(દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, રાખાલ-સ્વામી બ્રહ્માનંદ, અધર, 

હરિ-સ્વામી તુરીયાનંદ, વગેરે ભક્તો સાથે)

ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના પેલા પરિચિત ઓરડામાં બેઠા છે. સમય સવારના અગિયારનો. રાખાલ, માસ્ટર, વગેરે ભક્તો એ ઓરડામાં હાજર છે. આગલી રાત્રે ફલહારિણી કાલી-પૂજા થઈ ગઈ છે. એ ઉત્સવ પ્રસંગે સભામંડપમાં પાછલી રાતથી નાટક થાય છે, વિદ્યા-સુંદર નાટક. શ્રીરામકૃષ્ણ સવારે મંદિરમાં માતાજીનાં દર્શન કરવા જતાં જરાક નાટક પણ જોઈ આવ્યા છે. નાટક કરવાવાળાઓ સ્નાન કરી આવીને ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવ્યા છે.

આજ શનિવાર, (૧૨ ેષ્ઠ, ૧૨૯૧ બંગાબ્દ) ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ.

જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે ઈશ્વરની વાતો કરે છે. ભક્તો રસપૂર્વક તે સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (વિદ્યાનો પાઠ લેનારને) – તમારો અભિનય સરસ થયો છે. જો કોઈ ગાવા, બજાવવા, નાચવા કે બીજી કોઈ પણ એક વિદ્યામાં સારો થાય, એ જો પ્રયાસ કરે તો જલદી ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે.

(નાટકવાળાને અને ચાનકના સિપાઈઓને ઉપદેશ – અભ્યાસયોગ, ‘મૃત્યુને યાદ કરો’)

અને તમે લોકો જેમ ખૂબ તાલીમ લઈને ગાવા, બજાવવા કે નાચવાનું શીખો છો, તે પ્રમાણે ઈશ્વરમાં મન પરોવવાનો અભ્યાસ કરવો જોઈએ. પૂજા, જપ, ધ્યાન વગેરે બધાં નિયમિત રીતે કર્યે જવાં જોઈએ. (અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય, ગીતા-૧૨.૯)

તમારો વિવાહ થયો છે? છોકરાં છૈયાં?

વિદ્યા-અભિનેતા – જી, એક દીકરી મરી ગઈ; બીજું એક સંતાન થયું છે.

શ્રીરામકૃષ્ણ – એટલામાં તો થયું તે ગયુંય! હજી તો તમારી આવડી જ ઉંમર! કહે છે ને કે ‘સમી સાંજમાં ધણી મર્યાે તે રોવું કેટલી રાત’! (સૌનું હાસ્ય). 

સંસારમાં સુખ તો જુઓ છો ને! જાણે કે આંબડાં (અંબાડાં), અંદર ગોટલી અને ઉપર ચામડાં; અને ખાધે પેટમાં શૂળ થાય!

‘નાટક ભજવવાનું કામ કરો છો, તેમાં ખોટું નહિ! પરંતુ તેમાં બહુ કષ્ટ! અત્યારે ઓછી ઉંમર છે, એટલે ગોળમટોળ ચહેરો છે. પરંતુ ત્યાર પછી મોઢું બેડોળ થઈ જવાનું. અભિનયવાળાઓનું ઘણે ભાગે અંતે એવું જ થાય. ગાલ બેસી ગયેલા, અને હાથે તાવીજોના દોરા ને પેટ નગારું! (સૌનું હાસ્ય).

‘મેં ‘વિદ્યા-સુંદરનો’ અભિનય શા માટે જોયો, કહું? મેં જોયું કે તાલ, લય, સૂર, ગીતો વગેરે સરસ હતાં. ત્યાર પછી માએ બતાવી આપ્યું કે નારાયણ જ આ નાટકવાળાઓનું રૂપ ધારણ કરીને લીલા કરી રહ્યા છે.

વિદ્યા-અભિનેતા – જી, કામ અને કામનામાં ફરક શું?

શ્રીરામકૃષ્ણ – કામ જાણે કે ઝાડનું મૂળ, કામનાઓ જાણે કે ડાળપાંદડાં.

‘આ કામ, ક્રોધ, લોભ વગેરે છ રિપુઓ તદ્દન તો જવાના નહિ; એટલે પછી તેમને ઈશ્વર તરફ ફેરવી નાખવા. જો કામના કરવી જ હોય, લોભ કરવો જ હોય, તો ઈશ્વરમાં ભક્તિની કામના કરવી, અને તેને પામવાનો લોભ કરવો. જો મદ એટલે કે માતા કરવી જ હોય, અહંકાર કરવો જ હોય, તો હું ઈશ્વરનો દાસ, હું ઈશ્વરનું સંતાન એ જાતની માતા, એ જાતનો અહંકાર કરવો.

‘સંપૂર્ણ મન ઈશ્વરને આપ્યા વિના એનાં દર્શન થાય નહિ.

(ભોગના અંતે યોગ – ભ્રાતૃભાવ અને સંસાર)

‘કામિની-કાંચનમાં મનનો વ્યર્થ વ્યય થાય. આમ જુઓ ને આ છોકરાં-છૈયાં થયાં છે, નાટકો કરાય છે વગેરે બધાં વિવિધ કામોને લીધે ઈશ્વરમાં મનનો યોગ થાય નહિ, મન લાગે નહિ. 

ભોગ હોય એટલે યોગ ઘટી જ જાય. તેમ પાછું ભોગ હોય એટલે બળતરા હોય જ. શ્રીમદ્ ભાગવતમાં છે : અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીનેય એક ગુરુ કરેલ. સમળીની ચાંચમાં માછલું હતું, એટલે હજારો કાગડાઓ તેને ઘેરી વળ્યા. માછલું ચાંચમાં લઈને સમળી જે દિશામાં જાય તે બાજુએ કાગડાઓ પણ પાછળ ‘કા કા’ કરતા જાય. છેવટે જ્યારે સમળીની ચાંચમાંથી માછલું અચાનક પડી ગયું, ત્યારે કાગડા બધા એ માછલાની તરફ ગયા, પછી સમળીની તરફ ગયા નહિ. 

સામિષં કુરરં જનુર્બલિનો યે નિરામિષાઃ।

તદામિષં પરિત્યજ્ય સ સુખં સમવિન્દત।। (શ્રીમદ્ ભાગવત ૧૧.૯.૨)

‘માછલું એટલે કે ભોગની વસ્તુ. કાગડાઓ એટલે કે કાળજી, ચિંતાઓ વગેરે. જ્યાં ભોગ ત્યાં કાળજી અને ચિંતા, ભોગનો ત્યાગ થતાં જ શાન્તિ.

‘વળી જુઓ, અર્થ (પૈસો) જ પાછો અનર્થ થાય. તમે લોકો ભાઈઓ ભાઈઓ મજાના છો. પરંતુ ભાઈ ભાઈમાં ભાગ વહેંચણીને લીધે ઝઘડો થાય. કૂતરાં એક બીજાનાં અંગ ચાટાચાટ કરતાં હોય, પરસ્પરમાં ખૂબ પ્રેમ. પરંતુ જો કોઈ ખાવાનું નાખે તો એક બીજાં પરસ્પર કરડાકરડી કરે!

‘અવારનવાર અહીં આવતા રહેજો. (માસ્ટર વગેરેને બતાવીને) આ લોકો આવે છે. રવિવારે અથવા બીજી રજાને દિવસે આવે છે.

વિદ્યા-અભિનેતા – અમારો રવિવાર ત્રણ મહિના. શ્રાવણ, ભાદરવો ને પોષ. વરસાદનો અને લણણીનો સમય. જી, આપની પાસે આવવું એ તો અમારું સદ્ભાગ્ય. 

દક્ષિણેશ્વર આવતી વખતે બે જણની વાત સાંભળેલી. એક આપની અને બીજી જ્ઞાનાર્ણવની.

શ્રીરામકૃષ્ણ – ભાઈઓની સાથે મેળ કરીને રહેજો. હળીમળીને રહ્યે જ બધું સારું દેખાય. રાસ-લીલામાં જોતા નથી? ચાર જણ ગીત ગાય, પરંતુ દરેક જો જુદો જુદો સૂર કાઢે તો લીલા બગડી જાય.

વિદ્યા-અભિનેતા – એક જાળની નીચે કેટલાંક પંખી સપડાયાં છે. જો એકસાથે પ્રયાસ કરીને બધાં જાળને એક બાજુએ ખેંચી જાય તો તો ઘણે ભાગે બચી જાય. પરંતુ જુદાં જુદાં પક્ષીઓ જુદી જુદી બાજુએ ઊડવાનો પ્રયાસ કરે તો બચવાનું ન બને. 

લીલામાંય જોઈએ છીએ કે માથા પર ઘડો મૂક્યો છે અને છતાં નાચે છે.

શ્રીરામકૃષ્ણ – સંસાર કરવો અને છતાં માથા પરનો ઘડો બરાબર રાખવો! અર્થાત્ ઈશ્વરની તરફ મન બરાબર રાખવું!

‘મેં ચાનકમાં પલટનના સિપાહીઓને કહેલું કે તમે સંસારનું કામકાજ કરજો, પરંતુ કાળરૂપી (મૃત્યુરૂપી) સાંબેલું હાથ ઉપર પડશે, એનો ખ્યાલ રાખજો.

‘અમારે ત્યાં દેશમાં પૌંવા ખાંડવાવાળીઓ મોટાં સાંબેલાંથી પૌંવા ખાંડે. એક જણી પગ દઈને સાંબેલું ઊંચું કર્યે જાય, અને બીજી એક જણી બેઠી બેઠી પૌંવા સંકોરે. એ ખ્યાલ રાખે કે સાંબેલું પોતાના હાથ ઉપર ન પડે. આ બાજુ છોકરાને ધવરાવે છે અને વળી ઘરાકની સાથે વાતોય કરતી જાય કે ‘તમારી પાસે આટલા પૈસા બાકી છે તે દઈ જાઓ.’ પણ તેનું બધું ધ્યાન સાંબેલું હાથ ઉપર ન પડે એના ઉપર હોય.

‘તેમ ઈશ્વરમાં મન રાખીને સંસારમાં જુદાં જુદાં કામ કરી શકો. પરંતુ અભ્યાસ જોઈએ; અને હોશિયાર રહેવું જોઈએ; તો બેઉ બાજુ સંભાળી શકાય.

(આત્મદર્શન કે ઈશ્વર-દર્શનનો ઉપાય – સાધુસંગ – NOT SCIENCE)

વિદ્યા-અભિનેતા – જી, આત્મા દેહથી જુદો છે એનું પ્રમાણ શું?

શ્રીરામકૃષ્ણ – પ્રમાણ? ઈશ્વરને દેખી શકાય, તપસ્યા કરવાથી, ઈશ્વરકૃપાથી તેમનાં દર્શન થાય. ઋષિઓએ આત્માનો સાક્ષાત્કાર કર્યાે હતો. સાયન્સથી ઈશ્વર-તત્ત્વ જાણી શકાય નહિ. એમાં તો માત્ર આની સાથે પેલું મેળવ્યે ઓલું થાય; અને ઓલાની સાથે આ મેળવ્યે પેલું થાય. એમાં બધી ઇન્દ્રિય-ગોચર વસ્તુઓના સમાચાર મળે.

એટલે આ બુદ્ધિ વડે એ તત્ત્વ સમજી શકાય નહિ; સાધુ-સંગ કરવો જોઈએ. વૈદ્યની સાથે ફરતાં ફરતાં નાડી-પરીક્ષાનું જ્ઞાન થાય.

વિદ્યા-અભિનેતા – જી, હવે સમજું છું.

શ્રીરામકૃષ્ણ – તપસ્યા જોઈએ, ત્યારે વસ્તુ (ઈશ્વર) ની પ્રાપ્તિ થાય. શાસ્ત્રના શ્લોકો મોઢે કર્યે ય કંઈ વળે નહિ. ‘ભાંગ’ ‘ભાંગ’ એમ મોઢેથી બોલ્યે કાંઈ નશો ચડે નહિ. ભાંગ પીવી જોઈએ.

‘ઈશ્વર-દર્શનની વાત માણસોને સમજાવી શકાય નહિ. પાંચ વરસના બાળકને સ્વામી-સ્ત્રીના મિલનના આનંદની વાત સમજાવી શકાય નહિ.

વિદ્યા-અભિનેતા – જી, આત્મ-દર્શન કયા ઉપાયે થઈ શકે?

(રાખાલ પર શ્રીરામકૃષ્ણનો ગોપાલભાવ)

એ વખતે રાખાલ ઓરડીની વચ્ચે ભોજન કરવા બેસવા જાય છે. પરંતુ ઘણા માણસો ઓરડામાં છે એટલે જરા આનાકાની કરે છે. ઠાકુર આજકાલ રાખાલને ગોપાળ ભાવે જુએ છે; બરાબર જાણે મા યશોદાનો વાત્સલ્ય-ભાવ.

શ્રીરામકૃષ્ણ (રાખાલને) – ખાઈ લે ને! આ લોકો ભલે જરા બહાર જાય. (એક ભક્તને) રાખાલના સારુ બરફ રાખજો. (રાખાલને) તું વળી વનહુગલિ જવાનો છે? તડકાનો જઈશ મા.

રાખાલ જમવા બેઠો.

ઠાકુર પાછા વિદ્યાનો અભિનય કરનાર છોકરાની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (વિદ્યા-અભિનેતા પ્રત્યે જોઈને) – તમે બધાએ ઠાકુર-મંદિરમાં પ્રસાદ લીધો નહિ કેમ? અહીંયાં જ જમી લેવું’તુંને!

વિદ્યા – સૌના મત તો એક સરખા ન હોય! એટલે અલગ રસોઈ થાય છે. સૌની અતિથિશાળામાં જમવાની ઇચ્છા નથી.

રાખાલ જમવા બેઠા છે. ઠાકુર ભક્તો સાથે ઓસરીમાં બેસીને પાછા વાતો કરી રહ્યા છે.

Total Views: 218
ખંડ 19: અધ્યાય 24 : પિતા ધર્મઃ, પિતા સ્વર્ગઃ, પિતા જ પરંતપઃ
ખંડ 19: અધ્યાય 26 : નાટકવાળા અને સંસારમાં સાધના - ઈશ્વર-દર્શન (આત્મદર્શન)નો ઉપાય