પંડિત – આપશ્રી તીર્થયાત્રાએ ક્યાં ક્યાં ગયા હતા?

શ્રીરામકૃષ્ણ – જોઈ છે કેટલીક જગાઓ! (સહાસ્ય) હાજરા ઘણે દૂર ગયો હતો અને ખૂબ ઊંચે ચડ્યો હતો! ઠેઠ હૃષીકેશ ગયો હતો. (સૌનું હાસ્ય). હું એટલો ઉપર ગયો ન હતો અને એટલો ઊંચો પણ ચઢ્યો ન હતો!

ગીધ, સમળી પણ ઘણે ઊંચે ચડે, પણ તેમની નજર હોય ઉકરડા પર. (સૌનું હાસ્ય). ઉકરડો શું ખબર છે? કામ અને કાંચન. 

જો અહીં બેઠાં બેઠાં ભક્તિ પ્રાપ્ત કરી શકતા હો તો તીર્થે જવાની શી જરૂર? કાશીએ જઈને જોયું તો એવાં જ ઝાડ અને એવાં જ આંબલીનાં પાન.

તીર્થે જઈનેય જો અંતરમાં ભક્તિ ન આવે તો પછી તીર્થે જવાનું ફળ કાંઈ ન મળ્યું! વળી ભક્તિ જ સાર વસ્તુ, એક માત્ર પ્રયોજન. ગીધ, સમડી કોણ ખબર છે? કેટલાય લોકો એવા છે કે તેઓ મોટી મોટી વાતો કરે અને કહે કે શાસ્ત્રમાં જે બધાં કર્માે કરવાનું કહ્યું છે તેમાંનો ઘણાંખરાં અમે કર્યાં છે. પરંતુ તેમનાં મન બહુ વિષયાસક્ત. પૈસા, ટકા, માન, મરતબો, દેહનાં સુખ, એ બધાં લઈને વ્યસ્ત!

પંડિત – જી હા, મહાશય! તીર્થાેમાં ભટકવું એટલે કૌસ્તુભ-મણિ ફેંકીને બીજા હીરા-માણેક શોધતા ફરવું.

શ્રીરામકૃષ્ણ – અને તમે એટલું સમજજો, કે હજાર ઉપદેશ આપો પણ સમય ન થાય ત્યાં સુધી ફળ ન આવે. એક નાના છોકરાએ રાત્રે પથારીમાં સૂતી વખતે માને કહ્યું ‘બા! મને જ્યારે રાતમાં હાજત થાય ત્યારે જગાડજે!’ માએ જવાબ આપ્યો : ‘દીકરા, હાજત જ તને ઉઠાડશે, એની તું ચિંતા રાખ મા!’ 

એવી રીતે ભગવાનને માટે વ્યાકુળ થવું એ યોગ્ય સમય આવતાં જ થાય.

(પાત્ર-અપાત્રને જોઈને ઉપદેશ – ઈશ્વર શું દયામય?)

‘વૈદ્ય ત્રણ પ્રકારના : 

એક પ્રકારના એવા, કે તેઓ નાડી તપાસે અને દવાની વ્યવસ્થા કહીને ચાલ્યા જાય. દરદીને માત્ર એટલું કહી જાય કે ભાઈ, દવા લેજો. એવા વૈદ્ય નીચલી કક્ષાના. 

તે જ પ્રમાણે કેટલાક આચાર્ય ઉપદેશ આપી જાય, પરંતુ ઉપદેશથી લોકોને લાભ થયો કે ગેરલાભ તેનો તે વિચાર કરે નહિ અને તે જુએય નહિ.

‘બીજા કેટલાક વૈદ્ય એવા છે કે જેઓ દવાની વ્યવસ્થા કરે, દરદીને દવા ખાવાનું કહે, દરદી જો દવા ન લે તો તેને કેટલુંય સમજાવે. એ વચલા વર્ગના વૈદ્ય. તે પ્રમાણે મધ્યમ શ્રેણીના આચાર્યાે પણ છે. તેઓ ઉપદેશ આપે. તે સાથે લોકોને ઘણી રીતે સમજાવે કે જેથી તેઓ ઉપદેશ પ્રમાણે વર્તે.

‘તેમ વળી ઉત્તમ કક્ષાના વૈદ્ય પણ છે. મીઠી વાતોથી દરદી જો ન સમજે તો તેઓ જોર પણ વાપરે. અને જરૂર પડે તો દરદીની છાતી પર ચડીને દવા પાઈ દે! એ જ પ્રમાણે ઉત્તમ જાતના આચાર્ય પણ છે. તેઓ ઈશ્વરને માર્ગે ચડાવવા શિષ્યોની ઉપર જબરદસ્તી પણ કરે.’

પંડિત – મહાશય, જો ઉત્તમ પ્રકારના આચાર્ય હોય, તો આપે શા માટે એમ કહ્યું કે સમય થયા વિના જ્ઞાન થાય નહિ?

શ્રીરામકૃષ્ણ – એ ખરું. પણ ધારો કે દવા પેટમાં ન જાય, મોઢામાંથી જ નીકળી જાય તો વૈદ્ય શું કરે? ઉત્તમ વૈદ્ય પણ કાંઈ કરી ન શકે. 

પાત્ર જોઈને ઉપદેશ આપવો. તમે લોકો પાત્ર જોઈને ઉપદેશ આપતા નથી. મારી પાસે કોઈ છોકરો આવે તો તેને પ્રથમ પૂછી જોઉં કે તારે ઘેર કોણ કોણ છે? ધારો કે બાપ નથી અથવા બાપનું કરજ છે તો તે કેવી રીતે ઈશ્વરમાં મન પરોવે? સાંભળો છો ને?

પંડિત – જી હા, હું બધું સાંભળું છું.

શ્રીરામકૃષ્ણ – એક દિવસ ત્યાં કાલી-મંદિરમાં કેટલાક શીખ સિપાહીઓ આવ્યા હતા. મા કાલીના મંદિરની સામે તેઓની સાથે મેળાપ થયો. તેઓમાંથી એક જણે કહ્યું કે ઈશ્વર દયામય. મેં કહ્યું કે ‘એમ? ખરી વાત કે? કેમ કરીને જાણ્યું?’ તેઓ બોલ્યા : કેમ મહારાજ? ઈશ્વર આપણને ખવડાવે પિવડાવે છે, કેટલીયે સંભાળ રાખે છે! મેં કહ્યું, ‘તે એમાં શી નવાઈ? ઈશ્વર તો સૌનો બાપ. બાપ છોકરાંને સંભાળે નહિ તો બીજું કોણ સંભાળે? શું સામી શેરીના લોકો આવીને સંભાળે?’

નરેન્દ્ર – ત્યારે શું ઈશ્વરને દયામય કહેવો નહિ?

શ્રીરામકૃષ્ણ – તેને દયામય કહેવાની હું ક્યાં ના પાડું છું? મારા કહેવાનો આશય એવો છે કે ઈશ્વર આપણો પોતાનો છે, પારકો નથી.

પંડિત – વાત અમૂલ્ય!

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – તારું ગીત સાંભળતો હતો, પણ સારું લાગ્યું નહિ. એટલે હું ઊઠી ગયેલો. મેં કહ્યું કે ઉમેદવારની અવસ્થા, ગીત ફિક્કું લાગ્યું.

નરેન્દ્ર શરમાઈ ગયો. મોઢું સહેજ લાલ થઈ ગયું. તે ચૂપ બેસી રહ્યો.

Total Views: 266
ખંડ 22: અધ્યાય 4 : ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ - ભક્તિયોગ જ યુગધર્મ
ખંડ 22: અધ્યાય 6 : વિદાય