કીર્તન પૂરું થયું. પછી ઠાકુર ભક્તો સાથે બેઠા છે. એટલામાં નિરંજને આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ઠાકુર તેને જોતાં જ ઊભા થઈ ગયા. આનંદથી પ્રફુલ્લ નેત્રે સહાસ્ય વદને બોલી ઊઠ્યા, ‘તું આવ્યો?’

(માસ્ટરને) – જુઓ, આ છોકરો ઘણો સરલ. પૂર્વજન્મમાં ખૂબ તપસ્યા ન કરી હોય તો સરલતા આવે નહિ; કપટ, લુચ્ચાઈ એ બધું હોય ત્યાં સુધી ઈશ્વરને પામી શકાય નહિ.

જુઓ છો ને, ભગવાને જ્યાં જ્યાં અવતાર લીધો છે ત્યાં સરલતા. દશરથ કેટલા સરલ! નંદરાય, શ્રીકૃષ્ણના બાપા કેટલા સરલ! માણસો કહે, અહા કેવો સ્વભાવ, બરાબર જાણે કે નંદ ઘોષ!’

ભક્ત સરલ. ઠાકુર શું એથી સૂચન આપે છે કે અહીં પણ ભગવાન અવતર્યા છે?

શ્રીરામકૃષ્ણ (નિરંજનને) – જો તારા મોઢા પર સહેજ કાળાશ પડી ગઈ છે. તું ઓફિસમાં નોકરી કરે છે ને, એટલે પડી છે. ઓફિસના હિસાબ કિતાબ કરવા પડે. એ ઉપરાંત ઘણીયે જાતનું કામ છે; એટલે હંમેશાં ચિંતા રહે. 

સંસારી લોકો જેમ નોકરી કરે તેમ તું પણ નોકરી કરે છે. પણ બેમાં થોડોક ફેર છે. તું મા સારુ નોકરી કરે છે. 

‘મા ગુરુજન, બ્રહ્મમયી સ્વરૂપા. જો બાયડી છોકરાં સારુ નોકરી કરત તો હું કહેત કે ધિક્! ધિક્! એક સો વાર છી!’

(મણિ મલ્લિકને) – જુઓ, આ છોકરો બહુ સરલ. પણ આજકાલ જરાતરા ખોટું બોલે એટલો દોષ. તે દિવસે કહી ગયો કે હું આવીશ, પણ પાછો આવ્યો નહિ. (નિરંજનને)- એટલા માટે રાખાલ કહેતો હતો કે તું આરિયાદહમાં આવ્યો છતાં મળ્યો નહિ!

નિરંજન – હું આરિયાદહમાં માત્ર બે દિવસ જ રહ્યો હતો.

શ્રીરામકૃષ્ણ (નિરંજનને) – આ હેડ માસ્ટર છે. તને મળવા ગયા હતા. મેં મોકલ્યા હતા. (માસ્ટરને) – તમે જ તે દિવસે બાબુરામને મારી પાસે મોકલી દીધો હતો?

Total Views: 502
ખંડ 20: અધ્યાય 1 :
ખંડ 20: અધ્યાય 3 : શ્રીરાધાકૃષ્ણ અને ગોપીપ્રેમ