શ્રીયુત્ શશધરે એક બે મિત્રો સાથે ઓરડામાં પ્રવેશ કર્યાે અને ઠાકુરને પ્રણામ કરીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – અમે બધા નવોઢાની પેઠે રાત જાગતા બેઠા છીએ, ક્યારે વર આવે! 

પંડિત હસે છે. ભક્તોની મંડળી જામી છે. બલરામના પિતાજી હાજર છે. ડૉક્ટર પ્રતાપચંદ્ર પણ આવ્યા છે. ઠાકુર પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (શશધરને) – જ્ઞાનનું લક્ષણ : પ્રથમ શાંત સ્વભાવ; બીજું અભિમાન રહિત સ્વભાવ. તમારામાં બેઉ લક્ષણ છે.

‘જ્ઞાનીનાં બીજાં કેટલાંક લક્ષણો છે. સાધુની પાસે ત્યાગી, કર્મ કરતી વખતે એટલે વ્યાખ્યાન આપતી વખતે સિંહ સમાન, સ્ત્રીની પાસે રસ-રાજ, રસ-પંડિત. (પંડિત અને બીજા બધાનું હાસ્ય).

‘વિજ્ઞાનીઓનો સ્વભાવ જુદો. જેમ કે ચૈતન્યદેવની અવસ્થા : બાલકવત્, ઉન્માદવત્. જડવત્, પિશાચવત્. 

‘બાલકની અવસ્થાની અંદરે વળી બાલ્ય, પૌગંડ, યૌવન; પૌગંડ અવસ્થામાં અટકચાળાં. ઉપદેશ દેતી વખતે યુવાન સમાન.

પંડિત – કેવી જાતની ભક્તિ વડે ઈશ્વરને પામી શકાય?

(શશધર અને ભક્તિતત્ત્વકથા – જ્વલંત શ્રદ્ધા જોઈએ – 

વૈષ્ણવોનો દીનભાવ)

શ્રીરામકૃષ્ણ – પ્રકૃતિ અનુસાર ભક્તિ ત્રણ પ્રકારની. ભક્તિનો સત્ત્વ, ભક્તિનો રજસ્, ભક્તિનો તમસ્.

ભક્તિનો સત્ત્વ ઈશ્વર જ કળી શકે. એવો ભક્ત એકાંતવાસ પસંદ કરે, કાં તો રાત્રે મચ્છરદાનીમાં બેઠો બેઠો ધ્યાન કરતો હોય, કોઈને ખબર ન પડે. સત્ત્વનો સત્ત્વ, વિશુદ્ધ સત્ત્વ આવ્યે ઈશ્વર-દર્શનને વધુ વાર નહિ; જેમ કે અરુણોદય થયે સમજાય કે સૂર્યાેદયને હવે વાર નથી.

‘ભક્તિનો રજસ્ જેમનામાં હોય, તેમને ઇચ્છા થાય કે લોકો જરા જાણે કે હું ભક્ત છું. એ ષોડશોપચારે પૂજા કરે, રેશમી અબોટિયું પહેરીને મંદિરમાં જાય, ગળામાં રુદ્રાક્ષની માળા, માળામાં મોતી, વચ્ચે વચ્ચે વળી સોનાનો રુદ્રાક્ષ!

‘ભક્તિનો તમસ્ : જાણે કે લૂંટારા પડ્યા જેવો. લૂંટારા હાથમાં લાકડીઓ લઈને તૂટી પડે. તેમને ચોકિયાતોની બીક નહિ. મોઢામાં ‘મારો! લૂંટો!’ એવો ભક્ત પાગલની પેઠે બોલે : ‘હર! હર! હર! બોમ! બોમ! જય કાલી!’ તેમના મનમાં ખૂબ જોર હોય, તેની શ્રદ્ધા જ્વલંત.

‘શાક્તોનીયે એવી શ્રદ્ધા. શું? એક વાર કાલી-નામ કે દુર્ગા-નામ લીધું છે, એક વાર રામનું નામ લીધું છે, અને પછી મારામાં વળી પાપ?

‘વૈષ્ણવોનો બહુ દીન હીન-ભાવ! તેઓ માત્ર બેઠા બેઠા માળા તાણે, (બલરામના પિતાને લક્ષ કરીને) રોદણાં રોઈને બોલે કે ‘હે કૃષ્ણ! દયા કરો, હું અધમ, હું પાપી!’

‘પરંતુ એવી જ્વલંત શ્રદ્ધા જોઈએ કે મેં ઈશ્વરનું નામ લીધું છે ને મારામાં વળી પાપ! એ લોકો આમ તો રાત-દિન હરિ-નામ લે ને પાછા કહેશે કે મારામાં પાપ!

વાત કરતાં કરતાં ઠાકુર પ્રેમમાં ઉન્મત્ત થઈને ગીત ગાય છે. 

ગીત :  હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,

આખરે આ દીનને, 

કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું.

મારું ગૌબ્રાહ્મણ, હત્યા કરું ભ્રૂણ, સુરાપાન વળી, મારું હું નારી.

પાપો એ સર્વેથી, લેશ ભય નથી,

બ્રહ્મ પદવી છે મારી!

ગીત : શિવસંગે સદા રંગે, આનંદે મગના,

સુધા પીને ઢળે ઢળે, પણ ઢળી પડે ન મા…

ગીત સાંભળીને શશધર આંસુ સારે છે.

અધરનો ગાયક વૈષ્ણવચરણ હવે ગીત ગાય છે :

‘દુર્ગાનામ જપો રસના વારંવાર,

દુઃખોમાંથી દુર્ગા વિના કોણ કરે ઉદ્ધાર..

તમે સ્વર્ગ, તમે મર્ત્ય, તમે એ પાતાળ; 

તમમાંથી હરિ બ્રહ્મા, દ્વાદશ ગોપાળ…

દશ મહાવિદ્યા માતા, દશ અવતાર, 

આ વેળા ગમે તેમ કરીને, કરવો પડશે પાર…

ચળ, અચળ તમે મા, તમે સૂક્ષ્મ, સ્થૂલ; 

સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય તમે, તમે વિશ્વનું મૂળ…

ત્રિલોક-જનનિ તમે, ત્રિલોકતારિણી; 

સકળની શક્તિ તમે, તમારી શક્તિ તમે…

ગીતનાં કેટલાંક ચરણ સાંભળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ ગયા છે. ગીત પૂરું થતાં ઠાકુરે પોતે ગીત ઉપાડ્યું :

‘યશોદા જે રૂપે નીલમણિ બોલીને નચાવે,

એ રૂપ ક્યાં સંતાડ્યું હે કરાલવદની!

વૈષ્ણવચરણ હવે કૃષ્ણ-કીર્તન ગાય છે. સુબલ મિલન. જ્યારે ગાયક ઉથલો દે છે કે ‘રા ઉપરાંત ધા (અક્ષર) નીકળતો નથી રે!’ ત્યારે ઠાકુર સમાધિ-મગ્ન થયા.

શશધરની આંખોમાંથી પ્રેમાશ્રુ ઝરી રહ્યાં છે.

Total Views: 355
ખંડ 24: અધ્યાય 3 : પાંડિત્ય કરતાં તપશ્ચર્યાનું પ્રયોજન - સાધ્ય-સાધના
ખંડ 24: અધ્યાય 5 : પુનર્યાત્રા - રથની સન્મુખ ભક્તો સાથે શ્રીઠાકુરનાં નૃત્ય અને સંકીર્તન