ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનોમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક એકાદો ગોદો મારો ને!’ એટલે કે પંડિત શશધરને કંઈક પૂછો.

રામદયાળ (શશધરને) – બ્રહ્મની રૂપ-કલ્પના જે શાસ્ત્રોમાં કહી છે, તે કલ્પના કોણ કરે છે?

પંડિત – બ્રહ્મ પોતે કરે છે. માણસની કલ્પના નથી.

ડો. પ્રતાપ – બ્રહ્મ શા માટે રૂપ-કલ્પના કરે છે?

શ્રીરામકૃષ્ણ – કેમ ભલા? બ્રહ્મ કંઈ કોઈની સાથે મસલત કરીને કામ કરતા નથી. એની મરજી, એ ઇચ્છામય! શા માટે એ કલ્પના કરે છે, એ સમાચારની આપણને જરૂર શી? બગીચામાં કેરી ખાવા આવ્યા છો તો કેરી ખાઓ; બાગમાં કેટલાં ઝાડ, તેની કેટલા હજાર ડાળીઓ, તેનાં કેટલાં લાખ પાંદડાં, એ બધી ગણતરીની આપણે શી જરૂર? નકામો તર્ક-વિચાર કર્યે વસ્તુની પ્રાપ્તિ ન થાય.

ડો. પ્રતાપ – તો પછી શું વિચાર કરવો જ નહિ?

શ્રીરામકૃષ્ણ – નકામો તર્ક-વિચાર કરવો નહિ. પણ સત્-અસત્‌નો વિચાર કરવો; શું નિત્ય, શું અનિત્ય એ વિચાર કરવો. જેમ કે કામ, ક્રોધ વગેરેને વખતે, યા તો શોકને વખતે.

પંડિત – એ અલગ. એને વિવેકાત્મક વિચાર કહે.

શ્રીરામકૃષ્ણ – હા, સત્-અસત્ વિચાર. (સૌ કોઈ શાંત બેસી રહ્યા છે.)

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – પહેલાં મોટા મોટા લોકો (મારી પાસે) આવતા.

પંડિત – શું પૈસાદાર માણસો?

શ્રીરામકૃષ્ણ – ના, મોટા મોટા પંડિતો.

એટલામાં જગન્નાથજીનો નાનો રથ બહારની મેડીની ઓસરીમાં લાવવામાં આવ્યો છે. તેમાં શ્રી જગન્નાથદેવ, સુભદ્રા અને બલરામ વિવિધ-રંગી પુષ્પો અને માળાઓથી સુશોભિત થઈ રહ્યાં છે, અને અલંકાર તથા નવાં વસ્ત્ર, પીતાંબર ધારણ કરીને શોભી રહ્યાં છે. બલરામની સાત્ત્વિક પૂજા, તેમાં કોઈ જાતનો આડંબર નહિ. બહારના લોકોને તો ખબરે ન પડે કે ઘરમાં રથયાત્રા નીકળી છે.

હવે ઠાકુર ભક્તો સાથે રથની સન્મુખે આવ્યા છે. એ ઓસરીમાં જ રથ ફેરવવામાં આવશે. ઠાકુરે રથની દોરી પકડી અને જરા વાર ખેંચ્યો. પછી ગીત ઉપાડ્યું : 

નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર-પ્રેમના હિલ્લોળે… વગેરે. 

ગીત : જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

ઠાકુર નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય તેમની સાથે નાચે છે અને ગાય છે. કીર્તનકાર વૈષ્ણવચરણ પોતાની મંડળી સહિત ગીત અને નૃત્યમાં જોડાયા છે.

જોતજોતામાં આખી ઓસરી ભરાઈ ગઈ. સ્ત્રીઓ પણ બાજુના ઓરડામાંથી આ પ્રેમ-આનંદ નીરખી રહી છે. એમ લાગ્યું કે જાણે શ્રીવાસને ઘેર શ્રીગૌરાંગ ભક્તો સાથે હરિ-પ્રેમમાં મતવાલા થઈને નૃત્ય કરી રહ્યા છે! મિત્રમંડળી સાથે પંડિત પણ રથની સન્મુખે આ નૃત્ય-ગીત જોઈ રહ્યા છે.

હજી સંધ્યા થઈ નથી. ઠાકુર દીવાનખાનામાં પાછા આવ્યા છે અને ભક્તોની સાથે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (પંડિતને) – આનું નામ ભજનાનંદ! સંસારીઓ માત્ર વિષયનો આનંદ લે છે, કામિની-કાંચનનો આનંદ. ભજન કરતાં કરતાં જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એ દર્શન દે, ત્યારે બ્રહ્માનંદ.

શશધર અને ભક્તો એકધ્યાન થઈને સાંભળી રહ્યા છે.

પંડિત (નમ્રભાવે) – જી, કેવા આતુર થયે મનની એવી સરસ અવસ્થા થાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનાં દર્શન કરવા સારુ જ્યારે પ્રાણ અતિશય આકુળવ્યાકુળ થાય, ત્યારે એ આતુરતા આવે. એક ગુરુએ શિષ્યને કહ્યું, ‘આવ તને દેખાડું કે કેવા આતુર થયે ઈશ્વરને પમાય!’ એમ કહીને એક તળાવની અંદર લઈ જઈને શિષ્યને પાણીમાં કેટલીક વાર સુધી ડુબાડીને દાબી રાખ્યો. બહાર નીકળતાં ગુરુએ શિષ્યને પૂછ્યું, ‘તારો જીવ કેવોક મૂંઝાતો હતો?’ શિષ્યે કહ્યું, ‘અરે ગુરુજી, પ્રાણ તરફડતો હતો!’

પંડિત – હાં, હાં, એ ખરું; હવે સમજું છું.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ચાહવો એ જ સાર. ભક્તિ જ સાર. નારદે રામને કહ્યું : રામ! (તમારાં) ચરણમાં સદા શુદ્ધ ભક્તિ રહે; અને તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં. રામચંદ્ર બોલ્યા : ‘બીજું કાંઈ વરદાન માગો.’ નારદ બોલ્યા, ‘બીજું કંઈ ન જોઈએ. કેવળ તમારાં ચરણકમળમાં ભક્તિ રહે એટલું જ.’

પંડિતને જવું છે. ઠાકુરે કહ્યું, ‘આમને માટે ગાડી મંગાવી આપો.’

પંડિત – જી ના. અમે એમ જ ચાલ્યા જઈશું.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એમ તે થાય! બ્રહ્મા જેને ન પામે ધ્યાને –

પંડિત – જવાની જરૂર ન હતી, પણ સંધ્યા વગેરે કરવાં છે.

(શ્રીરામકૃષ્ણની પરમહંસ અવસ્થા અને કર્મત્યાગ – મધુર નામ-સંકીર્તન)

શ્રીરામકૃષ્ણ – માએ મારાં સંધ્યા વગેરે કર્માે છોડાવી દીધાં છે. સંધ્યા વગેરે કર્માે દેહ, મનને શુદ્ધ કરવા માટે છે. હવે મારી એ અવસ્થા નથી. 

એમ કહીને ઠાકુરે ગીતનું ચરણ ઉપાડ્યું-

‘શુચિ અશુચિને લઈને દિવ્ય ઘરમાં સૂઈશ ક્યારે?

એ બે શોક્યો માટે પ્રીતિ થયે જ્યારે, પામીશ શ્યામા માને ત્યારે!’

શશધરે પ્રણામ કરીને રજા લીધી.

રામ – હું ગઈ કાલે શશધરની પાસે ગયો હતો, આપે કહ્યું’તું એટલે.

શ્રીરામકૃષ્ણ – ક્યાં, મેં તો કહ્યું નો’તું. પણ એ સારું થયું કે તમે ગયા’તા.

રામ – એક છાપા (Indian Empire)ના સંપાદકે આપની નિંદા કરી હતી.

શ્રીરામકૃષ્ણ – ભલે કરી.

રામ – ત્યાર પછી સાંભળો! આપના સંબંધે મારી વાત સાંભળીને મને છોડે જ નહિ, આપના વિશે હજીયે વધુ સાંભળવા ઇચ્છે!

ડૉક્ટર પ્રતાપ હજી બેઠેલા છે. ઠાકુર કહે છે, ‘ત્યાં (દક્ષિણેશ્વર) એક વાર આવજો, ભુવન (ધાત્રી) ભાડું આપશે એમ કહ્યું છે.’

સંધ્યા થઈ. ઠાકુર જગન્માતાનું સ્મરણ કરે છે. રામ-નામ, કૃષ્ણ-નામ, હરિ-નામ લે છે. ભક્તો નીરવ થઈને સાંભળી રહ્યા છે. એવું તો મીઠું નામ-સંકીર્તન, કે જાણે મધ ઝરી રહ્યું છે! આજે બલરામનું ઘર જાણે કે નવદ્વીપ થઈ રહ્યું છે! બહાર નવદ્વીપ, અંદર વૃંદાવન!

આજે રાત્રે જ ઠાકુર દક્ષિણેશ્વર જવાના છે. બલરામ તેમને અંતઃપુરમાં લઈ જાય છે, નાસ્તો કરાવવા માટે; અને એ પ્રસંગે ઘરનાં બૈરાં ફરીથી ઠાકુરનાં દર્શન કરી શકે.

આ બાજુ ભક્તો બહારના દીવાનખાનામાં તેમની રાહ જોઈ રહ્યા છે ને એક સાથે સંકીર્તન કરે છે. બહાર આવતાંની સાથે જ ઠાકુર પણ તેમાં જોડાયા.

કીર્તન ચાલે છે : ‘મારો ગૌર નાચે…

નાચે સંકીર્તને, શ્રીવાસને આંગણે, ભક્તગણ સંગે

હરિબોલ, બોલે વદને ગોરા, ગદાધર પ્રતિ જુએ રે;

ગોરાનાં અરુણનયને, વહે છે સઘન પ્રેમધારા હેમઅંગે.’

શ્રીઠાકુર ગીતના અંતરા બોલે છે :

નાચે સંકીર્તને (શચિપુત્ર નાચે રે)

(અમારો ગોરા નાચે રે)

(પ્રાણગોરા નાચે રે)

Total Views: 336
ખંડ 24: અધ્યાય 4 : બલરામને ઘેર, શશધર વગેરે ભક્તવૃંદ - ઠાકુરની સમાધિ-અવસ્થા
ખંડ 25: અધ્યાય 1 : શિવપુરના ભક્તો સાથે યોગતત્ત્વ કથા - કુંડલિની અને ષટ્ચક્ર-ભેદ