ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરે બપોરે જમ્યા પછી ભક્તો સાથે બેઠા છે. સમય આશરે બપોરના બે.

શિવપુરથી બાઉલ સંપ્રદાયની મંડળી અને ભવાનીપુરથી ભક્તો આવ્યા છે. શ્રીયુત્ રાખાલ, લાટુ, હરીશ આજકાલ હંમેશાં ઠાકુર પાસે રહે છે. ઓરડામાં બલરામ અને માસ્ટર પણ છે.

આજ રવિવાર, ૩જી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૪. ૨૦ શ્રાવણ, સુદ બારસ. ઝૂલણ-યાત્રાની પછીનો દિવસ.

ગઈકાલે ઠાકુર સુરેન્દ્રને ઘેર ગયા હતા. ત્યાં શશધર વગેરે ભક્તોએ તેમનાં દર્શન કર્યાં હતાં.

ઠાકુર શિવપુરના ભક્તોને ઉદ્દેશીને વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – કામિની-કાંચનમાં મન રહે, તો યોગ થાય નહિ. સાધારણ જીવનું મન લિંગ, ગુહ્ય અને નાભિમાં રહે. સાધ્યસાધના કર્યા પછી કુંડલિની જાગ્રત થાય. ઈડા, પિંગલા અને સુષુમ્ણા એ નાડીઓ છે. સુષુમ્ણાની અંદર છ પદ્મ છે. સૌથી નીચે મૂલાધાર. ત્યાર પછી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ને આજ્ઞા. આમને ષટ્ચક્રો પણ કહે છે.

‘કુંડલિની જાગ્રત થાય ત્યારે તે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર વગેરે બધાં પદ્મોને અનુક્રમે વટાવીને હૃદયમાં અનાહત પદ્મમાં આવીને સ્થિતિ કરે. ત્યારે મન લિંગ, ગુહ્ય અને નાભિથી ઊંચું ઊઠે અને ચૈતન્ય-જાગૃતિ થાય અને જ્યોતિ-દર્શન થાય. સાધક આશ્ચર્યચકિત થઈને જ્યોતિ જોઈને બોલી ઊઠે કે ‘આ શું! આ શું!’

ષટ્ચક્ર ભેદ થાય એટલે કુંડલિની સહસ્રાર પદ્મમાં જઈને પરમ શિવમાં મળી જાય. કુંડલિની ત્યાં જઈને પહોંચે એટલે સમાધિ થાય.

‘વેદના મત પ્રમાણે આ બધાં ચક્રોને ‘ભૂમિ’ કહે, સપ્ત-ભૂમિ. હૃદય ચતુર્થ ભૂમિ, અનાહત પદ્મ, દ્વાદશ-દલ.

‘વિશુદ્ધ ચક્ર પાંચમી ભૂમિ. ત્યાં મન ચડે એટલે કેવળ ઈશ્વરી વાતો બોલવા માટે અને સાંભળવા માટે જીવ આતુર થાય. એ ચક્રનું સ્થાન કંઠમાં. સોળ પાંખડીવાળું પદ્મ. જેનું મન એ ચક્રે ચડ્યું હોય, તેની સામે સંસાર-વહેવારની વાતો, કામિની-કાંચનની વાતો કરવાથી તેને બહુ દુઃખ થાય! એવી વાતો સાંભળતાં તે ત્યાંથી ઊઠી જાય.

‘ત્યાર પછી છઠ્ઠી ભૂમિ : આજ્ઞા ચક્ર, દ્વિ-દલ પદ્મ. કુંડલિની અહીંયાં આવતાં ઈશ્વરના રૂપનું દર્શન થાય, પરંતુ જરાક આડશ રહે. જેમ કે ફાનસની અંદરનો દીવો. એમ લાગે કે દીવાને એ અડ્યા, એ અડ્યા, પરંતુ કાચ આડો હોય એટલે અડી શકાય નહિ.

ત્યાર પછી સાતમી ભૂમિ : સહસ્રાર પદ્મ. કુંડલિની ત્યાં પહોંચ્યે સમાધિ થાય. સહસ્રાર પદ્મમાં સચ્ચિદાનંદ શિવ છે. એનું શક્તિ સાથે મિલન થાય. શિવ-શક્તિનું મિલન.

સહસ્રાર ચક્રે મન પહોંચીને સમાધિસ્થ થયા પછી બાહ્ય જગતનું ભાન રહે નહિ. ત્યારે સાધક પોતાના શરીરને સંભાળી ન શકે. મોંમાં દૂધ રેડતાં દૂધ ઢોળાઈ જાય. એ અવસ્થામાં રહેતાં એકવીસ દિવસે મૃત્યુ થાય! કાળાપાણીએ ગયાં વહાણ પાછાં ફરે નહિ!

‘ઈશ્વર-કોટિ, અવતાર વગેરે આ સમાધિ-અવસ્થામાંથી પાછા ઊતરી શકે. તેઓ ભક્તિ, ભક્તો લઈને રહે, એટલે ઊતરી શકે. ઈશ્વર તેમની અંદર ‘વિદ્યાનો અહં’, ‘ભક્તિનો અહં’ લોકોપદેશને માટે રાખી દે. તેમની અવસ્થા, જાણે કે છઠ્ઠી ભૂમિ અને સાતમી ભૂમિની વચ્ચેની રમત!

કોઈ કોઈ સમાધિની પછી ‘વિદ્યાનો અહં,’ જાણી જોઈને રહેવા દે. એ અહંમાં જોર ન હોય, કેવળ રેખા જેવો.

‘હનુમાને સાકાર-નિરાકાર બંને સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યા પછી ‘દાસ-અહં’ રાખ્યો હતો. નારદ વગેરેએ, સનક, સનંદન, સનાતન, સનત્કુમાર વગેરેએ પણ બ્રહ્મજ્ઞાન પછી ‘દાસ-અહં’, ‘ભક્તિનો અહં’ રાખ્યો હતો. તેઓ મોટા જહાજના જેવા. પોતેય પાર થાય, તેમજ બીજા અનેક લોકોનેય પાર કરીને લઈ જાય.

આ રીતે શું ઠાકુર પોતાની જ અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે? એ કહે છે કે 

(પરમહંસ-નિરાકારવાદી અને સાકારવાદી – શ્રીઠાકુરની બ્રહ્મજ્ઞાન પછી ભક્તિ – નિત્યલીલા યોગ)

પરમહંસ નિરાકારવાદી તેમજ સાકારવાદી. નિરાકારવાદી, જેવા કે ત્રૈલંગ સ્વામી. એ લોકો આપ્તસાર – પોતાનું જ કરનારા, પોતાનું થયું એટલે બસ!

બ્રહ્મ-જ્ઞાનીની પછીયે જેઓ સાકારવાદી હોય, તેઓ લોકોપદેશના સારુ ભક્તિ લઈને રહે. જેમ કે કુંભ પરિપૂર્ણ ભરાયો; પછી બીજા પાત્રમાં તેમાંથી રેડવામાં આવે, તેમ!

‘આ લોકોએ જે બધી સાધનાઓ કરીને ઈશ્વરને મેળવ્યો છે, એ બધી વાતો તેઓ લોકોના ઉપદેશને માટે, લોકોના હિતને માટે બોલે. જેમ કે કોદાળી પાવડા લઈને પાણી માટે કેટલીક મહેનત કરીને કૂવો ખોદ્યો. કૂવો ખોદાઈ ગયા પછી કોઈ કોઈ કોદાળી ને એવાં બધાં ઓજાર કૂવાની અંદર જ ફેંકી દે, કારણ કે પછી એ રાખવાની શી જરૂર? પરંતુ કોઈ કોઈ વળી એ બધાં સાચવીને રાખી મૂકે, બીજાના ભલાને સારુ, એમ.

‘કોઈ કોઈ કેરી છાનામાના ખાઈને મોઢું લૂછી નાખે. કોઈ વળી બીજાઓને વહેંચીને ખાય, લોકોપદેશ માટે અને ઈશ્વરી આનંદ લેવા માટે. તેમને સાકર થઈને રહેવા કરતાં સાકર ખાવાનું ગમે!

‘ગોપીઓનેય બ્રહ્મ-જ્ઞાન હતું. પરંતુ તેઓ બ્રહ્મ-જ્ઞાનની અવસ્થામાં રહેવા ઇચ્છતી નહિ. તેઓ તો કોઈ વાત્સલ્ય-ભાવે, કોઈ સખ્ય-ભાવે, કોઈ મધુર-ભાવે, કોઈ દાસી-ભાવે, ઈશ્વરની સાથે મિલન કરવા ઇચ્છતી.

(કીર્તનાનંદે – શ્રીગૌરાંગનું નામ અને માનું નામ)

શિવપુરના ભક્તો ગોપી-યંત્ર લઈને ગીત ગાય છે. પહેલા ગીતમાં ગાય છે કે ‘અમે પાપી, અમારો ઉદ્ધાર કરો.’

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – બીક દેખાડીને કરાવેલાં કે બીક પામીને કરેલાં ભજન-કીર્તન, એ બધો પ્રવર્તકનો, આરંભકનો ભાવ. ઈશ્વરની પ્રાપ્તિ કર્યાનાં ગીત ગાઓ, આનંદનાં ગીત! (રાખાલને) નવીન નિયોગીને ઘરે તે દિ’ કેવાં ગીત ગાયાં’તાં! ‘હરિ-નામ-મદિરાથી મસ્ત થાઓ’.

‘કેવળ અશાંતિની જ વાત, એ ઠીક નહિ. ઈશ્વરની સાથેનો આનંદ, તેને લઈને મતવાલા થવાનાં ગીત ગાઓ.

શિવપુરના ભક્ત – જી, આપનું એકાદુંય ભજન, ગીત નહિ થાય?

શ્રીરામકૃષ્ણ – ભાઈ, હું શું ગાઉં હવે? સારું, જ્યારે ઇચ્છા થશે ત્યારે ગાઈશ.

થોડીવાર પછી ઠાકુર ગીત ગાય છે. ગાતી વખતે ઊર્ધ્વ દૃષ્ટિ.

ગીત : ‘કૌપીન દ્યો ભિક્ષુવેષે વ્રજમાં જાઉં, ઓ ભારતિ!…

ગીત : ગૌર પ્રેમ તરંગ લાગ્યો છે અંગે… 

ગીત : દર્શન અર્થે આવી જાઓ ગૌર વર્ણ રૂપને રે (ઓ સખી)

ફાડેલા દૂધમાં અલતો મેળવો એવી ગોરાની કાય;

(દેખ્યે જ ભાવોદય થાય રે!)

કારીગર છે શિવ, મિસ્ત્રી બની છે વૃષભાનુનંદિની (રાધિકા).

ગીત : ડૂબ ડૂબ ડૂબ રૂપસાગરે મારા મન.’ ….

ગૌરાંગનાં ગીતો પછી ઠાકુર માતાજી વિશેનાં ગીત ગાય છે :

ગીત : ‘શ્યામા-ધન શું સૌ કોઈ પામે, અબોધ મન કઠિન કામ એ ન જાણે..

ગીત : મસ્ત થયો મન-ભમરો; શ્યામાપદ નીલ કમળે…

ગીત : શ્યામા માએ શું સંચો કર્યાે છે,

ચૌદ વેંતના આ સંચામાં, શા શા રંગ દેખાડે છે,

પોતે રહી સંચા માંહીં, ફેરવે દોરી ધરી,

સંચો જાણે પોતે ફરું, જાણે નહિ કે ફેરવે કોણ;

જે સંચાએ જાણ્યા માને, સંચો થવું પડે નહિ તેને,

કોઈક સંચાના ભક્તિદોરે શ્યામા પોતે બંધાયાં છે.

Total Views: 275
ખંડ 24: અધ્યાય 5 : પુનર્યાત્રા - રથની સન્મુખ ભક્તો સાથે શ્રીઠાકુરનાં નૃત્ય અને સંકીર્તન
ખંડ 25: અધ્યાય 2 : ઠાકુર સમાધિમાં અને જગન્માતા સાથે વાર્તાલાપ - પ્રેમતત્ત્વ