પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને બહાને તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ આપે છે.

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – વેદ વગેરે અનેક શાસ્ત્રો છે. પરંતુ સાધના કર્યા વિના, તપસ્યા કર્યા વિના ઈશ્વરને પામી શકાય નહિ.

‘ષડ્દર્શનમાં દર્શન થાય ના, આગમ-નિગમ તંત્ર સારે.’

‘પરંતુ શાસ્ત્રમાં જે કાંઈ છે તે બધું જાણી લઈને પછી એ પ્રમાણે કામ કરવું જોઈએ. એક જણને ઘેર એક કાગળ આવ્યો હતો. તે ક્યાંય ખોવાઈ ગયો. ક્યાં મુકાઈ ગયો તે યાદ ન રહ્યું. એટલે તે દીવો લઈને શોધવા મંડ્યો. ઘરમાં બીજાં બે ત્રણ જણાંએ મળીને શોધતાં શોધતાં આખરે તે પત્ર જડ્યો. તેમાં લખ્યું હતું કે પાંચ શેર પેંડા અને એક ધોતિયું મોકલાવજો. એટલું વાંચી લઈને તેણે કાગળ ફેંકી દીધો. પછી કાગળની શી જરૂર? પછી તો પાંચ શેર પેંડા અને એક ધોતિયું ખરીદીને મોકલી દેવાય એટલે થયું.

(The Art of Teaching – પઠન, શ્રવણ અને દર્શનનું તારતમ્ય)

‘વાંચવા કરતાં સાંભળવું સારું, સાંભળવા કરતાં જોવું સારું. ગુરુ-મુખે કે સાધુ-મુખે સાંભળવાથી વસ્તુ વધુ દૃઢ થાય, અને શાસ્ત્રના અસાર ભાગનો વિચાર કરવો પડે નહિ. 

હનુમાન બોલ્યા હતા કે ‘ભાઈ, હું તિથિ, નક્ષત્ર વગેરે બધું જાણતો નથી : હું તો કેવળ રામનું ચિંતન કરું છું.’

‘સાંભળવા કરતાં જોવું વધુ સારું. નજરે જોવાથી સર્વ સંદેહ મટી જાય. શાસ્ત્રોમાં તો ઘણીયે વાતો છે. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થયા વિના, તેનાં ચરણકમલમાં ભક્તિ થયા વિના, ચિત્ત-શુદ્ધિ થયા વિના બધું વ્યર્થ. પંચાંગમાં લખ્યું છે કે વીસ ચ વરસાદ થશે. પણ પંચાંગ નિચોવવાથી એક ટીપુંય પાણી પડે નહિ! એક ટીપું તો પડ, પણ એક ટીપુંય નહિ!

(વિવેકવિચાર કેટલા દિવસ – ઈશ્વર-દર્શન સુધી જ – કોણ વિજ્ઞાની?)

‘શાસ્ત્રો વગેરેની ચર્ચા કેટલા દિવસ? જ્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી. ભમરો ગણગણ કરે ક્યાં સુધી? જ્યાં સુધી ફૂલ ઉપર બેસે નહિ ત્યાં સુધી. ફૂલ ઉપર બેસીને મધ પીવાનો આરંભ કરે પછી શબ્દ નહિ!

ભક્ત – ઈશ્વર-દર્શન પછી પણ શું શરીર રહે?

શ્રીરામકૃષ્ણ – કોઈ કોઈનું કંઈક કર્મ માટે રહે, લોકોને ઉપદેશ આપવા માટે. ગંગા-સ્નાનથી પાપ જાય અને મુક્તિ મળે, પણ આંખે અંધાપો મટે નહિ. પણ પાપને અંગે જે કેટલાક જન્મ સુધી કર્મભોગ કરવો પડત, તે જન્મો લેવા ન પડે. જેટલો વળ ચડાવ્યો હોય માત્ર તેટલો જ વળ ઊતરી જાય. કામ, ક્રોધ વગેરે બધાં બળી જાય, શરીર માત્ર રહે થોડાંક કર્માે માટે.

પંડિત – એને જ સંસ્કાર કહે.

શ્રીરામકૃષ્ણ – વિજ્ઞાની હમેશાં ઈશ્વર-દર્શન કરે, એટલે તો તેનો આવો મનમોજી ભાવ. એ ખુલ્લી આંખેય દર્શન કરે. ક્યારેક નિત્ય થકી લીલામાં ઊતરી આવીને રહે. ક્યારેક લીલામાંથી નિત્યે પહોંચે.

પંડિત – એ સમજાયું નહિ.

શ્રીરામકૃષ્ણ – નેતિ નેતિ વિચાર કરીને એ નિત્ય, અખંડ સચ્ચિદાનંદે પહોંચે. તે એમ વિચાર કરે કે તે (આત્મા) જીવ નથી, જગત નથી, ચોવીસ તત્ત્વોય નથી. નિત્યે પહોંચીને વળી જુએ કે તે (આત્મા) જ આ બધું થઈ રહ્યો છે – જીવ, જગત, ચોવીસ તત્ત્વો વગેરે. 

દૂધનું દહીં જમાવીને મંથન કરીને માખણ કાઢવું જોઈએ. પરંતુ માખણ કાઢી લીધા પછી જુએ કે જેમાંથી માખણ તેમાંથી જ છાશ. છાલનો જ ગરભ અને ગરભની જ છાલ.

પંડિત – (હસીને ભૂધરને)- સમજ્યા? આ સમજવું બહુ જ કઠણ!

શ્રીરામકૃષ્ણ – માખણ નીકળ્યું છે તો છાશ પણ થઈ છે. માખણનો વિચાર કરતાંની સાથે જ છાશનો વિચાર પણ આવે જ, કારણ કે છાશ થયા વિના માખણ થાય નહિ. એ પ્રમાણે નિત્યને માનો એટલે લીલાને માનવી જ પડે. અનુલોમ અને વિલોમ. પણ સાકાર-નિરાકારનો સાક્ષાત્કાર થયા પછીની એ અવસ્થા! સાકાર ચિન્મય સ્વરૂપ, નિરાકાર અખંડ સચ્ચિદાનંદ.

ઈશ્વર જ બધું થઈ રહેલ છે. એટલે વિજ્ઞાનીને માટે આ સંસાર આનંદની કુટિર. જ્ઞાનીને માટે આ સંસાર દગાબાજીની કુટિર. રામપ્રસાદે તેને દગાબાજીની કુટિર કહી હતી, એટલે એક જણે જવાબ આપેલો કે : 

આ સંસાર તો મજાની કુટી, ખાઈ પી ને મેં મજા લૂંટી,

અરે વૈદ્ય, તને નથી જ બુદ્ધિ, સમજ્યો માત્ર ઉપર ઉપરથી;

જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;

આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી, પીધી હતી તેણે દૂધની વાટી.

(સૌનું હાસ્ય).

વિજ્ઞાનીએ ઈશ્વરના આનંદનો વિશેષરૂપે ઉપભોગ કર્યોં છે. જેમ કોઈએ દૂધ વિશે સાંભળ્યું હોય, કોઈએ તે જોયું હોય, તો કોઈએ તે પીધું હોય. વિજ્ઞાનીએ દૂધ પીધું છે, અને પીને આનંદ-પ્રાપ્તિ કરી છે. અને તે હૃષ્ટ-પુષ્ટ થયો છે.

‘તોય બીજી એક વાત છે. ઈશ્વરનાં દર્શન થયા પછી પણ વાતો ચાલી શકે. પણ એ વાતો માત્ર ઈશ્વરનાં દર્શનના આનંદની જ. જેમ દારૂડિયો નશામાં મસ્ત બનીને ‘જય કાલી’ બોલે તેમ. અથવા તો ભમરો ફૂલે બેસીને મધુ-પાન કર્યા પછીયે અર્ધ સ્વરે ગણગણ કરે તેમ.

શું વિજ્ઞાનીનું નામ દઈને ઠાકુર પોતાની જ અવસ્થાનું સૂચન કરે છે?

‘જ્ઞાની ‘નેતિ નેતિ’ એમ વિચાર કરે. એ વિચાર કરતાં કરતાં જ્યાં આનંદ મળે તે જ બ્રહ્મ. 

જ્ઞાનીનો સ્વભાવ કેવો? જ્ઞાની શાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલે.

‘મને ચાનકે લઈ ગયા હતા. ત્યાં કેટલાક સાધુ જોયા. તેઓમાંથી કોઈ કોઈ સિલાઈ કરતા હતા! (સૌનું હાસ્ય). અમે ગયા એટલે એ બધું એક કોરે મૂક્યું. ત્યાર પછી પગ ઉપર પગ ચડાવીને બેસીને અમારી સાથે વાતો કરવા લાગ્યા . (સૌનું હાસ્ય). 

પરંતુ ઈશ્વરની વાતો પૂછીએ નહિ ત્યાં સુધી જ્ઞાનીઓ એ બધી વાતો કરે નહિ. પહેલાં તો એમ પૂછે, ‘તમને કેમ છે? કૈસા હૈ? ઘેર બધાં કેમ છે?’ 

પરંતુ વિજ્ઞાનીનો સ્વભાવ જુદો. બહુ ચુસ્ત નહિ. કાં તો ધોતિયું કમર પરથી ખસી જતું હોય, કે પછી બગલમાં દાબ્યું હોય, નાના છોકરાની પેઠે!

‘ઈશ્વર છે એ જેણે જાણ્યું છે તેનું નામ જ્ઞાની. લાકડામાં ચોક્કસ અગ્નિ છે એ જાણે તે જ્ઞાની. પરંતુ લાકડાં સળગાવીને રાંધી ખાઈને, પેટ ભરીને તૃપ્ત થઈ જાય તેનું નામ વિજ્ઞાની.

પરંતુ વિજ્ઞાનીના અષ્ટપાશ (લજ્જા, ઘૃણા, જાતિ, કુલ, શીલ, માન, જુગુપ્સા એટલે કે છુપાવવાની ઇચ્છા) નીકળી જાય. કામ-ક્રોધાદિનો આકાર માત્ર દેખાય.

પંડિત – ભિદ્યતે હૃદયગ્રંથિશ્છિદ્યન્તે સર્વસંશયાઃ। (મુંડકોપનિષદ ૨.૨.૮)

(પૂર્વકથા – કૃષ્ણકિશોરના ઘરે જવું – શ્રીઠાકુરની વિજ્ઞાનીની અવસ્થા)

શ્રીરામકૃષ્ણ – હાં. એક જહાજ સમુદ્રમાં થઈને ચાલ્યું જતું હતું. અચાનક તેનાં બધાં લોઢાં, ખીલા, ચૂંક, ઈસ્ક્રૂ વગેરે નીકળી જવા લાગ્યાં. નજીકમાં લોહચુંબકનો પહાડ હતો, એટલે બધા લોખંડના ભાગો અળગા થઈને નીકળી જવા લાગ્યા. 

‘હું કૃષ્ણકિશોરને ઘેર જતો. એક દિવસ ગયો હતો, ત્યારે તેણે કહ્યું કે ‘તમે પાન શા માટે ખાઓ છો?’ મેં કહ્યું કે ‘એ મારી ખુશીની વાત છે; હું પાન ખાઈશ, અરીસામાં મોઢું જોઈશ. હજાર બૈરીઓની વચ્ચે નાગો થઈને નાચીશ!’ કૃષ્ણકિશોરની સ્ત્રી તેને વઢવા લાગી કે તમે કોને શું કહો છો? રામકૃષ્ણને આ શું કહો છો?

‘એ અવસ્થા થાય તો કામ, ક્રોધ વગેરે બળી જાય. શરીરમાં કંઈ ફેરફાર થાય નહિ. જોવામાં બીજા માણસોના જેવું જ દેખાય, પણ અંદર પોલું અને નિર્મળ.

ઠાકુર જરા ચૂપ રહ્યા અને પંડિતને હુક્કો પીવાનું કહ્યું. પંડિત દક્ષિણપૂર્વની લાંબી ઓસરીમાં હુક્કો પીવા ગયા.

Total Views: 716
ખંડ 23: અધ્યાય 1 : કાલી-બ્રહ્મ - બ્રહ્મ અને શક્તિ અભિન્ન
ખંડ 23: અધ્યાય 3 : જ્ઞાન અને વિજ્ઞાન - ઠાકુર અને વેદોક્ત ઋષિગણ