હવે દક્ષિણ બાજુની ઓસરીમાં પાતળ નખાય છે. ઠાકુર મહિમાચરણને કહે છે, ‘આપ એક વાર જાઓ ને, જુઓ એ બધા શું કરે છે? અને આપને હું કહી તો ન શકું, પણ જો જરા પીરસવા લાગો તો -!’ મહિમાચરણ કહે છે, ‘લઈ આવવા દો ને! પછી જોયું જશે.’ એમ કહીને ‘હું’ ‘હું’ કરીને જરા ચોગાન તરફ ગયા. પણ જરાક વારમાં જ પાછા આવ્યા.

ઠાકુર ભક્તો સાથે પરમ આનંદથી જમવા બેઠા.

જમ્યા પછી ઓરડામાં આવીને ઠાકુર આરામ કરે છે. ભક્તો પણ દક્ષિણ બાજુની તલાવડીના બાંધેલા ઘાટે જઈ, હાથ મોં ધોઈને પાન ખાતાં ખાતાં પાછા ઠાકુરની પાસે આવીને એકઠા થયા. સૌ બેઠા.

બેએક વાગ્યા પછી પ્રતાપ આવી પહોંચ્યા. એ એક બ્રાહ્મ-ભક્ત. આવીને ઠાકુરને નમસ્કાર કર્યા. ઠાકુરે પણ માથું નમાવીને નમસ્કાર કર્યા. પ્રતાપની સાથે કેટલીયે વાતચીત ચાલી રહી છે.

પ્રતાપ – મહાશય! હું પહાડમાં ગયો હતો, (દાર્જિલિંગ)!

શ્રીરામકૃષ્ણ – પરંતુ તમારું શરીર તો એટલું સુધર્યું નથી! તમને કંઈ બીમારી છે?

પ્રતાપ – જી, તેમને જે બીમારી હતી તે જ મને પણ.

કેશવને આ બીમારી હતી. કેશવની બીજી વાતો થવા લાગી. પ્રતાપ બોલવા લાગ્યા કે કેશવમાં વૈરાગ્ય બાલ્યકાળથી જ દેખાતો હતો. તેઓ મોજમજા કરતા કદી દેખાતા નહિ. હિંદુ કૉલેજમાં ભણતા એ વખતે સત્યેન્દ્રની સાથે ગાઢ મૈત્રી થઈ અને એ રીતે શ્રીયુત્ દેવેન્દ્રનાથ ટાગોરની સાથે પરિચય થયો. કેશવને બંને હતાં – ભોગ પણ હતો, ભક્તિ પણ હતી. વખતે વખતે તેને ભક્તિનો એટલો બધો ઊભરો આવતો કે તેને મૂર્છા આવી જતી. ગૃહસ્થોની અંદર ધર્મ લાવવો એ તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

(લોકમાન અને અહંકાર – ‘હું કર્તા, હું ગુરુ’ – ઈશ્વર-દર્શનનાં લક્ષણ)

મહારાષ્ટ્રની એક બાઈની વાત ચાલે છે.

પ્રતાપ – એ દેશની સ્ત્રીઓમાંથી કોઈ કોઈ વિલાયત ગઈ છે. મહારાષ્ટ્રની એક બાઈ, ખૂબ વિદ્વાન, વિલાયત ગઈ હતી, પરંતુ એ ખ્રિસ્તી થઈ ગઈ છે. આપે તેનું નામ સાંભળ્યું છે?

શ્રીરામકૃષ્ણ – ના; પણ તમારે મોઢેથી જે સાંભળ્યું, તે પરથી જણાય છે કે તેનામાં પોતાનું નામ કાઢવાની ઇચ્છા હશે. એવો અહંકાર સારો નહિ. ‘હું કરું છું’ એ ભાવ અજ્ઞાનથી થાય; ‘હે ઈશ્વર! તમે કરો છો,’ એ જ જ્ઞાન. ઈશ્વર જ કર્તા, બીજા બધા અકર્તા. 

‘હું હું’ કરવાથી કેટલી દુર્ગતિ થાય, તે વાછડાની સ્થિતિનો વિચાર કરો એટલે એ સમજી શકો. વાછડો ‘હમ્મા, હમ્મા’ (હું હું) કરે. તેની દુર્ગતિ જુઓ. સવારથી તે સાંજ સુધી હળ તાણવું પડે, તડકો હોય કે વરસાદ હોય. ત્યાર પછી અશક્ત થઈ ગયો એટલે કસાઈને ત્યાં. કસાઈ તેને કાપે. તેનું માંસ લોકો ખાય. તેના ચામડામાંથી જોડા બનાવે. તેને કચરીને માણસો ચાલે. એટલેથીયે તેની દુર્ગતિનો અંત નહિ. તેના ચામડાનો ઢોલ બને. એ ચામડાને દાંડી લઈને નિરંતર પીટે તોય હજી છુટકારો નહિ. છેવટે તેની નાડીઓ અને આંતરડાં લઈને તેમાંથી તાંત બનાવે. તે પછી જ્યારે તાંત પર રૂ પીંજતી વખતે પિંજારો ધોકો મારીને રૂ પીંજે ત્યારે, તુંહું તુંહું એમ બોલે. પછી, હંમા, હંમા (હું હું) ન બોલે. તુંહું તુંહું બોલે ત્યારે જ છૂટકો, ત્યારે તેની મુક્તિ. એ પછી કર્મક્ષેત્રમાં આવવાનું ન રહે. 

જીવ પણ જ્યારે બોલે કે હે ઈશ્વર! હું કર્તા નથી, તમે કર્તા છો; હું યંત્ર, તમે યંત્રી; ત્યારે જીવની સંસારયંત્રણા પૂરી થઈ જાય; ત્યારે જીવની મુક્તિ થાય. એ પછી કર્મક્ષેત્રમાં આવવાનું ન રહે. 

એક ભક્ત – જીવનો અહંકાર કેમ કરીને જાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનાં દર્શન થયા વિના અહંકાર જાય નહિ. કોઈમાંથી અહંકાર ગયો હોય તો, તેને જરૂર ઈશ્વર-દર્શન થયાં છે.

ભક્ત- મહાશય! કેમ કરીને જાણી શકાય કે ઈશ્વર-દર્શન થયાં છે?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર-દર્શનનાં લક્ષણ છે. શ્રીમદ્ ભાગવતમાં છે કે જે વ્યક્તિએ ઈશ્વર-દર્શન કર્યું છે તેનામાં ચાર લક્ષણ હોય : (૧) બાલકવત્ (૨) પિશાચવત્ (૩) જડવત્ (૪) ઉન્માદવત્. 

જેને ઈશ્વર-દર્શન થાય તેનો સ્વભાવ બાલક જેવો થઈ જાય. એ ત્રિગુણાતીત થાય, કોઈ ગુણને વશ નહિ. તેમજ પવિત્ર-અપવિત્ર તેને મન સરખાં; એટલે પિશાચના જેવો. વળી ગાંડા જેવો, ક્યારેક હસે, ક્યારેક રડે! ઘડી વારમાં કપડાંલત્તાં પહેરીને ઠાઠમાઠ કરીને નીકળે, તો પાછો થોડીક વાર પછી સાવ નગ્ન! ધોતિયું બગલમાં મારીને ફરે! એટલે ઉન્મત્ત જેવો. ક્યારેક વળી જડની પેઠે મૂંગો, ચૂપ થઈને બેઠો હોય; જડવત્.

ભક્ત – ઈશ્વર-દર્શન પછી શું અહંકાર સંપૂર્ણ નીકળી જાય?

શ્રીરામકૃષ્ણ – ક્યારેક ક્યારેક ભગવાન અહંકાર સાવ લૂછી નાખે, જેમ કે સમાધિ-અવસ્થામાં. પણ ઘણે ભાગે જરાક અહંકાર રાખી દે. પણ એ અહંકારમાં દોષ નહિ, જેમ કે બાળકનો અહંકાર. પાંચ વર્ષનું છોકરું ‘હું હું’ કરે, પણ કોઈનું નુકસાન કરવાનું સમજે નહિ.

પારસમણિને અડકે તો લોઢાનું સોનું થઈ જાય; લોઢાની તલવાર સોનાની થઈ જાય. પછી એનો તલવારનો આકાર રહે પણ તેનાથી કોઈનું નુકસાન થાય નહિ. સોનાની તલવારથી મારવા કાપવાનું બને નહિ!

Total Views: 415
ખંડ 20: અધ્યાય 4 : ભવનાથ, મહિમા વગેરે ભક્તો સાથે હરિકથાપ્રસંગે
ખંડ 20: અધ્યાય 6 : વિલાયતમાં કાંચનપૂજા - જીવનનો ઉદ્દેશ્ય કર્મ કે ઈશ્વરલાભ?