ઠાકુર શ્રીરામકૃષ્ણ માસ્ટરની સાથે વાતો કરે છે. ભક્તોય પાસે બેઠેલા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – શશધર તમને કેમ લાગે છે?

માસ્ટર – જી, મજાના.

શ્રીરામકૃષ્ણ – ખૂબ બુદ્ધિમાન, નહિ?

માસ્ટર – જી, પંડિતાઈ ખૂબ છે.

શ્રીરામકૃષ્ણ- ગીતાનો મત, કે જેને ઘણા માણસો માને તેની અંદર ઈશ્વરની શક્તિ છે. પરંતુ એને હજી થોડુંક કામ કરવાનું બાકી છે. 

એકલી વિદ્વત્તાથી શું વળે? કંઈક તપશ્ચર્યાની જરૂર, ધ્યેય માટે કંઈક સાધનાની જરૂર.

(પૂર્વકથા – ગૌરી પંડિત અને નારાયણ શાસ્ત્રીની સાધના – 

બેલઘરિયાના ઉદ્યાનમાં કેશવ સાથે મુલાકાત – ૧૮૭૫ – 

કેપ્ટનનું આગમન – ૧૮૭૫-૭૬)

ગૌરી પંડિતે સાધના કરી હતી. એ જ્યારે સ્તુતિ કરતો, હાં… રે રે રે નિરાલમ્બો લમ્બોદરજનનિ! – ત્યારે તેની સામે મોટા મોટા પંડિતોય અળસિયાં જેવા થઈ જતા. 

નારાયણ શાસ્ત્રી પણ કેવળ પંડિત નહિ, તેણેય સાધના કરી હતી.

‘નારાયણ શાસ્ત્રીએ પચીસ વર્ષ સુધી એકધારો અભ્યાસ કરેલો. સાત વરસ સુધી ન્યાય ભણ્યો હતો. તો પણ ‘હર હર’ બોલતાં બોલતાં ભાવ થઈ જતો. જયપુરના રાજાએ તેને પોતાના સભા-પંડિત તરીકે નીમવાની ઇચ્છા દર્શાવેલી. પણ એ નોકરી તેણે સ્વીકારી નહિ. દક્ષિણેશ્વરમાં ઘણી વાર આવીને રહેતો. તેને વસિષ્ઠાશ્રમમાં જવાની બહુ જ ઇચ્છા હતી, ત્યાં જઈને તપસ્યા કરવી. ત્યાં જવાની વાત મને વારંવાર કહેતો. મેં તેને ત્યાં જવાની ના પાડી. ત્યારે તેણે કહ્યું, ‘કોણ જાણે ક્યારે મરી જઈશું, પછી સાધના ક્યારે કરીશું? આ ઢોલકી ક્યારે ફાટી જશે એનું કંઈ ઠેકાણું છે?’ તેણે ખૂબ ખેંચપકડ કરી એટલે પછી મેં જવાની રજા આપી.

‘સાંભળ્યું છે, કોઈ કોઈ કહે છે, કે નારાયણ શાસ્ત્રીએ દેહત્યાગ કર્યાે છે. કહે છે કે તપશ્ચર્યા કરતાં કરતાં, ભૈરવે થપ્પડ મારેલી. તો વળી કોઈ કહે છે કે ‘જીવતો છે, એ અમે તેને રેલગાડીમાં બેસાડીને આવ્યા!’

‘કેશવ સેનને મળતાં પહેલાં મેં નારાયણ શાસ્ત્રીને કહ્યું કે તમે એક વાર જાઓ, જોઈ આવો કે એ કેવા માણસ છે. તેણે (કેશવને) જોઈ આવીને કહ્યું કે ‘એ માણસ જપમાં સિદ્ધ છે.’ નારાયણ શાસ્ત્રી જ્યોતિષ જાણતો. એટલે તેણે કહ્યું કે ‘કેશવ સેનનું ભાગ્ય સારું છે! મેં કેશવની સાથે સંસ્કૃતમાં વાતચીત કરી, તેણે બંગાળીમાં જવાબ આપ્યો.’

‘ત્યારે પછી હું હૃદુને સાથે લઈને બેલઘરિયાના બગીચામાં જઈને કેશવને મળ્યો. તેમને જોતાં જ હું બોલેલો કે ‘આની જ પૂંછડી ખરી પડી છે, એ પાણીમાંય રહી શકે, ને કાંઠા પરેય રહી શકે.’

‘કેશવે મારી પરીક્ષા કરવા માટે ત્રણ બ્રાહ્મ-સમાજીઓને કાલી-મંદિરે મોકલેલા. તેઓમાંથી એક જણ પેલો પ્રસન્ન પણ હતો. રાત-દિવસ તેઓએ મને જોવો, ને જોઈને કેશવની પાસે સમાચાર આપવા. તેઓ મારા ઓરડામાં રાત રહેલા. વારંવાર ‘દયામય, દયામય’ કરવા લાગ્યા અને મને કહે કે ‘તમે કેશવ બાબુનું અનુસરણ કરો, તો તમારું કલ્યાણ થશે.’ મેં કહ્યું કે ‘હું તો સાકારને માનું છું.’ તોય ‘દયામય, દયામય,’ કર્યા કરે! ત્યારે મારી એક અવસ્થા થઈ. એ થતાં જ હું બોલી ઊઠ્યો, ‘અહીંયાંથી જા!’ ઘરમાં તેને રહેવા જ ન દીધો. એટલે ડરીને તે ઓસરીમાં જઈને સૂઈ રહ્યો.

‘કેપ્ટન પણ જે દિવસે મને પ્રથમ મળવા આવ્યા, તે દિવસે રાત્રે દક્ષિણેશ્વરમાં રહી ગયેલા.

(માઈકલ મધુસૂદન દત્ત – નારાયણ શાસ્ત્રી સાથે વાત)

(શ્રીમધુસૂદન કવિ, બેરિસ્ટર; જન્મ સાગરદાંડી ગામમાં, ૧૮૨૪. ઈંગ્લેન્ડમાં વાસ ૧૮૬૨ થી ૬૭. દેહત્યાગ ૧૮૭૩. શ્રીઠાકુરનાં દર્શન ૧૮૬૮ પછી થયાં હોવાં જોઈએ)

‘નારાયણ શાસ્ત્રી જ્યારે દક્ષિણેશ્વરમાં હતા, ત્યારે ત્યાં માઈકલ આવેલ. મથુરબાબુનો મોટો દીકરો દ્વારિક બાબુ તેને સાથે લઈ આવેલો. બાજુના દારૂગોળાના કારખાનાના માલિકો સાથે મુકદ્દમો લડવાનો પ્રસંગ આવેલો. એટલે માઈકલને લાવીને મંદિરના માલિકોએ તેની સલાહ લીધેલી.

‘દફતરખાનાની જોડાજોડનો મોટો ઓરડો છે ને, ત્યાં માઈકલની સાથે મુલાકાત થયેલી. મેં નારાયણ શાસ્ત્રીને તેની સાથે વાત કરવાનું કહ્યું. માઈકલ સંસ્કૃતમાં સારી રીતે વાતચીત કરી શક્યો નહિ. ભૂલો પડવા લાગી. એટલે બંગાળી ભાષામાં વાતચીત થવા લાગી.

‘નારાયણ શાસ્ત્રી કહે : ‘તમે તમારો પોતાનો ધર્મ શા માટે છોડ્યો? (માઈકલે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યાે હતો). એટલે માઈકલે પેટ દેખાડીને કહ્યું કે ‘પેટ સારુ વટલાવું પડ્યું છે!’

‘નારાયણી શાસ્ત્રી કહે કે ‘જે માણસ પેટ સારુ ધર્મ છોડે, તેની સાથે વળી વાત શી કરવી!’ એટલે માઈકલે મને કહ્યું કે, ‘આપ કંઈક બોલો.’

‘મેં કહ્યું, ‘કોણ જાણે શા માટે, પણ મને કંઈ જ બોલવાનું મન થતું નથી. મારું મોઢું જાણે કે કોઈક દાબી રાખે છે!’

(કામિનીકાંચન પંડિતની બુદ્ધિને પણ હીન કરી દે – વિષયીની પૂજા)

ઠાકુરનાં દર્શન કરવા ચૌધરી બાબુના આવવાની વાત હતી.

મનોમોહન – ચૌધરી આવવાના નથી. તેમણે કહ્યું કે ‘ફરીદપુરનો પેલો બાંગાલ-પૂર્વબંગાળનો માણસ (શશધર) ત્યાં આવવાનો છે, એટલે હું આવીશ નહિ.’

શ્રીરામકૃષ્ણ – શો અહંકાર! એક તો વિદ્યાનો અહંકાર, તેમાં વળી બીજી બૈરી પરણ્યો છે! એટલે પૃથ્વીને હાથમાં પકડેલ ઢેફું માને છે. 

ચૌધરી એમ.એ. પાસ થયા છે. પહેલી પત્નીના મૃત્યુ પછી ખૂબ વૈરાગ આવી ગયેલો. ઠાકુરની પાસે દક્ષિણેશ્વર ઘણી વાર જતા. તેમણે ફરીથી વિવાહ કર્યાે છે. મહિને ત્રણસો ચારસો રૂપિયાનો પગાર. 

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – આ કામિની-કાંચન પરની આસક્તિએ માણસને હીન બુદ્ધિનો કરી રાખ્યો છે. હરમોહન જ્યારે પહેલ વહેલો મારી પાસે દક્ષિણેશ્વર આવેલો, ત્યારે તેનાં લક્ષણ સારાં હતાં. એને મળવા માટે મને આતુરતા થતી. ત્યારે એની ઉંમર સત્તર અઢારની હશે. ઘણીયે વાર હું તેને તેડાવવા માણસ મોકલતો, પણ એ આવે નહિ. અને હવે સ્ત્રીને લાવીને જુદું ઘર માંડ્યું છે. 

મામાને ઘરે હતો, એટલે સંસારની કોઈ ઉપાધિ નહોતી. પણ હવે જુદું ઘર માંડ્યું છે એટલે બૈરીના હુકમ પ્રમાણે રોજ બજારમાં ખરીદીએ જાય છે. (સૌનું હાસ્ય). તે દિવસે ત્યાં દક્ષિણેશ્વરમાં આવેલો. મેં કહ્યું કે ‘જા, અહીંથી ચાલ્યો જા, તને અડતાં મને જાણે કે ઉબકા આવે છે.’

કર્તા-ભજા સંપ્રદાયવાળા ચંદ્ર (ચેટર્જી) આવ્યા છે. ઉંમર સાઠ-પાંસઠ. મોઢામાં કેવળ કર્તા-ભજા સંપ્રદાયના શ્લોકો. ઠાકુરની ચરણસેવા કરવા જાય છે. ઠાકુરે પગે હાથ લગાડવા દીધો નહિ. અને હસીને બોલ્યા કે ‘હવે તો મજાની સમજણપૂર્વકની વાતો કરો છો, હેં!’ ભક્તો હસવા લાગ્યા.

હવે ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામના ઘરના અંદરના ભાગમાં શ્રી જગન્નાથજીનાં દર્શન કરવા જાય છે. અંદર ઘરનો ભક્ત સ્ત્રીવર્ગ પણ ઠાકુરનાં દર્શન કરવાને આતુર થઈ રહ્યો છે.

ઠાકુર પાછા દીવાનખાનામાં આવ્યા છે. મોઢું હસમુખું. કહે છે કે ‘મેં કપડું બદલીને જગન્નાથજીનાં દર્શન કર્યાં, અને થોડાં ફૂલ-બૂલ ચડાવ્યાં.

‘સંસારી લોકોની પૂજા, જપ, તપ એ બધું તત્પૂરતું. પણ જેઓ ભગવાન વિના બીજું સમજે નહિ તેઓ શ્વાસોચ્છ્વાસની સાથે ભગવાનનું નામ લે. કોઈ મનમાં મનમાં હર ક્ષણે ‘રામ’ ‘ૐ રામ’ એવો ભગવાનનાં નામનો જપ કરે. જ્ઞાન-માર્ગવાળાઓ પણ ‘સોઽહમ્’ જપ કરે. કોઈકોઈની તો હર સમય જપથી જીભ હાલતી જ હોય.

હર હમેશ સ્મરણ મનન કરવું જોઈએ.

Total Views: 372
ખંડ 24: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણની પરમહંસ અવસ્થા - બાળકવત્-ઉન્માદવત્
ખંડ 24: અધ્યાય 4 : બલરામને ઘેર, શશધર વગેરે ભક્તવૃંદ - ઠાકુરની સમાધિ-અવસ્થા