ઠાકુર ઓસરી તરફ જરા જઈને પાછા ઓરડામાં આવ્યા. બહાર જતી વખતે શ્રીયુત્ વિશ્વંભરની દીકરીએ તેમને નમસ્કાર કર્યા હતા. એની ઉંમર છ-સાત વરસની હશે. ઓરડામાં ઠાકુર પાછા આવ્યા પછી એ છોકરી તેમની સાથે વાત કરે છે. તેની સાથે બીજાં પણ તેના જેવડાં જ એક બે છોકરા-છોકરી છે.

વિશ્વંભરની દીકરી (ઠાકુર શ્રીરામકૃષ્ણને) – હું તમને પગે લાગી, એ તમે જોયું નહિ!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ક્યાં, મેં તો જોયું નહિ!

દીકરી – ત્યારે ઊભા રહો, ફરી વાર પગે લાગું; ઊભા રહો, આ બાજુ પગે લાગું. ઠાકુર હસતા હસતા બેઠા અને જમીન સુધી પોતાનું મસ્તક નમાવીને તેમણે એ કુમારિકાને સામા નમસ્કાર કર્યા. ઠાકુરે એ છોકરીને ગીત ગાવાનું કહ્યું. છોકરીએ કહ્યું, ‘સાચેસાચ, મને ગીત નથી આવડતું!’

ઠાકુરે ફરી વાર આગ્રહ કર્યાે એટલે એક કહે છે કે ‘સાચેસાચ કહ્યું એટલે પછી બોલાય કે?’ ઠાકુર એ નાની છોકરીની સાથે આનંદ કરે છે અને પોતે ગીત ગાઈ સંભળાવે છે :

પહેલાં કેલુવાનું (કૃષ્ણનું) ગીત પછી :

‘આવ એલી, તારું માથું ઓળી દઉં, તારો વર આવીને બોલશે શું રે!’

ગીત સાંભળીને છોકરાં અને ભક્તો બધાં હસવા લાગ્યાં.

(પૂર્વકથા – જન્મભૂમિદર્શન – ૧૮૬૯-૭૦ – બાળ શિવરામનું ચરિત્ર – સિઓડમાં હૃદયના ઘરે દુર્ગાપૂજા – શ્રીઠાકુરની ઉન્માદ 

અવસ્થામાં લિંગપૂજા)

(શ્રીયુત્ શિવરામનો જન્મ, ૧૮ ચૈત્ર,૧૨૭૨ બંગાબ્દ, ૩૦ માર્ચ, ૧૮૬૬માં દોલપૂર્ણિમાના દિવસે થયો હતો. શ્રીઠાકુરની જન્મભૂમિના આ દર્શન વખતે શિવરામની ઉંમર હતી ૩-૪ વર્ષ. એટલે ૧૮૬૯-૭૦ હશે.)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – પરમહંસનો સ્વભાવ બરાબર પાંચ વરસના બાળકના જેવો હોય. એ બધું ચૈતન્યમય જુએ. 

જ્યારે હું કામારપુકુર હતો ત્યારે રામલાલનો ભાઈ (શિવરામ) ચાર પાંચ વરસનો, તળાવડીને કાંઠે પતંગિયું પકડવા જાય છે. ત્યાં પાંદડું હલે છે. એટલે પાછો પાંદડાંનો અવાજ થાય, એટલા માટે એ પાંદડાંને કહે છે કે ‘ચૂપ! હું પંતગિયું પકડું છું!’ તોફાન, વરસાદ ચાલુ છે. મારી સાથે ઓરડાની અંદર એ પણ છે. વીજળી ચમકારા કરે છે, તોય બારણું ઉઘાડીને બહાર જવાનું કહે. હું એને વઢ્યો, એટલે એ બહાર તો ગયો નહિ, પણ ડોકું કાઢીને વચ્ચે વચ્ચે જોતો જાય છે વીજળીને, અને બોલી ઊઠે છે, ‘કાકા! જુઓ, વળી ચકમકથી (દેવતા) પાડે છે!’

‘પરમહંસ બાળકના જેવો. તેને પોતાનું-પારકું નહિ, સંસારી સંબંધની આસક્તિ નહિ. રામલાલનો ભાઈ એક દિવસ કહે છે કે ‘તમે કાકા કે ફૂવા?’

‘પરમહંસને બાલકની પેઠે કોઈ બાબતની ગણતરી નહિ. તે બધું બ્રહ્મમય જુએ. ક્યાં જાય છે, કઈ બાજુ ચાલે છે, એનો કંઈ મેળ જ નહિ. ત્યાં રામલાલનો ભાઈ હૃદુને ઘેર નવરાત્રિમાં ગયો હતો. તે ઘરમાંથી છટકીને પોતાની મેળે કોઈક બાજુએ ચાલ્યો ગયેલો. ચાર વરસનો છોકરો જોઈને રસ્તાના માણસો પૂછવા લાગ્યા, ‘તું ક્યાંથી આવ્યો?’ એ કંઈ બોલી શકે નહિ. માત્ર એટલું કહે, ‘ઘર.’ (જ્યાં દુર્ગાપૂજા થાય છે ત્યાં). જ્યારે પૂછ્યું કે ‘કોને ઘેરથી આવ્યો છે?’ ત્યારે એ માત્ર એટલું જ કહે કે ‘ભાઈ.’

‘વળી પરમહંસની ઉન્માદ-અવસ્થા થાય. મને જ્યારે એ ઉન્માદ આવ્યો, ત્યારે શિવલિંગરૂપ સમજીને પોતાના લિંગની પૂજા કરતો. જીવંત લિંગ-પૂજા. તેને વળી એક મોતી પહેરાવવામાં આવતું! પણ હવે એ બને નહિ.

(પ્રતિષ્ઠા પછી, ઈ.સ.૧૮૫૫, પૂર્ણજ્ઞાની પાગલની સાથે ભેટો)

‘દક્ષિણેશ્વર-મંદિરની સ્થાપના થયાને થોડા દિવસ પછી એક પાગલ આવ્યો’તો, પણ એ પૂર્ણ જ્ઞાની. ફાટેલાં જોડાં, એક હાથમાં વાંસની લાકડી અને બીજામાં હાંડલી અને નાનો આંબાનો રોપ. ગંગામાં ડૂબકી મારીને બહાર આવ્યો. સંધ્યા વંદન, તર્પણ વગેરે કંઈ જ નહિ. કપડાને છેડે કંઈક બાંધેલું હતું, તે જ ખાઈ લીધું. ત્યાર પછી કાલી-મંદિરમાં જઈને સ્તુતિ કરવા લાગ્યો. એથી મંદિર આખું કંપી ઊઠેલું! હલધારી એ વખતે મંદિરની અંદર હતો. ભોજનશાળામાં વ્યવસ્થાપકોએ તેને ખાવા ન આપ્યું. તેની બિલકુલ પરવા જ નહિ. એઠાં પાતળ એકઠાં કરીને તેમાંથી ખાવા લાગ્યો, ત્યાં કૂતરાં ખાતાં હતાં. વચ્ચે વચ્ચે કૂતરાંને ખસેડીને પોતે ખાવા લાગ્યો, અને તોય કૂતરાં કંઈ બોલે નહિ! હલધારી તેની પાછળ પાછળ ગયો હતો અને પૂછ્યું હતું કે ‘તમે કોણ? તમે શું પૂર્ણ જ્ઞાની?’ ત્યારે તે બોલ્યો હતો કે, ‘હું પૂર્ણ જ્ઞાની! ચૂપ!’

‘મેં હલધારીની પાસે જ્યારે આ બધી વાત સાંભળી, ત્યારે મારી છાતીમાં ઘરઘરાટ થવા લાગ્યો, અને મેં હૃદુને જકડીને પકડી રાખ્યો. માને કહ્યું કે ‘મા, ત્યારે શું મારી પણ એ જ અવસ્થા થવાની!’ અમે એને મળવા ગયા. અમારી પાસે ખૂબ જ્ઞાનની વાતો કરી, બીજા માણસો આવતાંની સાથે ગાંડાઈ. જ્યારે એ ચાલ્યો ગયો, ત્યારે હલધારી ઘણેય દૂર સુધી તેની સાથે ગયેલો. ફાટક વટાવ્યા પછી એણે હલધારીને કહ્યુંઃ ‘તને બીજું શું કહું? આ ખાબોચિયાનું પાણી અને ગંગાજળ એ બેમાં જ્યારે કશો ભેદ નહિ લાગે, ત્યારે જાણજો કે પૂર્ણ જ્ઞાન થયું છે.’ ત્યાર પછી એ સડસડાટ કરતોને ચાલ્યો ગયો.

Total Views: 347
ખંડ 24: અધ્યાય 1 :
ખંડ 24: અધ્યાય 3 : પાંડિત્ય કરતાં તપશ્ચર્યાનું પ્રયોજન - સાધ્ય-સાધના