(મહેન્દ્ર આદિને ઉપદેશ – કેપ્ટનની ભક્તિ અને પિતામાતાની સેવા)

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર – કાલીમંદિરે તેમના પેલા સુપરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. શરદ ઋતુ. આજ શુક્રવાર, તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. (૪ આશ્વિન, ૧૨૯૧) બપોરના બે વાગ્યા છે. આજે ભાદરવા વદ અમાસ, મહાલયા. શ્રીયુત્ મહેન્દ્ર મુખોપાધ્યાય અને એમના ભાઈ પ્રિય મુખોપાધ્યાય, માસ્ટર, બાબુરામ, હરીશ, કિશોરી, લાટુ વગેરે ભક્તોમાંથી કોઈ જમીન પર બેઠેલા છે, કોઈ ઊભેલા છે, તો કોઈ વળી ઓરડામાં આવજા કરી રહ્યા છે. શ્રીયુત્ હાજરા ઓસરીમાં બેઠા છે. રાખાલ બલરામની સાથે વૃંદાવન ગયેલ છે.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્ર વગેરે ભક્તોને) – કોલકાતામાં કેપ્ટનને ઘેર ગયો હતો. પાછા આવતાં મોડી રાત થઈ ગઈ. 

કેપ્ટનનો શો સ્વભાવ! શી ભક્તિ! નાનું પંચિયું પહેરીને આરતી કરે. એક વાર ત્રણ વાટના દીવાથી આરતી ઉતારે; ત્યાર પછી વળી એક વાટના દીવાથી. વળી પાછી કપૂરથી આરતી. 

એ વખતે વાત કરે નહિ. મને ઇશારત કરીને આસન પર બેસવાનું કહ્યું. 

પૂજા કરતી વખતે આંખોનો ભાવ, બરાબર જાણે કે ભમરી કરડી હોય ને લાલ થઈ ગઈ હોય તેવો. 

આ બાજુ ગીત ગાતાં આવડે નહિ, પરંતુ સ્તોત્ર-પાઠ સુંદર કરે. 

તેની માની પાસે નીચે બેસે. મા આસનની ઉપર બેસે. 

તેનો બાપ અંગ્રેજનો હવાલદાર હતો. લડાઈના મેદાનમાં એક હાથે બંદૂક રાખે અને બીજે હાથે શિવપૂજા કરે. નોકર શિવ-મૂર્તિ (માટીની) બનાવીને આપતો જાય છે. શિવપૂજા કર્યા વિના પાણી પીએ નહિ. છ હજાર રૂપિયા પગાર (વરસે). 

તેની માને અવારનવાર કાશીએ મોકલે. ત્યાં બાર તેર જણ માની સેવામાં રહે. મોટો ખર્ચ. વેદાંત, ગીતા, ભાગવત, બધું કેપ્ટનને મોઢે.

એ કહે કે કોલકાતાના બાબુઓ મ્લેચ્છાચારી.

અગાઉ તેણે હઠયોગ કરેલો, એટલે મને સમાધિ કે ભાવ-અવસ્થા થાય તો એ મારે માથે હાથ ફેરવી દે.

કેપ્ટનની સ્ત્રી, તેના વળી જુદા ઠાકોરજી, બાલગોપાલ. આ વખતે એટલી કંજૂસ દેખાઈ નહિ. એ પણ ગીતા-બીતા જાણે. એમની શી ભક્તિ! હું જ્યાં જમવા બેસું ત્યાં જ હાથ ધોવાની વ્યવસ્થા. જમ્યા પછી દાંત ખોતરવાની સળી સુધ્ધાં તૈયાર! 

વાનીઓ બનાવે, તે કેપ્ટન કહેશે કે પંદર દિવસ ટકે, પણ કેપ્ટનની સ્ત્રી કહેશે : ‘નહિ જી, નહિ જી, સાત રોજ!’ પરંતુ સરસ લાગ્યું. મસાલા બધાય જરા જરા. હું વધું ખાઉં એટલે આજકાલ મને વધુ આપે. 

ત્યાર બાદ જમ્યા પછી, કાં તો કેપ્ટન, ને એ નહિ તો તેની પત્ની મને પંખો કરે. 

(Jung Bahadur – જંગ બહાદુરના છોકરાઓનું કેપ્ટન સાથે આગમન ૧૮૭૫-૭૬ – નેપાળી બ્રહ્મચારિણીનું ગીતગોવિંદગાન – હું ઈશ્વરની દાસી)

એ લોકોમાં ખૂબ ભક્તિ, સાધુઓનું ખૂબ સન્માન કરે. પશ્ચિમ તરફ લોકોમાં સાધુ-ભક્તિ વધુ. જંગ બહાદુરના છોકરાઓ અને ભત્રીજો કર્નલ અહીં આવેલા. જ્યારે આવ્યો ત્યારે પાટલૂન ઉતાર્યું તે જાણે કે કેટલુંય ડરતાં ડરતાં.

‘કેપ્ટનની સાથે એમના દેશની (નેપાળની) એક બાઈ આવી હતી. ભારે ભક્ત બાઈ, લગ્ન કરેલું નહિ. ગીત-ગોવિંદ આખું તેને કંઠસ્થ. તેનું સંગીતમાં ગીત-ગોવિંદ સાંભળવા દ્વારિક બાબુ વગેરે અહીં આવીને બેઠા હતા. મેં કહ્યું કે બાઈ, આ લોકો તમારું ગીત-ગોવિંદ સાંભળવા ઇચ્છે છે. માણસો સજ્જન છે. એટલે તેણે ગીત-ગોવિંદ ગાયું. જ્યારે ગીત-ગોવિંદ ગવાતું હતું ત્યારે દ્વારિકબાબુ (દ્વારિકબાબુ : એ રાણી રાસમણિના દૌહિત્ર ને મથુરબાબુના મોટા પુત્ર. ઈ.સ. ૧૮૭૭માં લગભગ ૪૦ વરસની ઉંમરે તેમનું મૃત્યુ થયું. કેપ્ટન ઠાકુર પાસે પહેલવહેલા આવેલા ઈ.સ. ૧૮૭૫-૭૬માં. એટલે આ ગીત-ગોવિંદ શ્રવણ ઈ.સ. ૧૮૭૫ અને ૧૮૭૭ની વચમાં થયેલું.) રુમાલથી આંખનાં આંસુ લૂછવા લાગ્યા. ‘શા માટે લગ્ન કર્યું નહિ?’ એ પ્રશ્ન પૂછતાં બાઈ બોલી : ‘હું એક ઈશ્વરની દાસી. બીજા વળી કોની દાસી થવું?’ અને (બધા લોકો) તેને દેવી તરીકે ખૂબ માને. જે પ્રમાણે શાસ્ત્રોમાં છે તેમ જ.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્ર વગેરેને) – આપ લોકો જે અહીં આવો છો તેથી કાંઈ ફાયદો થાય છે, તે સાંભળીને મનને ખૂબ સારું લાગે. 

(માસ્ટરને) મારી પાસે લોકો આવે છે શા માટે? એટલું ભણતર તો હું ભણ્યો નથી.

માસ્ટર – જી, કૃષ્ણ જ્યારે પોતે જ બધું, ગોવાળ, બાળકો, ગાય, વાછરડાં વગેરે થયા (બ્રહ્માએ હરણ કર્યું ત્યારે), ત્યારે એ ગોવાળિયાઓની માતાઓ, નવાં ગોવાળ-બાળકોને પામીને યશોદાને ઘેર પછી કોઈ જાય નહિ. ગાયો પણ હંમ્મા અવાજ કરીને આ નવાં વાછરડાંની પાછળ પાછળ દોડવા લાગી.

શ્રીરામકૃષ્ણ – તેથી શું?

માસ્ટર – ઈશ્વર પોતે જ બધું થઈ રહેલ છે ને એટલે આટલું આકર્ષણ. ઈશ્વરરૂપી વસ્તુ હોય એટલે મન ખેંચાય.

(કૃષ્ણલીલાની વ્યાખ્યા – ગોપીપ્રેમ – વસ્ત્રહરણનો અર્થ)

શ્રીરામકૃષ્ણ – એ યોગમાયાનું આકર્ષણ, નજર લગાડી દે! રાધિકા સુબલનો વેશ લઈ ગોદમાં વાછરડું લઈને, જટિલાની બીકથી જાય છે. જ્યારે યોગમાયાને શરણાગત થયાં ત્યારે જટિલાએ વળી આશીર્વાદ આપ્યા!

‘હરિલીલા બધી યોગમાયાની સહાયથી.’

‘ગોપીઓનો પ્રેમ, પરકીયા રતિ. કૃષ્ણને માટે ગોપીઓને પ્રેમોન્માદ થયેલો. પોતાના પતિને માટે એટલો ન થાય. જો કોઈ કહે કે ‘અલી કેમ, તારો વર આવ્યો છે!’ તો કહેશે ‘આવ્યા છે તો ભલે આવ્યા; હમણાં થાળી પીરસું છું!’ પરંતુ જો પરપુરુષની વાત સાંભળે, કે એ રસિક, સુંદર, રસ-પંડિત તો દોડતી એને જોવા જાય, અને આડશમાંથી ડોકું તાણીને એને જુએ.

‘જો એમ વાંધો કાઢો કે ઈશ્વરને જોયો નથી, તો પછી એની ઉપર કેમ કરીને ગોપીઓની પેઠે આકર્ષણ આવે? તો એનો જવાબ એ કે સાંભળવાથીયે એ ખેંચાણ થાય.

‘વિના જાણ્યે નામ સુણ્યે કાને, મન જઈ તેમાં પ્રીત માણે.’

એક ભક્ત – જી, વસ્ત્ર-હરણનો અર્થ શો?

શ્રીરામકૃષ્ણ – અષ્ટ પાશ. ગોપીઓના બધા પાશ ગયા હતા, માત્ર લજ્જારૂપી પાશ બાકી હતો. એટલે ભગવાને એ પાશ પણ દૂર કર્યાે. 

ઈશ્વરપ્રાપ્તિ થયે બધા પાશ ચાલ્યા જાય.

(યોગભ્રષ્ટને ભોગાંતે ઈશ્વરપ્રાપ્તિ)

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્ર, મુખર્જી વગેરે ભક્તોને) – ઈશ્વર ઉપર પ્રીતિ સૌ કોઈને થાય નહિ. ખાસ આધાર હોય તો તે થાય. પૂર્વના સંસ્કાર હોય તો થાય. નહિતર બાગબજારમાં તો આટલા બધા માણસો હતા છતાં માત્ર તમે જ અહીંયાં આવ્યા શા માટે? સંસારમાં જેમનું મન ડૂબેલું હોય તેમને થાય નહિ. મલય પર્વતનો પવન લાગતાં બધાં ઝાડ ચંદનનાં થાય; કેવળ શીમળો, પીપળો, વડ ને એવાં બીજાં કેટલાંક ઝાડ ચંદનનાં થાય નહિ. 

તમારે પૈસાટકાનો તોટો નથી. યોગભ્રષ્ટ હોય તો ભાગ્યવાનને ઘેર જનમ આવે. ત્યાર પછી વળી ઈશ્વર માટે સાધના કરે.

મહેન્દ્ર મુખોપાધ્યાય – શા માટે યોગભ્રષ્ટ થતો હશે?

શ્રીરામકૃષ્ણ – પૂર્વજન્મે ઈશ્વરચિંતન તથા સાધના કરતાં કરતાં કાં તો અચાનક ભોગ ભોગવવાની લાલસા થઈ આવેલી હોય. એવું થાય તો યોગભ્રષ્ટ થાય. અને પછીના જન્મમાં આવો જન્મ મળે.

મહેન્દ્ર મુખોપાધ્યાય – ત્યારે પછી ઉપાય?

શ્રીરામકૃષ્ણ – કામના હોય, ભોગવાસના હોય ત્યાં સુધી મુક્તિ ન થાય. એટલે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, રમણ-બમણ બધું કરી લેજો. (સહાસ્ય) તમે શું કહો છો? સ્વદારામાં કે પરદારામાં? (માસ્ટર, મુખર્જી વગેરે હસી પડ્યા.)

Total Views: 233
ખંડ 27: અધ્યાય 10 : શ્રીયુત્ રાખાલ માટે ચિંતા - યદુ મલ્લિક - ભોલાનાથની અરજી
ખંડ 27: અધ્યાય 12 : શ્રીમુખકથિત ચરિતામૃત - શ્રીઠાકુરની વિવિધ ઇચ્છાઓ