પાંચ વાગ્યા છે. ઠાકુર પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં આવ્યા છે. બાબુરામ, લાટુ, મુખર્જીભાઈઓ, માસ્ટર વગેરે ત્યાં સાથે આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને) – શું કામ એકધોયો થાઉં? એ લોકો વૈષ્ણવ અને ચુસ્ત. તેઓ એમ માને કે અમારો પંથ જ ખરો, અને બીજા બધા ખોટા. જે બધી વાતો કહી છે તે એને બરાબર લાગી ગઈ છે. (સહાસ્ય) હાથીના માથામાં અંકુશ મારવો જોઈએ. કહે છે કે એને માથામાં કોષ હોય. (સૌનું હાસ્ય).

હવે ઠાકુર છોકરાઓની સાથે ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – હું આ લોકોને (છોકરાઓને) એકલું કોરું દઉં નહિ. વચ્ચે વચ્ચે ઘીનો ધાબો દીધેલુંય જરા જરા આપું. નહિતર આવે શેના? મુખર્જીભાઈઓ બાગમાં ફરવા સારુ ઓસરીમાંથી ચાલ્યા ગયા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હું જપ કરતો હતો ત્યારે સમાધિ થઈ જતી. આ કેવો ભાવ?

માસ્ટર (ગંભીરભાવે) – હા જી, સરસ.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – સાધુ સાધુ, પરંતુ એ લોકો (મુખર્જીઓ) શું ધારશે?

માસ્ટર – કેમ ભલા? કેપ્ટને તો કહેલું કે આપની બાળકની અવસ્થા! ઈશ્વર-દર્શન થયે બાળક જેવી અવસ્થા થઈ જાય.

શ્રીરામકૃષ્ણ – અને બાલ્ય, પૌગંડ અને યુવા. પૌગંડ અવસ્થામાં અટકચાળાં કરે, કાં તો મોઢેથી ગાળો નીકળે, અને યુવા-અવસ્થામાં સિંહની સમાન લોકોને ઉપદેશ આપે.

‘તમે જો બને તો એમને (મુખર્જીભાઈઓને) સમજાવી દેજો!’

માસ્ટર – જી, મારે કાંઈ સમજાવવું નહિ પડે. તેઓ શું જાણતા નથી?

શ્રીરામકૃષ્ણ છોકરાઓની સાથે જરા ગમ્મત મજા કરીને એક ભક્તને કહે છે, ‘આજે અમાસ, માતાજીના મંદિરે જજો!’

સંધ્યા પછી આરતીનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઠાકુર બાબુરામને કહે છે : ‘ચાલ રે ચાલ! કાલી-મંદિરે!’ ઠાકુર બાબુરામની સાથે જઈ રહ્યા છે, માસ્ટર પણ સાથે છે. હરીશ ઓસરીમાં બેઠેલ છે તે જોઈને ઠાકુર કહે છે કે ‘આને વળી ભાવ થવા લાગ્યો કે શું?’

ચોગાનમાં થઈને ચાલતાં ચાલતાં શ્રીરાધાકાંતની આરતી જરા જોઈ. ત્યાર પછી તરત જ કાલી માતાજીના મંદિર તરફ જવા લાગ્યા. જતાં જતાં હાથ ઊંચા કરીને જગન્માતાને બોલાવે છે, ‘ઓ મા! ઓ મા! બ્રહ્મમયી!’ મંદિરની સામેના ઓટલા પર આવીને જમીન પર માથું મૂકીને માને પ્રણામ કરે છે. માની આરતી થઈ રહી છે. ઠાકુરે મંદિરમાં પ્રવેશ કર્યાે અને ચામર લઈને માને વાયુ ઢોળવા લાગ્યા.

આરતી સમાપ્ત થઈ. જેઓ આરતીનાં દર્શન કરતા હતા તે બધાયે એક સાથે જમીન પર નમીને પ્રણામ કર્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણે પણ મંદિરની બહાર આવીને પ્રણામ કર્યા. મહેન્દ્ર મુખર્જી વગેરે ભક્તોએ પણ પ્રણામ કર્યા.

આજે અમાસ. ઠાકુર ભાવ-મગ્ન થયા છે. ભાવમાં ગદ્ગદ-મતવાલા. બાબુરામનો હાથ પકડીને પીધેલની માફક ડોલતાં ડોલતાં પોતાના ઓરડામાં આવ્યા.

ઓરડાની પશ્ચિમની ગોળ ઓસરીમાં નોકર એક દીવો પેટાવી ગયો છે. ઠાકુર એ ઓસરીમાં આવીને જરા બેઠા. મોઢામાં ‘હરિઃ ૐ! હરિઃ ૐ! હરિઃ ૐ! ’ અને તંત્રોમાં કહેલા જુદા જુદા બીજ-મંત્રો.

થોડી વાર ઠાકુર ઓરડાની વચ્ચે પોતાના આસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા છે. હજીયે ભાવ-સમાધિની પૂર્ણ માત્રા.

મુખર્જીભાઈઓ, બાબુરામ, વગેરે ભક્તો જમીન પર બેઠેલા છે.

(Original of Language – The Philosophy of Prayer)

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવમગ્ન થઈને માની સાથે વાતો કરી રહ્યા છે. બોલે છે ‘મા, હું કહું તો જ તું કરે એવું તો ન જ હોય.

વાત કરવી એ શું? કેવળ સૂચન સિવાય તો બીજું કાંઈ નહિ ને? કોઈ બોલે છે કે ‘મારે ખાવું છે,’ તો વળી કોઈ કહે છે, ‘જા! હું સાંભળવાનો જ નથી!’ 

વારુ મા! જો હું ન કહેત કે ‘મારે ખાવું છે’, તો ભૂખ જેવી હતી તેવી જ શું ન રહેત? તને કહીએ તો જ તું સાંભળ, અને અંદરનું મન એકલું આકુળવ્યાકુળ થયે તું સાંભળે નહિ, એવું કદી બની શકે? 

તું તો જે છો તે જ છો. તો પછી બોલી બતાવું છું શા માટે, પ્રાર્થના કરું છું શા માટે?

‘ઓહો! તું જેમ કરાવે છે તેમ કરું છું!’

‘જા, બધું ગૂંચવાઈ ગયું! શા માટે વિચાર આવે છે?’

ઠાકુર ઈશ્વરની સાથે વાતો કરી રહ્યા છે. ભક્તો આશ્ચર્યચકિત થઈને એ સાંભળી રહ્યા છે. 

(સંસ્કાર અને તપશ્ચર્યાનું પ્રયોજન – ભક્ત લોકોને ઉપદેશ – સાધુસેવા)

હવે ઠાકુરની નજર ભક્તોની ઉપર પડી છે. 

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – ઈશ્વરપ્રાપ્તિ માટે સંસ્કારની જરૂર પડે. કંઈક પણ સાધના કરી રાખેલી હોવી જોઈએ, તપશ્ચર્યા. પછી એ આ જન્મમાં હો કે પૂર્વજન્મે કરેલી હો! 

દ્રૌપદીનાં જ્યારે વસ્ત્રો ખેંચાયાં, ત્યારે તેનું વ્યાકુળતાપૂર્વકનું રુદન સાંભળીને પ્રભુએ દર્શન દીધાં અને બોલ્યા કે જો કોઈને ક્યારેય વસ્ત્રનું દાન કર્યું હોય તો યાદ કરી જુઓ, તો તમારી લજ્જા રહે. દ્રૌપદી બોલ્યાં કે હા, યાદ આવે છે. એક ઋષિ સ્નાન કરતા હતા, તેનું કૌપીન તણાઈ ગયું હતું. મેં મારી સાડીનો અર્ધાે ભાગ ફાડીને તેમને આપ્યો હતો. ભગવાને કહ્યું કે તો પછી તમારે ગભરાવું નહિ!’

માસ્ટર ઠાકુરના આસનની પૂર્વ બાજુએ પગ-લૂછણિયા પર બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમે પેલું સમજ્યા છો?

માસ્ટર – જી, સંસ્કારની વાત!

શ્રીરામકૃષ્ણ – એક વાત કહો જોઈએ, શું કહી’તી?

માસ્ટર – દ્રૌપદી નહાવા ગયાં હતાં વગેરે.

(હાજરાનો પ્રવેશ)

Total Views: 225
ખંડ 27: અધ્યાય 13 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને શ્રીયુત્ રાધિકા ગોસ્વામી
ખંડ 27: અધ્યાય 15 : હાજરા મહાશય