ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠેલા છે. સંધ્યા થઈ છે, એટલે જગન્માતાનું નામ-સ્મરણ અને ચિંતન કરે છે. ઓરડામાં રાખાલ, અધર, માસ્ટર તથા બીજાય એક બે ભક્તો બેઠા છે.

આજ શુક્રવાર, ૭, અષાઢ, બંગાબ્દ, ૨૦ જૂન; ૧૮૮૪. વૈશાખ વદ બારસ. પાંચ દિવસ પછી રથ-યાત્રા થવાની.

થોડીક વાર પછી દેવ-મંદિરમાં આરતી શરૂ થઈ. અધર આરતીનાં દર્શન કરવા ગયા. ઠાકુર મણિની સાથે વાતો કરે છે અને આનંદથી મણિને ઉપદેશ આપવા માટે ભક્તોની વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, બાબુરામને શું અભ્યાસ કરવાની ઇચ્છા છે?

મેં બાબુરામને કહ્યું કે તું લોકોપદેશને માટે ભણ. સીતાને છોડાવ્યા પછી રામે વિભીષણને લંકાનું રાજ્ય આપવા માંડ્યું. વિભીષણ રાજ કરવા રાજી થતા ન હતા. ત્યારે રામે કહ્યું કે તમે મૂર્ખાઓને ઉપદેશરૂપ થવા માટે રાજ્ય કરો. નહિતર તેઓ કહેશે કે વિભીષણે રામની સેવા કરી તેનો તેને ફાયદો શું થયો? પણ તેઓ તમને રાજ્ય મળેલું જોઈને રાજી થશે!

‘તમને એક વાત કહું. તે દિવસે મેં જોયું કે બાબુરામ, ભવનાથ અને હરીશ એમનો પ્રકૃતિ-ભાવ. 

બાબુરામને જોયો હતો દેવી-મૂર્તિરૂપે, ગળામાં હાર, સખી સાથે! તેને સ્વપ્નમાં કંઈક (મંત્ર) મળ્યું છે. એનો દેહ શુદ્ધ. જરાતરા કંઈક કરતાં જ એને (ઈશ્વર-દર્શન) થઈ જશે.

બાબુરામ (સ્વામી પ્રેમાનંદ)

‘વાત એમ છે કે મારા શરીરની સંભાળ રાખવાની અગવડ ઊભી થઈ છે. એ (બાબુરામ) આવીને રહે તો સારું થાય. એ લોકોના સ્વભાવ જરા જુદા પ્રકારના થતા જાય છે. નોટો (લાટુ) ચડેલો જ રહે છે. (હંમેશાં ભાવ-સમાધિની અવસ્થામાં જ રહે છે). એમ કરતાં કરતાં લીન થવાની તૈયારી!

‘રાખાલનો સ્વભાવ એવો થતો જાય છે કે ઊલટું મારે તેને પાણી આપવું પડે! મારી સેવા કરવાનું એનાથી ઘણે ભાગે નહિ બને.

‘બાબુરામ અને નિરંજન – એ સિવાય હવે બીજા કયા છોકરા ભક્તો છે? જો બીજા કોઈ આવશે તો એમ લાગે છે કે તેઓ તો ઉપદેશ લઈને ચાલ્યા જશે.

‘છતાં એને ખેંચતાણ કરીને આવવાનું કહેતો નથી, કારણ કે ઘેર ધમાલ થઈ પડે. (હસીને) હું જ્યારે કહું છું કે ‘તું ચાલ્યો આવને’, ત્યારે એ મજાનું કહે છે કે ‘આપ ખેંચી લો ને!’ રાખાલને જોઈને એ રડે. કહે છે કે એ ખૂબ મજામાં છે!

‘રાખાલ હવે ઘરના છોકરા જેવો થઈ ગયો છે. હું જાણું છું કે એ હવે સંસારમાં આસક્ત થશે નહિ. એ કહે છે કે ‘એ બધું ફિક્કું લાગે છે!’ તેની સ્ત્રી અહીં આવી હતી, ૧૪ વરસની ઉંમર. અહીં થઈને કોન્નગર ગઈ. એ લોકોએ રાખાલને કોન્નગર આવવાનું કહ્યું. પણ એ ગયો નહિ. કહે કે ‘મોજશોખ મને ગમતાં નથી.’ 

નિરંજન તમને કેવો લાગે છે?

માસ્ટર – જી, દેખાવ સરસ છે!

શ્રીરામકૃષ્ણ – ના, એકલો દેખાવ નહિ. સરળ છે. સરળ હોય તો ઈશ્વરને સહેજે પામી શકાય. સરળ હોય તો ઉપદેશથી જલદી કામ થાય. ખેડીને તૈયાર થયેલી જમીન, કે જેમાં કાંકરા પથ્થર જરાય ન હોય, તેમાં બીજ પડતાં જ અનાજ ઊગી નીકળે, અને જલદી ડૂંડાં આવે.

‘નિરંજન પરણશે નહિ. શું કહો છો તમે? કામિની-કાંચન જ બંધનમાં નાખે છે. 

માસ્ટર – જી, હા.

શ્રીરામકૃષ્ણ – પાન-તમાકુ છોડ્યે શું વળવાનું હતું? કામિની-કાંચનનો ત્યાગ એ જ ખરો ત્યાગ.

‘ભાવ-સમાધિમાં જોયું,

જો કે એ નોકરી કરે છે, તોય એને કશો દોષ સ્પર્શ્યાે નથી. એ પોતાની માના ભરણપોષણ માટે નોકરી કરે છે. એમાં દોષ નહિ.

‘તમે જે નોકરી કરો છો એમાંય દોષ નહિ, એ સારું કામ.

‘એક કારકુન જેલમાં ગયો, અંદર પુરાયો, બેડીઓ પહેરી, અને પાછો છૂટી ગયો. હવે છૂટી ગયા પછી એ શું ‘થેઈ થેઈ’ કરીને નાચે? એ વળી પાછો કારકુની જ કરે. તમને પૈસા કમાવાની ઇચ્છા નથી. પણ તમે જે નોકરી કરો છો તે પાછળનાંનું ભરણપોષણ કરવા સારુ. નહિતર તેઓ ક્યાં જાય?

મણિ – કોઈ ભાર લે, તો છોડી શકાય.

શ્રીરામકૃષ્ણ – જરૂર, એમાં શું! અત્યારે તો એય કરો ને આય કરો. (નોકરી પણ કરો ને સાધના પણ કરો.)

મણિ – બધાંનો ત્યાગ કરવો એ તો ભાગ્યની વાત કહેવાય!

શ્રીરામકૃષ્ણ – જરૂર, એમાં શું! પરંતુ જેવા જેના પૂર્વ-સંસ્કાર! તમારે કંઈક કર્મ બાકી છે. એ પૂરાં થઈ જતાંની સાથે જ શાંતિ! ત્યારે તમને છોડી મૂકશે. ઇસ્પિતાલમાં (દરદી તરીકે) નામ નોંધાવ્યું એટલે તરત જ છોડી મૂકે નહિ. દરદ તદ્દન મટી જાય ત્યારે રજા આપે!

‘જે ભક્તો અહીં (મારી પાસે) આવે છે, તેમના બે વર્ગ છે. એક વર્ગ કહે છે, કે હે ઈશ્વર, મારો ઉદ્ધાર કરો! બીજો એક વર્ગ, કે જેઓ અંતરંગ છે તેઓ એવું બોલે નહિ. તેઓ આ બાબતો જાણી લે એટલે પત્યું : પ્રથમ હું (શ્રીરામકૃષ્ણ) કોણ? ત્યાર પછી, તેઓ કોણ, મારી સાથે તેઓને સંબંધ શો? 

તમે આ બીજા (અંતરંગ) વર્ગના, નહિતર આટલું બધું કોણ કરે …

(નરેન્દ્ર, રાખાલ, નિરંજનનો પુરુષભાવ – બાબુરામ, ભવનાથનો પ્રકૃતિભાવ)

‘ભવનાથ, બાબુરામ, એમનો પ્રકૃતિ-ભાવ. હરીશ સ્ત્રીની સાડી પહેરીને સૂએ. બાબુરામ બોલ્યો છે કે એ ભાવ તેને ગમે. એટલે મેળ મળી ગયો. ભવનાથનું ય તેમ જ. નરેન્દ્ર, રાખાલ, નિરંજન એમનો પુરુષનો ભાવ.

(હાથ ભાંગવાનો અર્થ – સિદ્ધિઓ (Miracles) અને શ્રીરામકૃષ્ણ)

‘વારુ, આ (મારો) હાથ ભાંગ્યો, એનો અર્થ શો? પહેલાં એક વાર ભાવ-અવસ્થામાં દાંત ભાંગી ગયેલો; આ વખતે ભાવ-અવસ્થામાં હાથ ભાંગ્યો!’

મણિ મૂંગા બેઠા છે એ જોઈને ઠાકુર પોતે જ બોલે છે :

‘હાથ ભાંગ્યો છે, તે બધું અહંભાવ નિર્મૂળ કરવા માટે! હવે મારી અંદર અહંભાવ (વ્યક્તિત્વ) શોધ્યો જડતો નથી. શોધવા જતાં જોઉં છું તો ઈશ્વર જ રહ્યો છે! અહંકાર સંપૂર્ણ રીતે ગયા વિના ઈશ્વરને પમાય નહિ!

‘ચાતકનું જુઓ. રહેવાનું જમીન પર; પણ ઊડે કેટલું ઊંચે?

‘વારુ, કેપ્ટન કહે છે : આહાર-શુદ્ધિનો ખ્યાલ રાખો નહિ એટલે તમારામાં સિદ્ધિઓ આવી નથી.

પણ ‘ક્યારેક ક્યારેક તો મારું શરીર કંપી ઊઠે છે, એવી બીકથી કે કદાચ સિદ્ધિઓ આવી જાય તો?’ અત્યારે જો સિદ્ધિઓ આવે તો આ ઠેકાણે દવાખાનું, ઇસ્પિતાલ ખડી થઈ જાય. 

માણસો આવીને હેરાન કરી નાખે કે ‘મારો રોગ મટાડી દો, મહારાજ!’ કહીને. સિદ્ધિઓ શું સારી?

માસ્ટર – જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ.

શ્રીરામકૃષ્ણ – બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના હોય, તેઓ જ સિદ્ધિઓ માગે.

‘જો કોઈ માણસ, મોટા માણસો પાસે કાંઈ માગી બેસે, તો પછી એનું માન રહે નહિ. પછી એવા માણસને મોટા માણસો પોતાની ગાડીમાં એક સાથે બેસવાય ન દે; અને જો કદાચ બેસવા દે તો પોતાની બાજુમાં બેસવા દે નહિ. એટલા માટે નિષ્કામ-ભક્તિ, અહેતુકી ભક્તિ બધા કરતાં સારી.

(સાકાર અને નિરાકાર બેઉ સાચાં – ભક્તોનું ઘર શ્રીઠાકુરનું બેઠકખાનું)

‘વારુ, સાકાર ને નિરાકાર બેઉ સાચાં, શું કહો છો? નિરાકારમાં મન બહુ વખત સુધી રાખી શકાય નહિ, એટલે ભક્તને માટે સાકાર.

‘કેપ્ટન મજાનું કહે છે, કે પંખી ખૂબ ઊંચે ઊડીને જ્યારે થાકી જાય, ત્યારે વળી પાછું ડાળે આવીને આરામ લે. નિરાકારની પછી સાકાર.

‘તમારે ઘેર એક વાર જવું જોઈશે. ભાવ-સમાધિમાં દેખાયું કે અધરનું ઘર, સુરેન્દ્રનું ઘર, બલરામનું ઘર, એ બધા મારા અડ્ડા.

‘પરંતુ એ લોકો જો અહીં ન આવે, તો એમાંય મને કંઈ લાભ-નુકસાન નહિ.

(ભક્તો સાથેની લીલાઓ પણ જાદુગરનો ખેલ – ચંડી – 

દયા ઈશ્વરની છે)

માસ્ટર – જી, વાંધો શેનો હોય? સુખનું જ્ઞાન થતાંની સાથે દુઃખ. આપ સુખદુઃખથી પર.

શ્રીરામકૃષ્ણ – હાં. અને હું જોઉં છું કે જાદુગર અને જાદુગરનો ખેલ. તેમાં જાદુગર જ ખરો. તેનો ખેલ બધો ખોટો, સ્વપ્ન જેવો.

‘જ્યારે ચંડીનું કીર્તન સાંભળતો હતો ત્યારે એ પ્રકારનો અનુભવ થયો હતો. એય હમણાં શુંભ-નિશુંભનો જન્મ થયો! વળી જરાક વાર પછી સાંભળ્યું કે તેઓનો નાશ થઈ ગયો!

માસ્ટર – જી. હું ગંગાધરની સાથે જહાજમાં બેસીને કાલના ગામે જઈ રહ્યો હતો. જહાજનો ધક્કો લાગતાં એક નાવ, વીસ પચીસ માણસો સહિત ડૂબી ગયું! સ્ટીમરના તરંગના ફીણની પેઠે બધા જળમાં મળી ગયા!

વારુ, જે આ બધું જાદુગરના ખેલ જેવું જુએ તેનામાં શું દયા હોય? તેનામાં શું કર્તૃત્વ-ભાવના હોય? કર્તૃત્વ-ભાવના હોય તો જ દયા હોય ને?

શ્રીરામકૃષ્ણ – એ એકી સાથે જ બધુંય દેખે, ઈશ્વર, માયા, જીવ, જગત! 

એ દેખે કે માયા (વિદ્યા માયા, ને અવિદ્યા માયા), જીવ, જગત છે અને છતાં નથી. જ્યાં સુધી પોતાનો અહં છે, ત્યાં સુધી માયા, જીવ, જગત પણ છે. જ્ઞાન-તલવાર વડે એ કાપ્યા પછી બીજું કાંઈ જ ન રહે. ત્યારે પોતાનું અહંભાન પણ જાદુગરની માયા જેવું લાગે.

મણિ વિચાર કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ બોલે છે, ‘એ શેના જેવું ખબર છે? જેમ કે પચીસ થરવાળી પાંખડીઓવાળું ફૂલ એક ઝટકે કાપી નાખવું!’

‘કર્તૃત્વ? રામ! રામ! શુકદેવ, શંકરાચાર્ય, વગેરેએ વિદ્યાનો અહંકાર રહેવા દીધો હતો. દયા એ માણસની ભાવના નથી, એ છે ઈશ્વરની. વિદ્યાના અહંની અંદર જ દયા હોય. વિદ્યાનો ‘અહં’ ઈશ્વર જ થઈ રહેલ છે.

(અતિગુપ્ત વાત – કાલીબ્રહ્મ -આદ્યશક્તિનું રાજ્ય – કલ્કિ અવતાર)

‘પરંતુ હજાર જાદુ જુઓ, તોય તેની (માયાની) Under(અધીન), તેમાંથી છૂટી શકાય નહિ! તમે સ્વતંત્ર નથી, ઈશ્વર જેમ કરાવે, તેમ જ કરવું પડે. એ જ આદ્યશક્તિ બ્રહ્મ-જ્ઞાન આપે ત્યારે જ બ્રહ્મ-જ્ઞાન થાય, ત્યારે જ જાદુગરનો ખેલ છે એવું દેખાય, નહિતર નહિ.

‘જ્યાં સુધી જરાતરા પણ હુંપણાની ભાવના રહી હોય, ત્યાં સુધી એ જ આદ્યશક્તિનો અધિકાર, તેની ‘અંડર’ જ (અધીન જ), તેને ઓળંગીને જવાય નહિ.

‘આદ્યશક્તિની સહાયથી જ અવતાર-લીલા. તેની શક્તિથી જ અવતાર. ત્યારે જ અવતાર કાર્ય કરી શકે, એ બધું ‘મા’ની શક્તિ.

‘કાલી-મંદિરનો અગાઉનો ખજાનચી કોઈ કાંઈ મોટી રકમ માગે તો કહેતો કે ‘બે ત્રણ દિવસ પછી આવજો. માલિકને પૂછી જોઈશ.’

‘કલિયુગને અંતે કલ્કિ-અવતાર થશે : બ્રાહ્મણનો છોકરો, એ કશું જાણતો નહિ હોય, અચાનક ઘોડો અને તલવાર (તેની) પાસે આવશે.’

(કેશવ સેનનાં મા અને બહેન – ધાત્રી ભુવનમોહિની)

અધર આરતીનાં દર્શન કરી આવીને બેઠા. દાયણ ભુવનમોહિની વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શન કરવા આવતી. ઠાકુર સૌ કોઈએ આપેલી વસ્તુ ખાઈ શકતા નહિ, ખાસ કરીને ડૉક્ટર, વૈદ્ય કે દાયણની! દરદીઓની ખૂબ પીડા જોવા છતાં તેઓ પૈસા લે, એ કારણસર તેમનું દ્રવ્ય ઠાકુર ખાઈ શકતા નહિ.

શ્રીરામકૃષ્ણ (અધર વગેરે ભક્તોને) – ભુવન આવી હતી. પચીશ આફૂસ કેરી ને પેંડા, રસગુલ્લાં લઈ આવી હતી. મને કહે કે આપ એક કેરી ખાશો? મેં કહ્યું, ‘મારું પેટ ભારે થઈ ગયું છે.’અને ખરેખર જુઓ ને! જરાક કચોરી, પેંડા ખાતાં જ પેટ જાણે કે કેવુંય થઈ ગયું છે!

‘કેશવ સેનની મા અને બહેનો આવી હતી. એટલે વળી થોડુંક નાચ્યો. શું કરું! (કેશવના મૃત્યુથી) એમને ખૂબ શોક થયો છે.’

Total Views: 481
ખંડ 20: અધ્યાય 8 : પ્રતાપને ઉપદેશ - બ્રાહ્મસમાજ અને કામિનીકાંચન
ખંડ 22: અધ્યાય 1 :