ઠાકુર પશ્ચિમના ઓરડામાં બે ચાર ભક્તોની સાથે વાતચીત કરી રહ્યા છે. એ ઓરડામાં કેટલાંક ખુરશી-ટેબલ ભર્યાં હતાં. 

ઠાકુર ટેબલ ઉપર ભાર દઈને અર્ધાક ઊભા છે ને અર્ધાક બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર પ્રત્યે) – આહા, ગોપીઓનો કેવો પ્રેમ! તમાલનું ઝાડ જોઈને એકદમ પ્રેમોન્માદ! શ્રીમતી રાધિકાનો એવો વિરહાગ્નિ કે આંખનું આંસુ એ અગ્નિની ઝાળથી જ સુકાઈ જતું, પાણી થતાં થતાંમાં વરાળ થઈને ઊડી જતું. ક્યારેક ક્યારેક તેમનો ભાવ કોઈ કળી શકતું નહિ. મોટા સરોવરમાં હાથી ઊતરે તોય કોઈને ખબર ન પડે!

માસ્ટર – જી હાં. ગૌરાંગને પણ એ પ્રમાણે થયું હતું. વન દેખીને વૃંદાવન સમજ્યા હતા. સમુદ્ર જોઈને યમુના સમજ્યા હતા.

શ્રીરામકૃષ્ણ – આહા! એ પ્રેમનું એક બિંદુ જો કોઈને આવે તો! કેવો અનુરાગ! કેવો સ્નેહ! માત્ર સોળ આના અનુરાગ નહિ, પણ સવા રૂપિયો ને સવા પાંચ આના! એનું જ નામ પ્રેમોન્માદ. વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ, તેને માટે આતુર થવું જોઈએ. પછી તમે ગમે તે માર્ગે જાઓ. સાકારમાં શ્રદ્ધા રાખો યા નિરાકારમાં; ભગવાન મનુષ્ય થઈને અવતાર લે એ વાતમાં શ્રદ્ધા રાખો કે ન રાખો; તેના પર અનુરાગ હોય એટલે બસ. પછી પોતે કેવા છે તે પોતે જ જણાવી દેશે. 

જો ગાંડા જ થવું હોય તો સંસારની વસ્તુ માટે શું કામ ગાંડા થવું? જો ગાંડા થવું હોય, તો ઈશ્વરને માટે ગાંડા થાઓ!

Total Views: 391
ખંડ 20: અધ્યાય 2 : સરળતા અને ઈશ્વર-પ્રાપ્તિ - ઈશ્વરની સેવા અને સંસારસેવા
ખંડ 20: અધ્યાય 4 : ભવનાથ, મહિમા વગેરે ભક્તો સાથે હરિકથાપ્રસંગે