ઠાકુર હૉલમાં પાછા આવ્યા. તેમના બેસવાના આસનની પાસે એક તકિયો આપવામાં આવ્યો. બેસતી વખતે ઠાકુરે ૐ તત્ સત્ એ મંત્રનું ઉચ્ચારણ કરીને તકિયાને સ્પર્શ કર્યાે. વિષયી માણસો આ બગીચામાં આવજા કરે; અને તેઓ બધા તકિયાઓ વાપરે. એટલા સારુ શું ઠાકુરે આ મંત્ર બોલીને એ ચીજને શુદ્ધ કરી લીધી? ભવનાથ, માસ્ટર વગેરે પાસે બેઠા. વખત ઘણો થઈ ગયો છે. તો પણ હજી સુધી જમવા કરવાની તૈયારી થતી નથી. ઠાકુરનો બાળકના જેવો સ્વભાવ. તેઓ બોલી ઊઠ્યા, ‘કેમ ભાઈ, હજી સુધી જમવા દેતા નથી? નરેન્દ્ર ક્યાં?’

એક ભક્ત (હસતાં હસતાં ઠાકુરને) – મહાશય! અહીં રામ બાબુ અધ્યક્ષ, તે બધું સંભાળે છે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – રામ અધ્યક્ષ? ત્યારે થઈ રહ્યું! (સૌનું હાસ્ય).

એક ભક્ત – જી, જ્યાં રામ બાબુ અધ્યક્ષ ત્યાં આવું જ થયા કરે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (ભક્તો પ્રત્યે) – સુરેન્દ્ર ક્યાં? આહા! સુરેન્દ્રનો બહુ સારો સ્વભાવ થઈ ગયો છે. તદ્દન સ્પષ્ટ બોલનારો, કોઈથી ડરી જઈને વાત કરે નહિ. અને જુઓ, હાથનો ખૂબ છૂટો. કોઈ તેની પાસે મદદ સારુ જાય તો ખાલી હાથે ફરે નહિ. (માસ્ટરને) – તમે ભગવાનદાસની પાસે ગયા હતા; તમને કેમ લાગ્યું?

માસ્ટર – જી, કાલના ગયો હતો. 

ભગવાનદાસ બહુ વૃદ્ધ થઈ ગયા છે. રાત્રે મુલાકાત થઈ હતી. ગોદડી ઉપર સૂતા હતા. પ્રસાદ લાવીને એક જણ ખવરાવવા લાગ્યો. ઊંચે સાદે વાત કરીએ તો જ સાંભળી શકે. આપનું નામ સાંભળીને કહેવા લાગ્યા, ‘તમારે હવે ચિંતા શી?’

‘એ મકાનમાં નામ-બ્રહ્મની પૂજા થાય છે.’

ભવનાથ (માસ્ટરને) – આપ ઘણા દિવસ દક્ષિણેશ્વર ગયા ન હતા. એટલે એમણે દક્ષિણેશ્વરમાં આપના વિશે પૂછ્યું હતું. બોલ્યા હતા કે માસ્ટરને અરુચિ થઈ ગઈ કે શું? 

એમ કહીને ભવનાથ હસવા લાગ્યા. ઠાકુર બંનેની વાતચીત બધી સાંભળતા હતા. માસ્ટરને સ્નેહપૂર્વક નજરે જોઈને કહેવા લાગ્યા, ‘હેં ભાઈ! તમે ઘણા દિવસ સુધી આવ્યા નહિ કેમ, કહો જોઈએ?’

માસ્ટર ગેંગેંફેંફેં કરવા લાગ્યા.

એટલામાં મહિમાચરણ આવી પહોંચ્યા. મહિમાચરણ કાશીપુરમાં રહે. ઠાકુર ઉપર ઘણી શ્રદ્ધા-ભક્તિ રાખે અને અવારનવાર દક્ષિણેશ્વર જાય. જાતે બ્રાહ્મણ, કાંઈક વડીલોપાર્જિત સંપત્તિ છે. સ્વતંત્ર રીતે રહે. કોઈની નોકરી કરે નહિ. હમેશાં શાસ્ત્રોની આલોચના અને ઈશ્વર-ચિંતન કરે. કાંઈક પાંડિત્ય પણ ખરું. અંગ્રેજી, સંસ્કૃત, ઘણાય ગ્રંથો વાંચ્યા છે.

શ્રીરામકૃષ્ણ (મહિમા પ્રત્યે સહાસ્ય) – આ શું? આ તો મોટું જહાજ આવીને હાજર! (સૌનું હાસ્ય). આવી જગાએ તો હોડકું-બોડકું આવી શકે. આ તો એકદમ જહાજ! (સૌનું હાસ્ય). તો પણ એક વાત છે : આ તો અષાઢ માસ. (સૌનું હાસ્ય). 

મહિમાચરણની સાથે ઘણીયે વાતચીત ચાલી રહી છે.

શ્રીરામકૃષ્ણ (મહિમાને) – વારુ, માણસોને જમાડવા એ એક રીતે ઈશ્વરની જ સેવા કરવા જેવું, શું કહો છો? બધા જીવોમાં ભગવાન જઠરાગ્નિરૂપે રહ્યા છે. લોકોને જમાડવા એટલે એ જઠરાગ્નિરૂપી ભગવાનને આહુતિ દેવી! 

પરંતુ તેથી ખરાબ માણસોને ખવડાવવું ન જોઈએ. એવા માણસો કે જેઓએ વ્યભિચાર વગેરે મહાપાતક કરેલાં હોય, ઘોર વિષયાસક્ત માણસો, તેઓ જ્યાં બેસીને જમે એ જગ્યાએથી સાત હાથ સુધીની જમીન અપવિત્ર થાય. 

હૃદયે સિઓડમાં એક વાર માણસો જમાડ્યાં. તેમાંના મોટા ભાગના ખરાબ માણસો. મેં કહ્યું : ‘જો હૃદય, તું જો એ લોકોને જમાડીશ તો આ હું તારે ઘેરથી ચાલ્યો!’ (મહિમાચરણને) – વારુ, મેં સાંભળ્યું છે કે તમે અગાઉ માણસોને બહુ જમાડતા. હવે, એમ લાગે છે કે ખરચો વધી ગયો છે! (સૌનું હાસ્ય).

Total Views: 403
ખંડ 20: અધ્યાય 3 : શ્રીરાધાકૃષ્ણ અને ગોપીપ્રેમ
ખંડ 20: અધ્યાય 5 : બ્રાહ્મભક્તો સાથે