શ્રીરામકૃષ્ણ જરા આરામ લે ન લે એટલામાં જ કોલકાતાથી હરિ, નારાયણ, નરેન્દ્ર બંદોપાધ્યાય વગેરેએ આવીને નમીને તેમને પ્રણામ કર્યા. નરેન્દ્ર બંદોપાધ્યાય પ્રેસીડેન્સી કૉલેજના સંસ્કૃતના અધ્યાપક રાજકૃષ્ણ બંદોપાધ્યાયના પુત્ર. ઘરમાં મતભેદ થવાથી શ્યામપુકુરમાં જુદું ઘર લઈને સ્ત્રી, પુત્ર વગેરે સાથે ત્યાં રહેવા ગયા છે. માણસ ખૂબ સરળ. એ વખતે એમની ઉંમર ૨૯-૩૦ વર્ષની હશે. પાછલા કાળમાં તેઓ અલ્લાહાબાદમાં રહેતા. ૫૮ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું.

તે ધ્યાન કરતી વખતે ઘંટા-નાદ વગેરે અનેક જાતના અવાજો સાંભળતા અને એવું કેટલુંય દેખતા. ભૂતાન, ઉત્તર-પશ્ચિમ અને બીજાં કેટલેય સ્થળે ખૂબ ફરેલા. અવારનવાર ઠાકુરનાં દર્શન કરવા આવતા.

હરિ (સ્વામી તુરીયાનંદ) એ વખતે તેમના બાગબજારને ઘેર ભાઈઓની સાથે રહેતા. જનરલ એસેમ્બ્લીમાં એન્ટ્રન્સ સુધી અભ્યાસ કરીને હાલ તુરત તો ઘેર ઈશ્વર-ચિંતન, શાસ્ત્ર-પાઠ અને યોગાભ્યાસ કરતા. વચ્ચે વચ્ચે દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણનાં દર્શન કરતા. ઠાકુર બાગબજારમાં બલરામને ઘેર જ્યારે આવતા ત્યારે તેમને ક્યારેક ક્યારેક તેડાવતા.

(બૌદ્ધધર્મની વાત – બ્રહ્મ બોધસ્વરૂપ – શ્રીઠાકુરને તોતાપુરીનો ઉપદેશ)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – બુદ્ધદેવની વાત મેં ઘણીયે સાંભળી છે. એ દશ અવતારમાંના એક અવતાર. બ્રહ્મ અચળ, અટળ, નિષ્ક્રિય, બોધ-સ્વરૂપ. બુદ્ધિ જ્યારે આ બોધ-સ્વરૂપમાં લય પામી જાય ત્યારે બ્રહ્મ-જ્ઞાન થાય; ત્યારે માણસ બુદ્ધ થઈ જાય. 

નાગાજી કહેતા કે મનનો લય બુદ્ધિમાં, બુદ્ધિનો લય બોધ-સ્વરૂપમાં.

‘જ્યાં સુધી ‘અહં’ હોય ત્યાં સુધી બ્રહ્મ-જ્ઞાન થાય નહિ. બ્રહ્મ-જ્ઞાન થાય, ઈશ્વરનાં દર્શન થાય, એટલે પછી અહં પોતાના વશમાં આવે; તે સિવાય અહંને વશમાં લઈ શકાય નહિ. પોતાના પડછાયાને પકડવો એ અતિ કઠણ; પરંતુ સૂર્ય માથા ઉપર આવે ત્યારે પડછાયો અર્ધા હાથની અંદર આવી જાય.

(બંદોપાધ્યાયને ઉપદેશ – ઈશ્વર-દર્શન – ઉપાય સાધુસંગ)

ભક્ત – ઈશ્વર-દર્શન શેના જેવું?

શ્રીરામકૃષ્ણ – થીએટરમાં નાટક વખતે જોતા નથી? શરૂઆત થતાં પહેલાં માણસો બધા એકબીજાની સાથે વાતો કરતા હોય. એટલામાં ડ્રોપ-સીનનો પડદો ઊપડ્યો. એટલે સૌનું મન બધું એ નાટકમાં જાય; પછી બહાર બીજે ક્યાંય નજર રહે નહિ. એનું જ નામ સમાધિ-મગ્ન થવું.

‘વળી પાછો પડદો પડી જાય એટલે બહાર દૃષ્ટિ જાય. માયારૂપી પડદો પડી જાય એટલે વળી પાછો માણસ બહિર્મુખ થાય.

(નરેન્દ્ર બંદોપાધ્યાયને) – તમે તો ઘણું’ય ફર્યા છો, તે સાધુઓની કંઈક વાતો કહો.

બંદોપાધ્યાયે ભૂતાનમાં બે યોગીઓને જોયા હતા. તેઓ અર્ધાે શેર લીમડાનાં પાનનો રસ પીતા. એવી બધી વાતો કરી રહ્યા છે. નર્મદાને કાંઠે એ એક આશ્રમમાં ગયેલા. ત્યાંના સાધુએ પાટલૂન પહેરેલા બંગાલી બાબુને જોઈને બોલેલા કે ‘ઈસકા પેટમેં છરી હૈ!’

શ્રીરામકૃષ્ણ – જુઓ, સાધુઓનાં ચિત્રો ઘરમાં હંમેશાં રાખવાં. એથી મનમાં ઈશ્વરી ભાવનું ઉદ્દીપન થાય.

બંદોપાધ્યાય – આપની છબી ઘરમાં રાખી છે; અને પહાડી સાધુની છબી. તેના હાથમાંની ગાંજાની ચલમમાંથી ભડકો નીકળે છે, એવી.

શ્રીરામકૃષ્ણ – હાં; સાધુઓનાં ચિત્રો જોઈને અંતરમાં પ્રેરણા આવે. લાકડાનું સીતાફળ જોતાં જેમ સાચા સીતાફળનો વિચાર આવે; યુવતી સ્ત્રીને જોતાં માણસોને જેમ ભોગનો વિચાર આવે તેમ. 

એટલે તો તમને કહું છું કે હમેશાં સાધુ-સંગની જરૂર છે.

(બંદોપાધ્યાયને) – સંસારની બળતરા તો જુઓ છો ને! ભોગ મેળવવા જાઓ એટલે બળતરા છે જ. સમળીના મોઢામાં જ્યાં સુધી માછલું હતું, ત્યાં સુધી ટોળેટોળાં કાગડા આવીને એને હેરાન કરતા’તા.

‘સાધુ-સંગ કરવાથી શાન્તિ થાય. મગરમચ્છ પાણીની અંદર કેટલાય વખત સુધી રહે; પણ ક્યારેક ક્યારેક ઉપર તરી આવે, શ્વાસ લેવાને માટે. ત્યારે શ્વાસ છોડીને નિરાંત પામે. એવી રીતે.

(નાટકવાળા અને ઈશ્વર‘કલ્પતરુ’ – સકામ પ્રાર્થનામાં ભય)

અભિનેતા – જી, આપે ભોગની જે વાત કરી તે બરાબર છે. ઈશ્વરની પાસે ભોગોની ઇચ્છા રાખ્યે છેવટે આફતમાં ઊતરવું પડે. મનમાં કેટલીય જાતની કામનાઓ વાસનાઓ ઊઠ્યા કરે છે. બધી કામનાઓથી તો આપણું કલ્યાણ થતું નથી. ઈશ્વર કલ્પતરુ. 

તેમની પાસે જેવી ઇચ્છા રાખીને માગશો તે આવીને મળશે. પણ એમ ઇચ્છા કરતાં કરતાં જો મનમાં વિચાર ઊઠી આવે કે ભગવાન જો કલ્પતરુ છે, તો પછી જોઉં કે વાઘ સામે આવે કે નહિ! તો પછી વાઘનો ખ્યાલ મનમાં ઊઠતાંની સાથે જ સામે વાઘ આવી પડે અને ઇચ્છા કરનારને ખાઈ જાય.

શ્રીરામકૃષ્ણ – હાં, એ જ્ઞાન કે વાઘ ખરેખર આવે. 

તમને વધારે શું કહેવું? આ બાજુ (ઈશ્વર તરફ) મન રાખજો, ઈશ્વરને ભૂલશો મા. સરલ અંતરથી ઈશ્વરને બોલાવ્યે એ દર્શન આપે જ.

‘અને એક બીજી વાત. નાટક પૂરું થઈ રહે એટલે છેવટે કંઈક હરિ-નામ-સંકીર્તન કરીને ઊઠવું. એમ કરવાથી જેઓ ગાય અને જેઓ સાંભળે, તે બધાય ઈશ્વર-ચિંતન કરતાં કરતાં પોતપોતાને ઘેર જાય.

નાટકવાળાઓએ પ્રણામ કરીને રજા લીધી.

(શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થાશ્રમના ભક્તો – ગૃહવધૂવૃંદને ઉપદેશ)

બે ભક્તોની સ્ત્રીઓએ આવીને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરનાં દર્શન કરવા જવાનાં હતાં એટલા માટે તેઓએ ઉપવાસ કર્યાે છે. બન્ને દેરાણી-જેઠાણીઓ, લાજ કાઢેલ, બે ભાઈઓની પત્નીઓ, ઉંમર બાવીસ ત્રેવીસની અંદર. બેઉ બાઈઓ છોકરાંની મા.

શ્રીરામકૃષ્ણ (વહુઓને) – જુઓ, તમે શિવ-પૂજા કરજો. કેવી રીતે પૂજા કરવી એ ‘નિત્યકર્મ’ નામની ચોપડી છે તેમાંથી વાંચીને જોઈ લેજો. દેવ-પૂજા કરવાની હોય એટલે દેવતાનું કામકાજ કેટલીય વાર સુધી કરી શકાય. ફૂલ ચૂંટવાં, ચંદન ઘસવું, દેવ-સેવાનાં વાસણ માંજવાં, ઠાકોરજીનું નૈવેદ્ય તૈયાર કરવું વગેરે બધું કરવાનું હોય એટલે એ બાજુ જ મન રહે. હીનબુદ્ધિ, (હલકા વિચારો) રાગ, હિંસા , ક્રોધ, અદેખાઈ વગેરે મનમાંથી ચાલ્યાં જાય. બન્ને દેરાણી-જેઠાણીઓ, જ્યારે વાતો કરો, ત્યારે ભગવાનની જ વાતો કરવી.

(Shri Ramakrishna and the Value of Image Worship)

‘ગમે તેમ કરીને ઈશ્વરમાં મનને જોડવું. ઘડી વાર પણ જાણે કે એને ન ભૂલાય. જેમ કે તેલની ધાર, એમાં વચ્ચે ખાલી જગા હોય નહિ. એકાદી ઇંટ કે પથ્થરને પણ ઈશ્વર સમજીને જો ભક્તિ-ભાવે પૂજા કરો, તો તેથીય ઈશ્વરની કૃપા થાય અને તેનાં દર્શન થઈ શકે.

‘અગાઉ જે કહ્યું ને કે શિવ-પૂજા? એ કરવી. ત્યાર પછી ભાવ પાકો થઈ જાય, એટલે પછી ઝાઝા દિવસ પૂજા કરવી નહિ પડે. ત્યારે પછી સદાય મનની લગન લાગેલી રહે; હંમેશાં હર ક્ષણે સ્મરણ મનન ચાલ્યા કરે.

મોટી વહુ (શ્રીરામકૃષ્ણને) – અમને શું કાંઈક એકાદો મંત્ર આપશો?

શ્રીરામકૃષ્ણ (સ્નેહપૂર્વક) – હું તો મંત્ર આપતો નથી. મંત્ર દેવાથી શિષ્યનાં પાપ લેવાં પડે. માતાજીએ મને બાળકની અવસ્થામાં રાખ્યો છે. હમણાં તો જે શિવ-પૂજા કહી છે તે જ તમે કર્યે જાઓ. અવારનવાર આવતાં રહેજો. આગળ ઉપર ઈશ્વરની ઇચ્છાથી જે થવાનું હશે તે થઈ જશે. પાછાં સ્નાન-યાત્રાને દિવસે આવી શકાય તો આવજો. 

ઘેર હરિ-કીર્તન કરવાનું જે મેં કહેલું છે તે થાય છે કે?

વહુ (શ્રીરામકૃષ્ણને) – જી હા.

શ્રીરામકૃષ્ણ – તમે લોકો ઉપવાસ કરીને શા માટે આવ્યાં છો? ખાઈ પીને આવવું!

‘સ્ત્રીઓ મારી માતાજીનાં એક એક સ્વરૂપ (સ્ત્રિયઃ સમસ્તાઃ સકલા જગત્સુ- શ્રીદેવી માહાત્મ્યમ્, ચંડી, ૧૧.૬) ખરાં ને? એટલે તેમને કષ્ટ થાય તે મારાથી જોવાય નહિ. એ બધાં જગન્માતાનાં એક એક રૂપ. ખાઈ-પીને આવવું. આનંદમાં રહેવું.

એમ કહીને ઠાકુરે એ વહુઓને બેસાડીને તેમને નાસ્તો કરાવવાનું શ્રીયુત્ રામલાલને કહ્યું. ફલહારિણી પૂજાનો પ્રસાદ : પૂરીઓ, જાતજાતનાં ફળ, મીઠાઈ, પ્યાલો ભરીને સાકરનું સરબત વગેરેનો પ્રસાદ તેમને મળ્યો.

ઠાકુર બોલ્યા : તમે લોકોએ આ કાંઈક ખાધું એટલે હવે મારા જીવને ટાઢક થઈ; હું સ્ત્રીઓને ભૂખી જોઈ શકું નહિ.

Total Views: 327
ખંડ 19: અધ્યાય 26 : નાટકવાળા અને સંસારમાં સાધના - ઈશ્વર-દર્શન (આત્મદર્શન)નો ઉપાય
ખંડ 19: અધ્યાય 28 : ભક્તો સાથે ગુપ્ત વાત - શ્રીયુત્ કેશવ સેન