હાજરા મહાશય શ્રીરામકૃષ્ણ પાસે બે વરસથી રહે છે. તેમણે પહેલવહેલાં ઠાકુરનાં દર્શન કર્યાં ઠાકુરની જન્મભૂમિ કામારપુકુરની નજીક સિઓડ ગામમાં ઈ.સ. ૧૮૮૦માં. એ જ ગામમાં ઠાકુરના ભાણેજ, તેમની ફોઈયાત બહેન હેમાંગિની દેવીના પુત્ર, શ્રીયુત્ હૃદય મુખોપાધ્યાયનો નિવાસ. ઠાકુર ત્યારે હૃદયને ઘેર રહેતા હતા.

સિઓડની નજીક મરાગોડ ગામમાં હાજરા મહાશયનો વાસ. એક રીતે જોતાં તેમની સંપત્તિમાં જમીન વગેરે છે. ઘેર પત્ની તથા દીકરાદીકરી છે. જેમ તેમ કરીને ચાલ્યું જાય. કંઈક દેણુંય છે, આશરે હજારેક રૂપિયા.

જુવાન વયથી તેમનામાં વૈરાગ્યનો ભાવ આવેલો. સાધુ અને ભક્ત જ્યાં મળે ત્યાં એ શોધતા ફરે. જ્યારે એ દક્ષિણેશ્વર કાલીમંદિરે પહેલવહેલા આવ્યા અને ત્યાં રહેવાની ઇચ્છા પ્રદર્શિત કરી ત્યારે ઠાકુરે તેમનો ભક્તિભાવ જોઈને, અને પોતાના દેશના પરિચિત સમજીને, ત્યાં ખાતર-બરદાસ્ત કરીને પોતાની પાસે રાખેલા.

હાજરાનો જ્ઞાન-માર્ગીના જેવો ભાવ. ઠાકુરનો ભક્તિભાવ અને છોકરા માટેનું રુદન તેમને પસંદ પડે નહિ. કોઈ કોઈ વાર ઠાકુરને મહાપુરુષ તરીકે માને. તો ક્યારેક ક્યારેક વળી સાધારણ માણસ તરીકે ગણે.

તેમણે ઠાકુરના ઓરડાની દક્ષિણ-પૂર્વ બાજુની ઓસરીમાં પોતાનું આસન રાખ્યું છે. ત્યાં બેઠા બેઠા માળા લઈને ખૂબ જપ કર્યા કરે. રાખાલ વગેરે ભક્તો એટલો જપ કરે નહિ એટલા માટે લોકોની પાસે તેમની ટીકા કરે.

એ આચાર પાળવાના બહુ જ પક્ષપાતી. આચાર આચાર કરતાં કરતાં તેમનામાં એક જાતનું મરજાદીપણું આવી ગયું છે. તેમની ઉંમર લગભગ ૩૮ હશે.

હાજરા મહાશયે ઓરડામાં પ્રવેશ કર્યાે. ઠાકુરમાં વળી કંઈક ભાવનો આવેશ થયો છે અને વાતો કરે છે.

(ઈશ્વર શું પ્રાર્થના સાંભળે છે? ઈશ્વર માટે રડો, સાંભળશે)

શ્રીરામકૃષ્ણ (હાજરાને) – તમે જે કરો છો તે ઠીક છે, પણ બરાબર બેસતું નથી, કોઈની નિંદા કરો મા, કીડાનીયે નહિ! તમે પોતે જ તો કહો છો, લોમશ મુનિની વાત. જેમ ભક્તિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો તેમ એ પણ કહો કે ‘ભગવાન એવું કરો કે જેથી કોઈની નિંદા ન કરું.’

હાજરા – (ભક્તિ માટે) પ્રાર્થના કર્યે શું ભગવાન સાંભળે?

શ્રીરામકૃષ્ણ – એક સો વાર! જો સાચી હોય, જો અંતરની હોય. સંસારી માણસ જે રીતે સ્ત્રીને માટે આકુળવ્યાકુળ થાય ને રડે, એ રીતે ઈશ્વરને માટે કોઈ ક્યાં રડે છે? 

(પૂર્વકથા – સ્ત્રીની બીમારીથી કામારપુકુરવાસી થરથર ધ્રૂજવા લાગ્યો)

અમારા ગામમાં દેશમાં એક જણની ઘરવાળી ખૂબ માંદી પડેલી. એમાંથી એ બચશે નહિ એમ જાણીને એ માણસ થરથર ધ્રૂજવા લાગ્યો, બેભાન થાય એવી સ્થિતિ! 

એવું ઈશ્વરને માટે કોને થાય છે!’

હાજરા ઠાકુરનાં ચરણની રજ લે છે.

શ્રીરામકૃષ્ણ (સંકોચ પામીને) – એ વળી શું?

હાજરા – જેની પાસે હું રહ્યો છું તેનાં ચરણની રજ લઉં નહિ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને સંતુષ્ટ કરો, એટલે બધા સંતુષ્ટ થશે. ‘તસ્મિન્ તુષ્ટે જગત્ તુષ્ટમ્’. કૃષ્ણ ભગવાન જ્યારે દ્રૌપદીના પાત્રમાંથી શાકનું પાંદડું ખાઈને બોલ્યા કે હું તૃપ્ત થયો છું, ત્યારે જગત આખાના જીવો તૃપ્ત, પેટ-પૂર્ણ થયેલા. કોઈ મુનિઓએ ખાધું એટલે શું કંઈ જગત સંતુષ્ટ થયેલું, પેટ-પૂર્ણ થયેલું?

લોકોપદેશને માટે કંઈક કર્માે કરવાં જોઈએ એ વાત ઠાકુર કરી રહ્યા છે.

(પૂર્વકથા – વડતલે ગુરુપાદુકા અને શાલિગ્રામની પૂજા)

શ્રીરામકૃષ્ણ (હાજરાને) – જ્ઞાનપ્રાપ્તિ થયા પછીયે લોકોપદેશને માટે પૂજા વગેરે કર્મ રાખે. 

હું કાલીમંદિરમાં જાઉં, તેમ વળી ઓરડામાંનાં આ બધાં ચિત્રોનેય નમસ્કાર કરું, એટલે બધાય કરે. ત્યાર પછી ટેવ થઈ ગયા પછી જો ન કરો તો મન ઘુસફુસ કરે. વટતળા નીચે એક સંન્યાસીને જોયો. જે આસન ઉપર તેણે ગુરુપાદુકા રાખી છે, તેની જ ઉપર શાલિગ્રામ રાખ્યો છે અને પૂજા કરી રહ્યો છે. મેં પૂછ્યું, ‘જો આટલી હદ સુધીનું જ્ઞાન થઈ ચૂક્યું હોય તો પછી પૂજા કરવી જ શા માટે?’ સંન્યાસીએ કહ્યું, ‘બધુંય કર્યે જવાય છે, તો એય એક કર્યું. ક્યારેક ફૂલ આ પગે ચડાવ્યું, તો વળી કદીક ફૂલ એ પગે મૂક્યું.’ 

દેહ હોય ત્યાં સુધી કર્મત્યાગ કરી શકાય નહિ, કાદવ હોય ત્યાં બડબડિયાં ઊઠે જ. (ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ। યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે।। દેહધારી વ્યક્તિ માટે પૂરેપૂરી રીતે બધાં જ કર્માેનો ત્યાગ કરવો શક્ય નથી. એટલા માટે જે કર્મફળનો ત્યાગી છે, તે જ ખરો ત્યાગી છે, એમ કહ્યું છે. – ગીતા : ૧૮.૧૧)

(The three stages – શાસ્ત્ર, ગુરુમુખ અને સાધના – Goal – પ્રત્યક્ષ)

શ્રીરામકૃષ્ણ (હાજરાને) – ‘એક’ એ જ્ઞાન હોય એટલે (અનેક) એ જ્ઞાન પણ હોય જ. એકલાં શાસ્ત્રોનાં થોથાં વાંચ્યે શું વળે? 

શાસ્ત્રોમાં રેતી અને ખાંડ ભળી ગયેલાં છે, તેમાંથી ખાંડ ખાંડ લેવી અતિશય કઠણ. એટલે શાસ્ત્રોનો મર્મ સાધુ-મુખે, ગુરુ-મુખે સાંભળી લેવો જોઈએ. પછી ગ્રંથોની શી જરૂર? 

એક કાગળમાં સમાચાર આવ્યા કે ‘પાંચ શેર પેંડા મોકલજો, અને એક લાલ કિનારવાળો ધોતિયાંનો જોટો મોકલજો.’ હવે એ કાગળ ક્યાંક ખોવાઈ ગયો. ત્યારે હાંફળા-ફાંફળા થઈને એ કાગળ ચારે કોર શોધે. કેટલીયે શોધાશોધ પછી માંડ માંડ કાગળ જડ્યો. વાંચીને જુએ, તો લખ્યું છે કે ‘પાંચ શેર પેંડા  અને એક લાલ કિનારવાળો ધોતિયાંનો જોટો મોકલજો.’  ત્યારે પછી કાગળ ફેંકી દીધો. પછી એની શી જરૂર? પછી તો પેંડા અને ધોતીજોટો લઈ આવ્યા એટલે થયું. 

(મુખર્જી, બાબુરામ, માસ્ટર વગેરે ભક્તોને ઉદ્દેશીને) બધા ખબર જાણી લઈને પછી ડૂબકી મારી દો. ધારો કે તળાવના અમુક ભાગમાં લોટો પડી ગયો છે. પછી તો એ જગા બરાબર નક્કી કરી, જોઈ લઈને એ ઠેકાણે ડૂબકી મારવી જોઈએ. શાસ્ત્રનો મર્મ ગુરુ-મુખે સાંભળી લઈને, ત્યાર પછી સાધના કરવી જોઈએ. એ સાધના બરાબર થાય ત્યારે પ્રત્યક્ષ દર્શન થાય. 

ડૂબકી મારો ત્યારે તો બરાબર સાધના થાય ને? બેઠાં બેઠાં શાસ્ત્રનાં વચનો લઈને માત્ર ચર્ચા કર્યે શું વળવાનું? સાલાઓ, રસ્તે ચાલવાની જ વાતો- આખો વખત એ જ લઈને મરે છે! મરો સાલાઓ, ડૂબકી મારો નહિ! 

જો કહો કે ડૂબકી મારીએ તો મગર વગેરેની બીક છે, કામ, ક્રોધ વગેરેનો ડર છે. તો અંગે હળદર લગાવીને ડૂબકી મારો, મગર પાસે આવી જ શકે નહિ. વિવેક, વૈરાગ્યરૂપી હળદર.

Total Views: 194
ખંડ 27: અધ્યાય 14 : તરુણભક્તો સાથે આનંદ - મા કાલીની આરતીનું દર્શન અને ચામર ઢોળવો - મા અને દીકરાની વાત - ‘શા માટે વિવેક-વિચાર કરાવો છો?’
ખંડ 27: અધ્યાય 16 : પૂર્વકથા - શ્રીરામકૃષ્ણની પુરાણ-તંત્ર અને વેદમતની સાધના