મુખર્જીભાઈઓ વગેરે ભક્તજનોની સાથે વાતો કરતાં કરતાં સમય લગભગ ત્રણ વાગવાનો થયો છે. ત્યાં શ્રીયુત્ રાધિકા ગોસ્વામીએ આવીને પ્રણામ કર્યા. તેમણે ઠાકુર શ્રીરામકૃષ્ણનાં આ પહેલવહેલાં દર્શન કર્યાં. તેમની ઉંમર અંદાજે ત્રીસની અંદર. ગોસ્વામી બેઠા.

શ્રીરામકૃષ્ણ – આપ શું અદ્વૈત વંશના? ગોસ્વામી – જી, હા.

ઠાકુરે ‘અદ્વૈત વંશ’ સાંભળીને ગોસ્વામીને હાથ જોડીને પ્રણામ કર્યા.

(ગોસ્વામી વંશ અને બ્રાહ્મણ પૂજનીય – મહાપુરુષના વંશમાં જન્મ)

શ્રીરામકૃષ્ણ – અદ્વૈત ગોસ્વામીનો વંશ; મૂળના ગુણ છે જ! 

હાફુસના આંબામાં હાફુસની કેરીઓ જ થાય. (ભક્તોનું હાસ્ય). ખરાબ કેરી આવે જ નહિ. પણ જમીનના ગુણથી સહેજ નાની મોટી થાય. આપ શું કહો છો?

ગોસ્વામી (વિનમ્રપણે) – જી, હું શું જાણું?

શ્રીરામકૃષ્ણ – તમે ગમે તે કહો; બીજા લોકો મૂકે શાના?

‘બ્રાહ્મણ, તેનામાં હજાર દોષ ભલે હોય, છતાં ભરદ્વાજ ગોત્ર, શાંડિલ્ય ગોત્ર વગેરેનો હોય માટે એ સૌને પૂજનીય. (માસ્ટરને) ધોળી સમડીની વાત કહો તો!’

માસ્ટર ચૂપ રહ્યા છે જોઈને ઠાકુર વળી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – વંશમાં જો મહાપુરુષ જન્મ્યો હોય તો એ જ ખેંચી લે, ભલે હજાર દોષ હોય. જ્યારે ગાંધર્વે કૌરવોને પકડીને બંદીવાન બનાવ્યા, ત્યારે યુધિષ્ઠિરે જઈને તેમને છોડાવ્યા. જે દુર્યાેધને આટલી દુશ્મનાવટ રાખી હતી, જેને લીધે યુધિષ્ઠિરને વનવાસ ભોગવવો પડ્યો હતો, તેને જ જઈને છોડાવ્યો.

‘તે સિવાય, ભેખને માન આપવું જોઈએ. ભેખ જોઈને મૂળની ખરી વસ્તુનો વિચાર આવે. ચૈતન્યદેવે ગધેડાને ભગવાં વસ્ત્રથી ઢંકાયેલો જોઈને તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યા હતા. 

ધોળી સમડીને શા માટે પ્રણામ કરવા? કંસે મારવા જતાં ભગવતી ધોળી સમડી થઈને ઊડી ગયાં હતાં. એટલે હજીયે ધોળી સમડીને જોતાં લોકો પ્રણામ કરે. 

(પૂર્વકથા – ચાનકમાં કુયાર સિંગ દ્વારા શ્રીઠાકુરની પૂજા – શ્રીઠાકુરની રાજભક્તિ – Loyalty)

ચાનકના સિપાઈએ અંગ્રેજોને આવતા જોઈને સિપાહી-સલામ કરી. કુયાર સિંગે અમને સમજાવી દીધું કે અંગ્રેજોનું રાજ્ય છે એટલે એમને જોઈને સલામ કરવી પડે.

(ગોસ્વામી પાસે સાંપ્રદાયિકતાની નિંદા – શાક્ત અને વૈષ્ણવ)

શાક્તોનો તંત્રમત. વૈષ્ણવોનો પુરાણમત. વૈષ્ણવો જે સાધના કરે તે ખુલ્લામાં જાહેર કરવામાં દોષ નહિ; તાંત્રિકોનું બધું છૂપું. એટલે તાંત્રિકને પૂરેપૂરો સમજી શકાય નહિ. 

(ગોસ્વામીને) આપનું તો ઠીક છે, કેટલા જપ કરો છો? કેટલાં હરિનામ લો છો?

ગોસ્વામી (નમ્રપણે) – જી, અમે તે વળી શું કરીએ છીએ! હું તો સાવ અધમ.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – દીનતા; વારુ એ તો છે જ. પણ બીજુંય એક છે કે ‘હું હરિનામ લઉં છું, મારામાં વળી પાપ શેનું! જે માણસ રાતદિવસ ‘હું પાપી’, ‘હું પાપી’,  ‘હું અધમ’, ‘હું અધમ’ એમ કર્યા કરે, એ એવો જ થઈ જાય! શી અશ્રદ્ધા! ભગવાનનાં નામ આટઆટલાં લીધાં છે, અને તોય કહેશે ‘પાપ, પાપ!’

ગોસ્વામી આશ્ચર્યચકિત થઈને આ બધું સાંભળી રહ્યા છે.

(પૂર્વકથા – વૃંદાવનમાં વૈષ્ણવનો ભેખ ધારણ ઈ.સ. ૧૮૬૮) 

શ્રીરામકૃષ્ણ – મેંય વૃંદાવનમાં ભેખ લીધો હતો; પંદર દિવસ રાખેલો. (ભક્તોને) બધા સાધન-ભાવોનો થોડા થોડા દિવસ અભ્યાસ કરતો. ત્યારે શાંતિ થતી. 

(સહાસ્ય) મેં બધા પ્રકારની સાધનાઓ કરી છે. હું બધા પથને માનું. શાક્તોને અને વૈષ્ણવોનેય માનું. તેમજ વળી વેદાંતીઓનેય માનું. એટલા માટે મારી પાસે બધા પંથના લોકો આવે. આ બધા લોકો સમજે છે કે આ તો આપણા પથના જ માણસ. આધુનિક બ્રાહ્મ-સમાજીઓનેય હું માનું.

‘એક માણસની પાસે એક રંગની કુંડી હતી.એ કુંડીની નવાઈભરી વાત એ કે જે કોઈ જે રંગે કપડું રંગવા ઇચ્છે તે રંગે તેનું કપડું રંગાઈ જતું.’

 

‘પરંતુ એક ચતુર માણસે કહ્યું કે ‘ભાઈ, તમે જે રંગે રંગાયા છો, એ રંગ મને આપવો પડશે.’ (ઠાકુર અને બધાનું હાસ્ય).

‘શા માટે એકધોયો થાઉં?’ ‘તો પછી અમુક સંપ્રદાયના માણસો મારી પાસે આવશે નહિ.’ એ બીક મને નથી. કોઈ આવે કે ન આવે તેની મને શી પડી છે! કેમ કર્યે માણસો મારા હાથમાં રહે, એવો ખ્યાલ સુધ્ધાં મારા મનમાં નથી. અધર સેને મોટી નોકરી માટે માતાજીને કહેવાનું મને કહ્યું’તું. તે એને એ જગા મળી નહિ. એ જો એને માટે માઠું લગાડે તો એની પરવા કરે એ બીજા! 

(પૂર્વકથા – કેશવ સેનના ભવનમાં નિરાકારનો ભાવ – વિજય ગોસ્વામી સાથે અેંડેદામાં ગદાધરની પાઠવાડીદર્શન – વિજયનું ચરિત્ર)

તેમ વળી કેશવ સેનને ઘેર ગયો ત્યારે બીજો જ એક ભાવ અંતરમાં ઊઠ્યો. એ લોકો (બ્રાહ્મસમાજીઓ) નિરાકાર નિરાકાર કરે. એટલે ભાવાવસ્થામાં બોલ્યો, ‘મા, અહીં આવીશ મા, આ લોકો તારું રૂપ-બૂપ માને નહિ.’

સાંપ્રદાયિકતાની વિરુદ્ધની આ બધી વાતો સાંભળીને ગોસ્વામી મૌન રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – વિજય હવે સરસ થયા છે.

હરિ હરિ બોલતાં બોલતાં જમીન પર આળોટી પડે. 

રાતના ચાર ચાર વાગ્યા સુધી કીર્તન, ધ્યાન વગેરે બધું કર્યા કરે. હવે એ ભગવાં પહેરે છે. ઠાકોરજીની મૂર્તિ જોતાં એકદમ સાષ્ટાંગ!

‘ગદાધરની પાઠવાડીમાં મારી સાથે આવ્યા હતા. મેં કહ્યું કે અહીંયાં એ (ગદાધર) ધ્યાન કરતા. તરત જ એ જગાએ સાષ્ટાંગ!’

‘ચૈતન્યદેવના ચિત્રની સામે વળી પાછા સાષ્ટાંગ!’

ગોસ્વામી – રાધાકૃષ્ણની મૂર્તિની સામે?

શ્રીરામકૃષ્ણ – સાષ્ટાંગ! અને આચારી ભારે!

ગોસ્વામી – હવે એમને સમાજમાં લઈ શકાય.

શ્રીરામકૃષ્ણ – માણસો શું કહેશે વગેરે બધાની એને એટલી પરવા નથી.

ગોસ્વામી – ના, સમાજ કૃતાર્થ થાય આવા માણસને મેળવીને.

શ્રીરામકૃષ્ણ – મને એ ખૂબ માને. 

તેને મેળવવા જ કઠણ છે. આજ ઢાકા બોલાવે, તો કાલે બીજી એક જગાએ બોલાવે. હંમેશાં કામમાં મશગૂલ. 

એમના સમાજમાં (સાધારણ બ્રાહ્મ-સમાજમાં) મોટી ગડબડ ઊભી થઈ છે.

ગોસ્વામી – જી, શા માટે?

શ્રીરામકૃષ્ણ – એ લોકો તેને કહે છે ‘તમે સાકારવાદીઓની સાથે ભળો છો. તમે પૂતળી-પૂજક!’

‘અને એ અતિ ઉદાર, સરળ છે. સરળ ન હોય તો ઈશ્વરની કૃપા થાય નહિ.’

(મુખર્જીભાઈઓને ઉપદેશ – ગૃહસ્થ, ‘આગળ ધપો’ – અભ્યાસયોગ)

હવે ઠાકુર મુખર્જીભાઈઓની સાથે વાતો કરે છે. મોટો ભાઈ મહેન્દ્ર ધંધો કરે છે, કોઈનીયે નોકરી કરતો નથી. નાનો ભાઈ પ્રિયનાથ એન્જિનિયર હતો. હવે કંઈક સ્વતંત્ર ધંધો કરે છે અને નોકરી કરતો નથી. મોટાની ઉંમર ૩૫-૩૬ હશે. તેમનું ઘર કેંદેટી ગામમાં. કોલકાતા બાગબજારમાંય તેમનું રહેવાનું મકાન છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – જરા ઉદ્દીપન (ઈશ્વરી ભાવ) થાય એટલે અટકી ન જાઓ. આગળ જાઓ. ચંદનનાં લાકડાંથી આગળ હજીયે છે, રૂપાની ખાણ, સોનાની ખાણ!

પ્રિય મુર્ખજી (સહાસ્ય) – જી, પગમાં બંધન, આગળ વધવા દે નહિ.

શ્રીરામકૃષ્ણ – પગે બંધન હોય તોય શું થયું? મનને લઈને જ તો બધી વાત. 

મનથી જ બદ્ધ કે મુક્ત. બે મિત્રો હતા. તે ફરવા નીકળ્યા. તેમાંથી એક જણ વેશ્યાને ત્યાં ગયો ને બીજો ભાગવત સાંભળવા બેસી ગયો. જે વેશ્યાને ત્યાં ગયો’તો તેને વિચાર આવવા લાગ્યા કે ધિક્કાર છે મને,મારો મિત્ર હરિકથા સાંભળી રહ્યો છે અને હું અહીંયાં ક્યાં પડ્યો છું! આ બાજુ જે ભાગવત સાંભળવા બેસી ગયો’તો તેનેય વિચાર આવવા લાગ્યા કે કેવો મૂરખ છું હું! મારો દોસ્ત પેલીને ત્યાં મોજમજા કરી રહ્યો છે અને (હું આ ભટજીના પુરાણના બરાડા સાંભળી રહ્યો છું!) પછી બંને મરી ગયા ત્યારે પહેલાને લેવા વિષ્ણુના દૂતો આવ્યા વૈકુંઠમાં લઈ જવા માટે, અને બીજાને લેવા યમના દૂતો આવ્યા નરકે લઈ જવા માટે!

પ્રિયનાથ – પણ મન અમારે વશ નથી!

શ્રીરામકૃષ્ણ – એ શું! અભ્યાસ-યોગ. અભ્યાસ કરો, રટણ રાખો, તો જોશો કે મનને જે બાજુએ વાળશો એ બાજુએ વળશે. 

મન ધોબીને ઘેરથી આવેલું કપડું જાણી લો. એને પછી લાલ રંગમાં બોળો તો લાલ, વાદળી રંગમાં બોળો તો વાદળી, જે રંગમાં બોળશો તે રંગનું થશે. 

(ગોસ્વામીને) આપને કંઈ કહેવું છે?

ગોસ્વામી (અતિશય નમ્રપણે) જી, ના. દર્શન થયાં આપનાં. અને વાતો તો આ બધી સાંભળું છું.

શ્રીરામકૃષ્ણ – દેવમંદિરોમાં જઈને દેવદર્શન કરો.

ગોસ્વામી (અતિશય નમ્રભાવે) – જરાક મહાપ્રભુનાં ગુણાનુકીર્તન?

ઠાકુર શ્રીરામકૃષ્ણ ગોસ્વામીને ગીત સંભળાવે છે.

ગીત – મારું અંગ ગૌર કેમ થયું?…

ગીત – ગૌર જુએ વૃંદાવને, અને ધારા વહે બેઉ નયને,

(ભાવ થશે રે થશે!) (ભાવનિધિ શ્રીગૌરાંગને)

(જેના અંતરે કૃષ્ણ અને બહાર ગૌર)

(ભાવે હસે-રડે-નાચે-ગાય) 

(વન જોઈ વૃંદાવન ભાવે), (સાગર જોઈ શ્રીયમુના ભાવે) 

(ગૌર પોતે જ પોતાનાં ચરણ પકડે).

(શ્રીયુત્ રાધિકા ગોસ્વામીને સર્વધર્મસમન્વયનો ઉપદેશ)

ગીત પૂરું થયું. ઠાકુર વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (ગોસ્વામીને) – આ તો આપનું વૈષ્ણવ સંપ્રદાયનું ગીત થયું. અને હવે જો કોઈ શાક્ત, કે ઘોષપાડાના સંપ્રદાયવાળું માણસ આવે તો તો વળી કહેવું જ શું?

એટલે મારી પાસે સર્વ ભાવો છે, કારણ કે મારી પાસે સર્વ પ્રકારના લોકો વૈષ્ણવો, શાક્ત, કર્તાભજા, વેદાંતી, તેમજ વળી અત્યારના બ્રાહ્મસમાજીઓ આવવાના છે માટે. 

ઈશ્વરની ઇચ્છાથી જ જુદા જુદા મતો, જુદા જુદા ધર્માે થયા છે. 

પણ જેને જે માફક આવે તે તેને આપ્યું છે. મા સૌ છોકરાંને માટે માછલીની બીરંજ બનાવીને ન પીરસે. માંદું હોય તેને માત્ર નરમ ભાત ને કઢી બનાવી આપે. જેની જેવી પ્રકૃતિ, જેનો જેવો અંતરનો ભાવ, તેણે તે ભાવ પ્રમાણે રહેવું.

‘મેળામાં મૂર્તિકારની દુકાનમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવીને રાખે. અને ત્યાં વિવિધ સંપ્રદાયના લોકો જાય. ત્યાં દુકાનમાં રાધા-કૃષ્ણની, હર-ગૌરીની, સીતા-રામની, એમ જુદા જુદા પ્રકારની મૂર્તિઓ જુદી જુદી જગાએ ગોઠવીને મૂકી હોય. અને દરેક મૂર્તિની પાસે લોકોની ભીડ થઈ હોય. જેઓ વૈષ્ણવ હોય તેઓ વધારે વખત રાધા-કૃષ્ણની મૂર્તિ પાસે ઊભા રહીને જુએ. જેઓ શાક્ત હોય, તેઓ શિવ-પાર્વતીની મૂર્તિ પાસે, જેઓ રામભક્ત હોય તેઓ સીતા-રામની મૂર્તિની પાસે ઊભા રહે. પણ જેઓનું મન કોઈ દેવમૂર્તિમાં ન લાગે તેમની જુદી વાત. એક વારાંગના પોતાના યારને ઝાડુ મારી રહી છે, એવી મૂર્તિ પણ કારીગર બનાવે. એવા લોકો આવી મૂર્તિ પાસે ઊભા રહીને એક નજરે જોયા કરે અને પોતાના બીજા દોસ્તોને બૂમ પાડીને બોલાવે કે, ‘અરે એય, એ બધામાં તે શું જોવાનું રાખ્યું છે, આમ આવો આમ! આ જુઓ.’

(સૌ કોઈ હસી રહ્યા છે). ગોસ્વામીએ પ્રણામ કરીને રજા લીધી.

Total Views: 227
ખંડ 27: અધ્યાય 12 : શ્રીમુખકથિત ચરિતામૃત - શ્રીઠાકુરની વિવિધ ઇચ્છાઓ
ખંડ 27: અધ્યાય 14 : તરુણભક્તો સાથે આનંદ - મા કાલીની આરતીનું દર્શન અને ચામર ઢોળવો - મા અને દીકરાની વાત - ‘શા માટે વિવેક-વિચાર કરાવો છો?’