ઠાકુર પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં મહિમા વગેરેની સાથે હઠયોગી વિશે વાતો કરી રહ્યા છે. રામપ્રસન્ન ભક્ત કૃષ્ણકિશોરનો પુત્ર, એટલે ઠાકુર તેના પર સ્નેહ રાખે છે.

શ્રીરામકૃષ્ણ – રામપ્રસન્ન અમસ્તો આવી રીતે નકામો આંટા માર્યા કરે છે. તે દિવસે અહીં આવીને બેઠો, પણ જરા બે શબ્દો વાતચીત કરે, એ નહિ. પ્રાણાયામ કરીને નાક દબાવીને બેસી રહ્યો. મેં ખાવા દીધું તો ખાધું નહિ. બીજે એક દિવસે બોલાવીને પાસે બેસાડ્યો. તો પગ ઉપર પગ ચડાવીને બેઠો, કેપ્ટનની તરફ પગ રાખીને. એની માનું દુઃખ જોઈને આપણને રોવું આવે.

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – પેલા હઠયોગીની વાત તમને કહેવાનું કહ્યું છે. રોજનું સાડા છ આના ખરચ. આ બાજુ વળી ભાઈ સાહેબ પોતે કોઈને કહેવાના નહિ!

મહિમાચરણ – કહ્યું સાંભળે કોણ? (ઠાકુર અને બધાનું હાસ્ય).

ઠાકુર ઓરડાની અંદર આવીને પોતાને આસને બેઠા. શ્રીયુત્ મણિ સેન (પાણિહાટિના મંદિરવાળા) એક બે મિત્રોની સાથે આવ્યા છે અને ઠાકુરનો હાથ ખડી જવા સંબંધે પૂછગાછ કરી રહ્યા છે. તેના મિત્રોમાંથી એક જણ ડૉક્ટર.

ઠાકુર ડૉક્ટર પ્રતાપ મજુમદારની દવા લે છે. મણિ બાબુની સાથે આવેલા ડૉક્ટરે એ દવાની વ્યવસ્થામાં મંજૂરી ન આપી. ઠાકુર તેને કહે છે કે ‘એ (પ્રતાપ ડૉક્ટર) તો મૂરખ નથી, તો પછી તમે આમ કેમ બોલો છો?’

એ વખતે લાટુ ઊંચે અવાજે બોલી ઊઠ્યો કે ‘શીશી પડીને ફૂટી ગઈ છે!’

મણિ સેન હઠયોગીની વાત સાંભળીને કહે છે – હઠયોગી કોને કહેવાય? Hot એટલે ગરમ.

મણિ સેનના ડૉક્ટર વિશે ઠાકુરે ભક્ત લોકોને પછીથી કહ્યું – ‘હું એને ઓળખું છું. યદુ મલ્લિકને મેં કહ્યું હતું કે આ ડૉક્ટર તમારા ઓલંબાકુલ (આછી છાલવાળું, મોટા બીજવાળું કરમદા જેવું -બોર- ફળ). પેલા ડૉક્ટરથી પણ જાડી બુદ્ધિવાળા.

(શ્રીયુત્ માસ્ટર સાથે એકાંતમાં વાર્તાલાપ)

હજી સંધ્યા થઈ નથી. ઠાકુર પોતાના આસન ઉપર બેઠા બેઠા માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. માસ્ટર પાટની પાસે પગ-લૂંછણિયા પર પશ્ચિમાભિમુખ થઈને બેઠા છે. 

આ બાજુ મહિમાચરણ પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં બેઠા બેઠા મણિ સેનના ડૉક્ટરની સાથે ઊંચે અવાજે શાસ્ત્ર-ચર્ચા કરી રહ્યા છે. ઠાકુર પોતાના આસન ઉપરથી એ સાંભળી શકે છે અને જરા સ્મિત કરીને માસ્ટરને કહે છે : ‘એય જુઓ, પેલો ઝાપટે છે! રજોગુણ! રજોગુણથી જરા પંડિતાઈ દેખાડવાનું, લેક્ચર દેવાનું થાય. સત્ત્વગુણથી માણસ અંતર્મુખ થાય, અને ગુપ્તતા પસંદ કરે. પણ આ ખરો જણ! ઈશ્વરની વાતોમાં ખૂબ ઉલ્લાસ!

અધરે આવીને પ્રણામ કર્યા, અને માસ્ટરની પાસે બેઠા.

શ્રીયુત્ અધર સેન ડેપ્યુટી મેજિસ્ટ્રેટ. ઉંમર ત્રીસેક વરસની. કેટલાય દિવસથી, આખો દિવસ ઓફિસના કામકાજના પરિશ્રમ બાદ ઠાકુરની પાસે લગભગ રોજ સંધ્યાકાળ પછી આવે. એમનું ઘર કોલકાતામાં શોભા બજારના વાણિયાટોલામાં આવેલ છે. અધર કેટલાક દિવસથી આવ્યા ન હતા.

શ્રીરામકૃષ્ણ – કેમ ભાઈ, આટલા દિવસ સુધી આવતા ન હતા?

અધર – જી, કેટલાંક કામકાજમાં પડી ગયો હતો. સ્કૂલ માટેની સભા અને બીજીયે કેટલીય મિટિંગોમાં જવું પડ્યું હતું.

શ્રીરામકૃષ્ણ – ‘મિટિંગ’, ‘ઇસ્કૂલ’ વગેરે બધામાં (અહીંનું) એકદમ ભુલાઈ ગયેલું કે?

અધર (નમ્રતાથી) – જી, બધું વિસરાઈ ગયેલું. આપને હાથે કેમ છે?

શ્રીરામકૃષ્ણ – આમ જુઓ હજીયે મટ્યું નથી. પ્રતાપની દવા લેતો’તો. 

થોડી વાર પછી ઠાકુર અચાનક અધરને કહેવા લાગ્યા : ‘જુઓ, એ બધાં અનિત્ય. મિટિંગ, ઇસ્કૂલ, ઓફિસ એ બધાં અનિત્ય, ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. સંપૂર્ણ મન દઈને એની જ આરાધના કરવી ઉચિત.’

અધર ચૂપ બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – આ બધું અનિત્ય, શરીર તો ઘડીકમાં છે ને ઘડીકમાં નથી. માટે ઝટઝટ ઈશ્વરને સ્મરી લેવો જોઈએ. (ત્યાર પછી કેટલાક મહિના બાદ અધરે દેહત્યાગ કર્યાે.)

‘તમારે સર્વસ્વ ત્યાગ કરવાની જરૂર નહિ. કાચબીની પેઠે સંસારમાં રહો. કાચબી પોતે પાણીમાં ફરતી હોય; ડાં કાંઠે પડ્યાં હોય. પરંતુ કાચબીનું બધું મન જ્યાં એનાં ઇંડાં પડ્યાં હોય ત્યાં હોય.

‘કેપ્ટનનો સ્વભાવ મજાનો થયો છે. જ્યારે પૂજા કરવા બેસે, ત્યારે બરાબર જાણે કે એક ઋષિની પેઠે! આ બાજુ કપૂરની આરતી; સુંદર સ્તુતિ પાઠ કરે. પૂજા કરીને જ્યારે ઊઠે, ત્યારે આંખો જાણે કે કીડીઓ કરડી ન હોય તેવી લાલ! અને હંમેશાં ગીતા, ભાગવત એ બધાંનો પાઠ કરે. 

મેં એક બે અંગ્રેજી શબ્દો વાપરેલા; તેથી એ ગુસ્સે થઈ ગયા. કહે કે અંગ્રેજી ભણેલાઓ ભ્રષ્ટાચારી!

થોડી વાર પછી અધર અતિ વિનયપૂર્વક કહે છે : 

‘આપનું અમારે ઘેર ઘણા દિવસ થયાં આવવાનું થયું નથી. દીવાનખાનામાં જાણે કે ગંધ આવવા લાગી’તી, અને જાણે કે બધું અંધારું!’

ભક્તના એ શબ્દો સાંભળતાં જ ઠાકુરનો સ્નેહ-સાગર જાણે કે ઊછળી ઊઠ્યો. અચાનક ઊભા થઈ જઈને ભાવ-અવસ્થામાં અધર અને માસ્ટરના મસ્તકે અને હૃદયે સ્પર્શ કરીને આશીર્વાદ આપ્યા, અને સ્નેહપૂર્વક બોલી ઊઠ્યા કે ‘હું તમને નારાયણરૂપે જોઉં છું! તમે જ મારા પોતાના માણસો!’

હવે મહિમાચરણ ઓરડાની અંદર આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – તમે ધૈર્ય-રેતાની વાત જે કહેતા હતા તે બરાબર છે. વીર્ય-ધારણ કર્યા વિના આ બધા ઉપદેશની ધારણા થાય નહિ.

‘એક જણે ચૈતન્યદેવને કહ્યું કે, ‘આપ આમને (ભક્તોને) આટલો આટલો ઉપદેશ આપો છો, છતાં તે પ્રમાણે તેમની ઉન્નતિ થતી નથી કેમ? ચૈતન્યદેવ બોલ્યા કે ‘તેઓ સ્ત્રી-સંગ કરીને બધું વેડફી નાખે છે! એટલે ધારણા કરી શકે નહિ! ફૂટેલા ઘડામાં પાણી રાખ્યે, ધીમે ધીમે પાણી નીકળી જાય!’

મહિમા વગેરે ભક્તો ચૂપ થઈને બેઠા છે. 

થોડીક વાર પછી મહિમાચરણ કહે છે કે આપ ઈશ્વરની પાસે અમારી વતી પ્રાર્થના કરો કે જેથી અમારામાંય એ શક્તિ આવે.

શ્રીરામકૃષ્ણ – હજીયે સાવચેત થાઓ. 

અષાઢ મહિનાનું પાણી ખરું, તેને રોકવું કઠણ. પણ પાણી ઘણુંય તો નીકળી ગયું છે, હવે બંધ બાંધ્યે રહી શકશે.

Total Views: 404
ખંડ 19: અધ્યાય 19 : ઠાકોરદાદા અને મહિમાચરણને ઉપદેશ
ખંડ 19: અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ સાથે પ્રાણકૃષ્ણ, ‘માસ્ટર’, ‘રામ’, ‘ગિરીન્દ્ર’ અને ગોપાલ