સમાધિની વાત કરતાં કરતાં ઠાકુરને ભાવાન્તર થયો. તેમના મુખ-ચંદ્રમાંથી સ્વર્ગીય-જ્યોતિ નીકળી રહી છે! બાહ્ય જગતનું જ્ઞાન જરાય નથી. મોઢામાં એક પણ શબ્દ નહિ! નેત્ર સ્થિર! તેઓ જગન્નાથનાં દર્શન કરી રહ્યા છે. કેટલીય વાર પછી સાધારણ અવસ્થામાં આવીને છોકરાની પેઠે બોલે છે, ‘મારે પાણી પીવું છે.’ સમાધિ પછી જ્યારે પાણી પીવા માગતા, ત્યારે ભક્તો સમજી શકતા કે હવે ઠાકુર ધીમે ધીમે બાહ્ય ભાનમાં આવશે.

ઠાકુર ભાવ-અવસ્થામાં જ બોલવા લાગ્યા : ‘મા! તે દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને બતાવ્યા. ત્યાર પછી વળી મેં કહ્યું હતું કે મા! મારે બીજા એક પંડિતને મળવું છે એટલે તું મને અહીં લાવી છો?’ 

પછી શશધરની સામે જોઈને બોલ્યા, ‘બાપુ, હજી જરા બળ વધારો. હજી થોડાક દિવસ સાધન-ભજન કરો. ઝાડે ચઢ્યા વિના શું આખું લૂમખું મળી જાય? પણ તમે લોકોના ભલાને માટે આ બધું કરો છો.’

એમ કહીને ઠાકુર શશધરને માથું નમાવીને નમસ્કાર કરે છે. 

વળી કહે છે કે  ‘જ્યારે પ્રથમ તમારી વાત સાંભળી, ત્યારે પૂછ્યું કે એ પંડિત કેવળ પંડિત છે કે તેમાં વિવેક-વૈરાગ્ય પણ છે?’

(આદેશ ન મળે તો આચાર્ય ન થઈ શકે)

‘જે પંડિતમાં વિવેક નથી, તે પંડિત જ નથી.’

જો ઈશ્વરનો આદેશ મળ્યો હોય તો લોકોપદેશમાં દોષ નહિ. આદેશ મળ્યા પછી જો કોઈ વ્યક્તિ લોકોને ઉપદેશ આપે તો તેને કોઈ હરાવી શકે નહિ. 

વાગ્વાદિની સરસ્વતી પાસેથી જો એક કિરણ આવે તો તેનામાં એવી શક્તિ આવે કે મોટા મોટા પંડિતો અળશિયાં જેવા થઈ જાય. દીવો સળગાવીએ એટલે ફૂદાંનાં ટોળેટોળાં પોતાની મેળે આવે, તેને તેડાં મોકલવાની જરૂર ન પડે. એવી રીતે જેને આદેશ થયો છે તેમણે બોલાવવા ન પડે, અમુક વખતે લેક્ચર થશે એવા સમાચાર મોકલવા ન પડે. તેનું પોતાનું જ એવું આકર્ષણ કે લોકો પોતાની મેળે તેમની પાસે આવે ત્યારે રાજા, બાબુઓ વિ. દળે-દળ આવે અને કહે કે આપને શું જોઈએ? ફળ, મીઠાઈ, રૂપિયા, શાલ, દુશાલા, વસ્ત્ર એ બધું લાવ્યા છીએ. આપ શું શું સ્વીકારશો? હું એ બધા લોકોને કહું કે ‘ઉઠાવી જાઓ અહીંથી, મને એ બધું ગમતું નથી, મારે કાંઈ ન જોઈએ!’ 

લોહચુંબક શું લોઢાને કહેવા જાય કે તું મારી પાસે આવ? ‘આવ’ એમ કહેવું ન પડે, લોઢું પોતે જ લોહચુંબકના આકર્ષણથી ખેંચાઈ આવે. 

એવો માણસ પંડિત ભલે ન હોય, પણ એથી એમ ન સમજો કે તેના જ્ઞાનમાં કંઈ ઊણપ રહે. શું ચોપડાં ભણવાથી જ્ઞાન થાય છે? જેને આદેશ મળ્યો હોય તેના જ્ઞાનનો અંત નહિ. એ જ્ઞાન ઈશ્વર પાસેથી આવે, એટલે ખૂટે જ નહિ.

‘ગામડામાં ખળામાં દાણા ભરતી વખતે એક જણ ભરે અને બીજો ઢગલો ધકેલતો જાય. તેમ જેને આદેશ મળે તે જેમ જેમ લોકોને ઉપદેશ આપતો રહે તેમ તેમ મા પાછળ રહીને જ્ઞાનનો ઢગલો ધકેલતી આવે. એ જ્ઞાન ખૂટે જ નહિ. 

જો માની એક વાર કૃપા-દૃષ્ટિ થાય, તો શું જ્ઞાનનો તૂટો રહે? એટલે પૂછું છું કે કંઈ આદેશ મળ્યો છે કે?’

હાજરા – હા, જરૂર આદેશ મળ્યો છે, કેમ મહાશય?

પંડિત – ના, આદેશ કે એવું તો કંઈ મળ્યું નથી.

ઘરમાલિક – આદેશ મળ્યો નથી એ ખરું, પણ પોતાનું કર્તવ્ય સમજીને લેક્ચર આપે છે.

શ્રીરામકૃષ્ણ – જેને આદેશ મળ્યો નથી તેનાં લેક્ચરથી શું વળે? 

એક જણ (બ્રાહ્મ-સમાજી) લેક્ચર આપતાં આપતાં કહેવા લાગ્યો કે ‘ભાઈઓ, હું કેટલો દારૂ પીતો, આમ કરતો ને તેમ કરતો!’ તે વાત સાંભળીને માણસો બોલવા લાગ્યા કે ‘સાલો બોલે છે શું? કહે છે કે દારૂ પીતો!’ એવું લેક્ચર કરવાથી ઊલટી અસર થઈ. એટલે સારો માણસ ન હોય તો લેક્ચરથી કંઈ ફાયદો થાય નહિ. 

બારિસાલના એક સબ-જજે કહ્યું કે મહાશય, આપ પ્રચાર કરવાની શરૂઆત કરો, તો પછી હુંય કમર બાંધું. મેં કહ્યું, ‘અરે ભાઈ, એક વાત સાંભળો. અમારા ગામમાં હાલદારપુકુર નામનું એક તળાવ છે. આખા ગામના માણસો તેની પાળ ઉપર શૌચ જતા. સવારમાં જેઓ તળાવે નહાવા કરવા આવતા. તેઓ મોંફાટ ગાળો દેતા ને સાત પેઢીની સંભળાવતા. પણ ગાળો દીધે કંઈ વળતું નહિ. પાછું બીજે દિવસે સવારમાં લોકો જોતા કે પાળ ઉપર માણસો શૌચ કરી ગયા છે. આખરે કેટલાક દિવસ પછી સરકાર (ઇસ્ટ ઇંડિયા કંપની) તરફથી એક ચપરાશી આવીને એ તળાવની પાળે એક નોટિસનું પાટિયું લગાવી ગયો. નવાઈની વાત કે પછી ત્યાં શૌચ કરવાનું બિલકુલ બંધ થઈ ગયું!

‘એટલે કહું છું કે રેંજીપેંજી માણસ લેક્ચર દે તો કંઈ વળે નહિ. ઈશ્વરીય આદેશ હોય તો માણસ માને. ઈશ્વરનો આદેશ ન હોય તો લોકોને ઉપદેશ દઈ શકાય નહિ. જે માણસ લોકોપદેશ આપે, તેનામાં ખૂબ શક્તિ જોઈએ. કોલકાતામાં કેટલાય હનુમાનપુરીઓ (પહેલવાનો) છે. તેમની સાથે તમારે લડવાનું છે. આ બધા (જેઓ આજુબાજુ બેઠા છે તે)તો બકરાં!

‘જુઓ ને, ચૈતન્યદેવ તો અવતાર! એ જે કરી ગયા છે તેનુંય શું રહ્યું છે, કહો ને? તો પછી જેને આદેશ મળ્યો નથી, તેના લેક્ચરથી શું વળવાનું હતું?

(કેવી રીતે આદેશ મેળવવો)

શ્રીરામકૃષ્ણ – ‘એટલે કહું છું કે ઈશ્વરનાં ચરણકમલમાં મગ્ન થાઓ.’.

એમ કહીને ઠાકુર પ્રેમથી મતવાલા થઈને ગીત ગાય છે :

‘ડૂબ ડૂબ ડૂબ રૂપ-સાગરે મારા મન,

તલાતલ પાતાલ શોધ્યે, મળશે રે પ્રેમ-રત્ન-ધન…

શ્રીરામકૃષ્ણ- એ સાગરમાં ડૂબ્યે માણસ મરે નહિ; એ તો અમૃત-સાગર. 

(નરેન્દ્રને ઉપદેશ – ઈશ્વર અમૃતના સાગર)

મેં નરેન્દ્રને કહ્યું હતું કે ઈશ્વર રસનો સમુદ્ર. તું એ સમુદ્રમાં ડૂબકી મારે કે નહિ? વારુ, ધાર કે થાળી ભરીને સાકરનો રસ પડ્યો છે અને તું માખી થયો છે. તો તું ક્યાં બેસીને રસ પીઈશ? કહે. નરેન્દ્ર કહે કે થાળીને કાંઠે બેસીને મોં લંબાવીને રસ પીઉં. કારણ કે વધુ આગળ જાઉં તો ડૂબી જાઉં. ત્યારે મેં કહ્યું, ‘બાબા, આ તો સચ્ચિદાનંદ-સાગર, એમાં મરણની બીક નહિ. આ સાગર તો અમૃતનો સાગર, જેઓ અજ્ઞાની હોય તેઓ જ કહે છે કે પ્રભુની પ્રેમ-ભક્તિને હદ છે. ઈશ્વરપ્રેમમાં વળી સીમા-અસીમા જેવું ખરું? એટલે તમને કહું છું કે સચ્ચિદાનંદ સાગરમાં મગ્ન થાઓ. 

ઈશ્વર-પ્રાપ્તિ થાય તો પછી ચિંતા શી? તે પછી આદેશ પણ મળે અને લોકોપદેશ પણ થાય.’

Total Views: 441
ખંડ 22: અધ્યાય 2 : કલિયુગમાં ભક્તિ-યોગ - કર્મયોગ નહિ
ખંડ 22: અધ્યાય 4 : ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ - ભક્તિયોગ જ યુગધર્મ