પ્રસાદ લીધા પછી ઠાકુર સહેજ આરામ લે છે. એટલામાં રામ, ગિરીન્દ્ર અને બીજા કેટલાક ભક્તો આવી પહોંચ્યા. ભક્તોએ જમીન પર માથું નમાવીને પરમહંસદેવને પ્રણામ કર્યા, અને પછી પોતપોતાના આસને બેઠા.

શ્રીયુત્ કેશવચંદ્ર સેનના નવવિધાનની વાત નીકળી.

રામ (શ્રીરામકૃષ્ણને) – મહાશય! નવવિધાનથી કોઈને કાંઈ ફાયદો થતો હોય એમ મને તો લાગતું નથી. કેશવ બાબુ જો સાચા હોત તો પછી તેમના શિષ્યોની અવસ્થા આવી કેમ? મારા મત પ્રમાણે તો એની અંદર કાંઈ નથી. જેમ કે અંદર ઠીકરાં ખખડાવી ખખડાવીને પછી ઓરડાને તાળું મારવું. માણસો જાણે કે ખૂબ રૂપિયા ખખડે છે. પણ અંદર એકલાં ઠીકરાં. બહારના માણસો અંદરના ખબર કાંઈ જાણે નહિ.

શ્રીરામકૃષ્ણ – કાંઈક સાર છે જરૂર! જો ન હોત તો આટલા માણસો કેશવને માનત શું કામ? શિવનાથને કેમ માણસો ઓળખતા નથી? ઈશ્વરની ઇચ્છા ન હોય તો આમ થઈ શકે નહિ.

પરંતુ સંસારનો ત્યાગ કર્યા વિના આચાર્યનું કામ થઈ શકે નહિ. લોકો તેનું કહેવું માને નહિ. કહેશે કે એ તો સંસારી માણસ, એ પોતે કામિની-કાંચનનો છાનોમાનો ઉપયોગ કરે છે, અને આપણને કહે છે કે ‘ઈશ્વર સત્ય અને સંસાર સ્વપ્નવત્ અનિત્ય’. સર્વત્યાગી ન હોય તો તેની વાત બધા લોકો સાંભળે નહિ. સંસારીઓમાંથી કોઈ કોઈ તેમની વાત માની શકે. કેશવ ગૃહસ્થાશ્રમી હતા, એટલે જ સંસાર ઉપર પણ તેમનું મન હતું. પોતાનો સંસાર તો સંભાળવો જોઈએ ને? એટલે આટલાં બધાં લેક્ચર દીધાં, પણ ઘરબાર-સંસાર પાકો કરીને રાખી ગયા છે. એવો મોટો તો જમાઈ! મેં કેશવના ઘરની અંદર જઈને જોયું તો મોટા મોટા પલંગ! સંસાર કરવા જાઓ, એટલે એક પછી એક બધું આવીને ભેગું થાય. ભોગનું સ્થાન જ સંસાર!

રામ – એ પલંગ વગેરે ઘરના ભાગલા પડતી વખતે કેશવ સેનને ભાગમાં મળ્યાં હતાં. મહાશય, ગમે તેમ તે કહો, પણ વિજય બાબુએ કહ્યું કે કેશવ સેન એવી વાત વિજય બાબુને કહેતા હતા કે ‘હું ક્રાઈસ્ટ અને ગૌરાંગનો અંશ; તમે કહો કે તમે અદ્વૈત ગોસ્વામી!’ વળી કહે છે શું, ખબર છે? આપ પણ નવ-વિધાની! (ઠાકુરનું અને સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – કોણ જાણે બાપુ, પણ મને તો નવવિધાનના અર્થનીયે ખબર નથી! (સૌનું હાસ્ય).

રામ – કેશવના શિષ્યો કહે કે જ્ઞાન અને ભક્તિનો પ્રથમ સમન્વય કેશવ બાબુએ કર્યાે!

શ્રીરામકૃષ્ણ (નવાઈ પામી જઈને) – એ શી વાત! તો પછી અધ્યાત્મ (રામાયણ) શું? નારદ રામચંદ્રની સ્તુતિ કરવા લાગ્યા કે ‘હે રામ,! વેદમાં જે પરબ્રહ્મની વાત છે તે આપ જ. આપ જ મનુષ્યરૂપે અમારી પાસે રહ્યા છો, આપ જ અમને મનુષ્યરૂપે દેખાઓ છો. વાસ્તવિક રીતે તમે મનુષ્ય નથી, તમે તે જ પરબ્રહ્મ!’ રામચંદ્ર બોલ્યા ‘નારદ! તમારા પર હું બહુ જ પ્રસન્ન થયો છું, તમે વરદાન માગો’. નારદ બોલ્યા, ‘રામ! બીજું શું વરદાન માગું? તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આપો, અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત કરો મા. ‘અધ્યાત્મ (રામાયણ)માં કેવળ જ્ઞાન-ભક્તિની જ વાત છે!’

કેશવના શિષ્ય અમૃતની વાત નીકળી.

રામ – અમૃત બાબુનો ભાવ જાણે કે બદલાઈ ગયો છે!

શ્રીરામકૃષ્ણ – હા, તે દિવસે તેને બહુ જ દૂબળો જોયો!

રામ – મહાશય! બ્રાહ્મ-સમાજના લેક્ચરની વાત સાંભળો. જ્યારે ખોલ વાગે, તે વખતે બોલે કે ‘કેશવની જય!’ આપ કહો છો ને, કે નાના ખાબોચિયામાં શેવાળ જામે. એટલે એક દિવસ લેક્ચરમાં અમૃત બાબુ બોલ્યા કે ‘સાધુ ભલે કહે કે નાના ખાબોચિયામાં શેવાળ જામે; પણ ભાઈઓ, સંપ્રદાય જોઈએ, સંપ્રદાય જોઈએ! હું સાચું કહું છું, સાચું કહું છું કે સંપ્રદાય જોઈએ!’ (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – આ શું! છી! છી! છી! આ તે શું લેક્ચર!

કોઈ કોઈને પોતાનાં વખાણ ગમે એ વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ – નિમાઈ-સંન્યાસનું નાટક ભજવવાનું હતું. કેશવને ઘેર મને લઈ ગયા હતા. તે દિવસે જોયું તો કેશવ અને પ્રતાપને કોઈ એક જણાએ કહ્યું કે ‘આ બન્ને જણ ગૌર-નિતાઈ. એટલે પ્રસન્ને મને પૂછ્યું કે તો પછી આપ કોણ? મેં જોયું કે કેશવ જોઈ રહ્યા કે હું શું જવાબ દઉં છું એ જોવા માટે, મેં કહ્યું કે ‘હું તમારા દાસોનો દાસ, તમારા પગની રજની રજ!’.  

કેશવ હસીને કહે છે, ‘એ પકડાવા દે એવા નથી.’

રામ – કેશવ બાબુ ક્યારેક ક્યારેક કહેતા કે આપ ‘જ્હોન ધી બેપ્ટિસ્ટ!’ (જીસસ ક્રાઈસ્ટના પુરોગામી, તથા તેમને દીક્ષા આપનાર. તેમણે જ સૌથી પ્રથમ જીસસ ક્રાઈસ્ટને અવતાર તરીકે જાહેર કર્યા.)

એક ભક્ત – વળી ક્યારેક ક્યારેક કેશવ બાબુ કહેતા કે ઓગણીસમી સદી (Nineteenth Century)ના ચૈતન્ય આપ.

શ્રીરામકૃષ્ણ – એનો અર્થ શું?

ભક્ત – આ અંગ્રેજી ઓગણીસમા સૈકામાં ચૈતન્યદેવ વળી પાછા આવ્યા છે; તે આપ.

શ્રીરામકૃષ્ણ (બેધ્યાન થઈને) – એ બધું તો થયું, હવે આ હાથને આરામ કેવી  રીતે થશે એ કહો જોઈએ. (થોડા દિવસ પહેલાં શ્રીરામકૃષ્ણ પડી ગયા અને એમનો હાથ ભાંગી ગયો હતો. હાથમાં ખપાટ બાંધીને તેની ઉપર પાટો વાળ્યો  હતો તે હજી પણ એમ ને એમ છે.) અત્યારે તો હું એક જ ચિંતામાં પડ્યો છું કે આ હાથ કેવી રીતે મટે! ત્રૈલોક્યના કીર્તનની વાત નીકળી. ત્રૈલોક્ય કેશવના બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરનાં નામગુણ-કીર્તન કરતા.

શ્રીરામકૃષ્ણ – આહા! ત્રૈલોક્યનાં ગીત કેવાં સરસ!

રામ – શું એ બધાંનો ભાવ બરાબર છે?

શ્રીરામકૃષ્ણ – હા, બરાબર. જો તેમ ન હોય તો મન આટલું બધું ખેંચાય શા માટે?

રામ – એ ગીત બધાં આપનો જ ભાવ લઈને રચ્યાં છે. કેશવ સેન ઉપાસના વખતે એ બધા ભાવોનું વર્ણન કરતા, અને ત્રૈલોક્ય બાબુ એ પ્રમાણે ગીત રચતા. આમ જુઓને આ ગીત-

પ્રેમના બજારમાં આનંદનો મેળો,

હરિ ભક્તો સંગે, રસ-રંગે, ખેલે ભક્ત ભેળો!…

‘આપ ભક્તો સંગે આનંદ કરો, તે જોઈ જોઈને આ બધાં ગીતો રચાયાં!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે મને વધુ પજવો મા, બાપુ!.. અને પાછા વળી મને એમાં સંડોવો છો શું કામ? (સૌનું હાસ્ય).

ગિરીન્દ્ર – બ્રાહ્મ-સમાજીઓ કહે કે પરમહંસદેવમાં Faculty of Organisation નથી.

શ્રીરામકૃષ્ણ – એનો અર્થ શો?

માસ્ટર – આપ સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી! એટલે કે આપનામાં બુદ્ધિ ઓછી છે, એમ કહે છે. (સૌનું હાસ્ય)

શ્રીરામકૃષ્ણ (રામને) – હવે કહો જોઉં કે મારો હાથ શું કરવા ખડી ગયો? તમે ઊભા થઈને એના ઉપર એક લેક્ચર આપો! (સૌનું હાસ્ય).

(બ્રાહ્મસમાજ અને વૈષ્ણવ અને શાક્તોને સાંપ્રદાયિકતા વિશે ઉપદેશ)

શ્રીરામકૃષ્ણ – બ્રાહ્મ-સમાજીઓ પરમાત્માને નિરાકાર નિરાકાર કહે, તે ભલે. અંતરથી તેને બોલાવે તો બસ. જો આંતરિક હોય તો પરમાત્મા તો અંતર્યામી છે. તે જરૂર જણાવી દે કે તેમનું સ્વરૂપ શું!

‘પરંતુ આ સારું નહિ, એમ કહેવું કે અમે જે સમજ્યા છીએ એ જ બરાબર અને બીજા જે કાંઈ કહે છે તે બધું ખોટું. અને અમે પરમાત્માને નિરાકાર કહીએ છીએ માટે પરમાત્મા નિરાકાર જ, ને સાકાર નહિ. અથવા સાકાર કહીએ છીએ માટે પરમાત્મા સાકાર જ, ને નિરાકાર નહિ. માણસ શું પરમાત્મા વિશે એ આવો જ કે આટલો જ એમ કહી શકે?

‘એ જ પ્રમાણે વૈષ્ણવો તથા શાક્તોની વચ્ચે દ્વેષાદ્વેષી! વૈષ્ણવો કહેશે કે ઉદ્ધાર કરનાર, એક માત્ર અમારા કેશવ! શાક્તો કહેશે કે અમારી ભગવતી!

‘વૈષ્ણવચરણને હું મથુરબાબુની પાસે લઈ ગયો હતો. વૈષ્ણવચરણ વૈરાગી. મોટો પંડિત, પણ ચુસ્ત વૈષ્ણવ. આ બાજુ મથુરબાબુ ભગવતીનો ભક્ત. મજાની વાતો થતી હતી. એટલામાં વાતમાં ને વાતમાં વૈષ્ણવચરણે બોલી નાખ્યું કે ‘મુક્તિ દેવાને સમર્થ એક માત્ર કેશવ જ!’ એ સાંભળતાંની સાથે મથુરબાબુનું મોઢું લાલ થઈ ગયું! તે બોલી ઊઠેલા કે ‘સાલો મારો! (સૌનું હાસ્ય). શાક્ત ખરો કે નહિ? એટલે બોલે નહિ?’ હું વળી વૈષ્ણવચરણની પીઠ થાબડું!’

‘જેટલા માણસો જોઉં છું, જે બધા ધરમ ધરમ કરે, એ બધા એક બીજાની સાથે ઝઘડો કરે, બીજો ત્રીજાની સાથે! હિંદુ, મુસલમાન, બ્રાહ્મ-સમાજી, શાક્ત, વૈષ્ણવ, શૈવ, બધા પરસ્પર ઝઘડે. એટલી અક્કલ નહિ, કે જેને કૃષ્ણ કહો છો, તેને જ શિવ, તેને જ આદ્ય-શક્તિ કહેવામાં આવે છે, એમને જ ઈશુ અને અલ્લાહ કહે છે. એક રામ તેનાં હજાર નામ.’

‘વસ્તુ એક, તેનાં નામ જુદાં જુદાં. સૌ કોઈ એક જ વસ્તુને ઇચ્છે છે. પણ અલગ સ્થાન, અલગ પાત્ર, અલગ નામ. એક તળાવને કેટલાય ઘાટ બાંધેલા છે. હિંદુઓ એક ઘાટે ઘડો લઈને પાણી ભરે છે ને કહે છે ‘જળ’. મુસલમાનો બીજે એક ઘાટે પાણી ભરે છે મશક લઈને, તેઓ કહે છે ‘પાની.’ ખ્રિસ્તીઓ ત્રીજે એક ઘાટે પાણી ભરે છે, તેઓ કહે છે ‘વોટર’. 

(સૌનું હાસ્ય).

‘જો કોઈ કહે કે ના, આ વસ્તુ જળ નથી પણ પાની છે, કે પાની નથી વોટર છે, કે વોટર નહિ જળ છે, તો એ તો હસવા જેવી વાત થાય. એટલે વાડાબંધી, મન ખાટાં થવાં, ઝઘડા, ધર્મને નામે લાકડીઓ ઉડાડવી, મારામારી, કાપાકાપી, એ બધું સારું નહિ. સૌ કોઈ ઈશ્વરની પ્રાપ્તિના પથે ચાલે છે. અંતરની ભાવના કેળવવાથી, વ્યાકુળ બનવાથી ઈશ્વરલાભ કરી શકો.

(મણિને) – તમે આટલું આ સાંભળી જાઓ : ‘વેદ, પુરાણ, તંત્ર, બધાં શાસ્ત્રો એ પરમાત્માને જ ઇચ્છે છે, બીજા કોઈને ઇચ્છતાં નથી. એ એક સચ્ચિદાનંદને જ. વેદમાં જેને સચ્ચિદાનંદ બ્રહ્મ કહેલ છે, તંત્રોમાં તેને જ સચ્ચિદાનંદ શિવ કહેલ છે, તેને જ વળી પુરાણમાં સચ્ચિદાનંદ કૃષ્ણ કહેલ છે!

શ્રીરામકૃષ્ણે સાંભળ્યું છે કે રામ વચ્ચે વચ્ચે ઘેર હાથે રાંધીને ખાય છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – તમેય શું હાથે રાંધીને ખાઓ છો?

મણિ – જી ના.

શ્રીરામકૃષ્ણ – જુઓ, જરા ગાયનું ઘી નાખીને જમવું. એથી શરીર-મન મજાનાં શુદ્ધ થતાં લાગશે.

Total Views: 333
ખંડ 19: અધ્યાય 22 : શ્રીરામકૃષ્ણ અને સત્યકથા - નરલીલામાં શ્રદ્ધા રાખો
ખંડ 19: અધ્યાય 24 : પિતા ધર્મઃ, પિતા સ્વર્ગઃ, પિતા જ પરંતપઃ