રામના ઘરસંસારની ઘણીએ વાતો થાય છે. રામના પિતા પરમ વૈષ્ણવ. ઘરમાં શ્રીધરની સેવા. રામના પિતાએ બીજી વાર લગ્ન કર્યું હતું. રામની ઉંમર એ વખતે ખૂબ નાની. પિતા અને સાવકી મા રામના ઘરમાં જ રહેતાં. પણ સાવકી માની સાથે રહીને રામ કંઈ સુખી થયેલા નહિ. અત્યારે તો સાવકી માની ઉંમર પણ ચાળીશે પહોંચી ગયેલી. સાવકી માને લીધે પિતાની ઉપર પણ રામ વચ્ચે વચ્ચે રીસ કરે. આજે એ બધી વાતો થઈ રહી છે.

રામ – બાપા બગડી ગયા છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – સાંભળ્યું કે? બાપા બગડી ગયા છે! અને ભાઈ પોતે સારા છે!

રામ – એ (સાવકી મા) ઘરમાં આવે ને અશાંતિ ઊભી થાય! કાંઈક ને કાંઈક કંકાસ થાય જ. અમારો સંસાર ચૂંથાઈ જાય. એટલે કહું છું કે એ એના બાપને ઘેર જઈને રહે નહિ કાં?

ગિરીન્દ્ર (રામને) – તમારી સ્ત્રીનેય એ પ્રમાણે તેના બાપને ઘેર રાખો ને? (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – અરે, આ તે શું લોટા વાટકા છે, કે હાંડલી એક બાજુએ પડી રહે ને ઢાંકણું બીજી બાજુએ પડ્યું રહે? શિવ એક બાજુએ અને શક્તિ બીજી બાજુએ?

રામ – મહાશય! અમે આનંદમાં રહીએ, પણ એ આવે એટલે ઘરમાં કંકાસ ઘૂસે, એવી સ્થિતિમાં –

શ્રીરામકૃષ્ણ – હાં, પણ અલાયદું મકાન બનાવીને આપી શકો. એ જુદી વાત. મહિને મહિને બધો ખર્ચ આપવો. માતાપિતા કેટલાં મોટાં ગુરુજન? રાખાલ મને પૂછે કે બાપની થાળીમાં ખવાય? મેં કહ્યું કે એ શું વળી? તને શું થયું છે કે તું તારા બાપાના ભાણામાં ખાય નહિ? 

પરંતુ એક વાત છે. જેઓ સજ્જન, તેઓ પોતાનું એઠું કોઈને પણ આપે નહિ. એટલે સુધી કે એઠું કૂતરાને પણ અપાય નહિ.

(ગુરુની ઇષ્ટભાવે પૂજા – ગુરુ કુચરિત્રવાળા હોય તો પણ ગુરુત્યાગ નિષેધ)

ગિરીન્દ્ર – મહાશય! માબાપે જો કોઈ મોટો ગુનો કર્યાે હોય, યા કોઈ ભયંકર પાપ કર્યું હોય તો?

શ્રીરામકૃષ્ણ – તે ભલે કર્યું હોય. મા વ્યભિચારિણી નીવડે તોય તેનો ત્યાગ કરવો નહિ. અમુક બાબુના ગુરુની સ્ત્રી ચરિત્ર-ભ્રષ્ટ થવાથી તેઓએ કહ્યું કે તેના છોકરાને ગોર-પદે સ્થાપો. મેં કહ્યું કે એ શું વળી? ઝાડને મૂકીને ઝાડની ડાળ લેવી? બગડી તો શું થયું? તમે તેને ઇષ્ટરૂપે જાણો.

‘ભલે મારા ગુરુ કલાલને ઘેર જાય, તોય મારા ગુરુ નિત્યાનંદ રાય,’

(ચૈતન્યદેવ અને મા – મનુષ્યનું ઋણ – Duties)

‘માબાપ શું જેવી તેવી વસ્તુ? તેઓ પ્રસન્ન ન રહે તો ધરમ-બરમ કાંઈ ન થાય. ચૈતન્યદેવ તો ઈશ્વર-પ્રેમમાં ઉન્મા, તોય સંન્યાસ લેતાં પહેલાં કેટલાય દિવસ સુધી માને સમજાવે. કહે, ‘મા! હું વચ્ચે વચ્ચે આવીને તમને મળી જઈશ.’ 

(માસ્ટરને ઠપકો આપતાં) અને તમને કહું છું, કે માબાપે મોટા કર્યા, હવે તો કેટલાંક છોકરાં છૈયાં પણ થયાં, અને પત્નીને લઈને ચાલી નીકળવું! માબાપને છેતરીને સ્ત્રીપુત્રાદિકને લઈને પેલા ભરથરી વેરાગી-વેરાગણની જેમ બહાર નીકળી આવવું? આ તો ઠીક છે કે તમારા બાપને કોઈ વાતે તોટો નથી એટલે; નહિતર તમને કહેત કે ધિક્કાર! (આખી ભક્ત-મંડળી સ્તબ્ધ.) 

માણસ ઉપર કેટલાંક ઋણ છે : દેવ-ઋણ, ઋષિ-ઋણ, વળી માતૃ-ઋણ, પિતૃ-ઋણ, સ્ત્રી-ઋણ છે. માબાપનું ઋણ વાળ્યા વિના કશું કાર્ય સિદ્ધ થાય નહિ. સ્ત્રી પ્રત્યે પણ ઋણ છે. હરીશ તેની સ્ત્રીનો ત્યાગ કરીને અહીં આવીને રહ્યો છે, તેણે જો તેની સ્ત્રીના ભરણ-પોષણની વ્યવસ્થા ન કરી હોત તો હું કહેત કે જા સાલા!

‘જ્ઞાન થયા પછી એ જ સ્ત્રી દેખાય કે સાક્ષાત્ જગદંબા. ચંડીમાં છે : યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા। ભગવતી જ મા-રૂપે થઈ રહેલ છે.

જેટલી સ્ત્રીઓ જુઓ તે બધી એ ભગવતી પોતે જ. એટલા માટે હું વૃંદાને કાંઈ કહી શકું નહિ! (વૃંદા શ્રીઠાકુરની કામવાળી હતી. બંગાળી ૧૨ અષાઢ ૧૨૮૪, સોમવાર સ્નાનપૂર્ણિમા, અંગ્રેજી ૨૫ જૂન, ૧૮૭૭માં તેની નિમણૂક થઈ હતી.) કોઈ કોઈ માણસો મોટા મોટા શોલોક (શ્લોક) ઝાપટે, લાંબી લાંબી વાતો કરે, પરંતુ વ્યવહાર જુદી જ જાતનો! રામપ્રસન્ન (અેંડેદાના ભક્ત કૃષ્ણકિશોરના પુત્ર) પેલા હઠયોગી માટે કેમ કરીને અફીણ અને દૂધની સગવડ થાય, એ જ કરતો ફરે છે. વળી કહેશે કે મનુ-સ્મૃતિમાં સાધુ-સેવાનું કહેલું છે. આ બાજુ વૃદ્ધ માને બિચારીને ખાવાના વાંધા! બિચારીને દોઢિયાની ચીજ લેવા પોતાને જ બજારમાં જવું પડે છે. ન ચડતી હોય તોય ચીડ ચડે ને!

(બધા ઋણમાંથી કોણ મુક્ત? – સંન્યાસી અને કર્તવ્ય)

‘પરંતુ એક વાત છે. જો પ્રેમોન્માદ થાય તો પછી કોણ બાપ, કોણ મા, કે કોની પત્ની? ઈશ્વર ઉપર એટલો બધો પ્રેમ, કે પાગલ જેવો થઈ ગયો હોય. એને માટે કશું કર્તવ્ય નહિ. એ બધાં ઋણથી મુક્ત. પ્રેમોન્માદ શેના જેવો? એ અવસ્થા આવે તો જગત તો ભુલાઈ જાય, પણ પોતાનો દેહ કે જે આટલી પ્રિય વસ્તુ એ પણ ભુલાઈ જાય! એ પ્રેમોન્માદ ચૈતન્યદેવને થયો હતો. કૂદકો મારીને સમુદ્રમાં પડ્યા હતા, સમુદ્રનો ખ્યાલ નહિ! જમીન પર વારે વારે પછડાટ ખાઈને પડતા- ભૂખ નહિ, તરસ નહિ, ઊંઘ નહિ, શરીરનો ખ્યાલ જ નહિ!’

(શ્રીયુત્ વૃદ્ધ ગોપાલની તીર્થયાત્રા – ઠાકુર હાજર, તીર્થ શા માટે? – અધરનું આમંત્રણ – રામનું અભિમાન – ઠાકુર મધ્યસ્થી)

(વૃદ્ધ ગોપાલનું નિવાસસ્થાન સિંથિ, ઠાકુરના એક સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદ, ઠાકુર એમને વૃદ્ધ ગોપાલ કહીને બોલાવે છે)

ઠાકુર ‘હા ચૈતન્ય!’ એમ બોલી ઊઠ્યા. (ભક્તોને) ચૈતન્ય એટલે અખંડ ચૈતન્ય. વૈષ્ણવચરણ કહેતો કે ગૌરાંગ, એ અખંડ ચૈતન્યનો એક પરપોટો.

શ્રીરામકૃષ્ણ (વૃદ્ધ ગોપાલને) – તમને હજીયે તીર્થે જવાની ઇચ્છા છે?

વૃદ્ધ ગોપાલ- જી હા. જરા ફરી આવું.

રામ (વૃદ્ધ ગોપાલને) – આ (ઠાકુર) કહે છે કે પ્રથમ બહૂદક, પછી કુટિચક. જે સાધુ અનેક તીર્થાેમાં ભ્રમણ કરે તેનું નામ બહૂદક. જેની ભ્રમણ કરવાની ઇચ્છા મરી ગઈ છે અને જે એક જગ્યાએ સ્થિર થઈને આસન કરીને બેસે, તેને કહે કુટિચક. ઠાકુર બીજી એક વાત કહે છે. એક પક્ષી એક જહાજના કૂવાથંભ ઉપર બેઠું હતું. જહાજ ગંગામાંથી નીકળીને દરિયાના કાળા પાણીમાં ક્યારે આવી પડ્યું તેનો તેને ખ્યાલ આવ્યો નહિ. જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે કિનારો કઈ બાજુએ છે એ જાણવા સારુ તે ઉત્તર દિશાએ ઊડી ગયું. પણ ક્યાંય પાણીનો અંત કે કિનારો નજરે ચડ્યો નહિ. એટલે એ પાછું આવ્યું. જરાક વાર વિસામો ખાઈને એ દક્ષિણ બાજુએ ગયું. એ બાજુએ પણ કિનારો ક્યાંય દેખાયો નહિ, એટલે હાંફતું હાંફતું પાછું આવ્યું. વળી જરાક થાક ખાઈને પૂર્વ દિશામાં અને પછી પશ્ચિમ દિશામાં ગયું. જ્યારે જોયું કે કોઈ બાજુએ કિનારો નથી, ત્યારે શાંત થઈને કૂવાથંભ ઉપર બેસી રહ્યું.

શ્રીરામકૃષ્ણ (વૃદ્ધ ગોપાલ અને ભક્તોને) – જ્યાં સુધી એમ લાગે કે ઈશ્વર ત્યાં ત્યાં, ત્યાં સુધી અજ્ઞાન; જ્યારે લાગે કે ઈશ્વર અહીંયાં અહીંયાં, ત્યારે જ જ્ઞાન.

‘એક જણને રાતે હોકો પીવાની તલબ થઈ. તે પાડોશીને ઘેર દેવતા માગવા ગયો. રાતે મોડું થઈ ગયું હતું એટલે પેલા લોકો બધા સૂઈ ગયા હતા. ઘણી વાર સુધી ટકોરા માર્યા પછી એક જણ બારણું ઉઘાડવા મેડી પરથી નીચે ઊતરી આવ્યો. બારણું ઉઘાડીને પેલાને જોઈને કહે છે કે ‘કેમ ભાઈ, શું કામ પડ્યું આટલી મોડી રાતે?’ એ માણસે કહ્યું, ‘અરે શું કામ પડ્યું એમ પૂછો છો? આપણને હોકાનું બંધાણ છે, એ તો જાણો છો ને? એટલે દેવતા લેવા આવ્યો છું!’ ત્યારે એ પાડોશીએ જવાબ આપ્યો, ‘વાહ ભાઈ! તમે તો બહુ સારા માણસ! આટલી તકલીફ વેઠીને આવવું અને બારણે આટલી ધમાલ કરવી! આ ફાનસ તો તમારા હાથમાં જ રહ્યું છે!’ (સૌનું હાસ્ય). જે માગે છે તે જ પાસે છે, છતાં માણસો ઠેકઠેકાણે ભમે!’

આથી ઠાકુર શું સૂચન કરે છે કે તે પોતે જ હાજર છે, તો પછી તીર્થે જવું શા માટે?

રામ – મહાશય, હવે આનો અર્થ સમજું છું કે ગુરુ શા માટે કોઈ કોઈ શિષ્યને કહે કે ચાર ધામ કરી આવ. જ્યારે શિષ્ય એક વાર ફરી આવીને જુએ કે જેવું અહીં તેવું જ ત્યાં, ત્યારે વળી ગુરુની પાસે પાછો આવે. એ બધું કેવળ ગુરુ-વાક્યમાં શ્રદ્ધા બેસાડવા માટે.

વાતો જરા બંધ પડી. ઠાકુર રામનાં વખાણ કરે છે. શ્રીરામકૃષ્ણ (ભક્તોને) આહા, રામમાં કેટલા ગુણ! કેટલી ભક્તોની સેવા, અને તેમની સગવડ સાચવવી! (રામને) અધર કહેતો હતો કે તમે તેની ખૂબ ખાતર-બરદાસ કરી હતી!

અધરનું મકાન શોભા બજારમાં. તે ઠાકુર શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત. તેમણે ઘેર ચંડીનું કીર્તન કરાવ્યું હતું. ઠાકુર અને ઘણા ભક્તો આવ્યા હતા. પરંતુ અધર રામને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હતા. રામ રહ્યા બહુ અભિમાની. આ બાબતનો તેણે બીજા ભક્તો પાસે ધોખો કરેલો. એટલે અધર રામને ઘેર ગયેલા. રામને આમંત્રણ ન મોકલવામાં પોતાની ભૂલ થઈ હતી, એ માટે દિલગીરી બતાવવા ગયા હતા.

રામ – એમાં અધરનો વાંક નથી, મને ખબર પડી છે. એ વાંક છે રાખાલનો. આમંત્રણ આપવાનો ભાર રાખાલના ઉપર હતો.

શ્રીરામકૃષ્ણ – રાખાલનો વાંક કઢાય નહિ. તેનું ગળું દાબો તો ધાવણ બહાર આવે!

રામ – મહાશય! વાત શું કરો છો? ચંડીનું કીર્તન થયું…

શ્રીરામકૃષ્ણ – અધરને એ ખબર ન હતી. આમ જુઓ ને, તે દિવસે મારી સાથે યદુ મલ્લિકને ઘેર તે આવ્યો હતો. પાછા આવતી વખતે મેં પૂછ્યું કે ‘તમે સિંહવાહિનીની પાસે પ્રણામી મૂકી કે નહિ?’ તે કહે કે ‘મહાશય! મને ખબર નહિ કે પ્રણામી મૂકવી જોઈએ!’ અને કદાચ ન કહેવડાવ્યું હોય તો પણ હરિ-નામ-કીર્તન સાંભળવા જવામાં વાંધો શો? જ્યાં હરિ-કીર્તન હોય ત્યાં કહ્યું ન હોય તોય જવાય, નોતરાની જરૂર નહિ!’

Total Views: 262
ખંડ 19: અધ્યાય 23 : શ્રી કેશવચંદ્ર સેન અને નવવિધાન - નવવિધાનમાં સાર છે
ખંડ 19: અધ્યાય 25 : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ - ફલહારિણી પૂજા અને વિદ્યાસુંદરની યાત્રા