ગીત પૂરું થયે મુખર્જી ભાઈઓ ઊઠ્યા. ઠાકુર પણ સાથે સાથે ઊઠી ગયા. પરંતુ ભાવ-મગ્ન. ઓરડાની ઓસરીમાં આવીને એકદમ સમાધિ-મગ્ન થઈને ઊભા રહ્યા. ઓસરીમાં કેટલાય દીવા બળતા હતા. બગીચાનો દરવાન હતો, ભગત માણસ. ઠાકુરને અવારનવાર આમંત્રણ આપીને જમાડતો. ઠાકુર સમાધિ-મગ્ન થઈને ઊભા છે. દરવાન આવીને પંખાથી ઠાકુરને પવન નાખવા લાગ્યો, મોટો હાથ-પંખો.

બગીચાના વ્યવસ્થાપક શ્રીયુત્ રતને આવીને પ્રણામ કર્યા. 

ઠાકુર સ્વસ્થ થયા છે. ‘નારાયણ! નારાયણ!’ એ નામ ઉચ્ચારણ કરીને તેની સાથે સંભાષણ કર્યું.

ઠાકુર ભક્તોની સાથે દેવ-મંદિરના મોટા દરવાજા પાસે આવ્યા છે. એટલામાં મુખર્જી ભાઈઓ ફાટકની પાસે ઠાકુરની રાહ જુએ છે. 

અધર ઠાકુરને શોધતા હતા.

મુખર્જી (સહાસ્ય) – મહેન્દ્ર બાબુ નાસી આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય, મુખર્જીને) – આમની સાથે તમે હમેશાં હળવા મળવાનું કરતા રહેજો, અને વાતચીત કરજો.

પ્રિય મુખર્જી (સહાસ્ય) – આ હવે આપણી માસ્ટરી કરવાના.

શ્રીરામકૃષ્ણ – ગંજેરી લોકોનો સ્વભાવ, કે બીજા ગંજેરીઓને જોઈને આનંદ કરે. અમીર માણસ મળે તો બોલે નહિ. પરંતુ જો એકાદો મુફલિસ ગંજેરી આવી મળે, તો તો તેને ભેટી જ પડે! (સૌનું હાસ્ય).

ઠાકુર બગીચાને રસ્તે થઈ પશ્ચિમાભિમુખ થઈને પોતાના ઓરડા તરફ આવી રહ્યા છે. રસ્તામાં કહે છે કે યદુ ચુસ્ત હિંદુ. ભાગવતમાંથી અનેક કથાઓ કહી સંભળાવે.

મણિ કાલી-મંદિરે આવીને માતાજીનાં દર્શન કરીને ચરણામૃત લે છે. ત્યાં ઠાકુર આવીને હાજર, માનાં દર્શન કરવા સારુ.

રાતના લગભગ નવ વાગ્યા. મુખર્જીઓએ પ્રણામ કરીને રજા લીધી. અધર અને માસ્ટર નીચે બેઠેલા છે. ઠાકુર અધરની સાથે શ્રીયુત્ રાખાલની વાત કરે છે.

રાખાલ બલરામની સાથે વૃંદાવનમાં છે. ટપાલમાં ખબર આવ્યા હતા કે તેની તબિયત બગડી છે. બે ત્રણ દિવસ પહેલાં ઠાકુર રાખાલની માંદગીના સમાચારથી એટલા ચિંતાતુર થઈ ગયેલા કે બપોરે ભોજન વખતે ‘હવે શું થાશે!’ એમ કહીને હાજરા મહાશયની પાસે નાના છોકરાંની પેઠે રડતા હતા. અધરે રાખાલને રજિસ્ટર કરેલો પત્ર લખ્યો હતો, પરંતુ હજી સુધી પત્રની પહોંચ આવી નથી.

શ્રીરામકૃષ્ણ – નારા’ણને કાગળ મળ્યો અને તમને કાગળનો જવાબ મળ્યો નહિ? 

અધર – જી, હજી સુધી તો આવ્યો નથી.

શ્રીરામકૃષ્ણ – અને (રાખાલે) માસ્ટરને પત્ર લખ્યો છે.

ઠાકુર ચૈતન્ય -લીલા નાટક જોવા જવાના છે તેની વાત ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં, ભક્તોને) – યદુ કહેતો હતો કે એક રૂપિયાની જગાએથી મજાનું દેખાય. સસ્તી (જગા).

‘એક વાર અમને પેનેટી (પાણિહાટિ) લઈ જવાની વાત થયેલી. તે યદુએ અમને ચાલતી નાવમાં ચડવાનું કહેલું! (સૌનું હાસ્ય).

‘યદુ પહેલાં તો ઈશ્વર સંબંધે વાતો થોડી થોડી સાંભળતો. એક ભક્ત એની પાસે આવજા કરતો, પણ હવે હું એને જોતો નથી. કેટલાક ખુશામતિયા તેની પાસે આખો દિ’ બેઠા હોય છે. એમણે જ વધુ ગડબડ કરી છે.

‘પણ ભારે ગણતરીબાજ! એને ત્યાં જતાં વેંત જ પૂછે કે ગાડીભાડું કેટલું? હું કહું કે તમારે એ બધી પંચાતની જરૂર નથી, તમે અઢી રૂપિયા આપી દો. એટલે પછી એ મૂંગો થઈ રહે ને અઢી રૂપિયા જ આપે! (સૌનું હાસ્ય).

દેવ-મંદિરની જગાને દક્ષિણ છેડે પાયખાનાં બંધાયાં છે એને અંગે શ્રીયુત્ યદુ મલ્લિકની સાથે ટંટો શરૂ થયો છે. પાયખાનાંની પાસે યદુનો બગીચો છે.

બગીચાના મેનેજર શ્રીયુત્ ભોેલાનાથે ન્યાયાધીશ પાસે અરજી કરી છે. અરજી કર્યા પછી તેને બીક લાગી ગઈ છે. તેણે ઠાકુરને એ જણાવ્યું હતું. ઠાકુરે કહેલું કે અધર ડેપ્યુટી મેજિસ્ટ્રેટ : એ આવે એટલે તેને પૂછજો. શ્રીયુત્ રામ ચક્રવર્તી ભોલાનાથને સાથે લઈને ઠાકુરની પાસે લાવ્યા છે અને બધું કહે છે કે ‘આમને અરજી કરીને હવે બીક લાગી છે’ વગેરે.

ઠાકુર ચિંતાતુર જેવા થઈને ઊઠીને બેઠા અને અધરને બધી વાત કહેવાનું કહ્યું. અધર બધું સાંભળીને કહે છે કે એમાં કાંઈ નથી. જરાક તકલીફ પડશે. ઠાકુરની જાણે કે મોટી ચિંતા દૂર થઈ ગઈ.

રાત થઈ ગઈ છે. અધરને જવું છે. એટલે તેણે પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – નારા’ણને લેતા આવજો.

Total Views: 267
ખંડ 27: અધ્યાય 9 : નરેન્દ્રની ભક્તિ - યદુ મલ્લિકના બાગમાં ભક્તો સાથે શ્રીઠાકુરનો શ્રીગૌરાંગ ભાવ
ખંડ 27: અધ્યાય 11 : દક્ષિણેશ્વરમાં મહેન્દ્ર, રાખાલ, રાધિકા ગોસ્વામી વગેરે ભક્તો સાથે