કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે અને વળી ઉથલો દે છે.

(નારીને ન જોવી), (એ છે સંન્યાસી ધર્મ)! (જીવોનાં દુઃખ દળવાં), 

(નારીને ન જોવી)! (નહિ તો ગૌરાંગ) (અવતાર બને મિથ્યા).

ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઊભા થઈને સમાધિમગ્ન થયા. તરત ભક્તોએ ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. ભવનાથ, રાખાલ ઠાકુરને પકડી રહ્યા છે, કદાચ પડી જાય. ઠાકુર ઉત્તરાભિમુખ. વિજય, કેદાર, રામ, માસ્ટર, મનોમોહન, લાટુ વગેરે ભક્તો તેમને વીંટળાઈ ઊભા છે. જાણે કે સાક્ષાત્ ગૌરાંગ આવીને ભક્તો સાથે હરિનામ-મહોત્સવ કરી રહ્યા છે!

(શ્રીકૃષ્ણ જ અખંડ સચ્ચિદાનંદ – વળી પાછાં જીવજગત – 

સ્વરાટ વિરાટ)

જરા જરા કરતાં સમાધિ ઊતરતી આવે છે. ઠાકુર સચ્ચિદાનંદ-કૃષ્ણની સાથે વાતો કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે ‘કૃષ્ણ’ એ શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા છે. વળી ક્યારેક ક્યારેક તો એ પણ બોલી શકતા નથી. બોલે છે, ‘કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ! સચ્ચિદાનંદ! ક્યાં, તમારું રૂપ આજકાલ દેખાતું નથી! હવે તમને અંતરમાં ને બહાર દેખું છું! જીવ, જગત, ચોવીસ તત્ત્વ, બધું જ તમે! મન, બુદ્ધિ, બધું જ તમે! ગુરુના પ્રણામ મંત્રમાં છેઃ

‘અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્।

તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ।।’

‘તમે જ અખંડ, તમે જ વળી ચરાચર-વ્યાપ્ત કરી રહેલ છો! તમે જ આધાર, તમે જ આધેય! પ્રાણ કૃષ્ણ! મન કૃષ્ણ! બુદ્ધિ કૃષ્ણ! આત્મા કૃષ્ણ! પ્રાણ, હે ગોવિંદ, મમ જીવન!’

વિજયને ભાવનો આવેશ થઈ આવ્યો છે. ઠાકુર બોલે છે, ‘બાપુ, તમેય શું બેહોશ થયા છો? 

વિજય (નમ્રતાથી) – જી, ના.

કીર્તનિયો ફરી ગાય છે, ‘આંધળો છે પ્રેમ.’ કીર્તનિયો જેમ ગાય છે, ‘સદાય હૈયાં માંહે રાખત, અરે પ્રાણબંધુ રે!’ ત્યાં ઠાકુર વળી સમાધિ-મગ્ન! પાટો બાંધેલો હાથ ભવનાથની ખાંધે રહેલો છે! 

ઠાકુરને જરાક બાહ્યભાન આવતાં, કીર્તનિયો વળી બોલે છે : ‘જેણે તમારા માટે બધું છોડ્યું છે તેને શું આટલું દુઃખ?’

ઠાકુરે કીર્તનિયાને નમસ્કાર કર્યા. બેઠાં બેઠાં ગીત સાંભળી રહ્યા છે. વચ્ચે વચ્ચે ભાવ-મગ્ન. કીર્તનિયો અટક્યો. ઠાકુર વાતો કરી રહ્યા છે.

(પ્રેમમાં જગત અને શરીર ભુલાય – ઠાકુરનું ભક્તો સાથે નૃત્ય અને સમાધિ)

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરે ભક્તોને) – પ્રેમ કોને કહે? ઈશ્વરમાં જેને પ્રેમ થાય, જેમ કે ચૈતન્યદેવને, તેનાથી જગત તો વિસરાઈ જવાય, પણ પોતાનો દેહ કે જે આટલો પ્રિય, એ સુધ્ધાં વિસરાઈ જવાય!

ઈશ્વરમાં પ્રેમ આવતાં શું થાય, એ ઠાકુર ગીત ગાઈને સમજાવે છેઃ

હરિ બોલતાં નયને ધારા વહ્યે જાયે, એ દિન ક્યારે આવે…

અંગે રોમાંચ થાયે, સંસાર-વાસના જાયે;

દુર્દિન જાયે, સુદિન થાયે, ક્યારે હરિની દયા થાયે…

ઠાકુર ઊભા થઈ ગયા છે અને નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય સાથે સાથે નાચી રહ્યા છે. ઠાકુર માસ્ટરનો હાથ ખેંચીને નૃત્ય કરતા ભક્ત-મંડળની અંદર તેને લઈ લે છે.

નૃત્ય કરતાં કરતાં ઠાકુર વળી સમાધિમગ્ન! ચિત્રમાં આલેખેલની પેઠે ઊભા છે! કેદાર સમાધિ ઉતારવાને માટે સ્તુતિ કરે છે : 

‘હૃદયકમલમધ્યે નિર્વિશેષં નિરીહમ્।

હરિહરવિધિવેદ્યં, યોગિર્ભિધ્યાનગમ્યમ્।।

જનનમરણભીતિભ્રંશી, સત્ ચિત્ સ્વરૂપમ્।

સકલ ભુવનબીજં બ્રહ્મચૈતન્યમીડે।।’

ધીરે ધીરે સમાધિ ભંગ થઈ. ઠાકુર પોતાના આસને બેઠા ને ઈશ્વરનું નામ લેવા લાગ્યા : ‘ૐ સચ્ચિદાનંદ! ગોવિંદ! ગોવિંદ! ગોવિંદ! યોગમાયા! ભાગવત-ભક્ત-ભગવાન!’

કીર્તન અને નૃત્ય-સ્થળની રજ લઈને ઠાકુરે માથે ચડાવી.

Total Views: 228
ખંડ 19: અધ્યાય 31 : વિજય, કેદાર વગેરેને કામિનીકાંચન વિશે ઉપદેશ
ખંડ 19: અધ્યાય 33 : સંન્યાસીનું કઠિન વ્રત - સંન્યાસી અને લોકોપદેશ