શ્રીરામકૃષ્ણ હવે પશ્ચિમની ગોળ ઓસરીમાં આવીને બેઠા છે. બંદોપાધ્યાય, હરિ, માસ્ટર વગેરે પાસે બેઠા છે. બંદોપાધ્યાયના સંસારનું કષ્ટ ઠાકુર બધું જાણે છે.

(બંદોપાધ્યાયને ઉપદેશ – પત્ની સંસારનું કારણ – 

પ્રભુના શરણાગત થાઓ)

શ્રીરામકૃષ્ણ – જુઓ, ‘એક કૌપીની (કૌપીન) કે વાસ્તે’ બધી તકલીફ! વિવાહ કરી બેઠા, છોકરાંછૈયાં થયાં છે, એટલે નોકરી કરવી પડે. સાધુ કૌપીનની ચિંતામાં મશગૂલ; સંસારી સ્ત્રીની ચિંતામાં. તેમાં વળી ઘરનાં બીજાંની સાથે બને નહિ, એટલે જુદું ઘર માંડવું પડ્યું છે! (હસીને) ચૈતન્યદેવે નિતાઈને કહેલું કે ‘સુણો સુણો નિત્યાનંદ ભાઈ, સંસારી જીવની કદી ગતિ નાહિ!’

માસ્ટર (પોતાના મનમાં) – એમ લાગે છે કે ઠાકુર અવિદ્યાના સંસારની વાત કરે છે. એમ લાગે છે કે ‘સંસારી જીવ’ અવિદ્યાના સંસારમાં જ રહે.

(માસ્ટરને દેખાડીને, સહાસ્ય) – આમણેય જુદું ઘર માંડ્યું છે. ‘તમે કોણ તો કહે કે હું વિદેશિની; અને તમે કોણ, તો કહે કે હું વિરહિણી.’ (સૌનું હાસ્ય). મજાનો મેળ જામશે!

‘પરંતુ ઈશ્વરના શરણાગત થાય તો પછી બીક નહિ. એ જ રક્ષણ કરે.

હરિ વગેરે – વારુ, ઘણા લોકોને ઈશ્વર-પ્રાપ્તિ કરવામાં આટલી બધી વાર લાગે, શા માટે?

શ્રીરામકૃષ્ણ – વાત એમ છે કે ભોગ અને કર્માે પૂરાં ન થાય ત્યાં સુધી અંતરમાં ઈશ્વર માટેની આતુરતા આવે નહિ. જેમ કે વૈદ્ય કહે ને કે જરા દિવસો જવા દો, ત્યાર પછી સાધારણ દવાથી જ આરામ થઈ જશે, તેમ.

‘નારદે રામને કહ્યું : ‘રામ, તમે અયોધ્યામાં બેસી રહ્યે, રાવણનો વધ કેમ કરીને થાય? એ માટે તો તમે અવતાર લીધો છે!’ રામ બોલ્યા, ‘નારદ, સમય પાકવા દો, રાવણનાં કર્માેનો ક્ષય થવા દો, ત્યાર પછી તેના વધની તૈયારી થશે. (અધ્યાત્મ રામાયણ – અયોધ્યાયકાંડ)

(The problem of Evil and Hari (Turiyananda) – 

ઠાકુરની વિજ્ઞાનીની અવસ્થા)

હરિ – વારુ, સંસારમાં આટલું દુઃખ શા માટે?

શ્રીરામકૃષ્ણ – આ સંસાર ભગવાનની લીલા, રમત જેવો. એ રમતમાં સુખ-દુઃખ, પાપ-પુણ્ય, જ્ઞાન-અજ્ઞાન, સારું-નરસું, બધુંય છે. દુઃખ, પાપ એ બધાં ન હોય તો રમત ચાલે નહિ.

‘એનઘેનની રમતમાં ડોશીને અડી જવાનું હોય. પણ રમતની શરૂઆતમાં જ જો ડોશીને અડી જઈએ તો ડોશીને મજા ન આવે. ડોશીની (ઈશ્વરની) ઇચ્છા કે રમત જરા ચાલે. ત્યાર પછી,

‘પતંગ લાખમાં એકાદ કાપી, હસી હાથમાં તાલી આપી’…

એટલે કેટલીયે તપસ્યા કર્યા પછી, ઈશ્વરની કૃપાથી ઈશ્વર-દર્શન કરીને એકાદ બે જણ મુક્ત થઈ જાય. ત્યારે મા આનંદમાં આવીને ‘એય કપાયો!’ એમ કહીને હાથથી તાલી પાડે.

હરિ – પણ એ રમતમાં અમારો જીવ જાય એનું શું?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે કોણ એ કહો જોઈએ. ઈશ્વર જ બધું થઈ રહેલ છે; માયા, જીવ, જગત, ચોવીસ તત્ત્વો વગેરે બધું જ. (ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ, ત્વં કુમાર ઉત વા કુમારી, ત્વં જિર્ણાે દંડેન વંચસિ, ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખઃ। શ્વેતાશ્વતર ઉપનિષદ, ૪.૩)

‘સાપ થઈને કરડું, ને વળી ભૂવો થઈને ઉતારું!’ ઈશ્વર વિદ્યા તેમજ અવિદ્યા બેઉ થઈ રહેલ છે. અવિદ્યા-માયાથી એ જ અજ્ઞાની થઈ રહ્યા છે; વિદ્યા-માયાથી અને ગુરુરૂપે ભૂવો થઈને એ જ (અવિદ્યાનું) ઝેર ઉતારી રહ્યા છે.

‘ત્રણ અવસ્થા છે : અજ્ઞાનની, જ્ઞાનની, ને વિજ્ઞાનની. જ્ઞાની જુએ કે માત્ર ઈશ્વર જ છે, એ જ કર્તા; સૃષ્ટિ, સ્થિતિ, સંહાર કરી રહ્યા છે. વિજ્ઞાની જુએ કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે. 

‘મહાભાવ, પ્રેમ થયે, (ભક્ત) દેખે કે ઈશ્વર સિવાય બીજું કંઈ જ નથી!

‘ભાવ પાસે ભક્તિ ફિક્કી; ભાવ પાક્યે મહાભાવ, પ્રેમ.

‘(બંદોપાધ્યાયને)- ધ્યાન કરતી વખતે ઘંટાનાદ શું હજીયે સંભળાય છે?

બંદોપાધ્યાય – રોજ એ શબ્દ સંભળાય! પાછું વળી રૂપ-દર્શન, મન એક વાર પકડે પછી શું એમાં વિસામો હોય?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – હાં, લાકડાંમાં એક વાર અગ્નિ પેટે પછી ઓલવાય નહિ! 

(ભક્તોને)- આ શ્રદ્ધાની વાતો ઘણીયે જાણે છે.

બંદોપાધ્યાય – મારામાં શ્રદ્ધાનું પ્રમાણ ઘણું વધારે.

શ્રીરામકૃષ્ણ – કંઈક બોલો ને!

બંદોપાધ્યાય – એક જણને તેના ગુરુએ ‘ઘેટો’ મંત્ર આપ્યો હતો, અને કહ્યું કે ‘ઘેટો’ જ તારા ઇષ્ટ.’ એ ‘ઘેટો’ મંત્ર જપ કરી કરીને તે સિદ્ધ થયો.

‘એક ઘાસ વાઢનારો રામનામ લઈને ગંગા પાર કરી ગયેલો.

શ્રીરામકૃષ્ણ – તમારાં ઘરની સ્ત્રીઓને બલરામના ઘરની સ્ત્રીઓની સાથે લાવજો.

બંદોપાધ્યાય – બલરામ કોણ?

શ્રીરામકૃષ્ણ – બલરામ કોણ એ ખબર નથી? બોઝપાડામાં તેનું ઘર છે.

સરળ માણસને જોઈને શ્રીરામકૃષ્ણ આનંદમાં ગરકાવ થાય. બંદોપાધ્યાય ખૂબ સરળ. નિરંજનને પણ સરળ જાણીને ઠાકુર ખૂબ ચાહે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમને નિરંજનને મળવાનું કહું છું શા માટે? એ ખરેખર સરળ છે કે નહિ, એ જોવા સારુ.

Total Views: 323
ખંડ 19: અધ્યાય 28 : ભક્તો સાથે ગુપ્ત વાત - શ્રીયુત્ કેશવ સેન
ખંડ 19: અધ્યાય 30 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં, જન્મોત્સવ દિને વિજય, કેદાર, રાખાલ, સુરેન્દ્ર વગેરે ભક્તો સાથે