શિવપુરથી ભક્તો આવ્યા. તેઓ ખૂબ લાંબેથી તકલીફ લઈને પગે ચાલીને આવ્યા છે, એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણને કાંઈ બોલ્યા વિના મૂંગા બેસી રહેવાનું ગમ્યું નહિ. તેથી સારરૂપે થોડીક વાતો તેમને કહે છે.

શ્રીરામકૃષ્ણ (શિવપુરના ભક્તોને) – ઈશ્વર જ સત્ય, બાકી બધું અનિત્ય. જેમ કે શેઠ અને તેમનો બગીચો. ઈશ્વર અને તેનું ઐશ્વર્ય. લોકો બગીચો જ જુએ, શેઠને જોવા માગે કેટલાક જણ?

ભક્ત – જી, ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ – સત્-અસત્-નો વિચાર. ઈશ્વર સત્ય, બાકીનું બધું અનિત્ય, એવો સદા વિચાર કરવો. અને આતુર થઈને સ્મરણ કરવું.

ભક્ત – જી, પણ ફુરસદ ક્યાં છે?

શ્રીરામકૃષ્ણ – જેમને સમય છે, તેઓએ ધ્યાન, ભજન કરવું. 

જેઓ કોઈ રીતે સમય કાઢી શકે જ નહિ, તેઓ સવાર સાંજ બન્ને વખત ખૂબ અંતઃકરણપૂર્વક પ્રભુને પ્રણામ કરે. પ્રભુ તો અંતર્યામી, એ તો સમજે છે કે આ લોકો લાચાર છે. કેટલાંય કામકાજ કરવાનાં હોય, એટલે તમને લોકોને ભગવાનને સમરવાનો સમય નથી હોતો. તો પછી ભગવાનને મુખત્યારનામું આપી દો. પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય, એનાં દર્શન ન કરાય ત્યાં સુધી કાંઈ વળ્યું નહિ, એ જાણજો!

એક ભક્ત – જી, આપને જોવા એ જ અમારે મન તો ઈશ્વરને જોવા બરાબર છે.

શ્રીરામકૃષ્ણ – એવું બોલો મા. ગંગાનો જ તરંગ કહેવાય, તરંગની ગંગા કંઈ ન કહેવાય. હું આવો મોટો માણસ, હું અમુક, એવો અહંકાર ગયા વિના ઈશ્વરને પામી શકાય નહિ. ‘અહંકાર’ની ટોચને ભક્તિના જળથી ભીંજવીને સપાટ કરી નાખો.

(શા માટે સંસાર? – ભોગને અંતે વ્યાકુળતા અને ઈશ્વરલાભ)

ભક્ત – ઈશ્વરે આપણને સંસારમાં શા માટે રાખ્યા છે?

શ્રીરામકૃષ્ણ – તેની સૃષ્ટિ સારુ રાખ્યા છે. એની ઇચ્છા, એની માયા. કામિની-કાંચન આપીને એણે આપણને ભુલાવી રાખ્યા છે.

ભક્ત – શા માટે એણે ભુલાવી રાખ્યા છે? શું કામ એની એવી ઇચ્છા?

શ્રીરામકૃષ્ણ – ભગવાન જો એક વાર ઈશ્વરી આનંદ આપે તો પછી કોઈ સંસારમાં પડે નહિ, સૃષ્ટિ ચાલે નહિ.

‘ચોખાનાં ગોદામમાં મોટી મોટી ગુણોમાં ચોખા ભરી રાખ્યા હોય. ઉંદરોને એની ખબર ન પડવા દેવા સારુ વેપારી એક સૂપડામાં ધાણી-મમરા ઉઘાડાં રાખી મૂકે. એ ધાણી-મમરા બહુ મીઠા લાગે એટલે ઉંદરો આખી રાત એ કરડ કરડ કરીને ખાધા કરે. પછી ચોખાની ગુણો શોધવા જાય નહિ.

‘પણ જુઓ, એક શેર ચોખાના ચૌદ ગણા મમરા થાય. કામિની-કાંચનના આનંદ કરતાં ઈશ્વરનો આનંદ કેટલો બધો વધુ અને ઉચ્ચ! ઈશ્વરના રૂપનું ચિંતન કર્યે તિલોામા, રંભાનું રૂપ ચિતાની ભસ્મ જેવું લાગે.

ભક્ત – ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આતુરતા આવતી નથી કેમ?

શ્રીરામકૃષ્ણ – ભોગ-વાસનાનો અંત આવ્યા વિના એ આતુરતા આવે નહિ. કામિની-કાંચનનો ભોગ જે કંઈ હોય, તેની તૃપ્તિ થયા વિના જગન્માતા યાદ આવે નહિ. છોકરું જ્યારે રમવામાં મશગૂલ હોય ત્યારે માને યાદ કરે નહિ. પણ રમવાનું પૂરું થઈ જાય, ત્યારે પછી કહેશે ‘બા પાસે જાવું છે.’ હૃદુનો નાનો છોકરો પારેવાંની સાથે રમતો હતો. પારેવાંને બોલાવે, ‘આવ, આવ, તી, તી, તી કરીને. પણ જેવું પારેવાંની સાથે રમી લીધું કે તરત રડવાનું શરૂ કર્યું. ત્યાર પછી એક અજાણ્યા માણસે આવીને કહ્યું કે ‘ચાલ, તારી બાની પાસે લઈ જાઉં!’ તો એ એની જ ખાંધે બેસીને તરત ચાલ્યો ગયો!’

‘જેઓ નિત્ય-સિદ્ધ હોય, તેમને સંસારમાં પડવું પડતું નથી. તેમની ભોગની વાસના જનમથી જ મટી ગયેલી હોય છે.’

(શ્રી મધુ ડૉક્ટરનું આગમન – શ્રી મધુસૂદન અને નામ માહાત્મ્ય)

પાંચ વાગ્યા છે. મધુ ડૉક્ટર આવ્યા છે, ઠાકુરને હાથે પાટિયાં અને પાટો બાંધી દેવા માટે. ઠાકુર બાળકની પેઠે હસી રહ્યા છે અને બોલી રહ્યા છે : ‘આ લોકના અને પરલોકના મધુસૂદન.’

મધુ ડૉક્ટર (હસીને) – માત્ર નામનો બોજો વેંઢારી મરીએ એટલું જ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – કેમ, નામ શું જેવી તેવી વસ્તુ? ભગવાન અને તેનું નામ, એ બેમાં ભેદ નથી. સત્યભામા જ્યારે ત્રાજવામાં સુવર્ણ, મણિ, માણેક વગેરે રત્નો નાખીને ભગવાનની તુલા કરવા બેઠાં, ત્યારે વજન બરાબર થયું નહિ. પણ રુક્મિણીએ જ્યારે તુલસીના પાન પર કૃષ્ણ નામ લખીને નાખ્યું, ત્યારે વજન બરાબર થયું!’

હવે ડૉક્ટર પાટિયાં ગોઠવીને પાટો બાંધવાની તૈયારી કરે છે. જમીન પર પથારી કરવામાં આવી. ઠાકુર હસતાં હસતાં નીચે આવીને સૂઈ જાય છે. સૂતાં સૂતાં સૂર કાઢીને બોલે છે, ‘રાઈ(રાધા)ની દશમી દશા!’ વૃંદા બોલી, ‘હજીયે તે કેટલીક થવાની!’

ભક્તો ચારે બાજુએ બેઠેલા છે. ઠાકુર વળી ગાવા લાગ્યા, ‘સબ સખી મિલી બેઠી સરોવર તીરે!’ ઠાકુરેય હસી રહ્યા છે ને ભક્તોય હસી રહ્યા છે. પાટો બંધાઈ રહ્યો એટલે ઠાકુર બોલવા લાગ્યા : ‘મારો કોલકાતાના ડૉક્ટરો ઉપર એટલો બધો વિશ્વાસ બેસે નહિ. શંભુ લવારીએ ચડ્યો છે. તોય ડૉક્ટર (સર્વાધિકારી) કહે છે કે એ કંઈ નથી, એ તો દવાનું ઘેન છે! આ બાજુ થોડીવારમાં જ શંભુ ઊપડી ગયો! (શંભુ મલ્લિકનું મૃત્યુ ૧૮૭૭માં થયું હતું.)

Total Views: 300
ખંડ 19: અધ્યાય 7 : ઈશ્વરને કેવી રીતે પોકારવો જોઈએ - વ્યાકુળ બનો
ખંડ 19: અધ્યાય 9 : મહિમાચરણને ઉપદેશ