે યોગ થાય. મનનો વાસ કપાળે (આજ્ઞા ચક્રે), પરંતુ તેની દૃષ્ટિ લિંગ, ગુહ્ય અને નાભિએ, અર્થાત્ કામિની અને કાંચનમાં. સાધના કરવાથી એ જ મનની ઊર્ધ્વ દૃષ્ટિ થાય.
‘શી સાધના કરવાથી મનની ઊર્ધ્વ દૃષ્ટિ થાય? સદા સાધુ-સંગ કરવાથી એ બધું જાણી શકાય.
ઋષિઓ હમેશાં કાં તો એકાંતમાં, ને નહિતર સાધુ-સંગમાં રહેતા. એટલે તેઓ અનાયાસે કામિની-કાંચનનો ત્યાગ કરીને ઈશ્વરમાં મન જોડતા. નિંદા, ભય વગેરે કંઈ જ તેમનામાં ન હતું.
‘ત્યાગ કરવો હોય તો ઈશ્વરની પાસે એ માટેના પુરુષાકાર (બળ)ને માટે પ્રાર્થના કરવી જોઈએ. જે ખોટું સમજાયું તેનો એ ક્ષણે જ ત્યાગ.
‘ઋષિઓમાં આ પુરુષાકાર હતો. આ પુરુષાકારને લીધે જ ઋષિઓએ ઇન્દ્રિય જય કર્યાે હતો. કાચબો જો હાથપગ અંદર સંકોરી લે, તો પછી તેના કાપીને ચાર કટકા કરો તોય એ હાથપગ બહાર કાઢવાનો નહિ!
‘સંસારી લોકો કપટી હોય, સરળ હોય નહિ. મોઢેથી કહેશે કે અમે ઈશ્વરને ચાહીએ છીએ, પણ વિષયો ઉપર જેટલું ખેંચાણ, કામિની-કાંચન ઉપર જેટલો પ્રેમ, તેનો જરા જેટલો અંશ પણ ઈશ્વરની તરફ હોય નહિ. અને છતાંય મોઢેથી કહેશે કે ઈશ્વરને ચાહીએ છીએ.
(મણિ મલ્લિકને) – કપટ છોડો.
મણિલાલ – માણસના સંબંધમાં કે ઈશ્વરના સંબંધમાં?
શ્રીરામકૃષ્ણ – બધી બાબતમાં. માણસની સાથેય ખરું, અને ઈશ્વર સંબંધેય ખરું; કપટ કરવું નહિ.
‘ભવનાથ કેવો સરળ! લગ્ન કરી આવીને મને કહે છે કે સ્ત્રીની ઉપર મને આટલો પ્રેમ આવે છે શા માટે? આહા! એ બહુ જ સરળ!’
‘તે સ્ત્રીની ઉપર પ્રેમ આવે નહિ? એ જ જગન્માતાની ભુવનમોહિની માયા. સ્ત્રી એવી લાગે કે જાણે પૃથિવી આખીમાં એના જેવું પોતાનું માણસ બીજું કોઈ થવાનું જ નથી, પોતાનું જ માણસ, જીવનમાં, મરણ વખતે, આ લોકમાં, પરલોકમાં.
અને આ સ્ત્રીને લીધે જ માણસ કેવો દુઃખ ભોગવે છે! છતાંય મનમાં માને છે કે એવું સગું બીજું કોઈ જ નહિ! શી દુર્દશા! થોડાક રૂપિયાનો પગાર હોય; એમાં ત્રણચાર છોકરાં થઈ ગયાં હોય, તેમને સારી રીતે ખવરાવવાની ત્રેવડ નહિ; ઘરના છાપરામાંથી પાણી ચૂતું હોય, સમું કરાવવાના પૈસા નહિ; છોકરાંને નવી ચોપડીઓ લઈ આપવાની શક્તિ નહિ; છોકરાઓને જનોઈ દઈ શકાય નહિ; આની પાસેથી આઠ આના, પેલાની પાસેથી ચાર આના, એમ મદદ માગતા ફરે.’
‘વિદ્યારૂપી સ્ત્રી સાચી સહધર્મિણી. સ્વામીને ઈશ્વરના માર્ગે જવામાં વધુ સહાયતા આપે. એક બે છોકરાં થઈ ગયા પછી બેઉ જણાં ભાઈબહેનની પેઠે રહે. બેઉ જણાં ઈશ્વરનાં ભક્ત, તેનાં દાસ અને દાસી જેવાં. તેમનો સંસાર વિદ્યાનો સંસાર. ઈશ્વરને અને ભક્તોને લઈને હમેશાં આનંદ કરે. તેઓ જાણે કે ઈશ્વર જ એક માત્ર પોતાનો, અનંતકાળ સુધી પોતાનો. સુખે દુઃખે એને ભૂલે નહિ, જેમ કે પાંડવો.’
(સંસારીભક્તો અને ત્યાગીભક્તો)
‘સંસારીઓનો ઈશ્વરાનુરાગ ક્ષણિક. જેમ તપી ગયેલી તાવડી પર પાણીનો છાંટો પડે ને છમ્મ્ થાય અને તરત જ સુકાઈ જાય તેમ.’
‘સંસારી માણસોનું મન ભોગ તરફ રહ્યું છે, એટલા માટે ઈશ્વર પર એ અનુરાગ, એ આતુરતા આવતી નથી.’
‘અગિયારસ ત્રણ પ્રકારે થાય.
પહેલો પ્રકાર : નિર્જળા અગિયારસ, પાણી પણ પીવાય નહિ. તેવી રીતે ફકીર, સાધુ પૂર્ણ ત્યાગી હોય. એકદમ બધા ભોગોનો ત્યાગ. બીજા પ્રકારની અગિયારસ : સામાન્ય ફરાળ તથા દૂધ પીને; ભક્ત જેમ ઘરમાં સામાન્ય ભોગો રાખે તેમ. અને ત્રીજા પ્રકારની અગિયારસમાં રાજગરાની પૂરીઓ, બરફી, માવાનાં જાંબુ વગેરે પેટ ભરીને દાબે; અને વધારામાં પાછું સાંજ સારુ ઢાંકી મૂકે!’
‘માણસો સાધન-ભજન કરે ખરા, પણ તેમનાં મન કામિની-કાંચનમાં હોય! મન ભોગોની તરફ રહ્યા કરે, એટલે સાધન-ભજન બરાબર થાય નહિ.’
‘હાજરા અહીંયાં કેટલાંય જપ-તપ કરતો. પરંતુ ઘેર બાયડી, છોકરાં, જમીન, કરજ વગેરે બધું હતું. એટલે જપ-તપ પણ કરતો ને મનમાં મનમાં દલાલી ને ગણતરીયે કરતો. આ બધા લોકોની વાતોમાં ઠેકાણું ન હોય. ઘડીકમાં કહેશે કે ચા પીતો નથી ને પાછા પીતા હોય.’
‘પૈસા સારુ માણસ શું ન કરે? બ્રાહ્મણની પાસે, સાધુની પાસેય મજૂરી કરાવે.’
‘અહીં પેંડા વગેરે મીઠાઈ ખરાબ થઈ જતાં તોય એવા લોકોને (વિષયી) આપી શકતો નહિ, વિષયી માણસ સારા લોટામાં પાણી લાવે તો પણ ન લઈ શકતો, જ્યારે બીજા શુદ્ધ સરલ મનના માણસના અશુદ્ધ લોટાનુંય પાણી વાપરી શકતો. પણ આવા લોકોના લોટાને અડતો નહિ.’
‘હાજરા પૈસાવાળાને જુએ એટલે પાસે બોલાવે. બોલાવીને લાંબી લાંબી વાતો સંભળાવે. વળી તેમને કહે કે, ‘આ રાખાલ બાખાલ વગેરે બધા જે જે જુઓ છો, તે કોઈ જપ-તપ કાંઈ કરી શકવાના નથી, અમથા આંટા મારે એટલું જ.’
‘હું બરાબર જાણું છું કે જો કોઈ માણસ પર્વતની ગુફામાં વાસ કરે, શરીરે રાખ ચોળે, ઉપવાસ કરે, વિવિધ પ્રકારે કઠોરતા સહન કરે, પરંતુ અંદર અંદર જો વિષયોમાં મન હોય, કામિની-કાંચનમાં મન હોય, તો એવા માણસને હું કહું ધિક્કાર! અને જેનું કામિની-કાંચનમાં મન ન હોય, પણ ખાય પીએ ને ફર્યા કરે, એને કહું ધન્ય!’
(મણિ મલ્લિકને બતાવીને) આમને ત્યાં સાધુની છબી નથી. સાધુઓનાં ચિત્રો રાખવાથી ઈશ્વરનું ઉદ્દીપન થાય.
મણિલાલ – છે. નંદિની (મણિ મલ્લિકની વિધવા દીકરી, ઠાકુરની ભક્ત)ના ઓરડામાં ભક્ત મેડમની છબી છે. મેડમ પ્રાર્થના (Prayer) કરી રહી છે. બીજી એક છબી છે. શ્રદ્ધાનો પર્વત પકડીને એક જણ વળગી રહ્યો છે, નીચે અતળ (સંસાર) સમુદ્ર. શ્રદ્ધા છોડી દે તો એકદમ ઊંડા પાણીમાં પડી જાય.
‘એ ઉપરાંત એક ચિત્ર છે : કેટલીક કુમારિકાઓ વરની વાટ જોઈને દીવામાં તેલ પૂરીને જાગતી બેસી રહી છે. જે સૂઈ ગઈ છે તે વરને જોઈ શકવાની નહિ. ઈશ્વરને વર તરીકે વર્ણવ્યો છે. (Parable of Ten Virgins)
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ મજાનું.
મણિલાલ – એ ઉપરાંત પણ છબીઓ છે : શ્રદ્ધાનું વૃક્ષ તેમજ પાપ અને પુણ્યની છબી. (Sin and Virtue)
શ્રીરામકૃષ્ણ (ભવનાથને) – સરસ મજાનાં ચિત્રો! તું જોવા જજે.
થોડીવાર પછી ઠાકુર કહે છે, ‘ક્યારેક ક્યારેક વિચાર કરું ત્યારે આ બધું ગમે નહિ. પહેલાં એક વાર ‘પાપ’ ‘પાપ’નો વિચાર કરી લેવો જોઈએ, કે કેમ કર્યે પાપમાંથી મુક્તિ મળે. પરંતુ ઈશ્વર-કૃપાથી એક વાર જો એના ઉપર પ્રેમ આવે, એક વાર જો રાગાત્મિકા ભક્તિ આવે તો પાપ-પુણ્ય બધું ભુલાઈ જાય. ત્યારે પછી નિયમ વિધિથી, શાસ્ત્રોના વિધાનથી જુદો પડી જાય. ‘પશ્ચાત્તાપ કરવો જોઈએ, પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ,’ એ બધી ચિંતાઓ પછી રહે નહિ.
‘જેમ કે વાંકીચૂંકી નદીના પાણી પર હોડી વડે કેટલીયે મુશ્કેલી અને કેટલીયે વાર પછી જવાના સ્થળે જાઓ. પણ જો પાણીની રેલ (પૂર) આવી જાય તો હોડી વડે સીધેસીધા થોડી વારમાં જવાને ઠેકાણે પહોંચી જવાય. ત્યારે તો કિનારે જ એક માથોડું પાણી!
‘આરંભની અવસ્થામાં ખૂબ ફરવું પડે, કેટલીય મહેનત લેવી પડે.’
પ્રેમભક્તિ આવ્યે ખૂબ સીધું. જેમ કે ખેતર ઉપરનું અનાજ લણાઈ જાય પછી ગમે તે બાજુએ થઈને સીધા જ ચાલ્યા જાઓ. તે પહેલાં જ્યારે મોલ ઊભા હોય ત્યારે, ખેતરના શેઢા ઉપર થઈને ફરી ફરીને જવું પડતું. પણ હવે તો ગમે તે બાજુએ થઈને જાઓ. જો જાર-બાજરાનાં ઠૂંઠાં ઊભાં હોય તો પગમાં જોડા પહેરીને ચાલીએ, પછી કંઈ તકલીફ નહિ. વિવેક, વૈરાગ્ય, ગુરુ-વાક્યમાં શ્રદ્ધા, એ બધાં હોય તો પછી કશી તકલીફ નહિ.’
(શ્રીરામકૃષ્ણ અને ધ્યાનયોગ, શિવયોગ, વિષ્ણુયોગ – નિરાકાર ધ્યાન અને સાકાર ધ્યાન)
મણિલાલ (શ્રીરામકૃષ્ણને) – વારુ. ધ્યાનનો શો નિયમ? ધ્યાન ક્યાં કરવું જોઈએ?
શ્રીરામકૃષ્ણ – હૃદય ડંકો મારેલું સ્થળ. હૃદયમાં ધ્યાન થઈ શકે, અથવા માથે સહસ્રારમાં. એ બધાં નિયમ પ્રમાણેનાં ધ્યાન, શાસ્ત્રમાં છે. છતાંય તમારી જ્યાં રુચિ હોય ત્યાં ધ્યાન કરી શકો. સઘળી જગા બ્રહ્મમય છે. બ્રહ્મ ક્યાં નથી?
‘નારાયણે જ્યારે બલિની પાસે ત્રણ પગલાંમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળને આવરી લીધાં, ત્યારે શું કોઈ સ્થળ બાકી હતું? જેવો ગંગાનો કિનારો પવિત્ર, તેવું જ જ્યાં ખરાબ માટી છે એ ઉકરડો પણ પવિત્ર. વળી એમ પણ છે કે આ સમસ્ત વિશ્વ ઈશ્વરની જ વિરાટ મૂર્તિ.’
‘નિરાકાર ધ્યાન અને સાકાર ધ્યાન. નિરાકાર ધ્યાન બહુ જ કઠણ. એ ધ્યાનમાં જે કંઈ જુઓ છો, સાંભળો છો એ બધું લીન થઈ જાય; કેવળ સ્વ-સ્વરૂપનું ચિંતન. એ સ્વરૂપનું ચિંતન કરીને શિવ નાચે. ‘હું કોણ,’ ‘હું કોણ,’ એમ કહીને નાચે!’
‘આને કહે છે શિવ-યોગ : ધ્યાનને વખતે દૃષ્ટિ કપાળે એકાગ્ર રાખવાની! ‘નેતિ’ ‘નેતિ’ કરીને જગત છોડીને સ્વ-સ્વરૂપનું ચિંતન!’
‘બીજો એક છે વિષ્ણુ-યોગ : નાકના અગ્રભાગ પર દૃષ્ટિ. અર્ધી જગતમાં, અર્ધી અંતરમાં, સાકાર ધ્યાન એ પ્રમાણે થાય.
‘શિવ ક્યારેક ક્યારેક સાકાર ચિંતન કરીને નાચે,’ ‘રામ’ ‘રામ’ કહીને નાચે.




