(પૂર્વકથા – પહેલાં કોલકાતાના નાથના ઉદ્યાનમાં – ગંગાસ્નાન)

શ્રીરામકૃષ્ણ – ભોગલાલસા રહે એ સારું નહિ. એટલા સારુ હું જે જે ઇચ્છા મનમાં થતી એ પૂરી કરી લેતો. 

એક વખત બડાબજારના રંગીન પેંડા (સંદેશ) જોઈને એ ખાવાની ઇચ્છા થઈ આવી. તે આ લોકોએ લાવી આપ્યા. ખૂબ ખાધા. ત્યાર પછી પેટ બગડ્યું. 

નાનપણમાં ગંગામાં નહાતી વખતે – એ વખતે હું નાથના  બગીચામાં રહેતો – એક છોકરાની કમરે સોનાનો કંદોરો જોયો. મારી આ અવસ્થા પછી (ઉન્માદ અવસ્થા પછી) એવો કંદોરો પહેરવાની ઇચ્છા થઈ. પહેર્યાે પણ એ કેડ ઉપર ઝાઝી વાર રાખી શક્યો નહિ. કંદોરો પહેરતાં વેંત જ અંદરથી સર્ સર્ કરતોને વાયુ ઉપર ચડવા લાગ્યો. સોનું અંગે અડક્યું ને, એટલે? જરાક વાર રાખીને જ કાઢી નાખવો પડ્યો. એમ ન કર્યું હોત તો તોડી નાખવો પડત.

ધનેખાલીની ખૈચૂર, ખાનાકુલ કૃષ્ણનગરની સરભાજા એ બધી (મીઠાઈ) ખાવાની ઇચ્છા થઈ. (સૌનું હાસ્ય)

(પૂર્વકથા – શંભુ અને રાજનારાયણનું ચંડીશ્રવણ – ઠાકુરની સાધુસેવા)

‘શંભુચરણનાં ચંડીનાં ગીત સાંભળવાની ઇચ્છા થઈ હતી. એ ગીત સાંભળ્યા પછી વળી રાજનારાયણનાં ચંડીનાં ગીત સાંભળવાની ઇચ્છા થઈ હતી. તેય સાંભળવા મળ્યાં.

‘એ વખતે કેટલાય સાધુઓ આવતા. મને ઇચ્છા થઈ કે તેમની સેવાને માટે અલગ એક કોઠાર થાય. મથુરબાબુએ એ પણ કરી દીધું. એ કોઠારમાંથી સાધુઓને સીધું, લાકડાં વગેરે આપવામાં આવતાં.

‘એક વાર મનમાં આવ્યું કે ખૂબ કિંમતી જરીનો પોશાક પહેરવો અને ચાંદીના હુક્કામાંથી તમાકુ પીવી. મથુરબાબુએ નવો પોશાક, ચાંદીનો હુક્કો વગેરે બધું મોકલી આપ્યું. પોશાક પહેર્યાે. હુક્કો કેટલીયે જુદી જુદી રીતે પીવા લાગ્યો. એક વાર આ બાજુએથી એક વાર પેલી બાજુએથી, ઉપરથી, નીચેથી. ત્યાર પછી કહ્યું કે મન, આનું નામ ચાંદીનો હુક્કો પીવો. એમ કહીને હુક્કાનો ત્યાગ કર્યાે. પોશાક જરા વાર પહેરીને કાઢી નાખ્યો, પગ દઈને કચરવા લાગ્યો, અને તેની ઉપર થૂ થૂ કરવા લાગ્યો. કહ્યું કે આનું નામ જરીનો પોશાક. આ પોશાકથી રજોગુણ થાય.

(વૃંદાવનમાં રાખાલ અને બલરામ – પૂર્વકથા – રાખાલનો પ્રથમભાવ ૧૮૮૧)

શ્રીયુત્ રાખાલ બલરામની સાથે વૃંદાવનમાં છે. પહેલાં પહેલાં તો વૃંદાવનનાં ખૂબ વખાણ કરીને અને સુંદર વર્ણન કરીને પત્ર લખતા. માસ્ટરને પત્ર લખ્યો હતો કે ‘આ બધું જ ઉત્તમ સ્થળ છે. આપ આવજો. મયૂરો અને ઢેલડીઓ બધાં નૃત્ય કરી રહ્યાં છે. અને સર્વદા નૃત્ય, ગીત ને આનંદ જ છે!’ ત્યાર પછી રાખાલની તબિયત બગડી, વૃંદાવનનો ટાઢિયો તાવ. ઠાકુર એ સાંભળીને વધુ ચિંતાતુર થયેલા. એનો તાવ ઉતારવા સારુ ચંડી માતાજીની માનતા રાખેલી.

ઠાકુર રાખાલની વાત કરે છે : ‘આ ઠેકાણે બેસીને મારા પગ દાબતાં દાબતાં રાખાલને પહેલવહેલી ભાવ-સમાધિ થયેલી. એક ભાગવત વાંચનારો પંડિત આ ઓરડામાં બેસીને ભાગવતની વાતો કરતો’તો. એ બધી વાતો સાંભળતાં સાંભળતાં રાખાલ વચ્ચે વચ્ચે કંપી ઊઠવા લાગ્યો. ત્યાર પછી એકદમ સ્થિર! 

બીજી વારની ભાવ-સમાધિ બલરામને ઘેર. ભાવઅવસ્થામાં રાખાલ સૂઈ પડ્યો હતો. 

રાખાલનું સાકારનું ઘર (વર્ગ), નિરાકારની વાતો સાંભળતાં એ ઊઠી જવાનો.

તેને માટે મેં ચંડી માતાજીની માનતા કરેલી. એણે મારા ઉપર જ બધો આધાર રાખી દીધો હતો, ઘરબાર બધો સંસાર છોડીને. તેની સ્ત્રીની પાસે તેને હું જ મોકલી આપતો, તેનો હજી સહેજ ભોગનો ભાગ બાકી હતો.

‘વૃંદાવનથી આમને (માસ્ટરને) લખ્યું છે કે આ સુંદર સ્થળ છે, મોર અને ઢેલડીઓ નૃત્ય કરે છે. હવે મોર-ઢેલડીએ ખૂબ તકલીફમાં નાખ્યો છે!’

‘એ ત્યાં બલરામની સાથે છે. આહા! બલરામનો શો સ્વભાવ! મારે માટે તો એ ત્યાં (ઓરિસ્સામાં કોઠાર ગામમાં, કે જ્યાં તેમની મોટી જમીનદારી હતી) જાય નહિ. ભાઈએ મહિનાનો ખર્ચ મોકલવાનું બંધ કર્યું’તું અને કહેવડાવ્યું’તું કે તમે અહીં આવીને રહો. નકામા શા માટે આટલા રૂપિયાનો ખર્ચ કરો છો? પણ બલરામે એ ગણકાર્યું નહિ, માત્ર મારા માટે જ.’

‘કેવો સુંદર એનો સ્વભાવ! રાતદિન કેવળ ઠાકોરજી જ! માળીઓ ફૂલની માળાઓ જ ગૂંથ્યા કરે! પૈસા બચી જાય, એટલા માટે વૃંદાવનમાં ચાર મહિના રહે. તેને બસો રૂપિયા મહિને ખર્ચના મળે.

(પૂર્વકથા – નરેન્દ્ર માટે ક્રંદન – નરેન્દ્રની પ્રથમ મુલાકાત ૧૮૮૧)

‘છોકરાઓને હું ચાહું છું શા માટે? એમની અંદર હજી કામિની-કાંચન પેઠાં નથી. હું એમને નિત્ય-સિદ્ધ જોઉં છું!’

‘નરેન્દ્ર જ્યારે પહેલવહેલો આવ્યો ત્યારે મેલી એક ચાદર અંગે નાખેલી. પરંતુ તેની આંખો ને મોઢું જોઈને મને લાગ્યું કે આની અંદર કંઈક છે! એ વખતે એ ઝાઝાં ગીત જાણતો નહિ. એક બે ગીત ગાયેલાં. 

એક ગીત આ : ‘મન ચલો નિજ નિકેતને,’ 

અને બીજુંઃ ‘જશે શું રે દિન મારા નિષ્ફળ ચાલ્યા?’

‘એ જ્યારે આવતો ત્યારે ઓરડો આખો માણસોથી ભરપૂર હોય તો પણ હું એના મોં સામું જોઈને જ વાત કરતો. એ કહેતો કે ‘આમની સાથે વાતો કરો,’ ત્યાર પછી એમ કરતો.

યદુ મલ્લિકના બગીચામાં હું રોતો. એને જોવા માટે ગાંડો થયેલો! આ બાજુ ભોળાનાથનો હાથ ઝાલીને હું રડવા લાગેલો! ભોળાનાથ કહે, ‘એક કાયસ્થના છોકરા સારુ, મહાશય, આપે આમ કરવું એ ઉચિત નથી!’ જાડિયો બામણ એક દિવસ હાથ જોડીને મને કહેવા લાગ્યો, ‘મહાશય, એનું તો સામાન્ય ભણતર, એને માટે આપ આટલા અધીરા થાઓ છો શા માટે?’

‘ભવનાથ અને નરેન્દ્રની જોડી. બેઉ જણા જાણે કે સ્ત્રીપુરુષ! એટલે ભવનાથને નરેન્દ્રની પાસે રહેવા જમવાનું કહ્યું. એ બેઉ જણા અરૂપનું ઘર (નિરાકારના ઉપાસકો). 

(સંન્યાસી માટે કઠિન નિયમ – લોકોપદેશ માટે ત્યાગ – ઘોષપાડાની સાધનાની વાત)

હું છોકરાઓને સ્ત્રીઓની પાસે વધુ રહેવાની કે આવજા કરવાની મનાઈ કરી દઉં. 

હરિપદ એક ઘોષપાડાના સંપ્રદાયની બાઈના પલ્લામાં પડ્યો છે. એ તેના પર વાત્સલ્ય-ભાવ રાખે. હરિપદની છોકરબુદ્ધિ, કંઈ સમજે નહિ. એ સ્ત્રીઓ છોકરા જોઈને એમ કરે. મેં સાંભળ્યું કે હરિપદ એના ખોળામાં સૂએ અને પેલી પોતાના હાથેથી હરિપદને ખવડાવે. હું હરિપદને કહી દેવાનો છું કે એ બધું સારું નહિ. એ વાત્સલ્ય-ભાવમાંથી જ વળી તાચ્છલ્ય ભાવ થઈ જાય!

‘એ લોકોની આધુનિક સાધના, માણસ લઈને સાધના. માણસને ગણે શ્રીકૃષ્ણ. એ લોકો કહેશે ‘રાગકૃષ્ણ.’ ગુરુ પૂછે કે ‘રાગકૃષ્ણ મળ્યો છે?’ પેલી કહેશે, ‘હા, મળ્યો છે.’

‘તે દિવસે એ બાઈ આવી’તી. તેની નજર નાખવાની રીત જોઈ તો કંઈ બહુ સારી લાગી નહિ. એના જ સાધન-ભાવ પ્રમાણે કહ્યું, ‘હરિપદની સાથે જેમ વર્તાે છો તેમ ભલે વર્તાે, પણ ખોટો ભાવ મનમાં રાખશો મા.’

છોકરાઓની હજી સાધનાની અવસ્થા. અત્યારે કેવળ ત્યાગ જ. સંન્યાસીએ સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. હું એમને કહું કે બાઈ માણસ ભક્ત હોય તો પણ તેમની સાથે બેસીને વાત કરવી નહિ. ઊભા ઊભા જરા વાત કરી લેવી. સિદ્ધ હોય તો પણ એ પ્રમાણે કરે, પોતાના કલ્યાણને માટે અને લોકોપદેશને માટે. હુંય બૈરાં આવે એટલે જરા વાર પછી કહું કે તમે દેવ-મંદિરોમાં જઈને દર્શન કરો. એમ કરતાંય જો ન ઊઠે, તો હું પોતે ઊઠી જાઉં. મારું જોઈને બધાય શીખે.

(પૂર્વકથા – ફુલુઈશ્યામબજારદર્શન ૧૮૮૦ – અવતારનું આકર્ષણ)

‘વારુ, આ જે છોકરાઓ બધા અહીં આવે છે, અને તમે બધા આવો છો એનો અર્થ શું? આની (મારી) અંદર જરૂર કંઈક છે, નહિતર ખેંચાણ થાય શું કરવા? શા માટે આકર્ષણ થાય? 

દેશમાં જ્યારે હૃદુને ઘેર (કામારપુકુરની નજીક સિઓડ ગામમાં) હતો, ત્યારે મને શ્યામબજારમાં લઈ ગયા. તરત મને સમજાયું કે (અહીં) ગૌરાંગ-ભક્તો છે. ગામમાં પેસતાં પહેલાં જ માએ મને દેખાડી દીધું, જોયું તો ગૌરાંગ! તરત આકર્ષણ! સાત દિવસ ને સાત રાત માણસોની ભીડ! કેવળ માત્ર કીર્તન અને નૃત્ય! દીવાલો પર માણસો! ઝાડ પર માણસો! ચારે કોર માણસો!

‘નટવર ગોસ્વામીને ઘેર ઉતારો હતો. ત્યાં રાતદિન ભીડ! હું વળી નાસી જઈને સવારમાં એક વણકરને ઘેર બેસતો. ત્યાંય પાછો જોઉં તો થોડીકવાર પછી બધાય આવ્યા છે! બધા ખોલ, કરતાલ લઈને આવ્યા છે! વળી પાછું તાકુટી! તાકુટી! (આ શબ્દો ખોલ વાગવાના અવાજના છે. ખોલ મૃદંગને મળતું આવતું એક બંગાળી વાજિંત્ર છે. વૈષ્ણવ-કીર્તનમાં એ વધુ વપરાય છે.) એ ચાલ્યું જ છે. ખાવુંપીવું ઠેઠ બપોરના ત્રણ વાગ્યે થતું!

‘ગામમાં એવી વાત ફેલાઈ ગઈ કે સાત વાર મરે ને સાત વાર જીવતો થાય એવો એક માણસ આવ્યો છે! વખતે મને શરદી ગરમી જેવું ન થઈ જાય એટલા માટે હૃદુ મને ગામ બહાર ખેતરમાં લઈ જતો. તો ત્યાં પણ વળી કીડિયારાની પેઠે માણસો! વળી પાછાં ખોલ ને કરતાલ ને તાકુટી! તાકુટી! હૃદયે ઠપકો આપ્યો અને કહ્યું – અમે શું કંઈ કીર્તન-બીર્તન સાંભળ્યાં નથી?

‘એ ગામના ગુસાંઈઓ ઝઘડો કરવા આવેલા. તેમણે ધાર્યું કે અમે તેમનાં લાગા, દક્ષિણા લેવા આવ્યા છીએ. પણ તેમણે જોયું કે હું તો એક ધોતિયું કે સૂતરની આંટીય લેતો નથી! કોઈ એક જણ કોઈ બોલ્યો’તો કે (ઠાકુર) બ્રહ્મજ્ઞાની. એટલે ગુસાંઈઓ પારખું લેવા આવ્યા’તા.

તેઓમાંથી એક જણે પૂછ્યું, ‘આમને માળા, તિલક કેમ નથી?’ તેમનામાંથી જ એક જણ બોલ્યો, ‘નાળિયેરીનું તાડછું એની મેળે જ ખરી પડ્યું છે.’ ‘નાળિયેરીનું તાડછું એની મેળે જ ખરી પડ્યું છે.’ ‘નાળિયેરીનું તાડછું’ એ વાત ત્યાં શીખ્યો. જ્ઞાન થયે ઉપાધિ એની મેળે ખરી જાય.

‘દૂર દૂરનાં ગામડાંમાંથી માણસો આવીને એકઠા થતા. તેઓ રાત રહી જતા. જેને ઘેર રહ્યો હતો ત્યાં ફળિયામાં રાતે બૈરાં ઘણાંય બધાં સૂતાં હતાં. હૃદુ પેશાબ કરવા રાતે બહાર જતો હતો, તે તેઓ કહે, ‘અહીંયાં જ (ફળિયામાં જ એક ખૂણે) કરી લ્યો ને!’

‘દિવ્ય આકર્ષણ કોને કહે, ‘તે અહીંયાં (શ્યામબજારમાં) જ સમજાયું. હરિલીલામાં યોગમાયાની સહાયથી જે આકર્ષણ થાય, તે જાણે નજરબંદી લાગી જાય!’

Total Views: 236
ખંડ 27: અધ્યાય 11 : દક્ષિણેશ્વરમાં મહેન્દ્ર, રાખાલ, રાધિકા ગોસ્વામી વગેરે ભક્તો સાથે
ખંડ 27: અધ્યાય 13 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને શ્રીયુત્ રાધિકા ગોસ્વામી