(પંચવટી નીચે જન્મોત્સવ દિને વિજય વગેરે ભક્તો સાથે)

ઠાકુર શ્રીરામકૃષ્ણ પંચવટી નીચે એ પુરાતન વટ-વૃક્ષની ચારે બાજુના ઓટલા ઉપર વિજય, કેદાર, સુરેન્દ્ર, ભવનાથ, રાખાલ વગેરે કેટલાય ભક્તો સાથે દક્ષિણાભિમુખ થઈને બિરાજેલા છે. કેટલાક ભક્તો એ ઓટલા ઉપર બેઠેલા છે. મોટા ભાગના ભક્તો ઓટલાની નીચે ચારે બાજુએ ઊભા છે. સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, ૧૩ જેઠ માસ, સુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪.

ઠાકુરનો જન્મ-દિવસ તો ફાગણ મહિનાના અજવાળિયાની બીજે. પરંતુ તેમનો હાથ દુઃખતો હતો, એટલે આટલા દિવસ સુધી જન્મોત્સવ ઉજવાયો ન હતો. હવે હાથ ઘણો સારો થઈ જવા આવ્યો છે. એટલે આજે ભક્તો આનંદ કરવાના છે. સહચરીનું ગીત થવાનું છે. સહચરી પ્રવીણ બની ગઈ છે, પ્રસિદ્ધ કીર્તની (કીર્તનિયા) છે.

માસ્ટર ઓરડામાં ઠાકુરને ન જોતાં, પંચવટીમાં આવીને જુએ છે તો બધા ભક્તોના ચહેરા પર હાસ્ય, અને આનંદથી બેઠેલા છે. ઠાકુર વૃક્ષ નીચેના ઓટલા ઉપર બેઠેલા છે તે માસ્ટરને દેખાયું નહિ. ને છતાંય માસ્ટર ઠાકુરની બરાબર સન્મુખે જ આવીને ઊભા રહ્યા છે. તે હાંફળાં ફાંફળા થઈને પૂછે છે, ‘ઠાકુર ક્યાં?’ એ સાંભળતાં સૌ કોઈ જોરથી ખડખડાટ હસી પડ્યા. ત્યાં સામે જ અચાનક ઠાકુરને જોતાં, માસ્ટરે શરમાઈને નીચે નમીને તેમને પ્રણામ કર્યા. તેમણે જોયું કે ઠાકુરની ડાબી બાજુએ કેદાર ચેટર્જી અને વિજય ગોસ્વામી ઓટલા ઉપર બેઠેલા છે. ઠાકુર દક્ષિણાભિમુખ.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને સહાસ્ય) – જુઓ, બે જણને (કેદાર અને વિજયને) કેવા મેળવી દીધા છે!

ઠાકુરે શ્રીવૃંદાવનથી માધવી લતા લાવીને પંચવટીમાં તે ૧૮૬૮ની સાલમાં રોપેલી. આજ માધવી મજાની ખૂબ મોટી થઈ ગઈ છે. નાનાં નાનાં છોકરાઓ તેના ઉપર ચડીને ઝૂલે છે ને કૂદકા મારે છે. ઠાકુર આનંદથી તે જોયા કરે છે ને કહે છે કે  ‘વાંદરાંનાં બચ્ચાં જેવા! પડે તોય છોડવાના નહિ!’ સુરેન્દ્ર ઓટલાની નીચે ઊભેલા છે. ઠાકુર સ્નેહથી કહે છે કે તમે ઉપર આવો ને, આવી રીતે (પગ વાળીને) મજાનું થશે. 

સુરેન્દ્ર ઉપર જઈને બેઠા. ભવનાથ કોટ પહેરીને બેઠેલ છે. તે જોઈને સુરેન્દ્ર બોલે છે : ‘કેમ એય, વિલાયત જવાનો છો કે શું?’

ઠાકુર હસે છે અને બોલે છે – આપણું વિલાયત ઈશ્વરની પાસે. ઠાકુર ભક્તોની સાથે વિવિધ વિષયની વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – હું અવારનવાર કપડાં કાઢીને આનંદમય થઈને ફરતો. એટલે શંભુ એક દિવસ કહે છે કે ‘અરે એય, એટલા માટે તમે નાગડા થઈને ફરો છો! એથી મજાનો આરામ લાગે! મેં એક દિવસે જોયું’તું!’

સુરેન્દ્ર – ઓફિસથી આવીને કોટ પાટલૂન કાઢતી વખતે કહું, ‘મા, તેં કેટલાં બંધનથી બાંધ્યો છે!’

(સુરેન્દ્રની ઓફિસ – સંસાર, અષ્ટપાશ અને ત્રિગુણ)

શ્રીરામકૃષ્ણ – અષ્ટપાશ જ બંધન. લજ્જા, ઘૃણા, ભય, જાતિ, અભિમાન, સંકોચ, છુપાવવાની ઇચ્છા, એ બધાં. ઠાકુર ગીત ગાય છે :

ગીત – હું તો એ દુઃખે દુઃખ કરું શ્યામા, તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી.

ગીત – ‘શ્યામા મા ઉડાવે પતંગ (ભવસંસાર-બજારમાંહી)

આશા-વાયુને જોરે ઊડે, બાંધી તેને માયા-દોરી…

‘માયા-દોરી એટલે કે બાયડી છોકરાં. વિષયોનો પાઈને માંજો, કર્કશ કરી છે દોરી. વિષયો એટલે કામિની-કાંચન.

ગીત – સંસારે ખેલવા પાસા આવવું છે, આવીને અહીં મોટી કરી આશા;

આશાની આશા છે ભગ્નાવસ્થા, પહેલાં મારે ભાગે આવ્યો પંજો થયા પોબારા!

જેમ અઢાર-સોળ વારંવાર આવે તેમ હું આવતો ગયો યુગે યુગે ;

કાચા બારના પડ્યા માડી, પંજે છક્કે બંધાવું પડ્યું મુજને;

છ-બે-આઠ, છ-ચાર-દસ, આવા કોઈ નહિ વશ મારે;

જશ ન મળ્યો આ ખેલે, હવે તો બાજી ખતમ થવા ચહે.

પંજો એટલે પંચ મહાભૂત, પંચે-છક્કે બંધાવું એટલે પંચમહાભૂત અને ષડ્‌રિપુને તાબે થવું, છને ઉવેખવો એટલે ષડ્‌રિપુના વશમાં આવ્યા નહિ, ત્રણને ઉવેખવા એટલે ત્રિગુણાતીત થવું.

‘સત્ત્વ, રજસ્, અને તમસ્ એ ત્રણ ગુણોથી જ માણસ પરાધીન થયેલ છે. એ ત્રણે ભાઈઓ છે. સત્ત્વ હોય એટલે રજસ્‌ને બોલાવી શકે. રજોગુણ હોય એટલે તમોગુણને બોલાવી શકે. ત્રણે ગુણો ચોર. તમોગુણ વિનાશ કરે. રજોગુણ બદ્ધ કરે. સત્ત્વગુણ બંધન છોડે ખરો, પરંતુ ઠેઠ ઈશ્વરની પાસે લઈ જઈ ન શકે.

વિજય (સહાસ્ય) – સત્ત્વગુણેય ચોર ખરો ને?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ઈશ્વરની પાસે લઈ જઈ શકે નહિ, પરંતુ રસ્તો દેખાડી દે.’

ભવનાથ – વાહ! શી સુંદર વાત!

શ્રીરામકૃષ્ણ – હાં, આ ખૂબ ઊંચી વાત!

ભક્તો આ બધી વાતો સાંભળીને આનંદ કરી રહ્યા છે.

Total Views: 293
ખંડ 19: અધ્યાય 29 :
ખંડ 19: અધ્યાય 31 : વિજય, કેદાર વગેરેને કામિનીકાંચન વિશે ઉપદેશ