શ્રીરામકૃષ્ણ – ‘જુઓ, અમૃત-સાગરમાં પડવાના અસંખ્ય માર્ગ. ગમે તે રીતે પણ આ સાગરમાં પડીએ એટલે થયું. ધારો કે અમૃતનો એક કુંડ છે. કોઈ પણ રીતે એ અમૃત જરાક પણ મોંમાં જાય તો અમર થવાય. પછી તમે પોતે કૂદકો મારીને પડો, અથવા પગથિયાં પરથી ધીમે ધીમે ઊતરીને જરાક પીઓ, કે કોઈક તમને ધક્કો મારીને તેમાં પાડી નાખે. પણ એ બધાયનું એક જ ફળ, કે જરાક અમૃત પીવાય એટલે અમર થવાય.

‘માર્ગ અસંખ્ય છે. તેમાંથી જ્ઞાન, કર્મ, ભક્તિ, ગમે તે માર્ગે જાઓ, અંતરની જો સચ્ચાઈ હોય તો ઈશ્વર મળે. 

સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ.

‘જ્ઞાન-યોગઃ જ્ઞાની બ્રહ્મને જાણવા માટે ‘નેતિ નેતિ’ એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એવો વિચાર કરે, સત્ અસત્‌નો વિચાર કરે. જ્યાં એ વિચારનો અંત આવે, ત્યાં સમાધિ થાય અને બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ થાય.

‘કર્મ-યોગ : કર્મ દ્વારા ઈશ્વરમાં મન રાખવું. એટલે કે જે તમે શીખવો છો તે. અનાસક્ત થઈને પ્રાણાયામ, ધ્યાન, ધારણા વગેરે કરવારૂપી કર્મ-યોગ. જો સંસારી માણસ અનાસક્ત થઈને ઈશ્વરને ફળ સમર્પણ કરી, તેમના પ્રત્યે ભક્તિ રાખીને સંસારનાં કર્માે કરે તો એ પણ કર્મ-યોગ. ઈશ્વરને ફળ સમર્પણ કરીને પૂજા, જપ વગેરે કર્માે કરવાનું નામ પણ કર્મ-યોગ. ઈશ્વર-પ્રાપ્તિ એ જ કર્મ-યોગનો ઉદ્દેશ.

‘ભક્તિ-યોગ : ઈશ્વરનું નામ, ગુણ-ગાન, કીર્તન એ બધું કરીને ઈશ્વરમાં મન રાખવું. કલિયુગને માટે ભક્તિ-યોગ એ સહેલો માર્ગ. ભક્તિ-યોગ જ યુગધર્મ.

‘કર્મ-યોગ બહુ કઠણ. પ્રથમ તો, અગાઉ કહ્યું તેમ, સમય જ ક્યાં છે? શાસ્ત્રમાં જે બધાં કર્માે કરવાનું કહ્યું છે તેનો સમય ક્યાં છે? એક તો કલિયુગમાં આયુષ્ય ટૂંકાં, તેમાં વળી અનાસક્ત થઈને, ફળેચ્છા રાખ્યા વગર કર્મ કરવાં બહુ જ કઠણ. ઈશ્વર-પ્રાપ્તિ કર્યા વિના પૂરેપૂરા અનાસક્ત થઈ શકાય નહિ. તમને તો ખબરેય ન હોય, પણ કોણ જાણે ક્યાંથી આસક્તિ આવી પડે!

‘જ્ઞાન-યોગ પણ આ યુગમાં બહુ કઠણ. એક તો જીવનનો આધાર અન્ન ઉપર, તેમાં આયુષ્ય ટૂંકાં, વળી દેહભાન કોઈ રીતે જાય નહિ; દેહભાન ન જાય ત્યાં સુધી જ્ઞાન કોઈ રીતે થાય નહિ. જ્ઞાની કહે કે હું જ બ્રહ્મ. હું શરીર નહિ. હું ભૂખ, તરસ, રોગ, શોક, જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ એ બધાંથી પર. જો રોગ, શોક, સુખ, દુઃખ એ બધાંનું ભાન રહે તો તમે જ્ઞાની કેમ કરીને ગણાઓ? આ બાજુ કાંટાથી હાથ વીંધાયો હોય, લોહી દડદડ પડતું હોય, વેદના પણ ખૂબ થતી હોય અને છતાં કહેવું કે હાથમાં ક્યાં વાગ્યું છે, મને શું થયું છે?

(જ્ઞાનયોગ અને કર્મયોગ યુગધર્મ નથી)

‘એટલે આ યુગને માટે ભક્તિ-યોગ. એથી બીજા માર્ગાે કરતાં સહેલાઈથી ઈશ્વરની પાસે પહોંચી શકાય. જ્ઞાન-યોગ અથવા કર્મ-યોગ અને બીજા માર્ગાેથી પણ ઈશ્વરની પાસે જઈ શકાય ખરું, પણ એ બધા માર્ગાે બહુ કઠણ.

‘ભક્તિ-યોગ યુગધર્મ. એનો અર્થ એવો નથી કે ભક્ત એક જગાએ જવાનો અને જ્ઞાની કે કર્મ-યોગી બીજી જગાએ! એનો અર્થ એ કે જેને બ્રહ્મ-જ્ઞાનની ઇચ્છા હોય, તે જો ભક્તિ-માર્ગે જાય તો તે પણ એ જ જ્ઞાન પ્રાપ્ત કરે. ભક્ત-વત્સલ ભગવાન ઇચ્છા માત્રથી બ્રહ્મ-જ્ઞાન આપી શકે.

(ભક્તને શું બ્રહ્મજ્ઞાન થાય? ભક્ત કેવી રીતે કર્મ કરે અને 

શું પ્રાર્થના કરે?)

‘ભક્ત ઈશ્વરનું સાકાર-રૂપ જોવાની ઇચ્છા રાખે અને તેમની સાથે વાતચીત કરવા ઇચ્છે. એ ઘણે ભાગે બ્રહ્મ-જ્ઞાન માગે નહિ. તોપણ ઈશ્વર ઇચ્છામય. તેમની જો ઇચ્છા થાય તો તે ભક્તને સર્વ ઐશ્વર્યનો અધિકારી બનાવે, ભક્તિયે આપે, અને જ્ઞાન પણ આપે. જો કોઈ એક વાર કોલકાતામાં આવી પહોંચે તો પછી સોસાયટી (Asiatic Society’s Museum), ખુલ્લું મેદાન વગેરે બધુંય જોઈ શકે. 

વાત એટલી કે હવે કોલકાતા પહોંચવું કેવી રીતે?

‘જો જગન્માતાને મેળવો તો ભક્તિયે મળે અને જ્ઞાન પણ મળે, જ્ઞાન પણ મળે અને ભક્તિયે મળે. ભાવસમાધિમાં રૂપ-દર્શન થાય, તથા નિર્વિકલ્પ સમાધિમાં અખંડ સચ્ચિદાનંદ-દર્શન થાય. એ વખતે અહં, નામ, રૂપ રહે નહિ.

‘ભક્ત કહે કે ‘મા! સકામ કર્માે કરવામાં મને બહુ બીક લાગે છે, કારણ કે એ કર્માેમાં કામના છે. એ કર્માે કરીએ એટલે ફળ પામવું જ પડે. તેમ જ અનાસક્ત થઈને કર્માે કરવાં પણ કઠણ. સકામ કર્માે કરવા જતાં તમને ભૂલી જવાય. એટલે એવાં કર્માે કરવાની જરૂર નથી. જ્યાં સુધી તમને પ્રાપ્ત ન કરી શકીએ, ત્યાં સુધી કર્માે ઓછાં થતાં જાય એમ કરો. અને જે કાંઈ બાકી રહે તે કર્માે પણ અનાસક્ત થઈને કરી શકું અને સાથે સાથે ખૂબ ભક્તિ વધે. અને જ્યાં સુધી તમારી પ્રાપ્તિ ન કરી શકું ત્યાં સુધી કાંઈ નવું કર્મ માથે લેવામાં મન ન જાય. પણ જ્યારે તમે આદેશ આપો ત્યારે જ તમારું કર્મ કરું, નહિતર નહિ.

Total Views: 300
ખંડ 22: અધ્યાય 3 : ખાલી પાંડિત્ય મિથ્યા - સાધના અને વિવેકવૈરાગ્ય
ખંડ 22: અધ્યાય 5 : તીર્થયાત્રા અને ઠાકુર શ્રીરામકૃષ્ણ - આચાર્યના ત્રણ પ્રકાર