ઠાકુર ગંગાના કિનારા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. પાસે વિજય, ભવનાથ, માસ્ટર, કેદાર વગેરે ભક્તો. ઠાકુર વચ્ચે વચ્ચે બોલે છે : ‘હા કૃષ્ણચૈતન્ય!’

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરે ભક્તોને) – ઓરડામાં ખૂબ હરિ-નામ-સંકીર્તન થયેલ છે ને, એટલે કીર્તન ખૂબ જામી ગયું!

ભવનાથ – તેમાંય વળી સંન્યાસની વાત!

શ્રીરામકૃષ્ણે ‘આહા! કેવો ભાવ!’ એમ કહીને ગીત ઉપાડ્યું –

પ્રેમ-ધન વહેંચે ગોરા રાય, પ્રેમ કળશે કળશે રેડે તોય ન ખૂટી જાય. 

ચાંદ નિતાઈ બોલાવે આવ આવ, ચાંદ ગૌર બોલાવે આવ!

આ શાંતિપુર ડૂબે ડૂબે, નદિયા તણાયે જાય…

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરેને) – સરસ બોલ્યો છે કીર્તનમાં, કે ‘સંન્યાસી નારીને જુએ નહિ. એ જ સંન્યાસીનો ધર્મ! કેવો ગીતનો ભાવ!’

વિજય – જી હાં.

શ્રીરામકૃષ્ણ – સંન્યાસીનું (વર્તન) જુએ, ત્યારે તો સહુ શીખે. એટલે આટલા કઠણ નિયમ! નારીનાં ચિત્રો સુધ્ધાં સંન્યાસીએ જોવાં નહિ! એવો કઠણ નિયમ! 

કાળી બકરીને મા કાલીની સેવામાં બલિરૂપે ધરાય પરંતુ એ બકરી થોડી ઘવાયેલી હોય તો માની સેવાના કામમાં ન આવે. સ્ત્રી-સંગ તો કરે જ નહિ, પણ સ્ત્રીઓ સાથે વાતો સુધ્ધાં કરે નહિ!

વિજય – નાના હરિદાસે ભક્ત-બાઈ સાથે વાત જ કરી હતી. પણ એટલાથીયે ચૈતન્યદેવે હરિદાસનો ત્યાગ કર્યાે.

(પૂર્વકથા – શ્રીરામકૃષ્ણને મારવાડીનો પૈસા આપવાનો અને મથુરનો જમીન લખી આપવાનો પ્રસ્તાવ)

શ્રીરામકૃષ્ણ – સંન્યાસીને માટે કામિની અને કાંચન – જેમ સુંદરી સ્ત્રીને માટે શરીરમાંથી ખાટી દુર્ગંધ! એવી દુર્ગંધ હોય તો તેનું સૌંદર્ય બધું નકામું.

‘મારવાડીએ મારા નામ ઉપર રૂપિયા લખી દેવાનું ઇચ્છ્યું હતું; મથુરે જમીન લખી દેવાની ઇચ્છા કરી હતી; પણ હું લઈ શક્યો નહિ.

‘સંન્યાસીના ભારે કઠણ નિયમ. જ્યારે સાધુ-સંન્યાસીનો સ્વાંગ લીધો છે, ત્યારે બરાબર સાધુ-સંન્યાસીની પેઠે જ વર્તવું જોઈએ. નાટકમાં જોતા નથી? જેણે રાજાનો પાઠ લીધો હોય તે રાજા પ્રમાણે જ વર્તે. જેણે મંત્રીનો પાઠ લીધો હોય તે મંત્રી પ્રમાણે જ વર્તે.’

‘એક બહુરૂપીએ ત્યાગી સાધુનો સ્વાંગ લીધેલો. તેના સ્વાંગથી ખુશ થઈને મંદિરના માલિકોએ તેને થેલી ભરીને રૂપિયા આપવા માંડ્યા. પેલો ‘ઊંહું’ કરીને ચાલ્યો ગયો, રૂપિયાને અડ્યોય નહિ! પરંતુ થોડીક વાર પછી હાથ, પગ, મોં ધોઈ, સ્વાંગ ઉતારીને પોતાનાં મૂળ કપડાં પહેરીને આવ્યો, ને કહ્યું કે ‘શેઠ, શું આપતા હતા, તે આપો. એ વખતે તો સાધુનો વેશ લીધો હતો એટલે સાધુથી પૈસાને અડાય નહિ. હવે તો ચાર આના આપો તોય ચાલે!’

પરંતુ પરમહંસ અવસ્થામાં બાળક જેવો સ્વભાવ થઈ જાય. પાંચ વરસના બાળકને સ્ત્રી-પુરુષના ભેદનું જ્ઞાન ન હોય. છતાંય પરમહંસે પણ લોકોપદેશને માટે સાવચેત રહેવું જોઈએ.

(શ્રીયુત્ કેશવ સેન દ્વારા લોકોપદેશ કેમ ન થયો?)

શ્રીયુત્ કેશવ સેન કામિની-કાંચનની વચ્ચે રહેતા હતા, એટલે લોકોપદેશમાં અડચણ આવી, એ વાત ઠાકુર કરે છે.

શ્રીરામકૃષ્ણ – એ (કેશવ), સમજે છે?

વિજય – જી હાં.

શ્રીરામકૃષ્ણ – આ બાજુ ને પેલી બાજુ, એમ બેઉ બાજુએ રાખવા જતાં એવું કંઈ ખાસ કરી શક્યા નહિ.

(શ્રીચૈતન્યદેવે શા માટે સંસારત્યાગ કર્યાે?)

વિજય – ચૈતન્યદેવે નિત્યાનંદને કહ્યું, ‘નિતાઈ, હું જો સંસાર-ત્યાગ ન કરું તો લોકોનું ભલું થાય નહિ. સૌ કોઈ મારી દેખાદેખીથી સંસાર ચલાવવા ઇચ્છે. કામિની-કાંચનનો ત્યાગ કરી હરિ-ચરણકમળમાં સંપૂર્ણ મન લગાડવાનો કોઈ પ્રયાસ કરે નહિ.’

શ્રીરામકૃષ્ણ – ચૈતન્યદેવે લોકોને ઉપદેશ આપવા માટે સંસાર-ત્યાગ કર્યાે.

‘સાધુ-સંન્યાસી પોતાના કલ્યાણ માટે તો કામિની-કાંચનનો ત્યાગ કરે જ. તેમ પોતે નિર્લિપ્ત હોય તોય, લોકોપદેશને માટે પોતાની પાસે કામિની-કાંચન રાખે નહિ. ન્યાસી, સંન્યાસી જગદ્ગુરુ! તેનો ત્યાગ દેખે, ત્યારે તો લોકોમાં જાગૃતિ આવે!’

સંધ્યા થવાની તૈયારી. ભક્તો એક પછી એક પ્રણામ કરીને રજા લે છે. વિજય કેદારને કહે છે, ‘આજ સવારે (ધ્યાનને વખતે) આમને જોયા હતા. શરીરે હાથ અડાડવા ગયો ત્યાં કોઈ નહીં!’

Total Views: 358
ખંડ 19: અધ્યાય 32 : વિજય વગેરે ભક્તો સાથે સંકીર્તનાનંદે - સહચરીનું ગૌરાંગસંન્યાસગીત
ખંડ 20: અધ્યાય 1 :