એ ગીત ગાતાં ગાતાં ઠાકુર સમાધિ-મગ્ન થયા. ભક્તો બધા સ્તબ્ધ થઈને નીરખી રહ્યા છે. થોડીક વાર પછી કંઈક સ્વસ્થ થઈને ઠાકુર માતાજીની સાથે વાતો કરે છે : 

‘મા ઉપરથી (સહસ્રાર-ચક્રેથી) અહીંયાં નીચે ઊતરી આવો! આ શી બળતરા! જરા ખમો! જરા બેસો!’

‘મા, જેના જે (સંસ્કાર) છે, તે પ્રમાણે જ થવાનું! હું વળી આ લોકોને શું કહું! વિવેક, વૈરાગ્ય ન હોય તો કાંઈ ન વળે!’

‘વૈરાગ્ય ઘણીય જાતનો. એક જાતનો છે મર્કટ વૈરાગ્ય. સંસારની બળતરાથી હેરાન થઈને જે વૈરાગ્ય આવે તે. એ વૈરાગ્ય વધારે દિવસ ટકે નહિ. તેમ સાચો વૈરાગ્ય પણ છે, ખરેખરો વૈરાગ્ય! બધુંય છે, કોઈ ચીજોનો અભાવ નહિ, છતાંય બધું મિથ્યા છે એવું ભાન!

‘વૈરાગ્ય એકદમ આવે નહિ. યોગ્ય સમય ન થાય ત્યાં સુધી આવે નહિ. પરંતુ એક વાત છે, સાંભળી રાખવી સારી. જ્યારે સમય આવે, ત્યારે યાદ આવે કે હાં, આ જે પેલું સાંભળ્યું હતું તે!

‘અને બીજી એક વાત. આ બધી વાતો સાંભળતાં સાંભળતાં વિષયવાસના જરા જરા કરીને ઓછી થાય. દારૂનો નશો ઉતારવા માટે જરા જરા ચોખાનું ધોવાણ પીવું જોઈએ. એટલે પછી નશો ધીમે ધીમે છૂટતો જાય.

‘જ્ઞાન-પ્રાપ્તિના અધિકારી બહુ જૂજ! ગીતામાં કહ્યું છે કે હજારો માણસોમાંથી કોઈ એકાદો ઈશ્વરને જાણવાની ઇચ્છા કરે. તેમજ વળી જેઓ ઇચ્છા કરે તેવા હજારોમાંથીયે એકાદો કોઈક ઈશ્વરને ઓળખી શકે.

તાંત્રિક ભક્ત – ‘મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત્ યતતિ સિદ્ધયે।’ વગેરે.

શ્રીરામકૃષ્ણ – સંસાર પરથી આસક્તિ જેટલી ઘટે, જ્ઞાન તેટલું વધે. કામિની-કાંચન પરની આસક્તિ (ઘટે).

(સાધુસંગ, શ્રદ્ધા, નિષ્ઠા, ભક્તિ, ભાવ, મહાભાવ, પ્રેમ)

‘પ્રેમ સૌ કોઈમાં આવે નહિ. ગૌરાંગમાં આવ્યો હતો. જીવ-વર્ગમાં ભાવ-અવસ્થા આવી શકે એટલું જ. ઈશ્વર-કોટિને, જેમ કે અવતાર વગેરેમાં પ્રેમ આવે. પ્રેમ આવતાં જગત તો મિથ્યા લાગે જ, પણ પોતાનું શરીર કે જે આટલી બધી પ્રિય વસ્તુ તેય ભુલાઈ જાય!

‘ફારસી ચોપડી (હાફિઝ)માં છે કે ચામડીની નીચે માંસ, માંસની અંદર હાડકાં, હાડકાંની અંદર મજ્જા, ત્યાર પછી બીજુંય કેટલું બધું, અને સૌથી અંદર, છેવટે પ્રેમ! 

‘પ્રેમથી મનુષ્ય કોમળ, નરમ થઈ જાય. પ્રેમથી કૃષ્ણ ત્રિભંગ થઈ રહ્યા છે.

‘પ્રેમ આવે તો સચ્ચિદાનંદને બાંધવાની દોરી મળી જાય. જેવી દર્શનની ઇચ્છા થઈ કે તરત, દોરી પકડીને ખેંચવાની જ વાર. જ્યારે બોલાવે ત્યારે આવે.

‘ભક્તિ પાક્યે ભાવ. ભાવ આવ્યે, સચ્ચિદાનંદનું ચિંતન કરીને ભક્ત આશ્ચર્યચકિત થઈ જાય. જીવ-વર્ગનો આટલી હદ સુધીનો જ વિકાસ! વળી ભાવ પરિપકવ થતાં મહાભાવ, પ્રેમ જેમ કે શાખની કેરી અને પાકી તૈયાર કેરી.

‘શુદ્ધ ભક્તિ જ સાર, બીજું બધું ખોટું.

‘નારદે સ્તુતિ કરી એટલે રામ બોલ્યા, ‘નારદ, તમે વરદાન માગો.’ નારદે માગી શુદ્ધ ભક્તિ. અને કહ્યું કે રામ, એ વરદાન આપો કે તમારી આ ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં! રામે કહ્યું, ‘એ તો થયું; બીજું કાંઈક માગો.’

‘નારદ બોલ્યા : ‘બીજું કંઈ ન જોઈએ, કેવળ ભક્તિ જ!’

‘આ ભક્તિ આવે શી રીતે? પહેલાં સાધુ-સંગ કરવો જોઈએ. સાધુ-સંગ કરતાં કરતાં ઈશ્વરી બાબતોમાં શ્રદ્ધા આવે. શ્રદ્ધા પછી નિષ્ઠા. ત્યારે ઈશ્વર-કથા વિના બીજું કાંઈ સાંભળવાનું ગમે નહિ; ઈશ્વરનું જ કામ કરવાનું ગમે.

‘નિષ્ઠાની પછી ભક્તિ. ત્યાર પછી ભાવ, ત્યાર પછી મહાભાવ, પ્રેમ, વસ્તુ-પ્રાપ્તિ. 

મહાભાવ, પ્રેમ અવતાર વગેરેમાં આવે. સંસારી જીવનું જ્ઞાન, ભક્તનું જ્ઞાન અને અવતારનું જ્ઞાન એકસરખું નહિ. સંસારી જીવનું જ્ઞાન જાણે કે દીવાનું અજવાળું, એથી માત્ર ઓરડાની અંદરનું જોઈ શકાય. એ જ્ઞાનથી ખાવુંપીવું, વહેવાર ચલાવવો, શરીરની સંભાળ, છોકરાં સંભાળવાં એ બધું થાય.

‘ભક્તનું જ્ઞાન જાણે કે ચાંદાનું અજવાળું. અંદર-બહાર જોઈ શકાય, પણ બહુ દૂરની વસ્તુ કે ખૂબ ઝીણી વસ્તુ દેખાય નહિ. અવતાર વગેરેનું જ્ઞાન જાણે કે સૂર્યનો પ્રકાશ. અંદર, બહાર, નાનું, મોટું, બધું એ લોકોને દેખાય.

‘પરંતુ સંસારી જીવનું મન ડહોળા પાણી જેવું થઈ ગયું છે એ ખરું; પણ ફટકડી નાખતાં એ પાછું સાફ થઈ શકે. વિવેક-વૈરાગ્યરૂપી ફટકડી.

હવે ઠાકુર શિવપુરના ભક્તો સાથે વાતો કરે છે.

(ઈશ્વરકથા સાંભળવાનું પ્રયોજન – ‘સમયસાપેક્ષ’ – 

ઠાકુરની સહજ અવસ્થા)

શ્રીરામકૃષ્ણ – આપને કાંઈ પૂછવાનું હોય તો બોલો.

ભક્ત – જી, આ બધું તો સાંભળ્યું!

શ્રીરામકૃષ્ણ – સાંભળી રાખવું એ સારું, પણ સમય પાક્યા વિના કાંઈ વળે નહિ. 

જ્યારે ખૂબ તાવ ચડ્યો હોય, એ વખતે કિવનાઈન આપવાથી શું વળે? ‘ફિવર-મિક્ષ્ચર’ દઈને ઝાડો બાડો થઈને જરા તાવ ઊતરે, પછી કિવનાઈન દેવાય. કોઈ કોઈને વળી એની મેળે જ ઊતરી જાય, કિવનાઈન ન આપો તોપણ!’

‘છોકરું રાતે સૂતી વખતે કહે કે ‘બા, મને જ્યારે શૌચની હાજત લાગે ત્યારે ઉઠાડજે.’ માએ કહ્યું ‘દીકરા, મારે તને ઉઠાડવો નહિ પડે, હાજત જ તને ઉઠાડશે!’

‘કોઈ કોઈ અહીં આવે, તે જોઉં કે કોઈક ભક્તની સાથે નાવમાં આવેલ છે. તેમને ઈશ્વરીય વાતો ગમે નહિ. કેવળ પેલા ભક્તને શરીરે હાથ લગાડ્યા કરે અને કહે કે ‘ક્યારે ઊઠવું છે, ક્યારે ઊઠવું છે?’ જ્યારે મિત્ર કોઈ રીતે ઊઠે નહિ, ત્યારે કહેશે કે ‘ત્યારે હું ત્યાં સુધી નાવમાં જઈને બેસું છું!’

‘જેમનો પહેલો જ મનુષ્ય જન્મ હોય, તેમને ભોગની જરૂર. કેટલીક સાધના કરેલી ન હોય તો ચૈતન્ય-જાગૃતિ થાય નહિ.’ 

ઠાકુર ઝાઉતલામાં જવાના છે, એમ ગોળ ઓસરીમાં માસ્ટરને કહે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – વારુ, મારી કેવી અવસ્થા?

માસ્ટર (હસીને) – જી, ઉપરથી આપની સહજ અવસ્થા, અંદર ગંભીર. 

આપની અવસ્થા સમજવી બહુ જ કઠણ!

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા; જેમ કે ભોંયતળિયું (Floor). માણસો ઉપરથી જ જુએ, પણ ભોંયતળિયા નીચે રેતી, કાંકરા વગેરે કેટલું છે તે જાણે નહિ.

ચાંદની-ઘાટે બલરામ વગેરે કેટલાક ભક્તો કોલકાતા જવા માટે હોડીમાં બેસવા જાય છે. ચારેક વાગ્યાનો સમય થયો છે. ગંગામાં ઓટનાં વળતાં પાણી થયાં છે અને માથે દક્ષિણનો પવન. ગંગાનું વક્ષઃસ્થળ તરંગમાલાથી વિભૂષિત થઈ રહ્યું છે!

બલરામની હોડી બાગબજાર તરફ ચાલી જાય છે. માસ્ટર ક્યાંય સુધી એ જોયા કરે છે. 

હોડી દેખાતી બંધ થઈ એટલે એ પાછા ઠાકુરની પાસે આવ્યા.

ઠાકુર પશ્ચિમની ઓસરીમાંથી ઊતરે છે, શૌચ જવા માટે. ઉત્તર-પશ્ચિમમાં સુંદર મેઘ ચડ્યો છે. ઠાકુર કહે છે, ‘વરસાદ આવશે કે? છત્રી લાવો તો.’ માસ્ટર છત્રી લઈ આવ્યા. લાટુય સાથે છે.

ઠાકુર પંચવટીમાં આવ્યા છે. લાટુને કહે છે કે ‘તું દૂબળો થતો જાય છે કેમ?’

લાટુ – કંઈ ખવાતું નથી!

શ્રીરામકૃષ્ણ – એકલું શું એ જ? ઋતુય ખરાબ છે. અને ધ્યાન વધુ કરે છે, એમ લાગે છે! 

ઠાકુર માસ્ટરને વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – અને તમારા ઉપર આટલું કરવાનું રહ્યું. બાબુરામને કહેજો કે રાખાલ જાય એટલે બે ચાર દિ’ વચ્ચે વચ્ચે આવીને અહીં રહે; નહિતર મને જરાય ગોઠશે નહિ.

માસ્ટર – જી, ભલે. હું જરૂર કહીશ.

સરળ હોય તો ઈશ્વરને પામે. ઠાકુર પૂછે છે કે બાબુરામ સરળ કે નહિ?

(ઝાઉતલા અને પંચવટીમાં શ્રીરામકૃષ્ણનું સુંદર રૂપદર્શન)

ઠાકુર શૌચ જઈને આવીને દક્ષિણાભિમુખે આવી રહ્યા છે. માસ્ટર અને લાટુ પંચવટી નીચે ઊભા ઊભા ઉત્તરાભિમુખે નીરખી રહ્યા છે.

ઠાકુરની પાછળ નવીનમેઘ ગગનમંડળને સુશોભિત કરીને જાહ્નવીના જળમાં પ્રતિબિંબિત થયેલ છે, તેને અંગે ગંગાજળ કૃષ્ણ વર્ણનું દેખાય છે.

ઠાકુર આવી રહ્યા છે, જાણે કે સાક્ષાત્ ભગવાન દેહ ધારણ કરીને મર્ત્યલોકમાં ભક્તને માટે કલુષ-વિનાશિની, હરિ-પાદાંબુજ-સંભૂતા સુરધુનિને તીરે વિચરણ કરી રહ્યા છે! સાક્ષાત્ ભગવાન જ હાજર છે, એથી જ શું વૃક્ષો, લતા, ઝુંડ, ઉદ્યાન-માર્ગ, દેવાલય, દેવ-પ્રતિમા, મંદિરનો સેવક-વર્ગ, દ્વારપાળો, પ્રત્યેક ધૂલિકણ આટલાં મધુર થઈ રહ્યાં છે!

Total Views: 353
ખંડ 25: અધ્યાય 1 : શિવપુરના ભક્તો સાથે યોગતત્ત્વ કથા - કુંડલિની અને ષટ્ચક્ર-ભેદ
ખંડ 25: અધ્યાય 3 : નવાઈ ચૈતન્ય, નરેન્દ્ર, બાબુરામ, લાટુ, મણિ, રાખાલ, નિરંજન, અધર