શ્રીરામકૃષ્ણ – બંધનનું કારણ કામિની-કાંચન. કામિની-કાંચન જ સંસાર. કામિની-કાંચન જ ઈશ્વરને દેખાવા ન દે.

એમ કહીને ઠાકુરે પોતાનો અંગૂછો લઈને સામે પહોળો કર્યાે અને કહે છે કે ‘હવે તમે મને જોઈ શકો છો?’ એનું નામ આવરણ! આ કામિની-કાંચનરૂપી આવરણ જતાં જ ચિદાનંદલાભ!

‘જુઓ ને, જેણે સ્ત્રી-સુખનો ત્યાગ કર્યાે છે, તેણે તો જગતના સુખનો ત્યાગ કર્યાે છે. ઈશ્વર તેની તો અતિશય નજીક!’

અવાજ સરખોય કર્યા વિના કોઈ બેઠા બેઠા, કોઈ ઊભા ઊભા આ કથા સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (કેદાર, વિજય વગેરેને) – સ્ત્રીસુખનો જેણે ત્યાગ કર્યાે છે, તેણે તો જગત-સુખનો ત્યાગ કર્યાે છે. આ કામિની-કાંચન જ આવરણ. તમને બધાયને તો આવડી મોટી મોટી મૂછો, તોય તમે એમાંજ પડ્યા રહેલા છો! કહો, મનમાં મનમાં વિચાર કરી જુઓ!

વિજય – જી હા, એ સાવ સાચી વાત છે.

કેદાર આશ્ચર્યચકિત થઈને સાવ મૂંગા થઈ રહ્યા છે. ઠાકુર બોલી રહ્યા છે : 

‘સૌ કોઈને જોઉં છું તો સ્ત્રીને વશ. કેપ્ટનને ઘેર ગયો હતો; એને ઘેર થઈને પછી રામને ઘેર જવું હતું. એટલે કેપ્ટનને કહ્યું કે ગાડીભાડું આપો. 

કેપ્ટને તેની સ્ત્રીને કહ્યું! એ સ્ત્રી પણ તેવી જ. તરત જ ‘ક્યા હુવા, ક્યા હુવા’ કરવા લાગી. 

આખરે કેપ્ટને કહ્યું કે ભાડું રામના ઘરનાં જ દેશે. ગીતા, ભાગવત, વેદાન્ત બધું પેલાની અંદર! (સૌનું હાસ્ય). 

‘પૈસા ટકા, ઘરેણાં, તિજોરી વગેરે બધું બૈરીને હાથ! અને વળી કહે શું? કે ‘હું તો એક બે-રૂપિયાય મારી પાસે રાખી શકું નહિ, એવો મારો સ્વભાવ!’

‘એક મોટા સાહેબના હાથમાં કેટલીયે નોકરીઓ, પણ એ આપે નહિ. એક જણે કહ્યું, ‘અલ્યા એય, પેલી ગુલાબડીને પકડ, તો તરત નોકરી મળશે!’ એ ગુલાબડી મોટા સાહેબની રખાત!’

(પૂર્વકથા – કિલ્લાનું દર્શન – સ્ત્રીઓ અને ઢળતો રસ્તો)

પુરુષો સમજીયે શકે નહિ કે પોતે કેટલા નીચે ઊતરી ગયા છે!

‘કિલ્લામાં જતાં જ્યારે ગાડીમાં બેસીને અંદર જઈ પહોંચ્યા, ત્યારે તો લાગ્યું કે સાધારણ રસ્તેથી આવ્યા. પણ ત્યાર પછી જોયું કે ચાર મજલા નીચે ઊતરી આવ્યા છીએ! ઢોળાવવાળો (Sloping) રસ્તો! જેને ભૂત વળગે તેને ખબર ન પડે કે મને ભૂત વળગ્યું છે. એને એમ જ લાગે કે, હું મજામાં છું.’

વિજય (સહાસ્ય) – ભૂવો મળી જાય તો ભૂત કાઢી દે.

શ્રીરામકૃષ્ણે એ વાતનો કંઈ જવાબ આપ્યો નહિ. માત્ર એટલું બોલ્યા,

‘એ ઈશ્વરની મરજી.’

અને વળી સ્ત્રીઓ સંબંધે વાત કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – જેને પૂછું એ કહેશે કે જી હાં, મારી સ્ત્રી સારી છે! એક જણનીયે સ્ત્રી નરસી નહિ! (સૌનું હાસ્ય).

‘જેઓ કામિની-કાંચનની સાથે રહે તેઓ એના નશામાં કાંઈ સમજી શકે નહિ. જેઓ શતરંજ રમતા હોય તેઓ ઘણી વખત જાણે નહિ કે કઈ ચાલ બરાબર. પરંતુ જેઓ ઉપરથી જુએ, તેઓ ઘણે ભાગે સમજી શકે.

‘સ્ત્રી માયા-સ્વરૂપી. નારદ રામની સ્તુતિ કરવા લાગ્યા કે ‘હે રામ, પુરુષ માત્ર તમારા અંશરૂપ; સ્ત્રી માત્ર માયારૂપી સીતાના અંશરૂપ. બીજું કંઈ વરદાન માગવું નથી. એવું કરો કે જેથી તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આવે, અને જાણે કે તમારી જગત-મોહિની માયામાં મુગ્ધ ન થાઉં!’

(ગિરીન્દ્ર, નગેન્દ્ર વગેરેને ઉપદેશ)

સુરેન્દ્રના નાનાભાઈ ગિરીન્દ્ર, અને નગેન્દ્ર વગેરે તેના ભત્રીજાઓ આવ્યા છે. ગિરીન્દ્ર ઓફિસની નોકરીમાં નિમાયા છે. નગેન્દ્ર વકીલાતને માટે તૈયારી કરે છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીન્દ્ર વગેરેને) – તમને કહેવાનું એ કે તમે સંસારમાં આસક્ત થશો નહિ. જુઓ, રાખાલને જ્ઞાન-અજ્ઞાનનું ભાન થયું છે, સત્-અસત્‌નો વિચાર આવ્યો છે. એટલે હવે એને કહું છું કે ઘેર જા; ક્યારેક વળી અહીં આવવું, બે દિ’ રહેવું.’

‘અને તમે લોકો આપસ આપસમાં હેતથી હળી મળીને રહેજો, તો જ તમારું ભલું થશે, ને આનંદમાં રહેજો. હરિ-કથાવાળાઓ જો એક સ્વરે ગાય તો લીલા સારી થાય, અને જેઓ સાંભળે તેમનેય આનંદ થાય.’

‘ઈશ્વરમાં વધારે અને સંસારમાં થોડુંક મન દઈને સંસારનાં કામ કરવાં.’

‘સાધુનું મન ઈશ્વરમાં બાર આના, અને બીજાં કામમાં ચાર આના. સાધુ ઈશ્વરની વાતોમાં જ સજાગ. જેમ કે સાપની પૂંછડી દબાય તો થઈ રહ્યું! તેની પૂંછડીએ જાણે કે તેને ઘણું જ લાગે!

(પંચવટીમાં સહચરીનું કીર્તન – અચાનક વાદળાં અને વરસાદ)

ઠાકુર શૌચ જતી વખતે સિંથિના ગોપાલને છત્રી ઘરમાં મૂકી આવવાનું કહી ગયેલા. ગોપાલ માસ્ટરને કહે છે કે ‘ઠાકુર કહી ગયા છે કે છત્રી ઘરમાં મૂકી આવજો.’ પંચવટી નીચે કીર્તનની તૈયારી થાય છે. ઠાકુર આવીને બેઠા છે. સહચરી ગીત શરૂ કરે છે. ભક્તો ચારે બાજુ કોઈ બેઠા છે, કોઈ ઊભા છે.

ગઈકાલે શનિવારે અમાસ ગઈ છે. જેઠ મહિનો. આજે વચ્ચે વચ્ચે વાદળાં ચડી આવતાં હતાં. અચાનક તોફાન શરૂ થયું. ઠાકુર ભક્તો સાથે પોતાના ઓરડામાં આવતા રહ્યા. કીર્તન ઓરડામાં જ કરવાનું ઠર્યું.

શ્રીરામકૃષ્ણ (સિંથિના ગોપાલને) – હેં ભાઈ, છત્રી લાવ્યા છો ને?

ગોપાલ – જી ના. કીર્તન સાંભળતાં સાંભળતાં ભૂલી ગયો છું!

છત્રી પંચવટીમાં જ પડી છે; ગોપાલ ઝટઝટ ગયા.

શ્રીરામકૃષ્ણ – હું તો આવો અલગારી જેવો, તોય હજી એટલો બધો બેખબરો નથી! રાખાલ એક જગાએ જમવાના નોતરાંની તારીખ ૧૩મી ને કહે ૧૧મી! 

અને આ તો ગો…પાલ – ગાયોનો ગોવાળ! (સૌનું હાસ્ય).

આ તો સોનીની વાતમાં આવે છે – એક જણે કહ્યું, કેશવ! બીજાએ કહ્યું, ગોપાલ! વળી એક બોલ્યો, હરિ! વળી બીજો બોલ્યો, હર! આ ગોપાલનો અર્થ છે ગોવાળ. (સૌનું હાસ્ય)

સુરેન્દ્ર ગોપાલને ઉદ્દેશીને આનંદપૂર્વક કહે છે – કાનો ક્યાં છે?

Total Views: 290
ખંડ 19: અધ્યાય 30 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના મંદિરમાં, જન્મોત્સવ દિને વિજય, કેદાર, રાખાલ, સુરેન્દ્ર વગેરે ભક્તો સાથે
ખંડ 19: અધ્યાય 32 : વિજય વગેરે ભક્તો સાથે સંકીર્તનાનંદે - સહચરીનું ગૌરાંગસંન્યાસગીત