શ્રીરામકૃષ્ણ શિવ-મંદિરનાં પગથિયાં પર બેઠેલા છે. સમય સાંજના પાંચેક વાગ્યાનો છે. પાસે અધર, ડૉક્ટર નિતાઈ, માસ્ટર વગેરે બે ત્રણ ભક્તો બેઠેલા છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – જુઓ, મારો સ્વભાવ બદલાતો જાય છે.

હવે પછી કંઈક ગુપ્ત વાત કહેવાના છે એટલે ઠાકુર સીડીનું એક પગથિયું ઊતરી આવીને ભક્તોની પાસે બેઠા. પછી કાંઈક બોલી રહ્યા છે :

(God’s highest Manifestation in Man – The Mystery of Divine Incarnation)

‘જુઓ, તમે લોકો છો ભક્તો, તમને કહેવામાં શું (વાંધો)? આજકાલ ઈશ્વરનાં ચિન્મય રૂપનાં દર્શન થતાં નથી. સાકાર નર-રૂપ એમ (ઈશ્વર) કહી દે છે! મારો સ્વભાવ ઈશ્વરનાં રૂપનું દર્શન, સ્પર્શન, આલિંગન કરવું એવો! પરંતુ હવે (ઈશ્વર) કહી દે છે કે ‘તમે દેહ ધારણ કર્યાે છે, સાકાર નર-રૂપ લઈને આનંદ કરો.’

‘ઈશ્વર તો સર્વ ભૂતોમાં છે; પરંતુ માણસની અંદર તો વધુ પ્રકાશ.’

‘માણસ શું કાંઈ ઓછો? માણસ ઈશ્વરનું ચિંતન કરી શકે, અનંતનું ચિંતન કરી શકે. બીજાં પ્રાણીઓ એ કરી શકે નહિ.’

‘બીજાં જીવજંતુઓની અંદર, ઝાડપાનની અંદર, તેમજ સર્વ ભૂતોમાં ઈશ્વર છે; પરંતુ માણસમાં એનો પ્રકાશ વધારે.’

અગ્નિ-તત્ત્વ સર્વ ભૂતોમાં છે, બધી વસ્તુમાં છે; પરંતુ લાકડામાં વધુ પ્રકટ.

‘રામે લક્ષ્મણને કહ્યું હતું કે ભાઈ, જુઓ, હાથી આટલું મોટું જાનવર, પણ ઈશ્વર-ચિંતન કરી શકે નહિ.’

‘તેમ વળી અવતારમાં ઈશ્વર સૌથી વધુ પ્રકટ. રામે લક્ષ્મણને કહ્યું હતું કે ‘ભાઈ, જે માણસમાં જુઓ કે ઊછળતી ભક્તિ; ઈશ્વરીય ભાવમાં હસે, રડે, નાચે ને ગાય; ત્યાં જરૂર હું છું.’

ઠાકુર થોડી વાર શાંત રહ્યા. પછી વળી પાછા વાતો કરે છે.

(Influence of Shri Ramakrishna on Shri Keshav Chandra Sen)

શ્રીરામકૃષ્ણ – વારુ, કેશવ સેન ખૂબ આવતા. અહીં મારી પાસે આવ્યા પછી ઘણા બદલાઈ ગયા. હમણાં હમણાં તો ઘણા આગળ વધેલા. અહીં (મારી પાસે) ઘણી વાર પોતાની બ્રાહ્મ-સમાજી મંડળી લઈને આવેલા. તેમ પાછા એકલા આવવાનીયે ઇચ્છા હતી.

કેશવને અગાઉ એટલો સાધુ-સંગ થયેલો નહિ. 

કોલુટોલાના મકાનમાં (અમારી) મુલાકાત થયેલી. મારી સાથે હૃદુ હતો. કેશવ સેન જે ઓરડામાં હતા, તે જ ઓરડામાં અમને બેસાડ્યા. ટેબલ ઉપર એ કંઈક લખતા હતા; કેટલીયે વાર પછી કલમ મૂકીને ખુરસીએથી ઊતરીને નીચે આવીને બેઠા. એ વખતે તેમણે અમારામાંથી કોઈને નમસ્કાર બમસ્કાર કરેલા નહિ!

‘અહીં (મારી પાસે) અવારનવાર આવતા. મેં એક દિવસે ભાવ-અવસ્થામાં કહ્યું, કે સાધુની સામે પગ ઉપર પગ ચડાવીને બેસાય નહિ, એથી રજોગુણ વધે. એ લોકો આવતાં વેંત હું તેમને નમસ્કાર કરતો. ત્યાર પછી એ લોકો ક્રમે ક્રમે જમીન પર માથું નમાવીને નમસ્કાર કરતાં શીખ્યા.

(બ્રાહ્મસમાજમાં હરિનામ અને મા નામ – ભક્તહૃદયમાં ઈશ્વર-દર્શન)

‘અને કેશવને મેં કહ્યું કે ‘તમે હરિ-નામ-કીર્તન કરો, કલિયુગમાં ઈશ્વરનું નામ-ગુણ-સંકીર્તન કરવું જોઈએ.’ એટલે પછી તેઓએ ખોલ (મૃદંગ), કરતાલ લઈને હરિ-નામ-કીર્તન શરૂ કર્યું. (શ્રીયુત્ કેશવ સેન ખોલ, કરતાલ લઈને કેટલાંક વર્ષાે સુધી બ્રહ્મનામ કરતા હતા. શ્રીરામકૃષ્ણ સાથે ૧૮૭૫માં મુલાકાત થયા પછી વિશેષ ભાવે હરિનામ અને શ્રીમા નામ ખોલ, કરતાલ લઈને કીર્તન કરવાનું શરૂ કર્યું.)

‘હરિ-નામમાં મારી શ્રદ્ધા વધુ કેમ થઈ, કહું? આ ઠાકુરવાડીમાં સાધુઓ અવારનવાર આવ્યા કરતા. તેમાં એક મુલતાની સાધુ આવેલો. ગંગાસાગરે જવા સારુ સાથીદારની વાટ જોતો રોકાયેલો. (માસ્ટરને બતાવીને) આમની ઉંમરનો સાધુ! એણે કહેલું કે ‘(ઈશ્વર-દર્શનનો) ઉપાય : નારદીય ભક્તિ.’

(કેશવને ઉપદેશ – કામિનીકાંચન એટલે માછલીની ટોપલી – સાધુસંગ ફૂલની સુગંધ – વચ્ચે વચ્ચે એકાંતમાં સાધના)

‘એક દિવસે કેશવ વગેરે આવેલા. રાતના દસ વાગ્યા સુધી હતા. પ્રતાપ અને બીજા કોઈ કોઈએ કહ્યું કે આજે રાત રહી જઈએ. બધા વટ-વૃક્ષ નીચે પંચવટીમાં બેઠેલા હતા. કેશવ બોલ્યા કે, ‘ના કામ છે, જવું જોઈએ.’

એટલે મેં હસીને કહ્યું કે ગંધાતી સૂંડલીની ગંધ વિના શું ઊંઘ નહિ આવે કે? એક માછણ એક વાર માછલાં વેચીને પાછી વળતાં એક માલણને ત્યાં મહેમાન થઈને ગઈ. હાથમાં માછલાંની ગંધવાળી સૂંડલી. રાતે તેને ફૂલથી ભરેલી ઓરડીમાં પથારી કરીને સુવાડી. એ ફૂલોની સુગંધથી તેને મોડી રાત સુધી કેમે કર્યે ઊંઘ આવે નહિ. એ જોઈને પેલી માલણ કહે કે ‘કેમ અલી, તું વારે વારે પડખાં ફેરવે છે?’ એટલે માછણે કહ્યું કે ‘કોણ જાણે બાઈ! પણ મને લાગે છે કે આ ફૂલોની ગંધથી ઊંઘ નથી આવતી. મારી પેલી સૂંડલી જરા લાવ ને! તો વખતે ઊંઘ આવે ખરી!’ માલણે તેની સૂંડલી લાવી આપી. એટલે એ માછણે તેના પર પાણીની છાંટ મારી, ને પછી નાક ઉપર રાખી. એટલે તે ઘસઘસાટ ઊંઘી ગઈ.

‘એ વાત સાંભળીને કેશવની મંડળીના માણસો ખડખડાટ હસવા લાગ્યા.

સંધ્યાકાળ પછી કેશવે ઘાટ ઉપર ઉપાસના કરી. ઉપાસના થઈ રહ્યા પછી મેં કેશવને કહ્યું : ‘જુઓ, ભગવાન જ એક રૂપે ભાગવત થઈ રહ્યા છે. એટલે વેદ, પુરાણ, તંત્રો વગરે બધાંની પૂજા કરવી જોઈએ. તેમ વળી એક રીતે ભગવાન પોતે જ ભક્ત થયેલ છે. ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું. જેમ દીવાનખાનામાં જઈએ એટલે શેઠને સહેજે મળી શકાય, તેમ ભક્તની પૂજાથી ભગવાનની પૂજા થાય.

‘કેશવ અને તેની મંડળીના માણસોએ આ બધી વાતો એકાગ્ર ચિત્તે સાંભળી. તે દિવસે હતી પૂનમ, ચારે બાજુએ ચંદ્રમાનું અજવાળું. ગંગા કાંઠે પગથિયાંના ઓટલા પર બધા બેઠેલા હતા. મેં કહ્યું કે બધા બોલો ‘ભાગવત, ભક્ત, ભગવાન!’

ત્યારે બધા એક સ્વરે બોલ્યા, ‘ભાગવત, ભક્ત, ભગવાન!’

પાછું મેં કહ્યું કે બોલો, ‘બ્રહ્મ જ શક્તિ, શક્તિ જ બ્રહ્મ’. એ બધા વળી પાછા એક અવાજે બોલ્યા, ‘બ્રહ્મ જ શક્તિ, શક્તિ જ બ્રહ્મ.’ મેં તેમને કહ્યું કે જેને તમે બ્રહ્મ કહો છો, તેને જ હું મા કહું છું; મા બહુ જ મધુુરું નામ.

‘જ્યારે મેં પાછું તેમને કહ્યું કે ‘બોલો ‘ગુરુ, કૃષ્ણ, વૈષ્ણવ!’ ત્યારે કેશવ બોલી ઊઠ્યા કે ‘મહાશય, એટલે બધે નહિ! તો તો પછી બધા અમને હરેડ વૈષ્ણવ માની લે.’

‘કેશવને અવારનવાર હું કહેતો કે તમે જેને બ્રહ્મ કહો છો, તેને જ હું શક્તિ, આદ્ય-શક્તિ કહું છું. એ જ્યારે મન-વાણીથી પર, નિર્ગુણ, નિષ્ક્રિય, ત્યારે તેને વેદમાં બ્રહ્મ કહેલ છે. જ્યારે જોઉં કે એ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે, ત્યારે તેને શક્તિ, આદ્ય-શક્તિ એ બધું કહું.

‘મેં કેશવને કહ્યું કે સંસારમાં (ઈશ્વર-પ્રાપ્તિ) થવી બહુ જ કઠણ. જે ઓરડામાં અથાણાં, આંબલી અને ઠંડા પાણીનું માટલું હોય, તે જ ઓરડામાં પિત્ત-વિકારના દરદીને રાખો, તે કેમ કરીને તે સાજો થાય? એટલા માટે સાધન-ભજન કરવા સારુ અવારનવાર નિર્જન સ્થાનમાં ચાલ્યા જવું જોઈએ. થડ મોટું થઈ જાય એટલે પછી તેને હાથી પણ બાંધી શકાય. પણ નાના રોપને તો ગાય બકરું ખાઈ જાય. એટલે કેશવે લેક્ચરમાં કહ્યું, કે તમે પાકા થઈને પછી સંસારમાં રહો.

(અધર, માસ્ટર, નિતાઈ વગેરેને ઉપદેશ – આગળ વધો)

‘(ભક્તોને) – જુઓ, કેશવ આટલા મોટા પંડિત, અંગ્રેજીમાં લેક્ચર કરતા, કેટલા માણસો તેને માનતા, ખુદ રાણી વિકટોરિયાએ તેને મુલાકાત આપીને તેની સાથે વાતચીત કરેલી! પરંતુ એ જ્યારે અહીં (મારી પાસે) આવતા ત્યારે ખુલ્લે શરીરે! સાધુનાં દર્શને જવું હોય ત્યારે ખાલી હાથે ન જવું, પણ કાંઈક હાથમાં લઈને જવું જોઈએ. એટલે એ હાથમાં ફળ લઈને આવતા. એ એકદમ અહંકાર વિનાના.

‘(અધરને) – જુઓ, તમે આટલા ભણેલા-ગણેલા, વિદ્વાન, પાછા ડેપ્યુટી, તોય તમે (નથડી-વાળીને) સ્ત્રીને વશ. તમે આગળ વધો. ચંદનના વનથી આગળ એથીયે વધુ સારી ચીજો રહેલી છે. રૂપાની ખાણ, ત્યાર પછી સોનાની ખાણ, ત્યાર પછી હીરા, માણેક વગેરે. કઠિયારો વનમાં લાકડાં કાપતો હતો. ત્યારે તેને પેલા બ્રહ્મચારીએ કહ્યું હતું કે ‘આગળ જા’, તેમ.

શિવના મંદિરેથી નીચે ઊતરી આવીને શ્રીરામકૃષ્ણ મોટા આંગણાની વચ્ચે થઈને પોતાના ઓરડા તરફ આવી રહ્યા છે. સાથે અધર, માસ્ટર વગેરે ભક્તો. એટલામાં રાધાકાન્તના મંદિરના સેવક પૂજારી શ્રીયુત્ રામ ચેટર્જીએ આવીને ખબર આપ્યા કે શ્રીમા (શ્રીશારદામણિદેવી)ની કામવાળીને કોલેરા થઈ ગયો છે!

રામ ચેટર્જી (શ્રીરામકૃષ્ણને) – મેં તો દસ વાગ્યે જ કહ્યું હતું હતું, પણ તમે કોઈએ સાંભળ્યું નહીં. 

શ્રીરામકૃષ્ણ – હું શું કરું?

રામ ચેટર્જી – તમે શું કરવાના હતા? રાખાલ, રામલાલ વગેરે તો બધાય હતા. એમાંથી કોઈએ કાંઈ કર્યું નહિ.

માસ્ટર – કિશોરી (ગુપ્ત) દવા લેવા ગયો છે આલમબજારમાં.

શ્રીરામકૃષ્ણ – શું એકલો? ક્યાંથી લાવશે?

માસ્ટર – સાથે બીજું કોઈ નથી. આલમબજારમાંથી લઈ આવશે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જેઓ એ માંદીની સારવાર કરે છે તેમને કહી મૂકો કે રોગ વધે તો શું કરવું; ને ઓછો થાય તો શું લેવું.

માસ્ટર – જી, ભલે.

એટલામાં પેલી ભક્ત વહુઓએ આવીને પ્રણામ કર્યા. તેઓએ રજા લીધી.

શ્રીરામકૃષ્ણે તેમને વળી પાછું કહ્યું કે શિવ-પૂજા જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરજો. અને ખાઈ પીને આવવું, નહિતર મને દુઃખ થાય. સ્નાન-યાત્રાને દિવસે વળી પાછાં અવાય તો આવજો.

Total Views: 334
ખંડ 19: અધ્યાય 27 : હરિ (તુરીયાનંદ), નારા’ણ વગેરે ભક્તો સાથે
ખંડ 19: અધ્યાય 29 :