શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – તમે વિલાયત ગયા હતા, તે ત્યાં શું જોયું? તેની વાત કરો.

પ્રતાપ – વિલાયતી લોકો આપ જેને કાંચન કહો છો તેની જ પૂજા કરે છે. અલબા કોઈ કોઈ સારા માણસો, અનાસક્ત લોકો પણ છે. પરંતુ સાધારણ રીતે તો આદિથી તે અંત સુધી રજોગુણનો જ આડંબર! અમેરિકામાં પણ એ જ જોયું.

(વિલાયત અને કર્મયોગ – કળિયુગમાં કર્મયોગ કે ભક્તિયોગ?)

શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – સંસાર, વહેવાર વગેરે કર્માેમાં આસક્તિ કેવળ વિલાયતમાં જ છે એમ નહિ, બધી જગાએ છે. તોય વાત એટલી કે કર્મકાંડ છે આદિકાંડ. સત્ત્વગુણ (ભક્તિ, વિવેક, વૈરાગ્ય, દયા એ બધું) ન આવે ત્યાં સુધી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય નહિ. રજોગુણથી કામકાજનો આડંબર વધે. એટલે રજોગુણમાંથી તમોગુણ આવી પડે. વધુ કામકાજ માથે લઈએ એટલે ઈશ્વરને ભૂલી જવાય. કામિની-કાંચનમાં આસક્તિ વધે. 

પરંતુ કર્મનો સંપૂર્ણ ત્યાગ કરી શકાય નહિ. તમારો સ્વભાવ જ તમને કર્મ કરાવે. પછી તમે ઇચ્છા કરો કે ન કરો. એટલે કહ્યું છે કે અનાસક્ત થઈને કર્મ કરો. અનાસક્ત થઈને કર્મ કરવાં એટલે કર્મના ફળની આકાંક્ષા ન રાખવી. જેમ કે પૂજા, જપ, તપ કરો પણ તેમાં કીર્તિની કે પુણ્ય-સંચય કરવાની ઇચ્છા નહિ.

‘એ પ્રમાણે અનાસક્ત થઈને કર્મ કરવાનું નામ કર્મ-યોગ. એ બહુ કઠણ છે. એક તો કળિયુગ એટલે સહેજે આસક્તિ આવી જાય. મનમાં માનીએ કે અનાસક્ત થઈને કામ કરીએ છીએ, પણ કોણ જાણે ક્યાંથી આસક્તિ આવી જાય ખબરે ન પડે! ધારો કે પૂજા-મહોત્સવ કર્યાે કે ઘણા ગરીબ કંગાળોની સેવા કરી. મનમાં માનીએ કે અનાસક્ત થઈને કામ કરીએ છીએ, પણ કોણ જાણે ક્યાંથી નામના કાઢવાની ઇચ્છા થઈ આવી હોય તેની ખબરે ન પડે. એટલે તદ્દન અનાસક્ત થવું તેનાથી જ સંભવે કે જેને ઈશ્વર-દર્શન થયું હોય.’

એક ભક્ત – જેમણે ઈશ્વર-પ્રાપ્તિ કરી નથી તેમને માટે ઉપાય શો? તેમણે શું સંસારનાં કર્માે બધાં છોડી દેવાં?

શ્રીરામકૃષ્ણ – કલિયુગમાં ભક્તિ-યોગ, નારદીય ભક્તિ. ઈશ્વરનાં નામ ગુણ-કીર્તન અને આતુર થઈને પ્રાર્થના કરવી, કે ‘હે ઈશ્વર, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, મને દર્શન દો.’ કર્મ-યોગ બહુ કઠિન, એટલે પ્રાર્થના કરવી જોઈએ કે ‘હે ઈશ્વર, મારાં કર્મ ઓછાં કરી દો, ને જે કાંઈ કર્મ રાખ્યાં છે તે તમારી કૃપાથી અનાસક્ત થઈને કરી શકું તેમ કરો. વળી બહુ કર્માે માથે લેવાની ઇચ્છા ન થાય.’

કર્મ છોડી શકાય નહિ. હું વિચાર કરું છું, હું ધ્યાન ધરું છું, એ પણ કર્મ. ભક્તિ પ્રાપ્ત કરીએ એટલે સાંસારિક કર્મ એની મેળે ઓછું થાય. પછી એ ગમે નહિ. ગાંગડા સાકરનું શરબત મળે તો કાળા ચીકણા ગોળનું પાણી પીવાની કોને ઇચ્છા થાય?

એક ભક્ત – વિલાયતના લોકો માત્ર ‘કર્મ કરો, કર્મ કરો’ એમ જ કર્યા કરે! ત્યારે કર્મ શું જીવનનો ઉદ્દેશ નથી?

શ્રીરામકૃષ્ણ – જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર આદિકાંડ છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય, ઉદ્દેશ નહિ. 

શંભુ મલ્લિક કહે કે હવે એવો આશીર્વાદ આપો કે જે રૂપિયા છે તેનો સદુપયોગ થાય; ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી, રસ્તો, ઘાટ બંધાવવા, કૂવા ખોદાવવા એ બધાંમાં ખર્ચાય. મેં કહ્યું કે એ બધાં કર્માે અનાસક્ત થઈને કરી શકાય તો સારું. પણ એ બહુ કઠણ. અને બીજું ગમે તે થાય, પણ આટલું યાદ રાખવું કે તમારા માનવ-જન્મનો ઉદ્દેશ છે ઈશ્વર-પ્રાપ્તિ, ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી બંધાવવી એ નહિ! ધારો કે ઈશ્વર તમારી સામે આવે અને કહે કે વરદાન માગો, તો શું તમે એમ માગવાના કે મને થોડીક ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી બંધાવી આપો? કે એવું માગવાના કે હે ભગવાન, એમ કરો કે તમારા ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આવે અને તમને હંમેશાં જોઈ શકું? ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી એ બધી તો અનિત્ય વસ્તુ. ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. વળી ઈશ્વર-પ્રાપ્તિ થાય એટલે એવો અનુભવ થાય કે ઈશ્વર જ કર્તા, આપણે અકર્તા. તો પછી ઈશ્વરને મૂકીને શા માટે અનેક કામકાજ વધારીને મરીએ?

‘ભગવાનની પ્રાપ્તિ થાય તો એમની ઇચ્છાથી કેટલીય ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી ઊભી થઈ શકે. એટલે કહું છું કે કર્મ એ આદિકાંડ (પહેલું પગથિયું). કર્મ જીવનનો ઉદ્દેશ નથી. હજુયે આગળ વધો. સાધન કરતાં કરતાં આગળ વધશો ત્યારે છેવટે જાણી શકશો કે ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ, ઈશ્વર-પ્રાપ્તિ જ જીવનનું ધ્યેય.

‘એક કઠિયારો જંગલમાં લાકડાં કાપવા ગયો હતો. અચાનક એક બ્રહ્મચારી સાથે ભેટો થઈ ગયો. બ્રહ્મચારીએ કહ્યું, ‘અરે એય, આગળ વધ!’

કઠિયારો ઘેર આવીને વિચાર કરવા લાગ્યો કે બ્રહ્મચારીએ આગળ વધવાનું શા માટે કહ્યું હશે?

એ પ્રમાણે થોડા દિવસ ગયા. એક દિવસ તે બેઠો છે. એટલામાં તેને પેલા બ્રહ્મચારીની વાત યાદ આવી. એટલે તેણે મનમાં ને મનમાં નિશ્ચય કર્યાે કે આજે હું જરા આગળ જઈશ. જંગલમાં જઈને વધુ આગળ જતાં તેણે જોયું તો અસંખ્ય ચંદનનાં ઝાડ! એથી રાજી થઈને તે ગાડું ભરીને રોજ ચંદનનાં લાકડાં લઈ આવે અને તે બજારમાં વેચીને ખૂબ પૈસાદાર થઈ ગયો.

એમ કરતાં કેટલાક દિવસ નીકળી ગયા. વળી એક દિવસ મનમાં થયું કે બ્રહ્મચારીએ કહ્યું છે કે ‘આગળ વધ!’ એટલે જંગલમાં એથીયે આગળ જઈને જોયું તો નદીને કાંઠે રૂપાની ખાણ! એ વસ્તુનો તો તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. એટલે હવે તો માત્ર ખાણમાંથી રૂપું જ લઈ જઈને વેચવા લાગ્યો અને મોટો ધનપતિ થઈ ગયો.

વળી કેટલાક દિવસ નીકળી ગયા. એક દિવસે કઠિયારો બેઠો બેઠો વિચાર કરે છે કે બ્રહ્મચારીએ મને રૂપાની ખાણ સુધી જ જવાનું તો કહ્યું નથી, એમણે તો આગળ જવાનું કહ્યું છે, માટે આગળ જવા દે. એ વખતે નદીને પેલે પાર જઈને જુએ છે તો સોનાની ખાણ. ત્યારે વિચાર્યું કે ઓહો! આટલા માટે બ્રહ્મચારીજીએ કહ્યું હતું કે, ‘આગળ વધ!’

‘વળી કેટલાક દિવસ પછી આગળ જઈને જુએ છે તો હીરામાણેકના ઢગલા પડ્યા છે. એ પછી તો તેની કુબેરના જેટલી સંપત્તિ થઈ ગઈ!

એટલે કહું છું કે જે કાંઈ કરતા હો તેમાં આગળ વધો તો એથીયે વધુ સારી ચીજ મળશે. થોડોક જપ કરીને ઉત્સાહ આવ્યો છે એટલે એમ ન માનો કે જે થવાનું છે તે બધું થઈ ગયું છે! કર્મ કંઈ જીવનનો ઉદ્દેશ નથી. એથીયે આગળ વધો તો કર્મ નિષ્કામ ભાવે કરી શકશો. પણ નિષ્કામ કર્મ બહુ કઠણ એટલે ભક્તિ-ભાવથી વ્યાકુળ બનીને પ્રભુને પ્રાર્થના કરો કે હે ઈશ્વર, તમારાં ચરણકમળમાં ભક્તિ આપો અને કર્મ ઓછાં કરી દો, અને જેટલું કર્મ રહે તે નિષ્કામ થઈને કરી શકું!

‘એથીયે આગળ જતાં ઈશ્વરને મેળવશો. તેમનાં દર્શન થશે. ક્રમે ક્રમે તેમની સાથે વાતચીત વગેરે થશે.

કેશવના સ્વર્ગવાસ પછી બ્રાહ્મ-સમાજના મંદિરની વેદીને અંગે જે ઝઘડો થયો હતો એની વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – સંભળાય છે કે તમારી સાથે વેદીને અંગે ઝઘડો થયો છે. જેઓએ ઝઘડો કર્યાે છે એ લોકો તો હરિયા, નાથિયા, પૂંજિયા ને એવા બધા! (સૌનું હાસ્ય). 

(ભક્તોને) – જુઓ પ્રતાપ, અમૃત, એ બધા એવા શંખો કે જે વાગે. બીજા જે માણસોની વાતો સાંભળો છો તેની કશી કિંમત નહિ. (સૌનું હાસ્ય).

પ્રતાપ – મહાશય, વાગે એમ જો કહો તો તો આંબાની ગોટલીની પિપૂડીયે વાગે!

Total Views: 388
ખંડ 20: અધ્યાય 5 : બ્રાહ્મભક્તો સાથે
ખંડ 20: અધ્યાય 7 : બ્રાહ્મોસમાજ અને શ્રીરામકૃષ્ણ - પ્રતાપને ઉપદેશ