ઠાકુર પોતાના ઓરડામાં આવીને બેઠા છે. બલરામ કેરીઓ લઈ આવ્યા હતા. ઠાકુર શ્રીયુત્ રામ ચેટર્જીને કહે છે કે તમારા છોકરા સારુ કેરીઓ લઈ જાઓ. ઓરડામાં શ્રીયુત્ નવાઈ ચૈતન્ય બેઠા છે. એ લાલ રંગનું ધોતિયું પહેરીને આવ્યા છે.

ઉત્તર તરફની લાંબી ઓસરીમાં ઠાકુર હાજરાની સાથે વાતો કરે છે. બ્રહ્મચારીએ ઠાકુરને માટે હરિતાલ-ભસ્મ આપી છે એ વાત કહે છે.

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મચારીની દવા મને ઠીક માફક આવે છે. માણસ સારો.

હાજરા – પરંતુ બિચારો સંસારમાં પડ્યો છે, શું કરે! કોન્નગરથી નવાઈ ચૈતન્ય આવ્યા છે. પરંતુ સંસારી થઈને લાલ લૂગડું પહેરવું!

શ્રીરામકૃષ્ણ – એને શું કહેવું! અને હું તો જોઉં છું કે ઈશ્વર પોતે જ આ બધાં માણસ-રૂપો ધારણ કરી રહ્યો છે. એટલે પછી કોઈને કંઈ કહી શકું નહિ.

ઠાકુર પાછા ઓરડામાં આવ્યા છે. હાજરાની સાથે નરેન્દ્ર વિશે વાત કરે છે.

હાજરા – નરેન્દ્ર વળી પાછો મુકદ્દમામાં સપડાયો છે.

શ્રીરામકૃષ્ણ – શક્તિને માનતો નથી. દેહ ધારણ કર્યે શક્તિને માનવી પડે.

હાજરા – એ કહે છે કે હું માનું તો સૌ માનવાના, એટલે પછી કેમ કરીને માનું?

શ્રીરામકૃષ્ણ – એટલું બધું કહેવું નહિ. અત્યારે શક્તિના સપાટામાં આવ્યો છે. જજ સાહેબ સુધ્ધાં જ્યારે સાક્ષી આપે, ત્યારે તેમનેય ઊતરી આવીને સાક્ષીના પિંજરામાં ઊભું રહેવું પડે.

ઠાકુર માસ્ટરને કહે છે ‘તમારી સાથે નરેન્દ્રની મુલાકાત થતી નથી?’

માસ્ટર – જી, આજકાલ થતી નથી.

શ્રીરામકૃષ્ણ – એક વાર એને મળો ને, અને ગાડી કરીને લેતા આવજો.

(હાજરાને) – વારુ, અહીંની સાથે (મારી સાથે) તેનો શો સંબંધ છે?

હાજરા – તેને આપની મદદ મળશે.

શ્રીરામકૃષ્ણ – અને ભવનાથ? પૂર્વના સંસ્કાર ન હોય તો એ અહીં આટલો આવે કે?  વારુ, હરીશ, લાટુ વગરે કેવળ ધ્યાન જ કરે છે; એ બધું શું?

હાજરા – હાં, એકલું ધ્યાન કર્યા કરવું એ શું? આપની સેવા કરે એ જુદી વાત.

શ્રીરામકૃષ્ણ – હશે! એ લોકો ચાલ્યા જશે તો બીજું કોઈ આવશે.

(મણિને વિવિધ ઉપદેશ – શ્રીરામકૃષ્ણની સહજ અવસ્થા)

હાજરા ઓરડામાંથી ચાલ્યા ગયા. હજીયે સંધ્યા થવાને વાર છે. ઠાકુર ઓરડામાં બેસીને એકાંતમાં મણિની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – વારુ, હું જે ભાવ-સમાધિમાં બોલું છું, તેથી લોકોને આકર્ષણ થાય છે?

મણિ – જી, ખૂબ થાય છે.

શ્રીરામકૃષ્ણ – લોકો શું ધારતા હશે? ભાવ-સમાધિમાં (મને) જોઈને કંઈ સમજાય ખરું?

મણિ – સમજાય, કે એક જ વ્યક્તિમાં જ્ઞાન, પ્રેમ, વૈરાગ્ય, એ ઉપરાંત સહજાવસ્થા! અંદરથી કેટલાં જહાજ (ઉચ્ચ ભાવો) ચાલ્યાં ગયાં છે, છતાં સહજ! આપની એ અવસ્થા ઘણાય સમજી શકતા નથી. પરંતુ બે-ચાર જણને એથી જ આકર્ષણ થાય.

શ્રીરામકૃષ્ણ – ઘોષપાડાના મત પ્રમાણે ઈશ્વરને ‘સહજ’ કહે. અને કહે કે ‘સહજ થયા વિના સહજને ન ઓળખી શકાય.’

(શ્રીરામકૃષ્ણ-અભિમાન અને અહંકાર – ‘હું યંત્ર, તે યંત્રી’)

શ્રીરામકૃષ્ણ (મણિને) – વારુ, મારામાં અહંકાર છે?

મણિ – જી, સહેજ છે; શરીરની સંભાળ લેવા માટે તથા ભક્તિ-ભક્તને માટે, જ્ઞાન-ઉપદેશ આપવા માટે. તેય આપે પ્રાર્થના કરીને રહેવા દીધો છે.

શ્રીરામકૃષ્ણ – મેં રાખ્યો નથી; ઈશ્વરે જ રાખી દીધો છે. વારુ, ભાવાવેશને વખતે શું થાય?

મણિ – આપે ત્યારે કહ્યું ને કે છઠ્ઠી ભૂમિકાએ મન પહોંચે ત્યારે ઈશ્વરી રૂપનું દર્શન થાય. ત્યાર પછી જ્યારે આપ વાતો કરવા લાગો, ત્યારે મન પાંચમી ભૂમિકાએ ઊતરે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર જ બધું કરે છે. હું કશુંય જાણતો નથી.

મણિ – જી, એને લીધે જ તો આટલું આકર્ષણ! (બંને ચૂપ).

(Why all Scriptures – all Religions are true – શ્રીરામકૃષ્ણ અને વિરોધી શાસ્ત્રોનો સમન્વય)

મણિ – જી, શાસ્ત્રોમાં બે પ્રકારે કહ્યું છે. એક પુરાણના મત પ્રમાણે શ્રીકૃષ્ણને ચિદાત્મા, ને રાધાને ચિત્શક્તિ કહી છે. બીજા એક પુરાણમાં કૃષ્ણ જ કાલી. એ જ આદ્યશક્તિ એમ કહેલ છે.

શ્રીરામકૃષ્ણ – એ દેવી-પુરાણનો મત. એ પ્રમાણે કાલી જ કૃષ્ણ થઈ રહેલ છે. 

તે ભલે હોય. ઈશ્વર જેમ અનંત, તેમ માર્ગ પણ અનંત!

એ વાત સાંભળીને મણિ આશ્ચર્યચકિત થઈને થોડી વાર મૂંગા બની ગયા.

મણિ – હાં, સમજ્યો. આપ જેમ કહો છો તેમ, ખરું તો અગાસીએ પહોંચવાની વાત છે! પછી એ ગમે તે ઉપાયે પહોંચાય : દોરી બાંધીને, વાંસડો પકડીને કે ગમે તે રીતે!

શ્રીરામકૃષ્ણ – આ જે તમે સમજી ગયા, એ ઈશ્વરની દયા. ઈશ્વરની કૃપા ન થાય તો સંશય જાય નહિ.

‘વાત એટલી કે કોઈ પણ પ્રકારે ઈશ્વર ઉપર ભક્તિ આવે, પ્રેમ આવે. વિવિધ પ્રકારની માહિતીની જરૂર શી? એક માર્ગે જતાં જતાં જો ઈશ્વર ઉપર પ્રેમ આવે, તો એટલું જ બસ છે. પ્રેમ આવે એટલે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય. પછી જો જરૂર પડે તો ઈશ્વર પોતે જ બધું સમજાવી દે, બધા માર્ગના સમાચાર કહી દે. ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલે થયું. પછી તરેહ તરેહના તર્ક કરવાની જરૂર ન રહે. કેરી ખાવા આવ્યા છો તો કેરી ખાઓ; કેટલી ડાળીઓ, કેટલાં પાંદડાં, એ બધી ગણતરીની જરૂર નહિ. હનુમાનનો અંતરનો ભાવ એવો કે હું વાર, તિથિ, નક્ષત્ર વગેરે જાણતો નથી, એક રામનું ચિંતન કરું!

(સંસારત્યાગ અને ઈશ્વરલાભ – ભક્તે સંચય કરવો કે યદૃચ્છાલાભ?)

મણિ – અત્યારે એવી ઇચ્છા થાય છે કે કર્મ થોડાંઘણાં ઓછાં થાય તો, ઈશ્વર તરફ અમે વધુ મન વાળી શકીએ.

શ્રીરામકૃષ્ણ – અહા, એ તો થઈ જશે.

‘પરંતુ જ્ઞાની નિર્લિપ્ત બનીને પણ સંસારમાં રહી શકે.’

મણિ – જી, પરંતુ નિર્લિપ્ત રહેવું હોય તો ખાસ વિશેષ શક્તિ જોઈએ.

શ્રીરામકૃષ્ણ – હા, એ ખરું, પણ કદાચ તમે પૂર્વે (સંસાર) માગ્યો હશે!

કૃષ્ણ શ્રીમતીના હૃદયમાં જ હતા, પરંતુ લીલા જોવાની ઇચ્છા થઈ હતી. એટલે મનુષ્ય-લીલા થઈ. 

હવે પ્રાર્થના કરો કે જેથી આ બધું ઓછું થઈ જાય. અને મનથી ત્યાગ થયો એટલે થયું.

મણિ – એ તો જેઓ બહારથી ત્યાગ કરી શકે નહિ તેમને માટે. ઉચ્ચ કોટિનાને માટે તો એકદમ ત્યાગ : મનમાંથીયે ત્યાગ અને બહારથીયે ત્યાગ.

ઠાકુર ચૂપ કરીને બેસી રહ્યા છે. વળી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – એ વખતે વૈરાગ્યની વાતો કેવી સાંભળી?

મણિ – જી, હાં.

શ્રીરામકૃષ્ણ – વૈરાગ્યનો અર્થ શું, કહો તો?

મણિ – વૈરાગ્યનો અર્થ એકલો સંસાર પર વૈરાગ્ય નહિ, પણ ઈશ્વર પર અનુરાગ અને સંસાર પર વૈરાગ્ય.

શ્રીરામકૃષ્ણ – હા, બરાબર કહ્યું. 

સંસારમાં રૂપિયાની જરૂર છે ખરી, પરંતુ એને માટે એટલી બધી ચિંતા કરો મા. યદૃચ્છાલાભ એ જ સારું. સંચયને માટે એટલી ચિંતા કરો મા. જેઓ મન, પ્રાણ, ઈશ્વરને સમર્પણ કરે; જેઓ તેના ભક્ત, શરણાગત, તેઓ એ બધાની એટલી ચિંતા કરે નહિ. ‘યત્ર આય, તત્ર વ્યય,’ – એક બાજુથી પૈસા આવે, તો બીજી બાજુએ ખરચાતા જાય. એનું નામ યદૃચ્છાલાભ. એ ગીતામાં છે.

(શ્રીયુત્ હરિપદ, રાખાલ, બાબુરામ, અધર વગેરેની વાત)

ઠાકુર હરિપદની વાત કરે છે : ‘હરિપદ તે દિવસે આવ્યો’તો.

મણિ (સહાસ્ય) – હરિપદ હરિ-કથા કરવાનું જાણે છે. પ્રહ્લાદ-ચરિત્ર, શ્રીકૃષ્ણની જન્મ-કથા વગેરે મજાનાં રાગ કાઢીને બોલે છે!

શ્રીરામકૃષ્ણ – એમ? તે દિવસે તેની આંખો જોઈ’તી, તો જાણે કે ચડી રહેલો છે. મેં પૂછ્યું ‘તું શું ખૂબ ધ્યાન કરે છે?’ જવાબમાં માથું નીચું કરી રહ્યો. એટલે મેં કહ્યું, ‘અલ્યા, એટલું બધું કરીશ મા!’

સંધ્યા થઈ. ઠાકુર માતાજીનાં નામ લે છે અને ચિંતન કરે છે.

થોડીવાર પછી મંદિરોમાં આરતીનો પ્રારંભ થયો. શ્રાવણ સુદ બારસ. ઝૂલણ-ઉત્સવની પછીનો દિવસ. ચાંદો ઊગ્યો છે. મંદિર, મંદિરનું આંગણું, ફૂલવાડી વગેરે બધાં આનંદમય થઈ રહ્યાં છે. રાતના આઠ વાગ્યા. ઓરડામાં ઠાકુર બેઠા છે. રાખાલ અને માસ્ટર પણ છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – બાબુરામ કહે છે, ‘સંસાર? અરે બાપ રે!’

માસ્ટર – એ બધી સાંભળેલી વાતો! બાબુરામ સંસારમાં શું સમજે?

શ્રીરામકૃષ્ણ – હા, એ ખરું. નિરંજનને જોયો ને? ખૂબ સરળ!

માસ્ટર – જી હા, એનો ચહેરો જ આકર્ષણ કરે છે. આંખોનો ભાવ કેવો!

શ્રીરામકૃષ્ણ – એકલો આંખનો ભાવ નહિ, બધુંય. એનો વિવાહ કરવાની વાત થઈ હતી. ત્યારે એ કહે કે મને ડુબાડો છો શું કરવા? (હસીને) – હેં ભાઈ, માણસો કહે છે કે દિ’ આખો મજૂરી કરીને પછી પત્નીની પાસે જઈને બેસીએ એટલે ભારે આનંદ આવે!

માસ્ટર – જી, જેઓ એવી મનોદશામાં છે, તેમને આનંદ આવે વળી શું? 

(હસીને રાખાલને) – ‘એકઝામીન’ (પરીક્ષા) કરે છે, Leading Question – મુદ્દાનો પ્રશ્ન!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – મા કહેશે, મારા દીકરાને એક ઝાડનો આશરો કરી દઉં એટલે બસ! તડકેથી બળ્યો જળ્યો આવીને ઝાડ નીચે બેસે!

માસ્ટર – જી, તરેહ તરેહનાં માબાપ છે. મુક્ત બાપ છોકરાનાં લગ્ન કરે નહિ. જો કરે તો એ ખૂબ મુક્ત! (ઠાકુરનું હાસ્ય).

(અધર અને માસ્ટરનાં કાલીદર્શન – અધરની ચંદ્રનાથતીર્થ અને સીતાકુંડની વાત)

શ્રીયુત્ અધર સેન કોલકાતાથી આવ્યા ને જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કર્યા. પછી જરાક બેસીને માતાજીનાં દર્શન કરવા કાલી-મંદિરે ગયા.

ગંગાતટેથી દક્ષિણેશ્વર મંદિર

માસ્ટરેય જઈને માતાજીનાં દર્શન કર્યાં. ત્યાર પછી ચાંદની મંડપવાળા ઘાટે આવીને ગંગાના કિનારે બેઠા. ગંગાનું જળ ચાંદનીમાં ઝગઝગ કરી રહ્યું છે. તરતમાં જ ભરતી આવી. માસ્ટર એકલા બેઠા બેઠા ઠાકુરના અદ્ભુત ચરિત્રનો વિચાર કરી રહ્યા છે. તેમની વિસ્મયકારક સમાધિ-અવસ્થા, વારંવાર થતા ઈશ્વરી ભાવ, ઈશ્વરી પ્રેમનો આનંદ, વિશ્રાંતિ વિના ઈશ્વરી કથા-પ્રસંગ, ભક્તો ઉપર અકૃત્રિમ સ્નેહ, તેમનું બાળક જેવું ચરિત્ર, એ બધાંયનું ચિંતન કરી રહ્યા છે. અને વિચાર કરી રહ્યા છે કે આ પુરુષ કોણ? શું સાક્ષાત્ ઈશ્વર ભક્તોને માટે શરીર ધારણ કરીને આવ્યા છે?

અધર, માસ્ટર ફરીને ઠાકુરના ઓરડામાં પાછા આવી ગયા છે. અધર નોકરીને અંગે ચટ્ટગ્રામ (ચિતાગોંગ)માં હતા. એ ચંદ્રનાથ તીર્થની અને ત્યાંના સીતાકુંડની વાત કરે છે.

અધર – ત્યાં સીતાકુંડના જળમાં અગ્નિની ઝાળ જીભની પેઠે લબક્ લબક્ કરે.

શ્રીરામકૃષ્ણ – એ કેમ કરીને થાય?

અધર – પાણીમાં ફોસ્ફરસ (Phosphorus) છે.

શ્રીયુત્ રામ ચેટર્જી ઓરડામાં આવ્યા છે. ઠાકુર અધરની પાસે તેનાં વખાણ કરે છે. અને કહે છે કે ‘આ રામ છે એટલે આપણે એટલી ચિંતા કરવી પડતી નથી. હરીશ, લાટુ વગેરે બધાને બોલાવી કરીને જમાડે. એ લોકો, કાં તો એકલા ક્યાંક ધ્યાન કરતા હોય, ત્યાંથી રામ તેમને બોલાવી લાવે.’

Total Views: 320
ખંડ 25: અધ્યાય 2 : ઠાકુર સમાધિમાં અને જગન્માતા સાથે વાર્તાલાપ - પ્રેમતત્ત્વ
ખંડ 26: અધ્યાય 1 : નરેન્દ્ર વગરે ભક્તોની સાથે કીર્તનાનંદે - સમાધિમંદિરે