ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો તેમની સાથે બેઠેલા છે. સમય આશરે બપોરના ત્રણ. આજ શનિવાર, ૨૨ ભાદ્ર ૧૨૯૧, ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ઈ.સ.૧૮૮૪. ભાદરવા વદ એકમ.

ભક્તો ઠાકુરને પ્રણામ કરે છે. માસ્ટરે પ્રણામ કરી લીધા એટલે ઠાકુર અધરને પૂછે છે કે ‘નિતાઈ ડૉક્ટર આવવાના નથી?’

શ્રીયુત્ નરેન્દ્ર ગીત ગાવાના છે, તેની તૈયારી થઈ રહી છે. તાનપૂરો સૂરમાં મેળવવા જતાં તાર તૂટી ગયો. ઠાકુર બોલી ઊઠ્યા, ‘અરે, એ શું કર્યું?’ નરેન્દ્ર હવે તબલાં મેળવે છે. ઠાકુર કહે છે, ‘તારી તબલાં પરની થાપ એટલે જાણે, કે ગાલ પર પડેલી થપાટ!’

કીર્તનમાં ગવાતાં ગીતો વિશે વાત થાય છે. નરેન્દ્ર કહે છે કે ‘કીર્તનમાં તાલ, સમ વગરે નથી હોતાં એટલે આટલાં ‘Popular’  (લોકપ્રિય)!’

શ્રીરામકૃષ્ણ – એ શું બોલ્યો! કીર્તનોમાં કરુણ રસ હોય છે એટલે લોકોને એ એટલાં બધાં ગમે છે.

નરેન્દ્ર ગીત ગાય છે :- ‘સુંદર તમારું નામ દીનશરણ હે;

ગીત : જશે શું રે દિન મારા નિષ્ફળ ચાલ્યા?

કરું છું નાથ! રાતદિન આશાપથ નિરખ્યા…’

શ્રીરામકૃષ્ણ (હાજરાને, સહાસ્ય) – (નરેન્દ્ર) એ જ ગીત પહેલાં ગાય!

નરેન્દ્રે બીજાંય એક બે ગીત ગાયાં. પછી વૈષ્ણવચરણ ગીત ગાય છે :

‘ઓળખું કેમ રે તમને (હરિ); અરે બંકુરાય! ભૂલ્યા જઈ મથુરા પુરી;

હાથીએ ચડી, પ્હેરી મોજડી, ભૂલ્યા છો શું રે ધેનુ-ચરા,

સાંભરે વ્રજની માખણ ચોરી’..

શ્રીરામકૃષ્ણ – ‘હરિ હરિ બોલો રે વીણા’ એ ગીત એક વાર થવા દોને.

વૈષ્ણવચરણ ગાય છે : ‘હરિ હરિ બોલો રે વીણા.

શ્રીહરિનાં ચરણ વિના પરમતત્ત્વ પામી શકો ના…

હરિ-નામ તાપ હરે, મુખે બોલો હરે કૃષ્ણ હરે,

શ્રીહરિ જો કૃપા કરે, ભવમાં ચિંતા કંઈ રાખો ના…

વીણા એક વાર હરિ બોલ; હરિનામ વિના નહિ બીજું ભંડોળ,

દાસ ગોવિંદ અંતે દિન વીત્યો રે, અફાટ સાગરમાં ડૂબું ના…

(ઠાકુરની વારંવાર સમાધિ અવસ્થા અને નૃત્ય)

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવમગ્ન થઈને બોલે છે ‘આહા! આહા! હરિ હરિ બોલો!’ 

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર સમાધિ-મગ્ન થયા. ભક્તો ચારે બાજુ બેઠા છે અને દર્શન કરી રહ્યા છે. ઓરડો માણસોથી ભરાઈ ગયો છે.

કીર્તનિયાએ એ ગીત પૂરું કરીને નવું ગીત ઉપાડ્યું :

‘શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપત-કાંચન કાય’…

કીર્તનિયો જ્યાં ઉથલો આપે છે કે ‘હરિ-પ્રેમના પૂરમાં ખેંચાયે જાય’, ત્યાં ઠાકુર ઊભા થઈ જઈને નૃત્ય કરવા લાગ્યા! પાછા બેસી જઈને હાથ લાંબા કરી કરીને ઠાકુર પૂર્તિ બોલે છે : (એક વાર હરિ બોલો રે!)

પૂર્તિ બોલતાં બોલતાં ઠાકુર ભાવ-મગ્ન થયા અને મસ્તક નીચું ઢાળી દઈને સમાધિ-મગ્ન થયા. તકિયો સામે છે. તેના ઉપર મસ્તક ઢળી પડ્યું છે. કીર્તનિયો વળી પાછો ગાય છે :

‘હરિ-નામ વિના બીજું શું ધન છે સંસારે, બોલોને માધાઈ, મધુર સ્વરે…

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.’

ગીત : હરિ કહી મારો ગૌર નાચે…

નાચે રે ગૌરાંગ મારો હેમગિરિની મોઝાર,

લાલ પગે, સુવર્ણ-ઝાંઝર તણા ઝીણા ઝમકાર…

રહો રે બાપ નરહરિ, રહો ગૌરની પાસ;

રાધાના પ્રેમે ઘડાયું તનુ, ધૂળમાં ન પડે ખાસ…

ડાબે અદ્વૈત તેમજ જમણે નિતાઈ,

તેમની વચ્ચે નાચે અમારા ચૈતન્ય ગુસાંઈ…

ઠાકુર વળી પાછા ઊભા થયા છે અને કીર્તનકારની સાથે (પ્રેમે મતવાલા થઈને રે) એ પૂર્તિ બોલીને નાચી રહ્યા છે.

એ અપૂર્વ નૃત્ય જોઈને નરેન્દ્ર વગેરે ભક્તો પછી વધુ વાર સ્થિર રહી શક્યા નહિ. સૌ ઊભા થઈ જઈને ઠાકુરની સાથે નાચવા લાગ્યા.

નાચતાં નાચતાં ઠાકુર ક્યારેક ક્યારેક સમાધિ-મગ્ન થતા જાય છે. એ વખતે અંતર્દશા. મુખેથી એક શબ્દેય નહિ. શરીર આખું સ્થિર. ભક્તો એ વખતે તેમને વીંટળાઈને નાચી રહ્યા છે.

થોડી વાર પછી અર્ધ-બાહ્ય દશા, કે જેવી ચૈતન્યદેવને થતી હતી. તરત ઠાકુર સિંહશૌર્ય સમું નૃત્ય કરવા લાગ્યા. એ વખતે પણ મુખમાં શબ્દ સરખોય નહિ. પ્રેમમાં ઉન્મત્ત જેવા! 

જેવા સહેજ સ્વસ્થ થાય છે કે તરત જ ક્યારેક ક્યારેક ગીતની પૂર્તિ બોલવા લાગે છે.

આજે અધરનું દીવાનખાનું શ્રીવાસનું આંગણું થયું છે. હરિ-નામનો અવાજ સાંભળીને રાજમાર્ગ પર અસંખ્ય લોકો એકઠા થઈ ગયા છે.

ભક્તો સાથે ઘણી વાર સુધી નૃત્ય કર્યા પછી ઠાકુર પાછા પોતાના આસને બેઠા. હજીયે ભાવ-સમાધિનો આવેશ છે. એ જ અવસ્થામાં નરેન્દ્રને કહે છે કે પેલું ગીત ગા : ‘મને દે મા પાગલ કરી.’

ઠાકુરની આજ્ઞા થતાં નરેન્દ્ર એ ગીત ગાય છે.

‘મને દે મા પાગલ કરી’ (બ્રહ્મમયી), હવે નહિ કામ જ્ઞાન વિચાર્યે…

મા, તારા પ્રેમની સુરા પાઈને કરો મતવાલા,

ઓ મા! ભક્ત-ચિત્તહારી, ડુબાવો પ્રેમસાગરે…

તમારા આ પાગલ-ભાવે, કોઈ હસે, કોઈ રડે,

કોઈ નાચે આનંદભર્યા…

ઈશા, મુસા, શ્રીચૈતન્ય પ્રેમભારથી અચૈતન્ય,

થઉં ક્યારે હું પણ ધન્ય ભળી તેમની સાથે…

સ્વર્ગમાં ગાંડાનો મેળો, જેવો ગુરુ તેવો ચેલો,

પ્રેમનો ખેલ કોઈ સમજે ના રે…

તું પણ પ્રેમે ઉન્માદિની, ઓ મા પાગલ-શિરોમણિ,

પ્રેમ-ધનથી કરો ધની, કંગાલ પ્રેમદાસને…

શ્રીરામકૃષ્ણ- અને આ : ‘ચિદાનંદ-સિંધુ-નીરમાં.’

નરેન્દ્ર ગાય છે :

‘ચિદાનંદ-સિંધુ-નીરમાં પ્રેમાનંદ લહરી,

મહાભાવ રસલીલા, શી માધુરી જાઉં વારી,

મહાયોગે સર્વ એકાકાર થયું, દેશકાળ ભેદાભેદ વ્યવધાન દૂર થયું,

હવે આનંદે મતવાલા બની, બંને હાથ ઊંચા કરી, મન, હરિ હરિ બોલ..’

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – અને ‘ચિદાકાશે’? ના, એ બહુ લાંબું છે, નહિ? વારુ, જરા ધીમે ધીમે.

નરેન્દ્ર ગાય છે :

‘ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ-ચંદ્રોદય રે, 

ઊછળિયો પ્રેમ-સિંધુ શો આનંદમય રે…

શ્રીરામકૃષ્ણ- અને પેલું? – હરિરસ-મદિરા?’

નરેન્દ્ર- હરિરસ-મદિરા પીને મમ માનસ મા બનો રે,

આળોટીને અવની પર, હરિ હરિ બોલી રડો રે-

ઠાકુર પૂર્તિઓ બોલે છે : પ્રેમમા થઈ, હરિ હરિ બોલી રડો રે…

‘ભાવમા થઈ, હરિ હરિ બોલી રડો રે…

ઠાકુર અને ભક્તો જરા આરામ લે છે. નરેન્દ્ર ધીમે ધીમે ઠાકુરને કહે છે ‘આપ પેલું ગીત એક વાર ગાશો?’

શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘મારું ગળું જરા બેસી ગયું છે.’ પણ થોડીવાર પછી ઠાકુર વળી નરેન્દ્રને કહે છે કે ‘કયું?’

નરેન્દ્ર – ભુવન-રંજન રૂપ.

ઠાકુર ધીમે ધીમે ગાય છે :

‘ભુવન-રંજન રૂપ નદિયામાં ગૌર કોણ લાવ્યું રે?…’ (અલકા આવૃત મુખ) (વાદળે ચમકે વીજળી) (જે કંઈ જોઉં ત્યાં શ્યામને જોઉં રે)

ઠાકુર બીજું એક ગીત ગાય છે :

‘શ્યામનો પત્તો લાગ્યો નહિ રે, હું શું સુખે રહું ઘર માંહિ રે?

શ્યામ જો મારા કેશ હોત તો પ્રેમથી બકુલફૂલ વેણી એમાં રાખું રે.

(કેશવ કેશને યત્નથી બાંધી લેત), (જેથી કોઈ ન દેખે એને રે)

(શ્યામ કાળા અને કેશ પણ કાળા), 

(કાળામાં કાળા મળી જાય સખી રે!)

શ્યામ જો મારા નાકની નથ હોત, નાસિકાની વચ્ચે સતત રહેત રે!

(અધર છે ચાંદ રે! અધરમાં લાલ રંગ એ જ રે!) 

(કેમ એ થાયે રે, એવું થાય મનમાંહી રે!) 

(શ્યામ કેમ બને મારા નાક કેરી નથડી રે?)

શ્યામ બને જો મારાં કંગન, સર્વદા રહે મારે હાથે રે!

સખી રે! (કંગન હલાવીને ચાલું રે) (હાથ ઝટકોરીને ચાલું રે!)

(શ્યામરૂપી કંગન હાથ ધરીને હું ચાલી જતી) (રાજપથે)’

Total Views: 378
ખંડ 25: અધ્યાય 3 : નવાઈ ચૈતન્ય, નરેન્દ્ર, બાબુરામ, લાટુ, મણિ, રાખાલ, નિરંજન, અધર
ખંડ 26: અધ્યાય 2 : ભાવાવસ્થામાં અંર્તદૃષ્ટિ - નરેન્દ્રાદિને નિમંત્રણ