બપોર નમી ગયા છે. પાંચ વાગવા આવ્યા છે. ઠાકુર ઊઠ્યા. ભક્તો બાગમાં ફરી રહ્યા છે. કેટલાયને જલદી જલદી ઘેર જવું છે.

ઠાકુર ઉત્તરની ઓસરીમાં હાજરાની સાથે વાતો કરે છે. નરેન્દ્ર આજકાલ ગુહ કુટુંબના મોટા છોકરા અન્નદાની પાસે બહુ જાય.

હાજરા – ગુહનો છોકરો અન્નદા, સાંભળ્યું છે કે ખૂબ તપ કરે છે. સાધારણ જરા તરા ખાઈને રહે છે. ચાર ચાર દિવસે અન્ન ખાય.

શ્રીરામકૃષ્ણ – શી વાત કરો છો! ‘કોન જાને કિસ ભેખસે નારાયણ મિલ જાય!’ 

હાજરા – નરેન્દ્રે આગમની ગીત ગાયાં.

શ્રીરામકૃષ્ણ (ઉત્સુક થઈને) – કેવી રીતે?

કિશોરી પાસે ઊભો છે. ઠાકુર કહે છે : ‘તને ઠીક છે ને?’

ઠાકુર પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં ઊભા છે. શરદ ઋતુનો સમય. ગેરુવા રંગે રંગેલું એક ફલાનેલનું પહેરણ પહેરેલું છે. નરેન્દ્રને કહે છે : ‘તેં આગમની ગીત ગાયાં છે?’ ગોળ ઓસરીમાંથી ઊતરી આવીને નરેન્દ્રની સાથે સાથે ગંગાના પુસ્તા ઉપર આવ્યા, સાથે માસ્ટર. નરેન્દ્ર ગીત ગાય છે :

‘કેમ કરીને પારકે ઘરે, હતી ઉમા બોલ તું માઈ,

બહુ લોકો બહુ બોલે, સુણીને તો પ્રાણે મરી જાઈ-

ચિતા-ભસ્મ ભૂંસી અંગે, ભટકે જમાઈ ભંગ-રંગે,

તેની સંગે સોના-અંગે, તુંયે ભૂંસે રાખ, નવાઈ! –

કેમ તે હૈયું ધીર ધરે, જમાઈ, કે’ છે ભિક્ષા કરે;

હવે તેડવા આવે ત્યારે, કહું કે ઉમા ઘરમાં નહિ.’

ઠાકુર ઊભા ઊભા સાંભળે છે. સાંભળતાં સાંભળતાં ભાવ-મગ્ન.

સંધ્યા સમયે દક્ષિણેશ્વર સંકુલ

હજીયે જરાક દિવસ છે. સૂર્યનારાયણ પશ્ચિમના આકાશમાં દેખાઈ રહ્યા છે. ઠાકુર ભાવ-મગ્ન. તેમની એક બાજુએ ઉત્તરવાહી ગંગા. થોડી વાર પહેલાં જ તેમાં ભરતી આવવા લાગી છે. પાછળ પુષ્પોદ્યાન. જમણી બાજુએ નોબતખાનું અને પંચવટી દેખાય છે. પાસે નરેન્દ્ર ઊભેલ છે, ગીત ગાય છે.

સંધ્યા થઈ ગઈ. નરેન્દ્ર વગેરે ભક્તોએ પ્રણામ કરીને રજા લીધી. ઠાકુર ઓરડામાં આવ્યા. જગન્માતાનું નામ લઈને ચિંતન કરે છે.

આજે શ્રીયુત્ યદુ મલ્લિક તેમના બાજુના બગીચામાં આવ્યા છે. બગીચે આવે ત્યારે દર વખતે માણસ મોકલીને ઠાકુરને પોતાની પાસે બોલાવે. આજે પણ માણસ મોકલ્યો છે. એટલે ઠાકુરને જવું પડશે. એટલામાં શ્રીયુત્ અધર સેને કોલકાતાથી આવીને ઠાકુરને પ્રણામ કર્યા.

(ભક્તો સાથે શ્રીયુત્ યદુ મલ્લિકના ઉદ્યાનમાં – શ્રીગૌરાંગનો ભાવ)

ઠાકુર શ્રીયુત્ યદુ મલ્લિકને બગીચે જવાના છે. લાટુને કહે છે કે ફાનસ પેટાવ. ચાલ મારી સાથે.

ઠાકુર લાટુની સાથે એકલા જાય છે. માસ્ટર પાસે ઊભા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમે નારા’ણને કેમ લાવ્યા નહિ?

માસ્ટર કહે છે – હું સાથે આવું?

શ્રીરામકૃષ્ણ – આવવું છે? અધર-બધર બધા છે. વારુ, ચાલો.

મુખર્જી ભાઈઓ રસ્તામાં ઊભા હતા. ઠાકુર માસ્ટરને કહે છે કે આ લોકો કોઈ આવવાના છે? (મુખર્જી ભાઈઓને) વારુ, તમેય ચાલો. એટલે જલદી પાછા આવી શકાશે.

(ચૈતન્ય લીલા અને યદુ મલ્લિક સાથે અધરના કર્મની વાત)

ઠાકુર યદુ મલ્લિકના દીવાનખાનામાં આવ્યા છે. સારી રીતે શણગારેલું દીવાનખાનું. ઓસરીમાં ઝુમ્મર પ્રકાશ આપી રહ્યું છે. શ્રીયુત્ યદુલાલ નાનાં નાનાં છોકરાંને લઈને આનંદથી એક બે મિત્રો સાથે બેઠા છે. કેટલાક નોકરો વાટ જોઈને ઊભેલા છે, કોઈ મોટો પંખો લઈને પંખો કરી રહ્યા છે. યદુએ બેઠાં બેઠાં, હસીને ઠાકુરનું સ્વાગત કર્યું અને ઘણા દિવસોના પરિચિતની પેઠે વર્તવા લાગ્યા. 

યદુ મલ્લિક ગૌરાંગના ભક્ત. એ સ્ટાર થિયેટરમાં ચૈતન્ય-લીલા નાટક જોઈ આવ્યા છે. ઠાકુરની પાસે એની વાત કરે છે. કહે છે કે ચૈતન્ય-લીલાનો નવો ખેલ પડ્યો છે, તે અતિશય સુંદર છે.

ઠાકુર આનંદથી ચૈતન્ય-લીલાની વાત સાંભળી રહ્યા છે. વચ્ચે વચ્ચે યદુના એક નાના છોકરાનો હાથ લઈને રમત કરી રહ્યા છે. માસ્ટર અને મુખર્જી ભાઈઓ તેમની પાસે બેઠા છે. 

શ્રીયુત્ અધર સેને કોલકાતા મ્યુનિસિપાલિટીના વાઈસ-ચેરમેન (ઉપાધ્યક્ષ)ની જગા માટે પ્રયાસ કર્યાે હતો. એ જગાનો પગાર મહિને હજાર રૂપિયા. અધર ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, ત્રણસો રૂપિયા મહિને મળે. અધરની ઉંમર ત્રીસ વરસ.

શ્રીરામકૃષ્ણ (યદુ મલ્લિકને) – કેમ ભલા, અધરને નોકરી મળી નહિ? યદુ અને તેના મિત્રો બોલ્યા કે અધરની એ નોકરીને માટેની ઉંમર હજી થઈ નથી.

થોડી વાર પછી યદુ કહે છે કે ‘તમે જરા ભગવાનનું નામ લો!’ ઠાકુર ગૌરાંગનો ભાવ ગીત દ્વારા બોલે છે.

ગીત – મારો ગૌર નાચે…

નાચે સંકીર્તને, શ્રીવાસને આંગણે, ભક્તગણ સંગે

ગીત – મારો ગૌર રતન..

ગીત – નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે…

ગૌર જુએ વૃંદાવને, અને ધારા વહે બેઉ નયને,

(ભાવ થશે રે થશે), (ભાવનિધિ શ્રીગૌરાંગને)!

(ભાવે હસે-રડે-નાચે-ગાય) (વન જોઈ વૃંદાવન ભાવે), 

(સાગર જોઈ શ્રીયમુના ભાવે) (ગૌર પોતે જ પોતાનાં ચરણ પકડે),

(જેના અંતરે કૃષ્ણ અને બહાર ગૌર)..

ગીત – મારું અંગ ગૌર કેમ થયું? (અરે ગૌર થયું રે!)…

Total Views: 321
ખંડ 27: અધ્યાય 8 : નરેન્દ્ર આદિને ઉપદેશ - વેદવેદાંતમાં કેવળ આભાસ
ખંડ 27: અધ્યાય 10 : શ્રીયુત્ રાખાલ માટે ચિંતા - યદુ મલ્લિક - ભોલાનાથની અરજી