આજે ઠાકુર સુરેન્દ્રને બગીચે પધાર્યા છે. રવિવાર, (૨ અષાડ) જેઠ વદ છઠ્ઠ; ૧૫મી જૂન, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર સવારના નવ વાગ્યાથી ભક્તો સાથે આનંદ કરી રહ્યા છે.

સુરેન્દ્રનો બગીચો કોલકાતાની નજીક કાંકુડગાછિ નામના ગામમાં આવેલ છે. પાસે જ રામચંદ્ર દાનો બગીચો. એ બગીચામાં ઠાકુર લગભગ છ મહિના પહેલાં પધાર્યા હતા. આજે સુરેન્દ્રના બગીચામાં મહોત્સવ છે.

સવારથી જ કીર્તનનો આરંભ થયો છે. કીર્તનકારો માથુરગીત (મથુરાની લીલાનાં ગીતો) ગાય છે. ગોપીઓનો પ્રેમ, શ્રીકૃષ્ણ-વિરહમાં રાધાની શોકાતુર અવસ્થા – એ બધાંનું વર્ણન થઈ રહ્યું છે. ઠાકુર વારેવારે ભાવપૂર્ણ થઈ રહ્યા છે. ભક્તો બંગલાના ઓરડામાં ચારેબાજુ હારબંધ ઊભેલા છે.

ઉદ્યાન-ગૃહના મુખ્ય ખંડમાં કીર્તન થઈ રહ્યું છે. ઓરડાની જમીન પર ધોળી ચાદર પાથરેલી છે અને વચ્ચે વચ્ચે તકિયા મૂકેલા છે. આ ખંડની પૂર્વ અને પશ્ચિમ બાજુએ એક એક ઓરડો છે અને ઉત્તર અને દક્ષિણ બાજુએ ઓસરી આવેલી છે. બંગલાની સામે એટલે કે દક્ષિણે, ઘાટ બાંધેલું એક સુંદર તળાવ છે. બંગલા અને તળાવની વચ્ચે પૂર્વ બાજુએ બગીચાનો રસ્તો છે. રસ્તાની બંને બાજુએ પુષ્પવૃક્ષો છે. ક્રોટન જેવા છોડ છે. ઉદ્યાનની પૂર્વ બાજુએથી ઉત્તર બાજુના દરવાજા સુધી બીજો એક રસ્તો છે – લાલ પથ્થરનો રસ્તો. એની બંને બાજુએ અનેક પ્રકારનાં પુષ્પવૃક્ષ અને ક્રોટન જેવા છોડ. દરવાજા પાસે અને રસ્તાની પૂર્વ બાજુએ બાંધેલ ઘાટવાળું તળાવ છે. સામાન્ય ગ્રામવાસીઓ અહીં સ્નાનાદિ કરે છે અને પીવા માટે પાણી પણ લઈ જાય છે. પશ્ચિમ બાજુએ પણ ઉદ્યાનપથ છે.  એ રસ્તાની નૈઋત્યે રસોડું. ત્યાં આજ ખૂબ ધામધૂમ છે. કારણ કે ઠાકુર અને ભક્તોની સેવા થવાની છે. સુરેશ અને રામ બધો વખત વ્યવસ્થાની કાળજી રાખી રહ્યા છે. 

બંગલાના ઓરડાની ઓસરીમાં પણ ભક્તો ઊભરાય છે. કોઈ કોઈ એકલા અથવા મિત્રો સામે તળાવડીને કાંઠે ફરી રહ્યા છે. કોઈ કોઈ તેના પર બાંધેલા ઘાટ પર બેસીને આરામ લઈ રહ્યા છે. 

આ બાજુ સંકીર્તન ચાલી રહ્યું છે. સંકીર્તનવાળા ઘરમાં ભક્તોની ભીડ જામી છે. ભવનાથ, નિરંજન, રાખાલ, સુરેન્દ્ર, રામ, માસ્ટર, મહિમાચરણ અને મણિ મલ્લિક વગેરે અનેક ઉપસ્થિત છે. અનેક બ્રાહ્મભક્તો પણ હાજર છે.

મથુરાનું ગાન ચાલે છે. કીર્તનકાર પ્રથમ ગૌર-ચંદ્રિકા ગાય છે. ગૌરાંગે સંન્યાસ લીધો છે. કૃષ્ણ-પ્રેમમાં ગાંડાતુર બન્યા છે. તેમના જતા રહેવાથી નવદ્વીપના ભક્તો વ્યાકુળ થઈને રુદન કરી રહ્યા છે. એટલે કીર્તનકાર ગાય છે : ‘ગૌર, એક વાર ચાલો નદિયા…

ત્યાર પછી શ્રીમતી રાધિકાની વિરહ-અવસ્થાનું વર્ણન કરતાં પાછા ગાય છે.

ઠાકુર ભાવપૂર્ણ. એકદમ ઊભા થઈ જઈને અતિ કરુણ સ્વરે વચ્ચે બોલી ઊઠે છે : ‘સખી, કાં તો પ્રાણવલ્લભને મારી પાસે લાવ. નહિતર મને ત્યાં મૂકી આવ.’ શ્રીરામકૃષ્ણને શ્રીરાધા-ભાવ થયો છે. ઉપરના શબ્દો બોલતાં બોલતાં જ વાણીરહિત થઈ ગયા. શરીર સ્થિર, અર્ધ-મીંચેલાં નેત્ર, સંપૂર્ણ બાહ્યસંજ્ઞા રહિત, ઠાકુર સમાધિસ્થ થયા છે.

ઘણા વખત પછી સહજ અવસ્થામાં આવ્યા. વળી તેવા જ કરુણ સ્વરે કહે છે : ‘સખી! એમની પાસે લઈ જઈને તું મને ખરીદી લે! હું તમારી દાસી થઈશ! તેં જ તો કૃષ્ણ-પ્રેમ શીખવ્યો હતો, પ્રાણવલ્લભ!’

કીર્તનકારનું ગીત ચાલવા લાગ્યું : શ્રીમતી કહે છે, ‘સખી! જમુનાનું જળ ભરવા હું જવાની નથી. કદંબની નીચે પ્રિય સખાને જોયા હતા. ત્યાં જતાંવેંત હું આકુળવ્યાકુળ થઈ જાઉં છું!’ 

ઠાકુર પાછા ભાવ-પૂર્ણ થતા જાય છે. દીર્ઘ શ્વાસ છોડીને આતુર થઈને બોલે છે, ‘આહા! આહા’ 

કીર્તન ચાલે છે. શ્રીમતીની ઉક્તિ : 

‘શીતલ કોમલ અંગ નિહારી, અંગ-સુખની લાલચ જાગે’. 

ઠાકુર વચ્ચે વચ્ચે પૂર્તિ કરે છે : ‘ભલે એ તમારા થાય, પણ મને એક વાર તો એને દેખાડ!’ ‘આભૂષણનું ભૂષણ ગયું છે. હવે આભૂષણની જરૂર નથી.’ ‘મારા સુદિન જઈને દુર્દિન આવ્યા છે.’ ‘દુર્દશાના દિન શું મોડું ન કરે?’

ઠાકુર પૂર્તિ બોલે છે : ‘એ સમય શું આજે પણ થયો નથી?’ 

કીર્તનિયો પૂર્તિ બોલે છે : ‘આટલો કાળ ગયો તોય એ સમય શું આજે થયો નથી?’

ગીત : ‘મરીશ, મરીશ, સખી જરૂર મરીશ,

(મારો) કાનુ જેવો ગુણનિધિ કોને સોંપી જાઉં?

બાળો નહિ રાધા અંગ, નવ ફેંકો જળે.

(જુઓ શરીર બાળતાં નહિ.)

(કૃષ્ણવિલાસનું શરીર પાણીમાં ફેંકો નહિ.)

(કૃષ્ણવિલાસનું શરીર જળમાં નહિ નાખતી, 

અગ્નિમાં નહીં દેતી.)

મરું તો ઊંચકીને મૂકજો તમાલની ડાળે. 

બાંધીને તમાલ પર રાખજો. 

તેમાં સ્પર્શ થશે, કાળા કાનુનો સ્પર્શ થશે. 

કૃષ્ણ કાળા, તમાલ કાળો. કાળું મને બહુ ગમે બાલ્યકાળથી જ. 

મારા કાનુ પાછળ ભમે તનુ. જુઓ કાનુ વિનાની કરતા નહિ રે…

શ્રીમતીની દશમ દશા : મૂર્છિત થઈને પડ્યાં છે.

ગીત : ‘રાધા થઈ મૂર્છિત, હરાયું જ્ઞાન. (નામ લેતાં લેતાં મેળો શું વિંખાયો?) રાધે, ત્યારે જ તો પ્રાણસખીએ મીંચ્યાં નયન. (રાધે એવું કેમ થયું?) (હજી તો હમણાં બોલતી હતી!) કોઈ કોઈ ચંદન ચર્ચે રાધા-અંગે, કોઈ કોઈ રુદન કરે શોકતરંગે, (વળી પ્રાણ જશે એટલે) કોઈ કોઈ જળ સિંચે છે રાધાવદને (કદાચ બચે); (જે કૃષ્ણ અનુરાગે મરે, તે શું જળથી બચે?)

રાધિકાને મૂર્છિત દેખીને સખીઓ કૃષ્ણ-નામ લે છે. શ્યામ-નામથી તેમને સંજ્ઞા આવી. તમાલ દેખીને માને છે કે જાણે સામે કૃષ્ણ આવ્યા છે.

ગીત : શ્યામ નામે પ્રાણ પામી રાધા આમ તેમ જુએ,

ન દેખતાં એ ચંદ્રમુખને, રાધા ડૂસકે ડૂસકે રુએ. (બોલે ક્યાં રે શ્રીદામ)

(તેં જેનું નામ સંભળાવ્યું તે ક્યાં છે?) (એક વાર એને દેખાડી તો દે); દેખે છે તમાલવૃક્ષ રહ્યું સાવ સામે! (ત્યારે ) એ તમાલવૃક્ષનું કર્યું નિરીક્ષણ; (કહે કે પેલો (કૃષ્ણનો) મુકુટ). (મારા કૃષ્ણનો એ જ છે મુકુટ). (મુકુટ જોઈ શકાય) (તમાલવૃક્ષમાં મયૂરને જોઈને કહે છે આ જ છે કૃષ્ણનો મુકુટ).

સખીઓએ મસલત કરીને મથુરામાં દૂતી મોકલી છે. તેણે એક મથુરાવાસી સ્ત્રીની સાથે પરિચય કર્યાે :

ગીત : એક રમણી સમવયસી, નિજ પરિચય પૂછે.

‘શ્રીમતીની સખી દૂતી કહે છે, ‘મારે કૃષ્ણને બોલાવવા નહિ પડે. એ પોતે જ આવશે.’ દૂતી મથુરાવાસી સ્ત્રીની સાથે જ્યાં કૃષ્ણ છે ત્યાં જાય છે. ત્યાર પછી આતુર થઈ રોતી રોતી બોલાવે છે : 

‘ક્યાં છો હરિ, ઓ ગોપીજનજીવન, પ્રાણવલ્લભ, રાધા-વલ્લભ, લજ્જા-નિવારક હરિ? એક વાર દર્શન આપો! મેં ખૂબ ગર્વ કરીને આ લોકોને કહ્યું છે કે તમે પોતે જ દર્શન દેશો.’

ગીત : મધુરપુરનાગરી ઘૂમી હરતી ફરતી કહે, ‘ગોકુલે ગોપકુમારી!’

(અરે ઓ!) (કેમ કરી તું જઈશ)

(એવા કંગાલીના વેશમાં!)

સાતમા દ્વારની પેલે પાર રાજા રહે છે, ત્યાં તો જઈ શકીશ ના રે!

અને જઈશ તો કેવી રીતે તે કહે તો જરી?

(તારી હિંમત જોઈને હું તો લાજી મરું અરી!

બોલ, કેવી રીતે જઈશ રે!)

હા હા નાગર! ગોપીજન-જીવન! 

(દર્શન દઈ દાસીનો પ્રાણ ઉગારો ગોપીજીવન પ્યારે રે!)

(ક્યાં છો ગોપીજન-જીવન! પ્રાણવલ્લભ!)

(હે મથુરાનાથ, દર્શન દઈ દાસીનો મનપ્રાણ બચાવો હરિ, હા હા રાધાવલ્લભ!)

(ક્યાં છો તમે રે, હૃદયનાથ હૃદયવલ્લભ! લજ્જાનિવારણ હરિ રે!)

(દર્શન આપી દાસીનું માન રાખો હરિ રે!)

હા હા નાગર! ગોપીજન જીવનધન!

દૂતી બોલાવે યુગલને!

‘ક્યાં છો ગોપીજન-જીવન, પ્રાણવલ્લભ?’ એ શબ્દો સાંભળતાં જ ઠાકુર સમાધિસ્થ થયા. કીર્તનને અંતે કીર્તનિયાઓ ઊંચે સ્વરે સંકીર્તન કરે છે. શ્રીરામકૃષ્ણ પાછા ઊભા થઈ રહ્યા! સમાધિસ્થ! સહેજ સંજ્ઞા આવતાં અસ્પષ્ટ સ્વરે બોલે છે : ‘કિટના! કિટના!’ (કૃષ્ણ! કૃષ્ણ!) ભાવમાં ડૂબાડૂબ છે. નામનો સંપૂર્ણ ઉચ્ચાર પણ થઈ શકતો નથી.

રાધા અને કૃષ્ણનું મિલન થયું. કીર્તનિયો એ ભાવનું ગીત ગાય છે. 

ઠાકુર પૂર્તિ બોલતા જાય છે : 

‘રાધા ઊઠી રે! અંગ મરડીને રાધા ઊઠી રે!’ 

શ્યામને વામે રાધા ઊભી રે! 

તમાલને ઘેરી ઘેરીને રાધા ઘૂમે રે!’ 

હવે નામ-કીર્તન. સહુ ખોલ કરતાલની સાથે ગાવા લાગ્યા, ‘જય રાધે ગોવિંદ!’ ભક્તો બધા ઉન્મત્ત! 

ઠાકુર નાચે છે. ભક્તો પણ તેમને ઘેરી ઘેરીને આનંદથી નાચે છે અને મોઢેથી બોલે છે : ‘જય રાધે ગોવિંદ! જય રાધે ગોવિંદ!’

Total Views: 488
ખંડ 19: અધ્યાય 33 : સંન્યાસીનું કઠિન વ્રત - સંન્યાસી અને લોકોપદેશ
ખંડ 20: અધ્યાય 2 : સરળતા અને ઈશ્વર-પ્રાપ્તિ - ઈશ્વરની સેવા અને સંસારસેવા